કોરોનાકાળમાં લાગેલા લોકડાઉનની બાળકો અને તેના પરિવાર પર ઘણી વિપરીત અસર જોવા મળી હતી. જોકે ઘણાં એક્ટિવ બાળકોએ લોકડાઉનનો સદુપયોગ કરીને ગમતી પ્રવૃત્તિઓમાં કાઠું કાઢ્યું હતું, જેમાં અમદાવાદની એક બાળકીએ પોતાના શોખને પૂરો કરવાની સાથે સાથે આજે તે કંપનીની માલિક પણ બની ગઈ છે. જરા અચરજ પમાડે એવું કાર્ય જાઈ શાહએ કર્યું છે. જાઈને 8 વર્ષની ઉંમરથી કેક સહિતના બેકિંગનો શોખ જાગ્યો હતો. જોકે લોકડાઉનમાં એ શોખ પૂરો થયો અને આજે 11 વર્ષની દીકરીએ કૂકિંગ-બેકિંગનો બિઝનેસ શરૂ કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. લોકડાઉનના સમયે ઓનલાઇન સ્ટડી કરવાની સાથે એક્ટિવિટીના ભાગરૂપે કૂકિંગ-બેકિંગ કરવાનું શરૂ કર્યું હતું. ધીરે-ધીરે સમય જતાં તેનો આ શોખ બિઝનેસમાં બદલાઈ ગયો છે અને આજે તે યંગેસ્ટ બેકર બની ગઈ છે. જાઈ શાહને પોતાના ટેલન્ટ બદલ યંગેસ્ટ બેકર ઓફ ઈન્ડિયા તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
પિતા સાથે વીકેન્ડમાં બેકિંગ કરતી જાઈ બની બિઝનેસ વુમન
અમદાવાદની જાઈ શાહને નાનપણથી જ કૂકિંગ અને બેકિંગનો શોખ હતો. લોકડાઉન સમયે ઘરે બેઠા ટાઈમ પાસ કરવા માટે એક નવી એક્ટિવિટીના ભાગરૂપે જાઈએ બેકિંગ શરૂ કર્યું હતું. જાઈનો આ શોખ આજે બિઝનેસમાં રૂપાંતરિત થતાં સોશિયલ મીડિયા તેમજ અન્ય પ્લેટફોર્મ પર પ્રખ્યાત થઈ રહ્યો છે. જાઈથી મોટી ઉંમરના લોકો પણ તેની પાસેથી કૂકિંગ તેમજ બેકિંગની ટિપ્સ લઈ રહ્યા છે. જાઈના માતા-પિતા કોચિંગ ક્લાસીસ ચલાવે છે. શરૂઆતમાં તે અને તેના પિતા દર વીકેન્ડમાં કૂકિંગ-બેકિંગ કરતા હતા. પોતાના ભણતર પર કોઈ અસર ન પડે એ માટે જાઈ લોકડાઉનમાં ઓનલાઇન સ્ટડી કર્યા બાદ પોતાના પિતા સાથે બેકિંગ કરતી હતી. ત્યાર બાદ પોતાના બેકિંગ ટેલન્ટને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે પોતાના પેરન્ટ્સની મદદથી તેણે હોમ કિચનના સેટ-અપ દ્વારા કપકેક તેમજ અન્ય કેકની વાનગીઓ બનાવવાની શરૂઆત કરી.
ઈન્ડિયા-એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું
શરૂઆતમાં ઘણીવાર તેણે બનાવેલી કેક તેમજ કપકેક બરોબર ન બનતાં જાઈ ઘણીવાર અપસેટ થઈ જતી હતી છતાં તે સતત પ્રયત્નો કરતી રહેતી હતી. ત્યાર બાદ લોકડાઉનમાં સતત પ્રેક્ટિસ થતી અને જાઈએ બહારથી ઓર્ડર લેવાના શરૂ કરી દીધા હતા. શરૂઆતમાં આસપાસના વિસ્તારમાંથી ઓર્ડર મળવાના શરૂ થયા અને આજે તેનો બિઝનેસ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. પોતાના પેશનને ફોલો કરી જાઈએ પોતાના ટેલન્ટથી આજે સમગ્ર દેશમાં પોતાની છાપ છોડી છે. તેને યંગેસ્ટ બેકર ઓફ ઈન્ડિયા તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ સહિતના અનેક અવૉર્ડ પોતાના નામે કરી લીધા છે.
હાથ દાઝ્યો છતાં 11 કલાકમાં 200 કેક બનાવી
જાઈ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને નાનપણથી જ બેકિંગ કરવાનો ખૂબ જ શોખ છે, હું જ્યારે 8 વર્ષની હતી ત્યારથી બેકિંગ કરી રહી છું. શરૂઆતમાં હું મારા પાપા સાથે દર વીકએન્ડમાં કેક તેમજ કપકેક બનાવતી હતી. ત્યાર બાદ લોકડાઉનમાં મમ્મા-પાપાએ મને આ પ્રોફેશનલ બિઝેનસ કરવા માટે હા પાડી, જેથી 7 જુલાઈ 2020ના રોજ મેં મારી પહેલી કેકનો ઓર્ડર લીધો હતો. ત્યાર બાદ એક મહિનામાં મેં 25 કેક બનાવી હતી અને એ જ મહિનામાં મને એક દિવસમાં 110 કપકેક બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. પછી મારો બિઝનેસ સતત ચાલુ થઈ ગયો હતો. ડિસેમ્બર મહિનામાં મને એકસાથે 200 કપ કેક બનાવવાનો ઓર્ડર મળ્યો હતો, જેને મેં 11 કલાકમાં તૈયાર કર્યો હતો. એના માટે મને ઈન્ડિયા તેમજ એશિયા બુક ઓફ રેકોર્ડનો અવૉર્ડ પણ મળ્યો છે. 200 કેક બનાવતાં એકવાર હાથ પણ દાઝી ગયો હતો છતાં સમગ્ર ઓર્ડર પૂરો કર્યો હતો.
હું ઓનલાઈન સ્કૂલ બાદ જ કેક ઓર્ડર લઉ છું: જાઈ
મારા સૌથી વધુ ફેવરિટ ફ્લેવર વેનીલા, ચોકલેટ, કૂકી એન્ડ ક્રીમ છે, જે બનાવવામાં મને ખૂબ જ મજા આવે છે. મારી કંપનીનું નામ લિટલ બેકર છે, જેમાં હું કેક, કપકેક, ડોનટ્સ, બ્રાઉનીઝ સહિતની વાનગીઓ બનાવું છું. મારા પેશનને કારણે મારો અભ્યાસ ન બગડે એ માટે હું ઓનલાઇન સ્કૂલ પૂર્ણ કરીને જ કેક ઓર્ડર લઉં છું અને કસ્ટમરને ડિલિવરી કરું છું, સાથે જ હું મારાં મમ્મા-પાપા સહિત એ તમામ લોકોનો આભાર માનું છું, જેમણે મને સતત સપોર્ટ કર્યો અને મને એ લાયક બનાવી કે લોકો મારી કેકનાં વખાણ કરી શકે એમ વધુમાં જાઈએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.