એક હિમાચલ મળ્યું, એમાં પણ કોંગ્રેસને સમજાતું નથી કે ક્યાં જવું, શું કરવું, કોને ગાદી આપવી. એક તરફ દિવંગત વીરભદ્ર સિંહનાં પત્ની પ્રતિભા સિંહ છે અને બીજી તરફ અન્ય ઠાકુર નેતા સુખવિંદર સિંહ સુખુ છે. મુખ્યમંત્રીપદ માટે ખેંચતાણ ચાલુ છે.
આ બધું જોઈને કોંગ્રેસ સંભાળીને પગલાં લઈ રહી છે, કારણ કે તેને પણ ડર છે કે મહારાષ્ટ્ર જેવું કંઈક અહીં પણ થઈ શકે છે. નિર્ણય તો લેવામાં આવશે. જોવાનું એ રહે છે કે નારાજ જૂથને કોંગ્રેસ કેવી રીતે સંભાળશે.
બીજી તરફ, રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. પ્રતીકાત્મક રીતે સચિન પાઇલટે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતના દેશદ્રોહીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. સચિને કહ્યું હતું કે ગુજરાતનાં પરિણામો કોંગ્રેસ પાર્ટીની અપેક્ષા કરતાં ઘણા ઓછા છે. અમારો આંકડો ઘણો નીચે ગયો છે. કોઈપણ વ્યક્તિ આ નિવેદન આપી શકે છે, કારણ કે પરિણામો સ્પષ્ટપણે એ જ કહે છે અને વાસ્તવિકતા સમાન છે, પરંતુ જ્યારે સચિન પાઇલટ આવું કહે છે ત્યારે સ્પષ્ટ છે કે આ ટાર્ગેટ ગેહલોત તરફ માનવામાં આવશે, કારણ કે ઘણી હદ સુધી ગુજરાતની ચૂંટણીની જવાબદારી ગેહલોતને સોંપવામાં આવી હતી. ગત વખતે 77 બેઠક લાવવાનું શ્રેય પણ તેમની પાસે હતું, તેથી તેમને આ જવાબદારી મળવાની હતી, પરંતુ આ વખતે તેઓ 77થી ઘટીને 17 પર આવી ગયા છે. 60 બેઠકનું નુકસાન થયું છે.
જોકે સચિને એમ પણ કહ્યું હતું કે હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો દર્શાવે છે કે જો કોંગ્રેસ યોગ્ય વ્યૂહરચના, પ્રચાર અને પદ્ધતિ સાથે પોતાની વાત રાખે તો અમે ભાજપને કોઈપણ પરિસ્થિતિમાં હરાવી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે પાર્ટીએ સચિનને હિમાચલ પ્રદેશની જવાબદારી સોંપી હતી. તો શું સચિન એવું કહેવા માગે છે કે ગુજરાતમાં ગેહલોતની રણનીતિ, પ્રચાર કે પદ્ધતિ આ વખતે સારી નહોતી? તેમના શબ્દોને રાજકીય દૃષ્ટિએ હળવાશથી લેવામાં આવ્યા છે.
અશોક ગેહલોતે ગુજરાતની હાર પછી તરત જ તેમની સુરક્ષાના વ્યવસ્થા કરી હતી. તેમણે ગુજરાતના પ્રચાર સાથે સંકળાયેલા રઘુ શર્માને રાજીનામું આપવા કહ્યું હતું, જેથી તેમની પાસે પહોંચતાં સુધીમાં બધું ઠંડું પડી જાય, પરંતુ ગુજરાતનાં ચૂંટણી પરિણામો પર ટિપ્પણી કરીને સચિને પાઇલટે મુદ્દાને ફરી વેગ આપ્યો છે.
હવે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હજુ રાજસ્થાનમાં હોવાથી ગુજરાત અને હિમાચલની જીત કે હારને લઈને કોંગ્રેસમાં કંઈ થવાનું નથી, પરંતુ આ મુદ્દા પર ચોક્કસપણે નિર્ણય લેશે. બીજી તરફ, ગેહલોત જૂથમાં ધારાસભ્યોનાં રાજીનામાંનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ટૂંકમાં, હિમાચલ હોય કે, ગુજરાત હોય કે રાજસ્થાન, કોંગ્રેસમાં આંતરિક વિવાદ અટકવાનું નામ નથી લેતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.