તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Be Alert, According To A Gynecological Society Study, Mortality, Miscarriage And Pre mature Delivery In Pregnant Women With Coronary Heart Disease Increased

સાવધાન:ગાયનેક સોસાયટીના સ્ટડી મુજબ કોરોનાગ્રસ્ત પ્રેગ્નન્ટ મહિલાઓમાં મૃત્યુદર, મિસ્કેરેજ અને પ્રી-મેચ્યોર ડિલિવરી વધી

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • પ્રેગ્નન્ટ અને ઘાત્રીમાતાએ પણ ઝડપથી વેક્સિન લેવા જાણકારોની સલાહ
  • કોરોના દરમિયાન 7% પ્રેગ્નન્ટ મહિલાઓમાં ઇન્ટેન્સિવ કેરની જરૂર પડી

ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેકોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (FOGSI)એ કોરોના દરમિયાન પ્રેગ્નન્ટ મહિલાઓ પર કોરોનાની કેવી અસર રહી છે તે અંગે એક અભ્યાસ કર્યો હતો. આ સ્ટડીનાં તારણો ઘણાં જ ચિંતાજનક રહ્યા છે. પ્રેગ્નન્ટ મહિલાઓમાં કોરોના થવાથી, તેની સીધી અસર અંગે કરેલા અભ્યાસમાં માતાનો મૃત્યુ દર વધ્યો હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જ મિસ્કેરેજ અને પ્રી-મેચ્યોર ડિલિવરીના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે.
60 હોસ્પિટલની 4000 કોરોનાગ્રસ્ત મહિલા પર અભ્યાસ
કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન પ્રસૂતા મહિલાઓના કોવિડ સંક્રમણ અંગે થયેલા અભ્યાસ માટે દેશભરમાંથી વિવિધ રાજ્યોની કુલ 60 હોસ્પિટલની 4000 જેટલી કોરોનાગ્રસ્ત પ્રસૂતા પર સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાં માર્ચ-2020થી લઇને જુલાઇ-2021 સુધીના સમયગાળામાં કોરોના થવાથી પ્રેગ્નન્ટ મહિલાઓમાં તથા બાળકોમાં કેવી અસર જોવા મળે છે, એ અંગેનાં તારણો કાઢવામાં આવ્યાં છે. હાલ પહેલી લહેરના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યુ છે, જેમાં 1000 મહિલાના ડેટાનું વિશ્લેષણ કરી, એનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

FOGSIના પૂર્વ પ્રમુખ અલ્પેશ ગાંધી.
FOGSIના પૂર્વ પ્રમુખ અલ્પેશ ગાંધી.

કોરોનામાં પ્રેગ્નેન્ટ મહિલાઓમાં મૃત્યુદર 7-8 ગણો વધ્યો
FOGSIના પૂર્વ પ્રમુખ અલ્પેશ ગાંધીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ કે સામાન્ય દિવસોમાં પ્રસુતા મહિલાઓમાં માતા મૃત્યુ દર જોવામાં આવે તો, કોરોના પહેલા પ્રેગ્નેન્ટ મહિલાઓમાં જે મૃત્યુદર અથવા સિવિયારિટી રેટ હતો તેના કરતાં કોરોનામાં આ દર 7-8 ગણો વધારે જોવા મળ્યો છે. અમે જે 4000 મહિલાઓ પર સ્ટડી કર્યો છે તે મુજબ અગાઉ 1000 સુવાવાડના કિસ્સામાં 1-2 માતાઓ મૃત્યુ પામતી તેની સામે કોવિડ દરમિયાન આ રેશિયો પોઝિટીવ મહિલામાંથી 10 મહિલાના કોરોનાથી મોત નોંધાયા છે.
પ્રી-મેચ્યોર ડિલિવરીના કિસ્સા 19-20% સુધી પહોંચ્યા
સુરત સ્મિમેર કોલેજના ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો. અશ્વિન વાછાણીએ જણાવ્યું કે સ્મિમેર હોસ્પિટલમાં 190 જેટલી પ્રસુતા મહિલાઓમાં પોઝિટિવ કિસ્સા આવ્યા, જેમાંથી 20%ની પ્રીમેચ્યોર ડિવિવરી થઇ હતી. તકેદારીના ભાગરૂપે ગંભીર કિસ્સાઓમાં કોવિડની અસર બાળક સુધી ન પહોંચે તે માટે વહેલી ડિલિવરી કરવામાં આવી હતી. અભ્યાસના ડેટા પ્રમાણે કોરોના પહેલા દેશમાં પ્રીમેચ્યોર ડિલિવરી 13% હતી, જે કોરોના કાળમાં 19-20% સુધી પહોંચી ગઈ હતી

સુરત સ્મિમેર કોલેજના ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો. અશ્વિન વાછાણી.
સુરત સ્મિમેર કોલેજના ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો. અશ્વિન વાછાણી.

મિસ્કેરેજના 27%, સીઝેરિયનના કિસ્સા 59% નોંધાયા
જામનગર મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર નલિની આનંદનું કહેવુ છે કે પહેલી લહેર કરતા બીજી લહેરમાં સ્થિતિ ગંભીર જોવા મળી છે. બની શકે કે પ્રેગ્નન્ટ મહિલાઓમાં વેક્સિનેશની શરૂઆત મોડેથી થઇ, જેથી આ સ્થિતી સર્જાઇ. પરંતુ એવી આશા છે હવે ધાત્રી માતા-પ્રેગ્નન્ટ મહિલાઓએ વેક્સિન લેવાથી સુરક્ષિત બનશે. અભ્યાસના તારણ પ્રમાણે 1 હજાર કોરોના પોઝિટિવ મહિલા દર્દીઓમાં 27% બાળકો માતાના ગર્ભમાં જ મૃત્યુ થયા, જે સામાન્ય દિવસોમાં 12-15% જોવા મળે છે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત પ્રસૂતાઓમાં સીઝેરિયન ડિલિવરીની ટકાવારી 59% જોવા મળી જે સામાન્ય દિવસોમાં 20% હોય છે.

જામનગર મેડિકલ કોલેજના ગાયનેક વિભાગનાં હેડ અને પ્રોફેસર નલિની આનંદ.
જામનગર મેડિકલ કોલેજના ગાયનેક વિભાગનાં હેડ અને પ્રોફેસર નલિની આનંદ.

ભ્રામક વાતોથી દૂર રહી પ્રેગ્નન્ટ અને ધાત્રીમાતા વેક્સિન લે
અલ્પેશ ગાંધીનું કહેવુ છે કે પ્રેગ્નન્ટ મહિલાઓએ કોરોનાથી બચવા માટે અફવાથી દૂર રહીને વહેલી તકે રસી લેવાની જરૂર છે. એક અંદાજ પ્રમાણે દેશમાં 2.6 કરોડ પ્રેગ્નન્ટ મહિલા અને 2.6 કરોડ ધાત્રી માતાઓ છે, એટલે કે દેશમાં કુલ 5.2 કરોડ મહિલા એવી હતી કે જેમને વેક્સિનથી વંચિત હતી. જોકે મેડિકલ એસોસિએશન અને અન્ય ડોકટરોની મદદથી કેન્દ્ર સરકારેને વિનંતી બાદ 19મેના રોજ ધાત્રી માતા, બાદમાં 26 જૂને પ્રેગ્નન્ટ મહિલાઓને પણ વેક્સિનની શરૂઆત કરવામાં આવી છે. જેથી કોઇપણ પ્રકારના ભ્રમ કે વાતોમાં આવ્યા વિના ડોકટરની સૂચના પ્રમાણે વેક્સિન લેવી જોઇએ.

કોરોનામાં ઇન્ટેસિવ કેર-ICUની જરૂરિયાત વધી
સ્ત્રી રોગાના નિષ્ણાતોએ કરેલા આ અભ્યાસમાં સામાન્ય રીતે માત્ર 1% પ્રગ્નન્ટ મહિલામાં ઇન્ટેન્સિવ કેર અથવા ICUની જરૂર પડતી હોય છે, પરંતુ કોરોનામાં તેમાં પણ વધારો જોવા મળ્યો અને કોરોના દરમિયાન 7% પ્રેગ્નન્ટ મહિલાઓમાં ICU કે ઇન્ટેન્સિવ કેરની જરૂર પડી. કોરોના જેમ કોમોર્બિટ પ્રકારના દર્દીઓ માટે ઘાતક સાબિત થાય છે, તેવી જ રીતે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે જોખમ કારક સાબિત થયો હોવાનું જોવા મળ્યુ છે. ઉપરાંત આ પ્રકારની મહિલાઓમાં ઓક્સિજનની પણ મોટા પ્રમાણમાં જરૂરિયાત ઊભ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...