અદાણી ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટીએ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમથી નજીક કોટેશ્વર વિસ્તારમાં આશરે 100 એકર જેટલી જમીનની ખરીદી કરી છે. જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે સાબરમતી નદી પર જે રિવરફ્રન્ટનો ભાગ ડેવલપ થઈ રહ્યો છે એની નજીક આ જમીન આવેલી છે અને કંપની એના પર એમ્યુઝમેન્ટ પાર્ક અથવા રિસોર્ટ બનાવે એવી સંભાવના છે. જાણકારોના કહેવા પ્રમાણે, આ જગ્યા અદાણીએ લગભગ ત્રણ વર્ષ પહેલાં જ હસ્તગત કરી લીધી છે.
અદાણી ગ્રુપે ઇ-મેલનો હજુ સુધી જવાબ આપ્યો નથી
આ અંગે દિવ્ય ભાસ્કરે આ બાબતે અદાણી ગ્રુપને 25 ફેબ્રુઆરીએ એક ઇ-મેલ કરી આ જમીન અંગે અને એના પરના સંભવિત પ્રોજેક્ટ અંગે વિગતો માગી હતી, જોકે ચાર દિવસ થયા તોપણ કંપની તરફથી આ અંગે કોઈપણ જવાબ આપવામાં આવ્યો નથી.
સ્ટ્રેટેજિક લોકેશન પર આવેલી છે જમીન
જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ, આ જમીન સ્ટ્રેટેજિક લોકેશન પર આવેલી છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટનો બીજો ભાગ ડેવલપ થઈ રહ્યો છે. આ 100 એકર જેવી જગ્યા નવા બની રહેલા રિવરફ્રન્ટથી એકદમ નજીક છે. આ સાથે જ પૂર્વ અમદાવાદ અને ઉત્તર અમદાવાદને જોડતો એક રસ્તો પણ અહીં બની રહ્યો છે, જે આવનારા એક કે બે વર્ષમાં શરૂ થઈ જવાની સંભાવના છે.
કોટેશ્વર વિસ્તારના સંભવિત ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી જમીન ખરીદી
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાંનું મોટેરા અને કોટેશ્વરમાં બહુ ખાસ ડેવલપમેન્ટ ન હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટ અને મોટેરા સ્ટેડિયમ જે રીતે નવેસરથી બન્યું એને કારણે આ વિસ્તારની કાયાપલટ શરૂ થઈ છે. ટીપી ખૂલવાને કારણે નવા રસ્તાઓ બની રહ્યા છે અને આ તરફનો રિવરફ્રન્ટ પણ બની રહ્યો છે, એને કારણે કોટેશ્વર વિસ્તારમાં આવનારા સમયમાં ડેવલપમેન્ટ વધશે. જાણકારો માને છે કે અદાણી ગ્રુપનું આ લોકેશનમાં સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ હોઇ શકે છે.
બીજા તબક્કાનો રિવરફ્રન્ટ બની રહ્યો છે
સાબરમતી નદી પર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે રિવરફ્રન્ટના બીજા તબક્કાનું કામ શરૂ થઈ રહ્યું છે. નદીનો એક ભાગ કોટેશ્વરમાંથી પસાર થશે અને એની આસપાસ અત્યારે ઘણાં ડેવલપમેન્ટ પણ થઈ રહ્યાં છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા રોડ પણ બની રહ્યા છે. આ બધાને કારણે કોટેશ્વર અને મોટેરા વિસ્તારમાં રિયલ એસ્ટેટનું બહોળા પ્રમાણમાં ડેવલપમેન્ટ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.