તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્કપ્લેસ @હોમ:વર્ક ફ્રોમ હોમમાં બેડરૂમમાં બેસી કામ નહિ કરવું પડે; ઘર ખરીદશો તો અંદર ઓફિસ હશે જ!, બિલ્ડર્સ બનાવી રહ્યા છે નવી ડિઝાઇનના ફ્લેટ્સ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • સ્ટડી રૂમના બદલે હવે કામ કરવા ઘરમાં જ ઓફિસ બનાવી દેવાય છે

કોરોના આવ્યા બાદ સરકારે 2020માં માર્ચના અંતે લોકડાઉન જાહેર કર્યું અને લાખો લોકોને ઘરેથી કામ કરવાનો વારો આવ્યો. અચાનક આવી પડેલી સ્થિતિમાં મોટા ભાગના લોકો માટે તેમનો બેડરૂમ જ વર્ક સ્ટેશન બની ગયો હતો. કોવિડ બાદ વર્કિંગ કલ્ચરમાં ઘણા ફેરફાર થયા છે અને કોરોનાકાળમાં ઘરેથી કામ કરવાનો એક નવો જ કોન્સેપ્ટ પ્રચલિત બન્યો છે. વર્ક ફ્રોમ હોમ (WFH)ને ધ્યાનમાં રાખી બિલ્ડર્સ પણ હવે એવાં ઘર બનાવી રહ્યાં છે, જેમાં ઘરમાં જ ઓફિસની વ્યવસ્થા ઊભી થઈ શકે છે.

અમદાવાદના ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે, કોરોના બાદ લોન્ચ થયેલા અમુક પ્રોજેક્ટ્સમાં ડિઝાઇનમાં બદલાવ જોવા મળ્યો છે. બિલ્ડર્સ હવે 2000 સ્ક્વેરફૂટ કે એનાથી મોટા ઘરમાં WFH માટે અલગ વ્યવસ્થા ઓફર કરી રહ્યા છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, ઘરમાં જ ઓફિસ બને એવા ઘરનો કોન્સેપ્ટ હજુ શરૂ જ થયો છે. કોવિડની સ્થિતિને જોતાં ધીમે ધીમે એમાં વધારો પણ થઈ શકે છે.

અચાનક લોકડાઉનથી લોકો બેડરૂમમાં બેસીને કામ કરવા મજબૂર બન્યા હતા (ફાઇલ ફોટો).
અચાનક લોકડાઉનથી લોકો બેડરૂમમાં બેસીને કામ કરવા મજબૂર બન્યા હતા (ફાઇલ ફોટો).

ઘરમાં જ ઓફિસ એ આજના સમયની જરૂરિયાત છે
શિવલિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું કે કોરોના બાદ ઘણા લોકો ઘરના એક ભાગને ઓફિસ બનાવી કામ કરી રહ્યા છે. કોવિડ બાદ વર્ક કલ્ચર ફર્યું છે અને આ ઘરમાં જ ઓફિસ બનાવવી એ સમયની એક જરૂરિયાત બની રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે 2000 સ્ક્વેરફૂટ કે એનાથી મોટા ઘરમાં WFH માટે અલગ રૂમની ડિઝાઇનના ફ્લેટ્સની બનાવ્યા છે. આ રૂમમાં ટેબલ, ખુરશી, ઈન્ટરનેટને લગતું નાનું ઇન્ફ્રા તેમજ અન્ય બે લોકો બેસી શકે એટલી સ્પેસ હોય છે.

શિવાલિક ગ્રુપના સેમ્પલ ફ્લેટમાં બનેલી ઓફિસ.
શિવાલિક ગ્રુપના સેમ્પલ ફ્લેટમાં બનેલી ઓફિસ.

શિવાલિક ગ્રુપ આવા 300 ફ્લેટ્સ બનાવશે
તરલ શાહે કહ્યું હતું કે બોપલ-આમલી રોડ અને પાંજરાપોળ વિસ્તારમાં અમારા બે પ્રોજેક્ટ્સ ચાલુ છે. આ બંને પ્રોજેક્ટ્સમાં 300 જેટલા ફ્લેટ્સ બનશે, જેમાં અમે ઓફિસ બનાવી શકાય એવો અલગ રૂમ પણ બનાવ્યો છે. કોવિડ આવતાં લાગેલા લોકડાઉનમાં મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા હતા. આજે પણ હજુ ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરે છે. વર્કકલ્ચરમાં આવેલા બદલાવને ધ્યાનમાં રાખીને અમે અમારા નવા પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કર્યા હતા. ઓફિસ સિવાય આ રૂમનો બાળકોના અભ્યાસ માટે તેમજ હોબી રૂમ તરીકે પણ ઉપયોગ થઈ શકે છે.

સ્ટડીરૂમ અને લાઇબ્રેરીનું સ્થાન ઓફિસ સ્પેસે લઈ લીધું
સાવી ઇન્ફ્રાસ્ટ્રકચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહે જણાવ્યું હતું કે અત્યારસુધી સ્ટડીરૂમ અને લાઇબ્રેરીનો કોન્સેપ્ટ હતો, હવે એની જગ્યા ઓફિસે લઈ લીધી છે. કોઈ કંપનીમાં ટોપ લેવલ અથવા મેનેજરિયલ પોઝિશન ધરાવતા લોકો ઘર ખરીદે ત્યારે મકાનમાં ઓફિસ સ્પેસની ડિમાન્ડ કરતા હોય છે. કોરોના આવ્યા બાદ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર ડેવલપ થતાં આ ટ્રેન્ડ શરૂ થયો છે. અમે પણ અમારા નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે ઘરમાં જ ઓફિસ બની શકે એ પ્રકારની ડિઝાઇન અંગે વિચારી રહ્યા છીએ.

સાવી ઇન્ફ્રાસ્ટ્રકચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહ (ફાઇલ ફોટો).
સાવી ઇન્ફ્રાસ્ટ્રકચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહ (ફાઇલ ફોટો).

IT સાથે જોડાયેલા લોકો માટે ઘરમાં ઓફિસ વધારે ઉપયોગી
પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેન્ક ઈન્ડિયાના નેશનલ ડિરેક્ટર બલબિર સિંઘ ખાલસાએ જણાવ્યું હતું કે કોર્પોરેટ્સમાં હવે એ એસ્ટાબ્લિશ થઈ ગયું છે કે કોઈપણ જગ્યાએથી કામ થઈ શકે છે અને એટલે જ હવે ઘરેથી કામ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. બિલ્ડર પણ આ પ્રકારનાં ઘર ઓફર કરી રહ્યા છે. જોકે અમદાવાદમાં આની હજુ શરૂઆત થઈ રહી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટે આ પ્રકારનાં ઘર વધારે ઉપયોગી હશે, કેમ કે તેમના માટે રિમોટલી કામ કરવું શક્ય છે. માર્કેટિંગ કે ફિલ્ડ જોબવાળા લોકો તરફથી આ પ્રકારની ડિમાન્ડ આવે એવી શક્યતા ઓછી છે.

નાના મકાનમાં પણ આ કોન્સેપ્ટ આવશે
ગાંધીનગરના શ્રીજી ઇન્ફ્રાના આશિષ સેખલિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં આ પ્રકારનાં ઘર બનવાની શરૂઆત થઈ છે. ગાંધીનગરમાં પણ આ કોન્સેપ્ટ બહુ જલદી આવી શકે છે. ગાંધીનગરમાં IT ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો છે અને તેઓ નવા ઘર પણ લઈ રહ્યા છે, એ જોતાં કોઈ એક બિલ્ડર શરૂઆત કરશે તો બીજા લોકો પણ એને અપનાવશે. બીજું કે વર્ક ફ્રોમ હોમ કલ્ચર હવે કોમન બની રહ્યું છે, તેથી મોટા ઘર જ નહીં, પણ નાના મકાનની ડિઝાઇનમાં પણ એને અનુરૂપ ફેરફાર શક્ય છે.