ભાસ્કર એક્સક્લૂસિવતો પણ 56 ગુજરાતીઓએ જીવ ગુમાવવા પડ્યા:એ મોડી રાત્રે અમદાવાદના અંજલિ ચાર રસ્તા પાસે એવી માહિતી મળી કે IB ઓફિસરના શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર
  • અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના હીરો ગુમનામીમાં જીવન જીવી રહ્યા છે
  • દિવ્ય ભાસ્કરને જણાવી રુંવાટા ઊભા કરી દેતી દિલધડક ઓપરેશનની વાતો

વર્ષ હતું 2008નું. IBના એક ઇન્ટેલિજન્સ ઓફિસર, જેને પોલીસની ભાષામાં IO કહે છે, તે હંમેશ મુજબ ફરજ પર હાજર હતા. અમદાવાદ ના પોશ એરિયા ગણાતાં અંજલિ ચાર રસ્તા નજીક જ તે ઊભા હતા. ત્યારે મોડી રાત્રે તેમનો વિશ્વાસુ બાતમીદાર મળ્યો અને કેટલીક માહિતી આપવા લાગ્યો . જેને સાંભળતા જ એ IOના કાન સરવા થઈ ગયા અને શરીરમાં ધ્રુજારી નીકળી ગઈ. બાતમીદાર ત્યાંથી જતો રહ્યો. જો કે IO હવે જરાયે ઢીલ મૂકી શકે એમ નહોતા. કારણ કે માહિતી જ એટલી સ્ફોટક હતી કે તેને ઉપરી અધિકારી સુધી પહોંચાડવી જરૂરી બની. જેથી એ માહિતીના બે ઈનપુટ તેમણે ગાંધીનગર મુખ્ય IB કચેરીએ મોકલી આપ્યા. તેમ છતાં આશરે 70 દિવસ બાદ પણ અમદાવાદમાં બોમ્બ ધડાકા તો થયાં જ.

26 જુલાઈ, 2008ના એ ગોજારા દિવસે અમદાવાદ એક પછી એક સીરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું.
26 જુલાઈ, 2008ના એ ગોજારા દિવસે અમદાવાદ એક પછી એક સીરિયલ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું.

અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ ધડાકાની ઘટના ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. ત્યારે અમદાવાદમાં કુલ 21 જગ્યાએ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આશરે 56 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતા. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટાં અને કલંકિત કહી શકે એવા ગુનાસર અમદાવાદમાં 20 અને સુરતમાં 15 ફરિયાદો નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને એક પછી એક એમ 77 આરોપી ઝડપી લીધા હતા. જેમાંથી 49 ગુનેગાર સાબિત થાય હતા. 49 માંથી 38 આરોપીઓને ફાંસી જ્યારે 11 ગુનેગારોને આજીવન કેદની સજા થઈ હતી. 8 આરોપી હજુ પણ ફરાર છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ અધિકારીઓની ભરપૂર પ્રશંસા થઈ છે, જ્યારે આ ઘટનાના સિત્તેર દિવસ અગાઉ જાણકારી આપનાર IBના અધિકારી બી.એફ. કુંપાવતને બહુ ઓછા, કહો કે નહિવત લોકો જાણે છે. દિવ્ય ભાસ્કરે ખાસ બી. એફ. કૂંપાવત એટલે કે બલવંતસિંહ કુંપાવત સાથે એ ઘટના અંગે વાત કરી હતી. બલવંતસિંહે વાતચીત દરમિયાન દિવ્ય ભાસ્કરને પોતાનું નામ અને ફોટા બેધડક છાપવાનું કહ્યું હતું. આગળની વાત એમના જ શબ્દોમાં....

બલવંતસિંહે કૂંપાવતે પોલીસ ખાતા માટે કારકુનની નોકરી છોડી હતી.
બલવંતસિંહે કૂંપાવતે પોલીસ ખાતા માટે કારકુનની નોકરી છોડી હતી.

પિતાએ કહ્યું, રાજપૂતો છીએ, મરવા માટે પેદા થયા છીએ અને કારકુનની નોકરી છોડી
પોલીસ ખાતામાં હું 1976ની સાલમાં જોડાયો, જ્યારે IB (ઇન્ટેલિજન્સ બ્યૂરો)માં વર્ષ 2000માં હતો. હું ભણેલો હતો પણ પૈસા નહોતા. ખેડૂતનો દીકરો હતો. પૈસા માગ્યા તો લાવવાના ક્યાંથી? ગ્રેજ્યુએશન કર્યું ત્યાં સુધી ત્યાં જ રહ્યો. મોડાસા કોલેજમાં હતો એટલે અપડાઉન કરતો. ત્યાંથી મને ક્લેરિકલ જોબ મળી ગઈ હતી પણ ફાધરનો ફોર્સ હતો, 'આપણે તો રાજપૂતો છીએ. મરવા માટે પેદા થયા છીએ. આપણે તો પટ્ટો જ પહેરાય. આપણાં બાપ-દાદા પણ સ્ટેટ વખતે પટ્ટા જ પહેરતા હતા. પટ્ટો એટલે એમને ખબર ના પડે કે મિલેટરી છે કે SRP છે? આપણાં બાપ-દાદા પણ એમાં હતા. આપણે લખવા-બખવાની નોકરી નહીં કરવાની. આપણે મિલેટરીમાં કે બીજી એજન્સીમાં જ હોઈએ. પિતાની વાત સાંભળીને મિલેટરીમાં ગયો પણ પગમાં સહેજ ખામીના કારણે મને કાઢી મૂક્યો.' ઈડર સ્ટેટમાં બાલસિંહના પૂર્વજો ફરજ બજાવતા અને નાયબ હતા. નાયબ એટલે આજુબાજુના પચાસ ગામ એમના તાબામાં આવતા.

કઇંક નવું કરવાનો ઇચ્છાથી IBમાં ગયો
પછી વેકેન્સી આવી તો પોલીસમાં ભરતી થઈ ગયો. મેં વર્ષ 2000 સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તથા બ્રાંચમાં કામ કર્યું. પહેલેથી કંઈક સારું કરવાની અને કંઈક નવું કરવાનો શોખ હતો પણ પોલીસ ખાતામાં ખાખીમાં સમયનો બહુ અભાવ રહેતો હતો એટલે મે IBમાં અપ્લાય કર્યું. તેમાં સિલેક્ટ થતાં વર્ષ 2000માં IB જોઇન કર્યું. મારી નોકરી ગાંધીનગર હેડ ઓફિસમાં આવી. વર્ષ 2008માં મારી પાસે બોમ્બ બ્લાસ્ટની માહિતી આવી. નામ અને મોબાઈલ નંબરના લિસ્ટ સાથે. એ વખતે ગુજરાતનું IB કોઈ રીતે સાધન સંપન્ન નહોતું. મેં બે ઇનપુટ તૈયાર કરી ગાંધીનગર હેડ ઓફિસમાં રજૂ કર્યા. એક સિરિયલ બ્લાસ્ટનો અને બીજો મોબાઈલ નંબરોનો. હિંદુસ્તાનની આ ઐતિહાસિક ઘટના છે. મોબાઇલ નંબરોને આધારે સિટી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને બધા આરોપીઓનું રેકોર્ડિંગ ચાલતું હતું. ત્યારે જ 26, જુલાઇ 2008ના રોજ બનાવ બન્યા, સાંજે 6.25ની આસપાસ.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનીઘટનાના સિત્તેર દિવસ અગાઉ જાણકારી આપનાર IBના અધિકારી બી.એફ. કુંપાવત હાલ નિવૃત જીવન ગાળે છે.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનીઘટનાના સિત્તેર દિવસ અગાઉ જાણકારી આપનાર IBના અધિકારી બી.એફ. કુંપાવત હાલ નિવૃત જીવન ગાળે છે.

SIMI પર પ્રતિબંધ બાદ ઇંડિયન મુજાહિદ્દીન(IM)ની રચના
મહત્ત્વનું એ કે સિમી(સ્ટૂડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા) પર પ્રતિબંધ છે એટલે આ લોકોએ ઇન્ડિયન મુજાહિદ્દીન (IM) નામનું નવું ગ્રુપ ભારતમાં પહેલીવાર જ બનાવ્યું. આ વાત મેં પહેલીવાર ઈન્ડિયા લેવલે ઓપન કરી હતી. આ ગ્રુપ ટૂંક સમયમાં ભારતના તમામ મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે અને મોટાપાયે જાનહાનિ કરીને મુખ્ય હિંદુ નેતાઓ ઉપર ફિદાઈની હુમલા કરશે. આ ઇનપુટ મેં લેખિતમાં આપ્યું હતું. બોમ્બ ધડાકા બાદ CM સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં એકાવન લાખનું ઈનામ જાહેર કર્યું કે આ બાબતે જે કોઈ સચોટ માહિતી આપશે એને 51 લાખનું ઈનામ આપવામાં આવશે. આમ જોવા જઈએ તો આ ઈનામનો હકદાર IB હતું, કારણ કે 70 દિવસ પહેલાંની માહિતી હતી.

તમારા સોર્સનું નામ અને મોબાઈલ નંબર આપો
સિરિયલ બોમ્બ બ્લાસ્ટની માહિતી આપ્યા બાદ એક સિનિયર અધિકારીએ મને કહ્યું હતું કે તમે તમારા સોર્સનું નામ અને મોબાઈલ નંબર આપો. મે કહ્યું 'સા'બ, IB મેં આપકા સોર્સ કોન હૈ, વો મે નહીં જાનના ચાહુંગા ઔર મેરા સોર્સ બતાઉંગા નહીં આપકો.' તો એમણે કહ્યું, 'ઠીક હૈ જાઓ.' પછી મારી સૂઈગામ IB સેન્ટરમાં બદલી થઈ. ત્યાં કશું જ ના મળે. એ પનિશમેન્ટની પોસ્ટ કહેવાય છે. ત્યાં રણ છે. ખાવાનું કશું જ ના મળે. ત્યાં બીજી પણ એજન્સીઓ છે. પહેલા ખુલ્લી હતી. ઘણુબધું ચાલતું હતું. હવે ફેસિંગ કરી નાખ્યું છે. જોકે ત્યાં રહીને પણ મેં દેશને અનુસંધાને પાકિસ્તાનના બે ત્રણ મોટાં ઇનપુટ આપ્યા હતા. ત્યારે ભાગતી જિંદગી હતી. ખાવા મળે ત્યાં ખાવાનું અને નાસ્તો મળે ત્યાં નાસ્તો કરી લેવાનો અને સાંજે પાંચ વાગ્યા પહેલા પાછા આવી જવું પડે નહીં તો વાર્તા પૂરી. આ તો હવે રોડ બન્યા બાકી એ વખતે કોઈ સાધન ના મળે. ત્યાંથી પણ સારા એવા ઇનપુટ લાવી આપતા આઠ મહિનામાં ફરી ગાંધીનગર બદલી કરવામાં આવી.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને 15 વર્ષ થઈ ગયા જોકે હજી તેના ઘા રુઝાયા નથી.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટની ઘટનાને 15 વર્ષ થઈ ગયા જોકે હજી તેના ઘા રુઝાયા નથી.

વિધાનસભામાં એ પ્રકરણ ચમક્યું
​​​​​​​
એ દરમિયાન આ પ્રકરણ આખું વિધાનસભામાં ચમક્યું. અર્જુન મોઢવાડિયા સાહેબે ચાલુ વિધાનસભાએ શરૂ કર્યું. એટલે મને જે અઢીસો રૂપિયા ઈનામ આપ્યું હતું એની કોપી અર્જુન મોઢવાડિયા સાહેબના હાથમાં આવી ગઈ. એમણે વિધાનસભા માથે લીધી. તમારી પાસે માહિતી હોવા છતાં આટલા બધા લોકો મરી ગયા તો જવાબદાર કોણ? પહેલીવાર ગુજરાતનાં DG, મુખ્યમંત્રી અને બાકીના બધા રાતે સાડા બાર વાગ્યા સુધી ઓફિસમાં બેસી રહેલા. એવી જબરદસ્ત રજૂઆત કોંગ્રેસે કરી હતી. પછી મને 2009માં ખાખીમાં પાછો મોકલ્યો અને LIBમાં સ્પેશિયલ બ્રાંચમાં મારું પોસ્ટિંગ કર્યું. ત્યાં ત્રણ વરસ નોકરી કર્યા બાદ હું 2012માં નિવૃત્ત થયો.

માહિતી શું અને કેવી રીતે મળી?
એ વખતે મને મારા બાતમીદારે માહિતી આપી કે સા'બ, આવી બધી તૈયારી થઈ ગઈ છે અને સીમીની ઉપર પ્રતિબંધ છે એટલે એમણે ઇન્ડિયન મુજાહિદ્દીન કરીને નવું ગ્રુપ બનાવ્યું છે. એના આ માણસો અમદાવાદમાં, સુરતમાં અને ભારતના મોટા મોટા શહેરોમાં બોમ્બ ધડાકા કરવાના છે. એ ગ્રુપ આ બધું કામ કરવાનું છે અને પ્લાન નક્કી થઈ ગયો છે. એ તો નસીબ સારું હતું કે અમદાવાદમાં આટલા જ બોમ્બ મૂક્યા. સુરતમાં જે 32 બોમ્બ મૂક્યા હતા એ ફૂટ્યા હોત તો ત્રણથી ચાર હજાર માણસો મરી જાત. બધા હિંદુ વિસ્તાર અને ભરચક વસ્તીમાં મૂકેલા હતા, પરંતુ ચિપની મિસ્ટેકને કારણે બોમ્બ ફૂટ્યા નહીં. પછી તો એમનો ટાર્ગેટ હતો એ પ્રમાણે બેંગલુરુ અને દિલ્હીમાં પણ ધડાકા કર્યા.

ઇન્ટેલિજન્સ ઓફિસર બલવંતસિંહ કુંપાવતે નોકરી વખતે બાતમીદારોનું જબરદસ્ત નેટવર્ક ઉભું કર્યું હતું.
ઇન્ટેલિજન્સ ઓફિસર બલવંતસિંહ કુંપાવતે નોકરી વખતે બાતમીદારોનું જબરદસ્ત નેટવર્ક ઉભું કર્યું હતું.

IBમાંકેવી રીતે રીક્રુટ થાય?
IBમાં ડાયરેક્ટ રિક્રૂટમેન્ટ થાય એ સ્વેછાએ આવે છે. બીજી વન સાઈડ પ્રમોશન આપીને માણસોને લેવામાં આવે છે. IB એક સ્ટેપ પ્રમોશનનો લાભ મળે છે. કોન્સ્ટેબલને ASIનો, ASIને PSIનો, PSIને PIનો પગાર મળે છે.

CM સાથે એક મિનિટની મુલાકાત
મારે CM સાથે એક જ મિનિટની મુલાકાત થઈ હતી. ત્યારે મેં કહ્યું હતું કે સાહેબ IBમાં પરિવર્તનની જરૂર છે એટલે એમણે મને કહ્યું બાપુ, જે પણ મુદ્દા છે, ટાઈપ કરીને જયંતિભાઈ બારોટને આપી દો એટલે ઓફિસે આવીને તાત્કાલિક મુદ્દા ટાઈપ કરીને એમણે આપી દીધા, એમાં દસથી બાર મુદ્દા પોલીસ ખાતાના હતા. એમાંથી એક IBમાં IOI ડાયરેક્ટ ભરતી કરવાની વાત કરી હતી. એ પછી મોદી સાહેબની સૂચનાથી પહેલી વખત IBમાં ડાયરેક્ટ ભરતી થઈ. AIO એટલે એક સ્ટાર - આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર. IO એટલે બે સ્ટાર- ઇન્ટેલિજન્સ ઓફિસર.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને ગુજરાત પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને ગુજરાત પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.

IBનું કામ ઈન્ફર્મેશન આપવાનું છે
ઓફિશિયલ પાવર ખાખી કપડાંમાં છે. IBને ઓપરેશન પાવર નથી. એનું કામ ફક્ત ને ફક્ત માહિતી આપવાનું છે અને જે-તે એજન્સીઓ સાથે માહિતી શૅર કરવાનું છે. એજન્સીઓ એની પર કામ કરતી હોય છે. આંખો અને કાન ખુલ્લા રાખવા એ IBનું કામ છે.

અને છેલ્લે..
26 જુલાઇ 2008ના દિવસે હું ઘરેથી નીકળતો હતો અને ટીવીમાં ન્યૂઝ આવવાના શરૂ થયા કે અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ શરૂ. 6ને 25એ પહેલો બોમ્બ ફૂટ્યો. મેં ખુદ ટીવીથી જ જાણ્યું. મને ખૂબ જ દુઃખ થયું હતું કે આપણે એ અટકાવી ના શક્યા. મે સિત્તેર દિવસ પહેલા આ ઇન્ફોર્મેશન આપી હતી. એ પેટે મને અઢીસો રૂપિયાનું ઈનામ DIG S.G. ભાટીએ આપેલું.

અન્ય સમાચારો પણ છે...