સૌરાષ્ટ્રથી જે પણ બસ-સાધન અમદાવાદ આવે અને નહેરુનગર સર્કલે ઊતરે એટલે માણસ સીધો રોડ ક્રોસ કરીને સામેની બાજુએ જાય. કારણ.. અહીં આવીને સૌરાષ્ટ્રવાસીને કંઈ દેખાતું હોય તો તે છે લક્ષ્મી ગાંઠિયા રથનું બોર્ડ મારેલી દુકાન. હવે તો અમદાવાદીઓને પણ સવારનો પહોર હોય કે બપોર કે સાંજ, ગરમાગરમ ગાંઠિયા, ફાફડા અને જલેબીના સ્વાદનો ચસકો લાગ્યો છે. દૂર-દૂરથી ગાંઠિયા-ફાફડા-જલેબીનો સ્વાદ માણવા અચૂક લોકો લક્ષ્મી ગાંઠિયા રથ આવે છે. વર્ષ 1985થી નાની લારીથી ગાંઠિયા રથની શરૂઆત થઈ અને આજે અમદાવાદ શહેરમાં 7 અને બહાર 2 એમ મળી કુલ 9 જગ્યાએ ગાંઠિયા રથની બ્રાન્ચ છે. તો ચાલો લક્ષ્મી ગાંઠિયા રથના માલિક વાલજીભાઈના મોઢે જ જાણીએ તેમની આ સ્વાદની સફરની દાસ્તાન!
'હું ત્યાં ખમણ, ભજિયા બનાવતો અને બે મહિના કામ કર્યું'
સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે લક્ષ્મી ગાંઠીયા રથા માલિક એટલે મૂળ સૌરાષ્ટ્રના ગોંડલના રહેવાસી વાલજીભાઈ છગનભાઈ ટાંક. આજે વાલજીભાઈ અને તેમના ત્રણ પુત્રો છેલ્લાં 37 વર્ષથી લક્ષ્મી ગાંઠીયા રથ ચલાવે છે. દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં વાલજીભાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 1985માં હું ગોંડલથી અમદાવાદ આવ્યો હતો. તે સમયે છગનભાઈ કથીરિયા નામના મારા પરિચિત હતા તેમની પાસે હું ગયો હતો. છગનભાઈએ મને અમદાવાદમાં બે મહિના માટે બોલાવ્યો હતો. તે સમયે અમદાવાદમાં સ્વામિનારાયણનો એક મેળો ભરાયો હતો અને તેમાં છગનભાઈનો ખાણીપીણીનો સ્ટોલ લાગ્યો હતો. હું ત્યાં ખમણ, ભજિયા બનાવતો અને બે મહિના કામ કર્યું. મેળામાં અમારા સ્ટોલના સ્વાદની વાહવાહી થઈ ગઈ એટલે ખૂબ ભીડ રહેતી. મારું કામ જોઈ છગનભાઈ ખૂબ જ ખુશ થયા અને મને પાછો ગોંડલ જાવા જ ન દીધો. તેમણે મને અહીંયા નોકરીએ રાખી લીધો હતો.
નહેરુનગર પાસે દુકાન લઈ ગાંઠિયા વેચવાની શરૂઆત કરી
બે મહિના નોકરી કર્યા બાદ મેં છગનભાઈને કહ્યું કે, મારે પોતાની ગાંઠિયાની લારી શરૂ કરવી છે. તો તેમણે ખુશી-ખુશી હા પાડી. એટલું જ નહીં, મારો મહિનાનો રૂ. 900નો પગાર આપ્યો અને છગનભાઈએ બીજી મદદ પણ કરી. તેમ કરીને નેહરુનગર સર્કલ પાસે મેં ગાંઠિયાની લારી શરૂ કરી. અહીં વહેલી સવારથી જ ગરમાગરમ ગાંઠિયા બનાવીને હું વેચતો અને ધીમે ધીમે લોકોને સ્વાદ દાઢે વળગતા ગ્રાહકોની લાઈનો વધવા લાગી. ગાંઠિયા અને ફાફડાથી શરૂ કરી ધીરે ધીરે જલેબી પણ બનાવવા માંડી. બે વર્ષ સુધી સારો ધંધો ચાલ્યો એટલે મારા પરિવારને પણ અમદાવાદ બોલાવી લીધો. થોડાક પૈસા ભેગા થયા તો લારીમાંથી સૌ પહેલા નહેરુનગર પાસે જ એક દુકાન લઈ અને ત્યાં ગાંઠિયા વેચવાની શરૂઆત કરી હતી.
સવારે 7 વાગ્યાથી ગાંઠિયા-ફાફડા બનાવતા
પોતે આટલા સ્વાદિષ્ટ અને પોચા ગાંઠિયા-ફાફડા કઈ રીતે બનાવી શકે છે? આવું પૂછતાં વાલજીભાઈએ કહ્યું, આમાં કોઈ સિક્રેટ જેવું નથી. અમે ગાંઠિયા-ફાફડા તથા ખમણ-ખાંડવી જેવા ફરસાણ માટે એક નંબરના માર્કાનો ચણાનો લોટ વાપરીએ છીએ. પહેલા તો સવારે ચાર વાગ્યે ઊઠીને હાથે લોટ બાંધતો હતો. પરંતુ હવે કામ ઘણું વધી જતાં મશીનમાં લોટ બાંધીએ છીએ. સૌથી પહેલા મશીનમાં ચણાનો લોટ નાખીને પછી તેમાં અજમો, હિંગ, મરી, બેકિંગ પાઉડર, મીઠું અને પાણી વગેરે યોગ્ય પ્રમાણમાં ઉમેરાય છે. આ મશીનમાં જ લોટ બાંધવાની પ્રક્રિયા કરાય છે. જરૂરિયાત મુજબ દિવસમાં લોટ બાંધવામાં આવે છે. વહેલી સવારે 5 વાગયાથી 7 વાગ્યા સુધીમાં લોટ બાંધી દેવામાં આવે છે. 7 વાગ્યાથી ગાંઠિયા-ફાફડા બનાવવાની શરૂઆત થઈ જાય છે. કારીગરો હાથેથી ગાંઠિયા-ફાફડા વણીને બનાવે છે.
કેમ ગ્રાહકો અહીંના જ ગાંઠિયા-ફાફડા પસંદ કરે છે?
વાલજીભાઈને અમે જ્યારે પૂછ્યું કે તમારા ગાંઠિયાની ખાસિયત શું છે? કેમ ગ્રાહકો અહીંના જ ગાંઠિયા-ફાફડા પસંદ કરે છે? તો તેઓ હસી પડ્યા અને કહ્યું કે, અમે ક્યારેય ગાંઠિયા બનાવીને નથી રાખતા. વહેલી સવારે ગાંઠિયા, ફાફડા, જલેબી વગેરે બનાવવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ ઘરાકી જ એટલી હોય છે માટે ગરમાગરમ જ ગાંઠિયા ગ્રાહકોને આપવામાં આવે છે. પાંચ મિનિટમાં ગરમાગરમ ગાંઠિયા બનાવી અને તાજેતાજા જ લોકોને આપવામાં આવે છે. ફાફડા અને ગાંઠિયા જ્યારે ગરમાગરમ ઊતરે છે ત્યારે તેના ઉપર એક ખાસ પ્રકારનો મસાલો નંખાય છે, જેનાથી ગાંઠિયાનો સ્વાદ વધુ સારો આવે છે. ફાફડા અને ગાંઠિયા બાદ ગ્રાહકોની ડિમાન્ડના આધારે જ ખમણ, પાત્રા, જલેબી, ભજિયા વગેરે વેચવાની શરૂઆત કરી હતી.
ગાંઠિયા અને ફાફડા ખાવા લોકોની લાઈનો લાગે
"આજે અમદાવાદમાં સાત અને સાણંદ તેમજ બગોદરામાં એક-એક એમ કુલ 9 જગ્યાએ અમારી લક્ષ્મી ગાંઠિયા રથની બ્રાન્ચ આવેલી છે. મારા ત્રણ પુત્રો- અલ્પેશ, જયેશ અને પીન્ટુ નેહરુનગરની બ્રાન્ચ સંભાળે છે. બાકીની સાણંદ-બગોદરા અને અમદાવાદની અન્ય સાત બ્રાન્ચની ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલી છે. આ ફ્રેન્ચાઇઝી બહારના કોઈપણ વ્યક્તિને નહીં પરંતુ સગાં-સંબંધીને જ આપી છે. સૌરાષ્ટ્રમાં જે રીતે કહીએ કે પેટમાં 50 ગ્રામ ચણાનો લોટ ના જાય ત્યાં સુધી ન ચાલે. જેથી આજે પણ સવારથી ગાંઠિયા અને ફાફડા ખાવા લોકોની લાઈનો લાગે છે. 37 વર્ષથી અવિરત એક જ સ્વાદ અને ક્વોલિટી ઉપરાંત ક્વોન્ટિટી સાથે લોકોને ગાંઠિયાનું વેચાણ કરવામાં આવે છે," એમ વાલજીભાઈએ કહ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંના ફાફડાના શોખીન
લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા રાજકારણીઓથી લઈ ફિલ્મ સેલિબ્રિટીમાં પણ ફેમસ છે. અભિનેતા ગોવિંદા, અભિનેત્રી રિયા ચક્રવર્તી, ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ, તારક મહેતા ઉલ્ટા ચશ્મા ફેમ મયૂર વાકાણી (સુંદરમામા), દિશા વાકાણી (દયાભાભી) વગેરે આ પણ લક્ષ્મી ગાંઠિયા રથ આવીને ગાંઠિયા માણી ચૂક્યાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડનું અહીં શૂટિંગ થયું હતું. જેમાં લક્ષ્મી ગાંઠીયા રથના ગાંઠિયા અમદાવાદમાં વખણાતા હોવાનું બતાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંના ફાફડાના શોખીન છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગાંઠિયા અને ફાફડા ખાવા આવી ચૂક્યા છે. એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ તો દર રવિવારે અહીં ગાંઠિયા અને ફાફડા માણવા આવે છે.
નહેરુનગર આવીને અહીં ગાંઠિયા માણવાની મજા જ ઓર છે
અમને અહીં મળ્યા જશવંતભાઈ રાઠોડ કે જેઓ મસ્તીથી ગાંઠિયાની લહેજત માણતા હતા. શહેરના બહેરામપુરામાં રહેતા જશવંતભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે લક્ષ્મીના ગાંઠિયા ખૂબ પ્રખ્યાત છે અને તેઓ મિત્રમંડળી સાથે અવારનવાર અહીંયા આવે છે. વર્ષો પહેલાં વાલજીભાઈ એક નાની લારી નેહરુનગર સર્કલના ખૂણે લઈને ઊભા રહેતા હતા ત્યારથી તેઓ અહીં આવે છે. આજે તો ગાંઠિયા રથની 4થી 5 જગ્યાએ દુકાન આવેલી છે. પરંતુ નહેરુનગર ખાસ આવીને અહીં ગાંઠિયા માણવાની મજા જ ઓર છે.
'લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા અને ફાફડા મને ખૂબ ભાવે'
પાટણના ધાનેરાથી અમદાવાદ આવેલા વિપુલ નામના યુવાને જણાવ્યું હતું કે અમદાવાદમાં લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા અને ફાફડા મને ખૂબ ભાવે છે. અમે અમદાવાદ આવીએ ત્યારે લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા ખાવા માટે અચૂક આવીએ છીએ. અહીંના ગાંઠિયાનો સ્વાદ ખૂબ જ સારો છે અને ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે. મેં સોશિયલ મીડિયા પર પણ જોયું છે અને આજે હું અમદાવાદ આવ્યો છું અને ગાંઠિયા ખાવા માટે અમે અહીંયા આવ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.