અફઘાનિસ્તાન પર તાલિબાની લોકોએ કબ્જો કરી લીધો છે, તેવામાં પોતાના દેશથી દૂર રહી અભ્યાસ કરતા યુવાનોમાં ચિંતા પ્રસરી છે. ભારતમાં અને ગુજરાતમાં રહી અભ્યાસ કરતાં બિદ્યાર્થીઓ જ્યારે પોતાના પરિવાર સાથે વાત કરે છે ત્યારે તેમનો પરિવાર જ આ યુવાનોને ભારતમાં જ રહેવા અને કઈ પણ થાય અફઘાનિસ્તાન પરત ન આવવા કહે છે. આ વિદ્યાર્થીઓના પરિવાર માને છે કે અફઘાનિસ્તાનમાં ગમેત્યારે કઈપણ થઈ શકે છે અને એટલે તેમના સંતાનો ભારતમાં વધુ સુરક્ષિત છે.
ફોન પર ફાયરિંગનો અવાજ સંભાળાય છે
સુરતમાં રહીને અભ્યાસ કરતી કાબુલની વિદ્યાર્થીનીએ રડતા-રડતા દિવ્ય ભાસ્કર સાથે પોતાની વેદના વ્યક્ત કરી જણાવ્યુ કે જ્યારે ફોન પર ઘરે વાત કરુ છું, ત્યારે ફાયરિંગની આવજ સંભળાઇ રહ્યો છે. માતા-પિતાને ભારત લાવવા માટે પ્રયાસ કરી રહી છુ, પણ વિઝા નથી મળી રહ્યાં, હુ નિઃસહાય છું ભારતને મદદ માટે અપીલ કરુ છુ. મારા પિતા આર્મીમાં કર્નલ હતા. તાલિબાને તેમને આર્મી છોડી તેમની સાથે જોડાઈ જવા ધમકી આપી હતી. મારા પિતા પર તાલિબાનોએ હુમલો પણ કર્યો હતો જેમાં અલ્લાહની મહેરબાની બચી ગયા હતા.
તાલિબોનો ભલે શાંતિની અપીલ કરે, પરંતુ કશુ બરોબર નથી
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મુસ્તફા કુરેશીનું કહેવું છે કે પરિવારજનો તેને દેશમાં આવવાની ના કહી રહ્યા છે, જ્યાં છે ત્યાં જ રહેવા માટે કહી રહ્યાં છે. પરિવારમાં માતા-પિતા અને એક ભાઇ છે. ફોન પર વાતો કરતા ભાવુક થઇ જવાય છે, કેમ કે તેઓ ભયજનક સ્થિતીમાં છે, છતાંય કાઇ નથી કરી શકાતું. જોકે તાલિબાનીઓએ ત્યાંના સ્થાનિક લોકોને નુકસાની નહિ પહોંચાડે તેવી બાહેંધરી આપી છે, છતાંય હાલની સ્થિતીને જોતા લોકોમાં ડરનો માહોલ છે. અમારા ગ્રૂપમાં 4-5 વિદ્યાર્થીઓ એવા છે જેમનો અભ્યાસ પૂરો થઇ ગયો હોવા છતાં અહીં રહીને ફરીથી અન્ય કોર્ષમાં પ્રવેશ મેળવીને અહિં રહેવા માંગે છે. તેમના પરિવારજો પણ તેમ ઇચ્છી રહ્યાં છે.
પોલીસકર્મી અને આર્મીના પરિવાર પર મોટો ખતરો
વડોદરામાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી કહેવુ છે કે, તેનું ઘર કાબુલમાં છે, તેના પરિવારના સભ્ય પોલીસ ફોર્સ સાથે જોડાયેલો છે, જેથી તેના પરિવારને મોટો ખતરો રહેલો છે. તાલિબાનીઓ આર્મી-પોલીસ તથા તેના પરિવારજનોને નિશાન બનાવી રહ્યા છે. જેના કારણે તેને વધુ ચિંતા છે. તેનું કહેવું છે કે પરિવારજનો કહી રહ્યાં છે કે ભલે ગમે તે થાય, પરંતુ તે અહિં ભારતમાં જ રહે અને સુરક્ષિત રહે.
પરિવારજનો ભારતમાં જ રહી આગળ અભ્યાસ કરવા કહે છે
વડોદરામાં રહીને અભ્યાસ કરતા મોહમ્મદ પરવેઝે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે, તેનું ઘર ફરવાન પ્રાંતમાં છે. એક વર્ષ પહેલા તાલિબાની હુમલામાં માંરૂ ઘર સળગાવી દેવામાં આવ્યું હતુ. આ ઘટના બાદ પરિવાર ડરના માર્યા અમને ભારતમાં જ રહી ફરીથી અભ્યાસ કરવા કે નોકરી કરવા રોકાઇ જવાનો આગ્રહ કરી રહ્યાં છે. તાલિબાનીઓ લોકોના ઘરમાં પૈસા માંગી રહ્યા છે અને તેમને મહેમાન ગણીને ખાવા-પીવાનું આપે તેવી પણ માગ કરી રહ્યાં છે. એક તરફ ડર અને આ પ્રકારની માગથી લોકો પરેશાનન થઇ રહ્યાં છે. તાલિબાન ભલે શાંતિથી સત્તા સંભાળવાનો દાવો કરી રહ્યાં હોય, પરંતુ ત્યાંના લોકોને તેમના પર વિશ્વાસ નથી, ગમે ત્યારે, કંઇ પણ થઇ શકે છે.
ICCR સ્કોલરશિપથી આવેલ વિદ્યાર્થીઓને મદદ માટે તૈયાર
ICCR અમદાવાદ વિભાગના ડિરેકટર જીગર ઇનામદારે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે ICCRની સ્કોલરશિપ મારફતે ગુજરાતમાં ભણવા આવેલ અફઘાની વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરી રહ્યાં છે. સાથે-સાથે જેમનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે, અને હાલની સ્થિતીને જોતા અહિ રોકાવા માંગતા હોય, તો તેમની અરજીના આધારે હેડ ક્વાર્ટર સાથે ચર્ચા કર્યા બાદ તેમની વ્યવસ્થા કરવાની પણ અમારી તૈયારી છે.
ગુજરાતમાં 133 અફઘાની વિદ્યાર્થીઓ છે
ગુજરાતમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન (ICCR)ની સરકારી સ્કોલરશિપ મેળવનાર 99 વિદ્યાર્થીઓ અભ્યાસ રહી રહ્યાં છે, જ્યારે 34 વિદ્યાર્થીનો ભણવાનું પૂરું થઈ ગયું છે. આ લોકો ગુજરાત યુનિવર્સિટી, GTU, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ સિવાય ખાનગી યુનિવર્સિટીમાં પણ અફઘાની વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.