ભાસ્કર ઇનડેપ્થઘણા આવીને ગયા, પણ 'જેઠાલાલ' ના હલ્યા:'ટપુ'થી લઈ 'સોનુ' સહિતના 17 કલાકારો બદલાયા, પણ 'તારક મહેતા..'ના આ 21 સેલેબ્સે હજી સુધી સાથ છોડ્યો નથી

અમદાવાદ10 દિવસ પહેલા

2008થી લોકપ્રિય કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનું મનોરંજન કરતી આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કોઈને કોઈને કોઈ પાત્ર આ સિરિયલનો સાથ છોડી રહ્યું છે. હાલમાં જ સિરિયલમાં નવી બાવરીના રોલમાં નવીના વાડેકર જોવા મળી છે તો થોડાં સમય પહેલાં 14 વર્ષથી આ સિરિયલ સાથે જોડાયેલા ડિરેક્ટર માલવ રાજડાએ સિરિયલનો સાથ છોડી દીધો છે. આમ સિરિયલમાં સતત કલાકારો બદલાવવાને કારણે વિવાદ થતો રહે છે અને ચાહકો એવું પણ માનવા લાગ્યા છે કે આ સિરિયલ બંધ થઈ જશે. દિવ્યભાસ્કરે આ સિરિયલ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કેટલા કલાકારો સાથે રહ્યા અને કેટલા કલાકારોએ સાથ છોડ્યો તેનું એક સરવૈયું કાઢ્યું છે. આ સિરિયલ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી 21 કલાકારો સિરિયલ સાથે જોડાયેલા રહ્યા છે અને 17 કલાકારોએ સિરિયલનો સાથ છોડી દીધો છે. તો સૌ પહેલાં આપણે જોઈએ કે સિરિયલનો સાથ કોણે અત્યાર સુધી નિભાવ્યો છે?....

પત્રકાર પોપટલાલ મધ્યપ્રદેશથી મુંબઈ આવ્યા છે અને ‘તૂફાન એક્સપ્રેસ’ નામના ન્યૂઝપેપરમાં કામ કરે છે. સિરિયલમાં તેઓ દર બીજી સેકન્ડે 'દુનિયા હિલા દૂંગા' બોલતા જોવા મળે છે. તેઓ પોતાના માટે યોગ્ય કન્યાની શોધમાં છે. જોકે, હજી સુધી તેમની આ શોધ પૂરી થઈ નથી. ગુજરાતના ચોરવાડમાં જન્મેલા શ્યામ પાઠકે CAમાં એડમિશન લીધું હતું. જોકે, પછી નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા જોઇન કરી લીધું હતું. અહીંયા ભણતી રોશની સાથે શ્યામ પાઠકે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી નિયતિ તથા બે દીકરા (પાર્થ તથા શિવમ) છે.

વર્ષ 2008માં જ્યારે આ સિરિયલ શરૂ થઈ ત્યારે ડૉ. હાથીના રોલમાં ટીવી એક્ટર નિર્મલ સોની જોવા મળતો હતો. તેણે આ શોમાં એક વર્ષ કામ કર્યું હતું. જોકે, પછી મેકર્સને નિર્મલ સોની સામે વાંધો પડ્યો હતો અને નિર્મલ સોનીએ આ શો છોડી દીધો હતો. નિર્મલ સોનીને બદલે કવિ કુમાર આઝાદને લેવામાં આવ્યા હતા. કવિ કુમારે આ શોમાં 2009થી 2018 સુધી કામ કર્યું હતું. જોકે, 2018માં કાર્ડિએક અરેસ્ટને કારણે કવિ કુમાર આઝાદનું અવસાન થયું હતું અને ત્યારબાદ ફરી ડૉ. હાથીના રોલમાં નિર્મલ સોનીને લેવામાં આવ્યો હતો.

મુંબઈમાં જન્મેલા કુશ શાહે આ જ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. સિરિયલમાં તે ડૉ. હંસરાજ હાથી ને કોમલભાભીના દીકરાના રોલ પ્લે કરે છે. આ સિરિયલ પહેલાં તેણે કેટલાંક નાટકોમાં કામ કર્યું હતું. કુશ શાહ પેરેન્ટ્સ (હિમાંશુ-દિપ્તી શાહ) સાથે રહે છે.

કર્ણાટકમાં જન્મેલી અંબિકા રજનકર સિરિયલમાં ડૉ. હંસરાજ હાથીની પત્ની કોમલના રોલમાં છે. અંબિકાએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. 1992માં સિરિયલ 'પી.એ. સાહેબ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. અંબિકાએ વિવિધ સિરિયલ જેવી કે 'ફિલ્મી ચક્કર', 'હાલ કૈસા હૈ જનાબ કા', 'પ્રાઇમરી ઓફિસ તેરે આંગન કી', 'શુભ મંગલ સાવધાન', 'એક પેકેટ ઉમ્મીદ', 'ચલતી કા નામ ગડ્ડી', 'કસમ સે'માં કામ કર્યું હતું. અંબિકાનો પતિ અરૂણ ડિરેક્ટર છે. મુંબઈમાં અંબિકા દીકરા ને પતિ સાથે રહે છે.

સિરયલમાં જ નહીં રિયલ લાઇફમાં પણ સોનાલિકા જોષી મરાઠી છે. સિરિયલમાં તે માધવીભાભીનો રોલ પ્લે કરે છે અને અથાણું-પાપડ વેચવાનો બિઝનેસ કરે છે. સોનાલિકાએ કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. સોનાલિકાએ મરાઠી ફિલ્મ્સ, જાહેરખબરોમાં પણ કામ કર્યું છે. સોનાલિકાના પતિ સમીર જોષી છે તથા દીકરી આર્યા જોષી સાથે મુંબઈમાં રહે છે.

આત્મારામ તુકારામ ભીડે એટલે કે મંદાર ચાંદવાડકર મહારાષ્ટ્રના રત્નાગીરીથી મુંબઈ આવ્યા હોય છે અને અહીંયા ટ્યૂશન ટીચર તરીકેનું કામ કરે છે. ગોકુલધામનાં વર્ષોથી ‘એકમેવ સેક્રેટરી’ તથા માધવીભાભીના પતિના રોલમાં છે. રિયલ લાઇફમાં મંદાર મિકેનિકલ એન્જિનિયર છે અને ત્રણ વર્ષ દુબઈ નોકરી કરી હતી. જોકે, નોકરીમાં મન ના લાગતા તેઓ મુંબઈ પરત ફર્યા હતા અને 'પ્રતિબિંબ' નામનું થિયેટર ગ્રુપ બનાવ્યું હતું. મંદારે થિયેટર નાટકો પણ ડિરેક્ટ કર્યાં છે. 2004માં મંદારે મરાઠી સિરિયલ 'વડલવાત'થી ટીવી કરિયર શરૂ કર્યું હતું. હિંદી-મરાઠી સિરિયલમાં કામ કર્યું છે. મંદાર પત્ની સ્નેહલ તથા દીકરા પાર્થ સાથે મુંબઈમાં રહે છે.

સિરિયલમાં શરદ સાંકલાએ અબ્દુલ નવાબ મિયાંનો રોલ પ્લે કર્યો છે. તે ગોકુલધામની બહાર આવેલી ‘ઓલ ઇન વન જનરલ સ્ટોર’નો માલિક છે. મુંબઈમાં જન્મેલા શરદે 1983માં બંગાળી ફિલ્મ 'દૂર્દેશ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. નવાઈની વાત એ છે કે અબ્દુલે 25થી વધુ ફિલ્મમાં ચાર્લીનો રોલ પ્લે કર્યો છે. અબ્દુલે 'ખિલાડી', 'બાઝીગર', 'પ્યાર તો હોના હી થા', 'બાદશાહ', 'કિસ કિસકો પ્યાર કરું' સહિતની વિવિધ ફિલ્મમાં કામ કર્યું છે. અબ્દુલ મુંબઈમાં બે રેસ્ટોરાં પણ ચલાવે છે. તે પત્ની પ્રેમિલા, દીકરી કામ્યા તથા દીકરા માનવ સાથે રહે છે.

ગુજરાતના અમરેલીમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું હતું. તન્મયે સૌ પ્રથમ વર્ષ 1986માં 'ફૂલવારી'માં બાળ કલાકારનો રોલ ભજવ્યો હતો. તન્મયે બાદમાં 'ચૂપકે-ચૂપકે', 'યસ બોસ', 'ખીચડી', 'મણીબેન.કોમ' જેવી જાણીતી ફિલ્મો અને સિરિયલમાં પણ એક્ટિંગ કરી હતી. શરૂઆતમાં તન્મય 'તારક મહેતા...'માં પહેલાં વિવિધ પાત્રો ભજવતો હતો, જેમાં ઓટો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ઈન્સ્પેક્ટર તો ક્યારેક ટીચરનો રોલ કરતો હતો. વર્ષ 2010માં તન્મયને બાઘાનો રોલ મળ્યો હતો. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને તે સમયે બાયપાસ સર્જરી કરાવવી હતી અને તેમણે સિરિયલમાંથી બ્રેક લેવો હતો. તેમના સ્થાને બાઘાને લેવામાં આવ્યો હતો. બાઘાનું પાત્ર એટલું લોકપ્રિય થયું કે નટુકાકા શોમાં પરત આવી ગયા છતાં પણ તેને શોમાં રાખવામાં આવ્યો હતો. તન્મયના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી ઉપરાંત માતા-પિતા, ભાઇ-ભાભી અને ભત્રીજી છે.

ઉત્તર પ્રદેશમાં જન્મેલા દયાશંકર પાંડેએ સિરિયલમાં ઇન્સ્પેક્ટર ચા.લુ. પાંડેનો રોલ પ્લે કર્યો છે. તે ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્ર પોલીસમાં આવ્યો છે. સિરિયલમાં તે અવાર-નવાર 'હમારા નામ હૈ ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે, જૂઠ બોલોગે તો પડેંગે દંડે' બોલતો હોય છે. દયાશંકરે 1993માં ફિલ્મ 'પહલા નશા'થી કરિયરની શરૂઆત કરી હતી. સિરિયલની વાત કરીએ તો 1994માં આવેલી 'તહકીકાત'માં તે જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે અઢળક સિરિયલ ને ફિલ્મોમાં કામ કર્યું છે. દયાશંકરે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. છેલ્લે તે 'ફાડુઃ અ લવ સ્ટોરી'માં જોવા મળ્યો હતો.

સિરિયલમાં ઇન્સ્પેક્ટર ચા.લુ. પાંડે સાથે હંમેશાં એક કોન્સ્ટેબલ પાટીલ જોવા મળે છે. આ કોન્સ્ટેબલનો રોલ કાર્તિક પાટીલે ભજવ્યો છે.

મયૂર વાકાણીએ સિરિયલમાં દયાભાભીના ભાઈ ને જેઠાલાલના સાળા સુંદરલાલનો પ્લે કર્યો છે. તે અમદાવાદમાં રહે છે અને સિરિયલમાં જેઠાલાલ પોતાના સાળાથી હેરાન-પરેશાન થતા હોય છે. રિયલ લાઇફમાં પણ દિશા વાકાણી તથા મયૂર વાકાણી ભાઈ-બહેન છે. મયૂર વાકાણી અમદાવાદમાં પેરેન્ટ્સ, બહેન ખુશાલી વાકાણી, પત્ની હેમાલી તથા બે બાળકો (દીકરી હસ્તી- દીકરો તથ્ય) સાથે રહે છે. મયૂર વાકાણીના પિતા ભીમ વાકાણી પણ સ્ટેજ આર્ટિસ્ટ છે અને તે પણ ઘણીવાર સિરિયલમાં નાના-નાના રોલમાં જોવા મળે છે. મયૂર વાકાણી એક્ટિંગ ઉપરાંત સ્કલ્પચર બનાવે છે.

સુંદરના મિત્ર ‘બકા’નો રોલ કાંતિ જોષી પ્લે કરે છે. સિરિયલમાં તે 'કેમ પાલ્ટી' બોલતો અને પાન ચાવતો જોવા મળે છે. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે કાંતિ જોષીએ છેલ્લીવાર તેમનો મેકઅપ કરી આપ્યો હતો.

સુંદરનો અમદાવાદમાં રહેતા મિત્ર ભઈલુનો રોલ જતીન બજાજ ભજવે છે.

જેનિફર મિસ્ત્રી બંસીવાલ સિરિયલમાં રોશન સિંહની પત્નીના રોલમાં છે. રિયલ લાઇફની જેમ જ તે સિરિયલમાં પણ પારસી બાનુનો રોલ ભજવે છે. તેણે રોશન સિંહ સાથે લવ મેરેજ કર્યાં છે. 2013માં જેનિફરે મેટરનિટી બ્રેક લીધો હતો અને તેના સ્થાને દિલખુશ રિપોર્ટર આવી હતી. જોકે, 2016માં દિલખુશે સિરિયલ છોડી દેતાં ફરી જેનિફર આ પાત્રમાં જોવા મળે છે. રિયલ લાઇફની વાત કરીએ તો જેનિફરનો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો છે. તેણે બોલિવૂડ ફિલ્મ 'હલ્લા બોલ', 'ક્રેઝી 4', 'લક બાય ચાન્સ' તથા 'એરલિફ્ટ'માં કામ કર્યું છે. જેનિફર મુંબઈમાં પતિ મયૂર બંસીવાલ તથા દીકરી લેકિશા સાથે રહે છે.

ગોગી સિરિયલમાં રોશ સિંહ સોઢી ને રોશન કૌર સિંહના દીકરાના રોલમાં છે. ટપુસેનામાં તે સૌથી નાનો મેમ્બર છે. સિરિયલમાં સૌ પહેલાં ટપુડાનો રોલ પ્લે કરતો ભવ્ય ગાંધી તથા સમય શાહ માસીયાઈ ભાઈ થાય છે. સમય શાહ ગુજરાતી છે અને તે છ વર્ષનો હતો ત્યારથી સિરિયલ સાથે જોડાયેલો છે. તેની એક બહેન દિનલનાં લગ્ન થઈ ગયાં છે અને તે પેરેન્ટ્સ તથા બીજી બહેન પ્રિયંકા સાથે મુંબઈમાં રહે છે.

સિરિયલમાં ક્રિશ્નન સુબ્રમણ્યમ ઐયર ચેન્નઈનો વૈજ્ઞાનિક છે. રિયલ લાઇફની વાત કરીએ તો તનુજ મહાશબ્દેએ સિરિયલના કેટલાક એપિસોડ પણ લખ્યા છે અને આજે પણ સિરિયલની સ્ક્રિપ્ટ લખે છે. સિરિયલમાં ભલે સાઉથ ઇન્ડિયન હોય, પરંતુ રિયલ લાઇફમાં તનુજ મરાઠી છે. તનુજે ડિપ્લોમા ઈન મરિન ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે. તનુજ ઈન્દોરથી મુંબઈ આવ્યો હતો અને અહીંયા તે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રમાં જોડાયો હતો. તે છેલ્લાં 15 વર્ષથી થિયેટર સાથે સંકળાયેલો છે. ત્યારબાદ તેને રાઈટિંગમાં રસ જાગ્યો હતો અને તેણે પ્રોફેશન તરીકે રાઈટિંગ અપનાવ્યું અને તે વિવિધ શોની સ્ક્રિપ્ટ લખતો હતો. તનુજે 'CID' તથા 'આહટ' જેવી સિરિયલમાં નાના-મોટા રોલ પ્લે કર્યા હતા. જોકે, તનુજને ખરી ઓળખ તો 'યે દુનિયા હૈ રંગીન'થી મળી હતી. તનુજે હજી સુધી લગ્ન કર્યાં નથી.

સિરિયલમાં મુનમુન દત્તાએ ઐયરની પત્નીનો રોલ પ્લે કર્યો છે. ગોકુલધામમાં રહેતા જેઠાલાલને બબીતા પ્રત્યે ક્રશ પણ છે. સિરિયલની વાર્તા પ્રમાણે બબીતા કોલકાતામાં મોડલ હતી અને લવ મેરેજ કરીને ઐયર સાથે મુંબઈ આવી છે. મુનમુન દત્તા મૂળ પુણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ 'હમ સબ બારાતી'થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ 'મુંબઈ એક્સપ્રેસ', 2006માં 'હોલિડે' તથા 2015માં આવેલી ફિલ્મ 'ઢિંચાક એન્ટરપ્રાઈઝ'માં જોવા મળી હતી.

યશ પટેલ ગડા ઇલેક્ટ્રોનિક્સમાં વર્કર મગનનો રોલ પ્લે કરે છે. રિયલ લાઇફમાં ‘તારક મહેતા’ સિરિયલમાં પ્રોડક્શનનું કામ કરે છે.

સિરિયલમાં ચંપકલાલ જેઠાલાલના પિતાના રોલમાં છે. તે અવાર-નવાર ટપુસેના, ગોકુલધામ સોસાયટીને તથા જેઠાલાલને નૈતિકતાના પાઠ શીખવતા હોય છે. અમિત ભટ્ટ ગુજરાતી છે અને તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો છે. હાલમાં તે પોતાના બંને ટ્વિન્સ દીકરાઓ તથા પત્ની સાથે મુંબઈમાં રહે છે. અમિત ભટ્ટે 'ખિચડી', 'યસ બોસ', 'ચુપકે ચુપકે', 'ફન્ની ફેમિલી.કોમ', 'ગપશપ કૉફી શોપ', 'FIR' જેવી સિરિયલોમાં કામ કર્યું છે. સલમાન ખાનની ફિલ્મ 'લવયાત્રી'માં અમિત ભટ્ટે બંને દીકરા સાથે કેમિયો કર્યો હતો.

સિરિયલમાં જેઠાલાલ મૂળ કચ્છી ગુજરાતી જૈન છે અને ભચાઉથી મુંબઈ આવ્યા હોય છે. મુંબઈમાં તે ‘ગડા ઇલેક્ટ્રોનિક્સ’ નામની દુકાન ચલાવે છે. રિયલ લાઇફની વાત કરીએ તો દિલીપ જોશીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે 'મૈંને પ્યાર કિયા'માં રામુનો રોલ ભજવીને એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. ત્યારબાદ દિલીપ જોશીએ અઢળક ગુજરાતી નાટકો તથા સિરિયલમાં કામ કર્યું છે. દિલીપ જોશીની દીકરી નિયતિએ ડિસેમ્બર, 2021માં લગ્ન કર્યાં હતાં. દિલીપ જોશી મુંબઈમાં પેરેન્ટ્સ, પત્ની જયમાલા તથા દીકરા રિત્વિક સાથે રહે છે.

સિરિયલમાં પીકુ બનતા અઝહરના પેરેન્ટ્સ બતાવવામાં આવ્યા નથી. ઉંમરમાં ટપુસેનાનો સૌથી મોટો સભ્ય છે. સિરિયલમાં એવું બતાવવામાં આવ્યું છે કે તેના પિતા મિસ્ટર સહાય તથા માતા દીપિકા સહાય રૉ એજન્ટ છે અને તે વર્ષોથી વિદેશમાં રહે છે. રિયલ લાઇફની વાત કરીએ તો અઝહરનો જન્મ મુંબઈમાં થયો છે. રિયલ લાઇફમાં તેના પિતા મુખ્તાર શેખ પોલીસમેન છે. તે મુંબઈમાં પિતા, માતા નઝ્મા તથા બહેન અસાફિયા સાથે રહે છે.

હવે આપણે જોઈએ કે અત્યાર સુધી કોણે કોણે આ સિરિયલનો સાથ છોડ્યો છે.....

સિરિયલમાં આત્મારામ ભીડે (મંદાર ચાંદવાડકર)ને પોતાના સ્કૂટર ‘સખારામ’ પ્રત્યે ઘણો જ પ્રેમ છે. શરૂઆતમાં સિરિયલમાં બ્લેક રંગનું સ્કૂટર બતાવવામાં આવતું હતું અને તે વારંવાર ખરાબ થઈ જતું હતું. ત્યારબાદ માધવીભાભી (સોનાલિકા જોષી)એ પોતાની વેડિંગ એનિવર્સરી પર ભીડે ને પીળા રંગનું નવું સાઇડકારવાળું સ્કૂટર ગિફ્ટ કર્યું હતું, જેનું નામ તેણે ‘સખારામ’ પાડ્યું છે.

સિરિયલ શરૂ થઈ ત્યારે ગોકુલધામ સોસાયટીનું ઇન્ડોર શૂટિંગ કાંદિવલીમાં કરવામાં આવતું હતું અને આઉટડોર શૂટિંગ ફિલ્મસિટીમાં થતું હતું. જોકે, આ રીતે બે અલગ-અલગ જગ્યાએ શૂટિંગ કરવામાં ટાઇમ ઘણો જ જતો હતો. આથી જ મેકર્સે ઇન્ડોર શૂટિંગનો સેટ પણ ફિલ્મસિટીમાં જ બનાવવાનું નક્કી કર્યું હતું.

સિરિયલમાં જેઠાલાલ (દિલીપ જોષી)ની ગડા ઇલેક્ટ્રોનિક્સ 2008-2022 સુધી ખાર વિસ્તારમાં આવેલી હતી. આ દુકાનના અસલી માલિકનું નામ શેખર ગડિયાર છે. જોકે, કોરોના બાદ દુકાન જે વિસ્તારમાં આવેલી છે તે ગલી ઘણી જ સાંકડી પડતી હતી અને શૂટિંગમાં અડચણ આવતી હતી. આ જ કારણે 2022માં મુંબઈના ફિલ્મસિટીમાં દુકાન શિફ્ટ કરવામાં આવી.

ભવ્યએે આ શોમાં 2008થી સિરિયલની શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. ભવ્યે આ શોમાં નવ વર્ષ (2017) સુધી કામ કર્યું હતું. જ્યારે તેણે આ સિરિયલ છોડી ત્યારે તે મીઠીબાઈ કોલેજમાં B.Comના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ભવ્ય ગાંધીએ જ્યારે શો છોડ્યો ત્યારે પ્રોડ્યૂસર અસિત મોદી સાથે ઘણો જ વિવાદ થયો હતો. બંનેએ એકબીજા સામે આરોપ-પ્રત્યારોપો મૂક્યા હતા. ભવ્ય ગાંધીને બદલે નવો એક્ટર લેવાનો નિર્ણય લીધો હતો. ભવ્ય ગાંધીને બદલે રાજ અનડકટને લેવામાં આવ્યો હતો.

સિરિયલના કોન્ટ્રેક્ટ પ્રમાણે, સિરિયલમાં કામ કરતા કલાકારો અન્ય બીજું કોઈ કામ કરી શકે નહીં. પછી ભલે તેમને મહિનામાં 15 દિવસ ઘરે જ કેમ ના બેસવાનું હોય. આ જ કારણે શૈલેષ લોઢા તથા રાજ અનડકટે શો છોડી દીધો હતો. રાજ વેબ સિરીઝ તથા મ્યૂઝિક વીડિયોમાં કામ કરવા માગે છે. તેણે ટીવી એક્ટ્રેસ કનિકા માન સાથે મ્યૂઝિક વીડિયો 'સોરી સોરી'માં કામ કર્યું હતું.

શૈલેષ લોઢા છેલ્લાં 14 વર્ષથી આ સિરિયલમાં કામ કર્યું હતું, પરંતુ તેમને ઓછું ફૂટેજ મળતું હોવાથી તેઓ આ વાતથી નારાજ હતાં. સિરિયલના ઘણા એક્ટર્સ શૈલેષ લોઢાની વિરુદ્ધમાં હોવાનું માનવામાં આવ્યું હતું. શૈલેષ લોઢા દેશના જાણીતા કવિમાંથી એક છે. શૈલેષ લોઢાની પત્ની સ્વાતિ જાણીતા મેનેજમેન્ટ ઑથર છે. તેમને દીકરી સ્વરા છે. હવે ટીવી એક્ટર સચિન શ્રોફ આ રોલ પ્લે કરે છે.

સૂત્રોના મતે, અભિનેત્રી તથા શોના પ્રોડ્યૂસર અસિત મોદી વચ્ચે મતભેદ થવાને કારણે નેહાએ આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે નેહા પ્રોડ્યૂસર અસિત મોદી સાથે કેટલીક બાબતોનો યોગ્ય ઉકેલ લાવી શકી નહીં. આ શો છોડ્યા બાદ નેહા ગુજરાતી ફિલ્મ 'હલકી ફુલકી'માં જોવા મળી હતી. નેહાના સ્થાને હાલમાં આ રોલ સુનૈના ફોજદાર પ્લે કરી રહી છે.

‘દયાભાભી’ તરીકે દિશા વાકાણી ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. શોમાં દયાભાભી કોઈ પણ વાતે ‘હે મા, માતાજી’ બોલતાં હતાં અને આ વાત દર્શકોને હંમેશાં યાદ રહી ગઈ છે. આ ઉપરાંત દયાભાભી કોઈ પણ પ્રસંગે ગરબા રમે તે વાત પણ ચાહકો ભૂલ્યા નથી. શોમાં દયાભાભીની આગવી લઢણ લોકપ્રિય હતી. જોકે, વર્ષ 2017માં દિશાએ સપ્ટેમ્બર મહિનામાં મૅટરનિટી લીવ લીધી હતી અને તે સમયે એવી ચર્ચા હતી કે દિશા માર્ચ, 2018માં શોમાં પરત ફરશે. જોકે, જૂન, 2022માં સિરિયલના પ્રોડ્યસૂરે કન્ફર્મ કર્યું કે દિશા હવે ક્યારેય આ શોમાં પરત ફરશે નહીં. નોંધનીય છે કે દિશાએ મે, 2022માં દીકરાને જન્મ આપ્યો હતો. દિશા હવે બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. સિરિયલમાં હજી સુધી નવાં દયાભાભી લેવામાં આવ્યાં નથી.

મોનિકાએ પોતાની ફી વધારવાની ડિમાન્ડ કરી હતી. જોકે, લાંબી ચર્ચા-વિચારણા બાદ પણ મોનિકાની ફીમાં વધારો ના થયો તો તેણે 2019માં આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. શોમાં બાવરીનું પાત્ર ઘણું જ મનોરંજક હતું. ‘હાય હાય, ગલતી સે મિસ્ટેક હો ગઈ’ એ તેનો તકિયાકલામ હતો, જે ખાસ્સો પ્રચલિત થયો હતો. આ ઉપરાંત તે જેઠાલાલ (દીલિપ જોશી)નાં વિવિધ નામો પાડતી હતી અને તેમને હેરાન કરતી હતી. બાવરી તથા બાઘાનો રોમાન્સ પણ ચાહકોને ગમતો હતો. મોનિકાએ આ શોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. હવે શોમાં ટીવી એક્ટ્રેસ નવીના વાડેકર આ રોલ પ્લે કરી રહી છે.

ઝીલ મહેતાએ નવ વર્ષની ઉંમરે 'તારક મહેતા..'માં કામ કરવાની શરૂઆત કરી હતી. ઝીલ આ શોમાં ‘સોનુ ભીડે’નું પાત્ર ભજવતી હતી. અભ્યાસને કારણે તેણે આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો.ઝીલ મહેતાને દસમા ધોરણમાં 93 ટકા આવ્યા હતા અને પછી તેણે BBAમાં એડમિશન લીધું હતું. ઝીલ મહેતાએ શો છોડ્યો પછી નિધિ ભાનુશાલીએ આ રોલ પ્લે કર્યો હતો.

2012થી સોનુનું પાત્ર નિધિ ભાનુશાલી ભજવતી હતી પરંતુ એક્ટ્રેસ કામ તથા અભ્યાસ વચ્ચે બેલેન્સ રાખી શકતી નહોતી. આથી જ તેણે ભણવા માટે થઈને આ શો 2019માં છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાની સોનુનું પાત્ર ભજવી રહી છે. આમ સોનુનું પાત્ર ત્રીજીવાર નવું આવ્યું.

સિરિયલમાં સોઢીનો રોલ ટીવી એક્ટર ગુરુચરણ સિંહ પ્લે કરે છે. ગુરુચરણે વર્ષ 2008થી વર્ષ 2013 સુધી આ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, પછી મેકર્સને ગુરુચરણ સામે વાંધો પડ્યો હતો અને તેને કારણે ગુરુચરણે શો છોડી દીધો હતો. જોકે, તે સમયે ચર્ચા હતી કે ગુરુચરણ સેટ પર મોડો આવે છે અને તેના આવા વલણથી મેકર્સે તેને શોમાંથી કાઢી મૂક્યો હતો. ગુરુચરણને સ્થાને 2014માં લાડ સિંહ માન આવ્યો હતો. 2020થી ગુરુચરણે ફરી આ સિરિયલ છોડી દીધી હતી. હવે તેના સ્થાને બલવિંદર સિંહ સૂરી આ રોલ પ્લે કરે છે.

ગુરુચરણ સિંહે શો છોડ્યા બાદ સિરિયલમાં રોશન સિંહ સોઢીનો રોલ ટીવી એક્ટર લાલ સિંહ માને ભજવ્યો હતો. જોકે, લાલ સિંહ માને માત્ર એક જ વર્ષ આ શોમાં કામ કર્યું હતું. ચાહકોને સોઢીના રોલમાં લાડ સિંહ માન પસંદ આવ્યો નહોતો અને આ જ કારણે મેકર્સે તેને રિપ્લેસ કર્યો હતો અને તેના સ્થાને ફરી વાર ગુરુચરણ સોઢીને લાવ્યા હતા.

વર્ષ 2013માં જેનિફર મિસ્ત્રીના સ્થાને દિલખુશ રિપોર્ટરને લેવામાં આવી હતી. જોકે, ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2016માં દિલખુશે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. ચર્ચા હતી કે દિલખુશની તબિયત સારી રહેતી ના હોવાને કારણે તેણે શો છોડવાનું નક્કી કર્યું હતું. જોકે, દિલખુશે એવું કારણ આપ્યું હતું કે ડેઈલી સોપમાં વધુ કામના વધુ કલાકો હોય છે અને તે પોતાના પરિવારને પૂરતો સમય આપી શકતી નથી. હવે તે પરિવારને વધુ સમય આપવા ઈચ્છે છે અને તેથી જ તેણે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. દિલખુશે શો છોડતાં ફરી મિસિસ રોશનના રોલમાં જેનિફર મિસ્ત્રીને લેવામાં આવી હતી.

સિરિયલમાં પ્રિયા આહુજા રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી હતી. રીટાએ આ શોમાં 2008થી લઈ 2010 સુધી કામ કર્યું હતું. ત્યારબાદ તેણે પાછો 2013માં શો જોઈન કર્યો હતો. જોકે, વચ્ચે તેણે મૅટરનિટી લીવ પણ લીધી હતી. પ્રિયા આહુજાએ આ સિરિયલના ડિરેક્ટર માલવ સુરેશ રાજડા સાથે લગ્ન કર્યાં છે. 2010થી 2013 દરમિયાન પ્રિયા આહુજાના બદલે શોમાં નિધિ નૌટિયાલ આ રોલ પ્લે કરતી હતી.

વર્ષ 2008થી સિરિયલમાં નટુકાકાના રોલમાં ઘનશ્યામ નાયક જોવા મળતા હતા. જોકે, 2020માં લૉકડાઉન બાદ સિનિયર સિટીઝન સેટ પર આવી શકે નહીં તેવા નિયમને કારણે તેઓ સિરિયલમાં જોવા મળતાં નહોતા. ત્યારબાદ તેમને કેન્સર થયું હતું અને તેઓ સિરિયલમાં આવતા નહોતા. 3 ઓક્ટોબર, 2021ના રોજ ઘનશ્યામ નાયકનું અવસાન થયું હતું. તેમના સ્થાને હવે કિરણ ભટ્ટ આ રોલ પ્લે કરે છે.

કવિ કુમારે આ શોમાં 2009થી 2018 સુધી કામ કર્યું હતું. જોકે, 2018માં કાર્ડિએક અરેસ્ટને કારણે કવિ કુમાર આઝાદનું અવસાન થયું હતું અને ત્યારબાદ ડૉ. હાથીના રોલમાં નિર્મલ સોનીને લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...