એક્સક્લૂઝિવ:પોર્ટ, એરપોર્ટ, ગ્રીન એનર્જી બાદ સિમેન્ટ ક્ષેત્રે અદાણીએ ઝંપલાવ્યું; રૂ. 35,000 કરોડના રોકાણ સાથે કચ્છમાં પ્લાન્ટ સ્થાપશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી. - Divya Bhaskar
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી.
  • કચ્છના સિમેન્ટ પ્લાન્ટમાં વાર્ષિક 1 કરોડ ટનનું ઉત્પાદન કરશે
  • અદાણી સિમેન્ટ પ્રોજેક્ટ માટે જૂનમાં અલગ કંપની પણ બનાવી છે

પોર્ટ, એરપોર્ટ સંચાલન, ગ્રીન એનર્જી બાદ સિમેન્ટ ક્ષેત્રે પણ અદાણી ગ્રુપે​ ઝંપલાવ્યું છે. ગત વર્ષે એરપોર્ટ મેનેજમેન્ટ સર્વિસીઝમાં આવ્યા બાદ કંપની હવે સિમેન્ટનું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રા તાલુકાના ટૂંડાવાંઢ ગામ પાસે એક ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ સ્થાપશે. આ અંગે રેગ્યુલેટરી અને પર્યાવરણને લગતી મંજૂરીઓ માટે કંપની ઓક્ટોબરમાં અરજી કરેલી છે.

સિમેન્ટ પ્લાન્ટની પ્રતીકાત્મક તસવીર.
સિમેન્ટ પ્લાન્ટની પ્રતીકાત્મક તસવીર.

સિમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે
અદાણી ગ્રુપે સિમેન્ટ પ્રોજેક્ટમાં આવવા માટે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના નેજા હેઠળ જૂન 2021માં અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની એક કંપની પણ બનાવવાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી આ સિમેન્ટ પ્રોજેક્ટમાં તબક્કાવાર રૂ. 35,000 કરોડનું રોકાણ કરી શકે છે. કેન્દ્ર સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, નવેમ્બરમાં પર્યાવરણ વિભાગમાં અદાણીની પ્રપોઝલ અંગે ચર્ચા થઈ હતી. જોકે હજુ સુધી આ અંગે કંપની તરફથી કોઈ આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. દિવ્યભાસ્કરે જાણકારી મેળવવા અને કન્ફર્મ કરવા અદાણી ગ્રુપને એક ઈ-મેલ પણ કર્યો છે.

શું છે આ પ્રોજેક્ટ?

  • સિમેન્ટ પ્લાન્ટ: 60 લાખ ટન વાર્ષિક ક્ષમતા
  • ક્લિંકર પ્લાન્ટ: 40 લાખ ટન પ્રતિ વર્ષ
  • સેમી કોક યુનિટ: 2030 કિલો ટન પર યર

કંપનીએ મુન્દ્રામાં 800 એકર જમીન આઇડેન્ટિફાઈ કરી
કંપનીએ સિમેન્ટ પ્રોજેક્ટ માટે કચ્છના મુન્દ્રામાં 800 એકર જમીન આઇડેન્ટિફાઈ કરી છે. આ જમીન અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની માલિકીના સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં આવેલી છે. જમીનને બિન-SEZ જમીન તરીકે ડિ-નોટિફાઈડ કરવામાં આવશે અને વ્યાપારી ધોરણે અદાણી એન્ટરપ્રાઈઝને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.

અદાણી મુંદ્રા પોર્ટ (ફાઇલ ફોટો).
અદાણી મુંદ્રા પોર્ટ (ફાઇલ ફોટો).

મહારાષ્ટ્રમાં પણ એક સિમેન્ટ પ્લાન્ટ બનાવશે
અગાઉના મીડિયા રિપોર્ટ પ્રમાણે, અદાણી એન્ટરપ્રાઇઝ મહારાષ્ટ્રના રાયગઢ ડિસ્ટ્રિક્ટમાં 50 લાખ ટનનો સિમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પ્લાન કરી રહી છે. પ્રારંભિક તબક્કે આ પ્રોજેક્ટમાં કંપની રૂ. 1000 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ માટે 25 એકર જમીન પણ ખરીદવામાં આવી છે.

ગૌતમ અદાણી વિશ્વના 14મી સૌથી આમિર વ્યક્તિ
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હાલમાં વિશ્વની 14ની સૌથી ધનવાન વ્યક્તિ છે. ફોર્બ્સના રિયલટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની સંપત્તિ 17 ડિસેમ્બરના રોજ અંદાજે રૂ. 6 લાખ કરોડ (78.9 અબજ ડોલર) છે. સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં રૂ. 400થી વધીને રૂ. 1,643.50ના સ્તરે પહોંચી ગયો છે.

પોર્ટ બાદ હવે દેશમાં અમદાવાદ સહિત 5 એરપોર્ટ પર અદાણી ગ્રૂપનું રાજ