ભાસ્કર એક્સક્લૂઝિવ:હાર્દિક પટેલ બાદ વધુ 4 કોંગી નેતા ભાજપમાં આવવા માટે કતારમાં, ગમે ત્યારે ભગવો ધારણ કરશે

ગાંધીનગર2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે
  • ભાવનગર કોંગ્રેસમાં ભાજપ ખેલ કરશે
  • શક્તિસિંહ ગોહિલ બાદ કોંગ્રેસમાં રહેલા અન્ય ક્ષત્રિય સમાજના મોટાં માથાંને ભાજપ આવકારશે
  • દહેગામ અને પ્રાંતિજ કોંગ્રેસ માટે ભાજપનો પ્રોજેક્ટ પાઈપ લાઇન હેઠળ

હાર્દિક પટેલનું ભાજપીકરણ થયા બાદ હવે વધુ 4 કોંગ્રેસના નેતાઓ કમળના સહારે પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભાવનગર વિસ્તારના અને કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા બે મોટાં નેતાનો ભારતીય જનતા પાર્ટી આગામી સમયમાં પક્ષમાં સમાવેશ કરવા જઈ રહી છે. બીજી તરફ પ્રાંતિજ વિધાનસભા તથા દહેગામ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પણ ભાજપમાં લાવવાના પ્રયાસો હાલ ચાલી રહ્યાં છે.

જે ચાર નેતાઓનું ભાજપીકરણ કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે, તેમાં બે પૂર્વ ધારાસભ્ય પૈકી દહેગામના કામિનીબા રાઠોડ અને પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગર મનપાના પૂર્વ શહેર પ્રમુખ રહેવાની સાથે-સાથે વર્ષ 2012માં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી સંભવિત આંતરિક જૂથબંધીને કારણે જેમની હાર થઈ હતી, તેવા રાજેશ જોષી આગામી સમયમાં કમળનો સાથ ઝાલશે.

ભાવનગરના વધુ એક નેતા કે જેઓ ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હોવાની સાથે-સાથે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ બાદ ક્ષત્રિય સમાજના કોઈ મોટાં માથાં તરીકે ઓળખાતાં હોય એવા સંજયસિંહ માલપર (ગોહિલ)નો સમાવેશ થાય છે.

આંતરિક જ જૂથબંધી છે તો વિકલ્પ શું? : કામિનીબા રાઠોડ

દહેગામ વિધાનસભા બેઠક પર વર્ષ 2012થી 2017 દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા કામિનીબા રાઠોડે દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું, 'મારી નારાજગી જે પ્રમાણે પાર્ટીની સ્થાનિક સ્તરે નિમણૂકોને આધિન છે તે અન્વયે પ્રભારી રઘુ શર્મા સાથે વાતચીત ચાલી રહી છે. જોકે મહેસાણા ખાતે યોજાયેલી પાર્ટીની મિટિંગ બાદ તેમણે મુલાકાત માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી તેમની વ્યસ્તતાને કારણે મળી શકાયું નથી. મને સમજાવવા માટે પાર્ટીના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય સી જે ચાવડા તેમજ રોહન ગુપ્તાએ વાત કરી છે. હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે એકપણ વખત ફોનથી વાત કરવાનો પ્રયાસ કર્યો નથી. તાલુકા સ્તરે નિમણૂકમાં જ જો આંતરિક જૂથબંધી છે તો પછી વિકલ્પ શું હોઈ શકે તે સમર્થકોને પૂછીને સ્પષ્ટ કરીશ.'

આંતરિક જૂથબંધી માટેની ફરિયાદ અંગે પક્ષ નિર્ણય લે પછી હું નિર્ણય લઈશ : મહેન્દ્રસિંહ બારૈયા

મહેન્દ્રસિંહ બારૈયાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું, 'પક્ષમાં સ્થાનિક સ્તરે આંતરિક નારાજગી છે, જે અંગે પ્રભારી રઘુ શર્મા સાથે ગત સપ્તાહે રૂબરૂ મુલાકાત કરીને ચર્ચા કરી છે. હવે પક્ષનો વિષય છે. પક્ષ પોતાનો નિર્ણય કરશે પછી હું મારો નિર્ણય જાહેર કરીશ.'

વહેલામાં વહેલી તકે ભાજપમાં જોડાઈશ : સંજયસિંહ માલપર (ગોહિલ)

સંજયસિંહ માલપરે દિવ્યભાસ્કર સાથે પોતાની હૈયા વરાળ ઠાલવતાં જણાવ્યું હતું, 'વહેલામાં વહેલું હવે તો ભાજપમાં જોડાઈ જવું છે, કેમ કે કોંગ્રેસમાં રહીને કામ કરવા છતાં પદ માટે માગણી કરવી પડે છે અને કોંગ્રેસમાં તાલુકાથી લઈ પ્રદેશ સ્તરના ચૂંટણીલક્ષી નેતાઓ છે. ભાજપમાં જોડાયા બાદ ભાજપને જે આપવું હોય તે આપે પરંતુ કોંગ્રેસમાં રહીને સ્વમાનના ભોગે કામ ના કરી શકાય. ભાજપમાં જોડાયા બાદ ડબલ રીધમથી કામ કરવાની ઈચ્છા છે.'

બિનશરતી જોડાણ રહેશે : રાજેશ જોષી

વર્ષ 2012માં ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ભાજપના મહિલા ધારાસભ્ય વિભાવરી દવે સામે ચૂંટણી હારનારા રાજેશ જોષીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ સાથે તેમની કોઈ નારાજગી નથી, પરંતુ ગુજરાત બાદ કેન્દ્ર ખાતે પણ લોકોએ મોદી શાસન સ્વીકાર્યું છે. રાજેશ જોષી જે પણ પાર્ટીમાં જશે ત્યાં બિનશરતી જોડાશે તેમ તેમણે કહ્યું હતું. જોકે ભાજપમાં જોડાવવા અંગે તેમણે હાલ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...