ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર મોટી બ્રાન્ડ્સની હાજરીના કારણએ સ્થાનિક લેવલે સારું નામ ધરાવતા ડિઝાઇનર્સ અને બૂટિક્સને હજુ પણ જોઈએ તેવી સફળતા મળતી નથી. આ વાતને ધ્યાનમાં રાખી અમદાવાદના 23 વર્ષીય એન્જિનિયર યુવાન અનુશીલ સુતરીયાએ લોકલ બૂટિક્સ તેમજ બ્રાન્ડ્સને ધ્યાનમાં રાખીને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તેના માટે મોબાઈલ એપ્લિકેશન ઝોર (DZor) બનાવી છે. આ એપથી સ્થાનિક કક્ષાએ સક્રિય જાણીતી બૂટિક અને ડિઝાઇનર્સને દેશ અને દુનિયામાં પોતાના ગ્રાહકો બનાવવા સરળ બનશે અને તેમની પહોંચમાં વધારો થશે.
ગ્રાહકોને વતનમાં બનેલા કપડાં મળી રહેશે
DZorના ફાઉન્ડર અનુશીલ સુતરીયાએ જણાવ્યું કે, નોકરી માટે તેમજ લગ્ન કરી અન્ય જગ્યાએ વસેલા લોકો ખાણીપીણી હોય કે ગારમેન્ટ ,પોતાના સ્થાનિક ફ્લેવરને યાદ કરતાં હોય છે. મુંબઈ કે બેંગલોરમાં સ્થાયી થયેલી ગુજરાતી મહિલાને અમદાવાદમાં પોતાના ઘર પાસેની કોઈ દુકાનના કપડાં મળી રહે તો તે લેવાનું વધારે પસંદ કરશે. આની પાછળણું સૌથી મોટું કારણ એ છે કે તેણે આ દુકાન પર ભરોસો હોય છે. અમારી એપ આવા લોકોને જોડવાનું કામ કરી રહી છે.
એક વર્ષમાં 250થી વધુ ડિઝાઇનર અને બૂટિક સાથે જોડાણ કરશે
અનુશીલે જણાવ્યું કે, હાલમાં અમે માત્ર અમદાવાદના સ્ટોર્સ અને ડિઝાઇનર્સ સાથે જોડાણ કરી રહ્યા છીએ. અત્યારે અમારી સાથે 50 જેટલા બૂટિક અને ડિઝાઇનર જોડાયેલા છે. આગામી એક વર્ષમાં રાજકોટ, સુરત, વડોદરા સહિતના ગુજરાતનાં અન્ય શહેરોમાંથી 250થી વધુ લોકલ સ્ટોર્સ સાથે જોડાવાનું અમારું લક્ષ્યાંક છે. આ સાથે જ અમે દેશના અન્ય રાજ્યોમાં પણ ધીમે ધીમે જોડાણ કરીશું. બધુ યોગ્ય રહેશે તો ભારતભરમાંથી 600થી વધુ ડિઝાઇનર અને બૂટિક સાથે જોડાણ કરવાનો ટાર્ગેટ છે.
અમદાવાદના જાણીતા બૂટિક સાથે જોડાણ
ટેક્નિકલ અપગ્રેડેશન માટે ફંડ ઊભું કરશે
DZor પોતાની એપને ટેક્નિકલી અપગ્રેડ કરી રહ્યું છે. આ માટે સ્ટાર્ટઅપ દ્વારા આવતા દિવસોમાં રૂ. 1 કરોડની આસપાસનું ફંડ પણ ઊભું કરવામાં આવશે. ફંડ મેળવવા માટે ઝોર ટૂંક સમયમાં એન્જલ ઈન્વેસ્ટર્સના પ્રિ-સીડ રાઉન્ડમાં ભાગ લેશે. આ ફંડનો ઉપયોગ અપગ્રેડેશન તેમજ વર્કિંગ કેપિટલ તરીકે કરવામાં આવશે. અત્યારે પ્લેટફોર્મ પર ઓછા લોકો જોડાયેલા છે. વધુ લોકો જોડાશે અને ફીચર્સ પણ ઉમેરાશે તેના માટે ટેક્નિકલ અપગ્રેડેશન કરવું જરૂરી છે.
લોકલ ટેલર્સ સાથે પણ જોડાણ કરશે
અનુશીલ સુતરીયાએ જણાવ્યું કે, રેડી ગારમેન્ટ તેમજ એસેસરીઝની જેમ કપડાં સિવડાવવાની બાબતમાં પણ લોકોની ખાસ ચોઈસ હોય છે. લોકો અને ખાસ કરીને મહિલાઓમાં ચોક્કસ ટેલર પાસે કપડાં સિવડાવવાનો ટ્રેન્ડ વધુ હોય છે. બહારગામ રહેતી મહિલા પણ વર્ષમાં 2-3 વાર આવી અને પોતાના કપડાં નક્કી કરેલ ટેલર પાસે જ તૈયાર કરાવતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં અમે લોકલ ટેલર સાથે પણ જોડાણ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.