અદાણીનો આકરો નિર્ણય:ડ્રગ્સ પકડાયા બાદ અદાણી પોર્ટ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કરશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • 15 નવેમ્બરથી આ ત્રણ દેશમાંથી આવતાં શિપમેન્ટ અદાણી પોર્ટ પર નહીં ઊતરે
  • સપ્ટેમ્બરમાં કચ્છમાં અદાણીના મુંદ્રા પોર્ટથી અંદાજે 3000 કિલો ડ્રગ્સ પકડાયું હતું

સપ્ટેમ્બરમાં કચ્છના મુન્દ્રામાં આવેલા અદાણી ગ્રુપના અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (અદાણી પોર્ટ)માંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગની રેડમાં અફઘાનિસ્તાનથી આવેલાં 2 કન્ટેનરમાંથી આશરે 3000 કિલો ડ્રગ્સ પકડાયા બાદ આજે 11 ઓક્ટોબરે અદાણી પોર્ટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એક એડવાઇઝરી બહાર પાડી આ બાબતે પોતાના કસ્ટમર્સને જાણ કરી હતી.

15 નવેમ્બરથી આ ત્રણ દેશના કાર્ગો હેન્ડલિંગ બંધ થશે
ટ્રેડ એડવાઇઝરીમાં અદાણી પોર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુબ્રત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 15 નવેમ્બરથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કોઈપણ કાર્ગોનું હેન્ડલિંગ અદાણી પોર્ટ પર કરવામાં આવશે નહીં. આ સાથે કંપની દ્વારા સંચાલિત અન્ય થર્ડ પાર્ટી ટર્મિનલ્સ પર પણ આ દેશોથી આવતાં શિપમેન્ટનું હેન્ડલ કરવામાં આવશે નહીં.

અદાણી પોર્ટે જાહેર કરેલી ટ્રેડ એડવાઇઝરીની કોપી.
અદાણી પોર્ટે જાહેર કરેલી ટ્રેડ એડવાઇઝરીની કોપી.

કાર્ગો હેન્ડલિંગ અટકાવવાનું કારણ નથી અપાયું
કંપનીએ જે ટ્રેડ એડવાઇઝરી જાહેર કરી છે એમાં આ ત્રણ દેશમાંથી કાર્ગો હેન્ડલિંગ સર્વિસ બંધ કેમ કરવામાં આવી છે એ અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જાણકારો માને છે કે કચ્છમાં અદાણીના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયા બાદ કંપની સવાલોના ઘેરામાં આવી ગઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ આ વાત ઊછળી હતી. એને કારણે આ નિર્ણય લેવાયો હોય શકે છે. ત્યાર બાદ અદાણી ગ્રુપે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે કાયદો ભારત સરકારના કસ્ટમ્સ અને DRI જેવા સક્ષમ અધિકારીઓને ગેરકાયદે કાર્ગો ખોલવા, તપાસવા અને જપ્ત કરવાની સત્તા આપે છે. દેશભરમાં કોઈ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ કરી શકતું નથી. તેમની ભૂમિકા બંદર ચલાવવા સુધી મર્યાદિત છે.

દેશના કાર્ગો હેન્ડલિંગમાં અદાણીનો 25% હિસ્સો
અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી મોટું કોમર્શિયલ બંદરોનું ઓપરેટર છે, જે દેશમાં કાર્ગોની હેરફેરમાં લગભગ 25% હિસ્સો ધરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓડિશાનાં સાત દરિયાઇ રાજ્યોમાં 13 સ્થાનિક બંદર પર કંપની સંચાલન કરે છે.

અન્ય સમાચારો પણ છે...