• Gujarati News
  • Dvb original
  • After Delhi, Mumbai Will Spread To Smaller Cities, The Speed Is Very Fast For The First 20 To 25 Days

ત્રીજી લહેરની પીક 3-4 સપ્તાહમાં આવશે:ઓમિક્રોન દિલ્હી, મુંબઇ બાદ નાના શહેરોમાં ફેલાશે, શરુના 20થી 25 દિવસ ગતિ જોવા મળશે

16 દિવસ પહેલા

ગુરુવારે સવાર સુધીમાં દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના અઢી હજારથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હી-મુંબઈથી લઈને મોટા શહેરોમાં કેસ સામે આવી રહ્યા છે. મહામારીના નિષ્ણાંત ચંદ્રકાન્ત લહારિયાના મતે આગામી 3-4 સપ્તાહ આ શહેરો માટે તણાવપૂર્ણ રહેશે. આ પછી કેસ સંપૂર્ણ રીતે ઓછા થવા લાગશે.

જ્યારે અહીં કેસ ઓછા થશે, તો નાના શહેરોમાં કેસ ઝડપથી વધવા લાગશે અને આગામી 3-4 અઠવાડિયા આ શહેરો માટે ચિંતાજનક રહેશે. આ શહેરો પછી આ વાઈરસ ગામડામાં પણ તબાહી મચાવી શકે છે. લહરિયા કહે છે કે ઓમિક્રોનની પેટર્ન સૂચવે છે કે તે પ્રથમ 3-4 અઠવાડિયામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે, પછી અચાનક જ શમી જાય છે.

બીજી વાત એ પણ છે કે, તમામ સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં દાખલ નથી થઈ રહ્યા. ઉદાહરણ તરીકે, મુંબઈમાં ઓમિક્રોન સંક્રમિત 10 માંથી 9 દર્દીઓ એસિમ્પટોમેટિક છે. મતલબ કે 10 માંથી માત્ર 1માં લક્ષણો છે, તે પણ હળવા છે. મોટાભાગના સંક્રમિત લોકો ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે. જો કે, જેઓએ વેક્સિન નથી લીધી તેમને તે વધુ નુકસાન પહોંચાડી શકે છે.

1 હજાર લોકો પર 1.4 બેડ્સ, 1445 લોકો પર 1 ડોક્ટર

ચંદ્રકાંત લહરિયાએ વધુમાં જણાવ્યું હતું કે 23 માર્ચ 2020ના રોજ પ્રથમ લોકડાઉન દરમિયાન અમારી પાસે 10,180 આઇસોલેશન બેડ અને 2,168 ICU બેડની કેપેસિટી હતી. હવે લગભગ બે વર્ષ પછી, અમારી પાસે 18,03,266 આઇસોલેશન બેડ અને 1,24,598 ICU બેડની કેપેસિટી છે.

તેમણે કહ્યું કે PM કેર અને કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ અને હેલ્થ સિસ્ટમ પ્રિપેયર્ડનેસ પેકેજ-2 દ્વારા રાજ્યોને 1.14 લાખ ઓક્સિજન કંસંટ્રેટર્સ પૂરા પાડવામાં આવી રહ્યા છે. 1374 હોસ્પિટલોમાં 958 લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ટાંકીઓ અને મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમની સ્થાપના માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.

જો કે, સરકારી ડેટા એ પણ દર્શાવે છે કે 1 હજાર લોકો પર 1.4 બેડ ઉપલબ્ધ છે અને 1,445 લોકો પર 1 ડૉક્ટર ઉપલબ્ધ છે. 31 માર્ચ 2020 સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) પર 6.8 એલોપેથિક ડોકટરોની અછત છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC)માં 76.1% નિષ્ણાતોની અછત છે.

ડેલ્ટાના મુકાબલે હવે અમારી તૈયારી વધુ
લહરિયા કહે છે કે, ઓમિક્રોનના કિસ્સામાં, અમે ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ તૈયાર છીએ. વેરિયન્ટ પણ ઝડપથી શોધી કાઢવામાં આવ્યો હતો. હવે લોકડાઉનની જરૂર નથી. જરૂરી નિયંત્રણો લાગુ કરીને જ તેને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ, દવા અને જરૂરી સાધનો હોવા જોઈએ, જેથી જ્યારે કેસ વધે ત્યારે શરૂઆતમાં દર્દીઓને નિયંત્રિત કરી શકાય.

લહરિયા કહે છે કે વાઈરસ હવે દરેક જગ્યાએ છે, તેથી લોકડાઉન લાદવાનો કોઈ ફાયદો નથી. લોકડાઉન લાદીને આપણે વાઈરસની ગતિ માત્ર ધીમી કરી શકીએ છીએ, તેને ખતમ કરી શકતા નથી. તેના બદલે જ્યાં કેસ વધી રહ્યા છે તેવા લોકોએ માસ્ક પહેરવું જોઈએ. મુસાફરી ત્યારે જ કરવી જોઈએ જ્યારે એકદમ જરૂરી હોય. ભીડભાડવાળા વિસ્તારોમાં ન જવું જોઈએ અને જેમણે વેક્સિન ન લીધી હોય તેમણે તરત જ વેક્સિન લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...