ભ્રષ્ટાચાર, ગેરરીતિથી માંડીને અપ્રમાણસરની મિલકત સંબંધી કેસો લાંચ-રુશવત વિરોધી બ્યૂરો દ્વારા અદાલતમાં મૂકવામાં આવે છે. લાંચ-રુશવત વિરોધી બ્યૂરો છેલ્લાં પાંચ વર્ષમાં 387 કેસ અદાલતમાં સાબિત કરવામાં સરેઆમ નિષ્ફળ ગયો હતો. જ્યારે 173 કેસ સાબિત કરવામાં સફળ રહેતાં આરોપીઓને સજા થઈ હતી, એટલે કે 648 કેસ પૈકી 560 કેસમાં ચુકાદો આવ્યો હતો. 560 કેસમાંથી 387 કેસમાં આરોપી નિર્દોષ છૂટ્યા હતા. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 69.11 ટકા કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે, એની સામે 30.89 ટકા આરોપીઓને જ સજા થઇ હતી.
ગત વર્ષ 2020ની વાત કરીએ તો લાંચ-રુશવત વિરોધી બ્યૂરો દ્વારા કરવામાં આવેલા કેસો પૈકીના 56 કેસનો અદાલતમાં નિકાલ થયો હતો. એમાં પણ 40 કેસ પૈકી 26 કેસ પુરવાર કરવામાં એસીબી નિષ્ફળ ગઇ હતી. ટકાવારીની દૃષ્ટિએ 65 ટકા કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા હતા, તો 14 કેસમાં કેસ સાબિત કરી શકતા આરોપીને સજા થવા પામી હતી. ટકાવારી પ્રમાણે જોઈએ તો 35 ટકા કેસોમાં જ એસીબી આરોપીઓને સજા અપાવવામાં સફળતા મેળવી હતી. આમ, લાંચ-રુશવત વિરોધી બ્યૂરો દ્વારા લાંચ લેતા અધિકારીને રંગેહાથ ઝડપી લીધા હોવાનું અવારનવાર મીડિયાને મોકલવામાં આવતી પ્રેસનોટમાં દર્શાવતા હોય છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવતા હોવા છતાં તેમની સામેના કેસ પુરવાર કરવામાં નિષ્ફળતા કેમ મળે છે એ એક ચર્ચાનો તથા તપાસનો વિષય બન્યો છે.
ગુજરાત તકેદારી આયોગ તરફથી જિલ્લા મુલાકાત વખતે જિલ્લા કલેકટર તથા પબ્લિક પ્રોસિક્યુટર (સરકારી વકીલ ) સાથેની બેઠકોમાં લાંચ-રુશવત વિરોધી બ્યૂરો દ્વારા કરવામાં આવતા કેસોની સમીક્ષા કરવામાં આવે છે. લાંચ-રુશવત વિરોધી બ્યૂરોએ કેસો અંગેની આયોગને આપેલી માહિતી અનુસાર, તા.31-12-2020ની સ્થિતિએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુના સબબ ફોજદારી કાર્યવાહી પડતર હોય એવા રાજ્યના અધિકારીઓ-કર્મચારીઓ સામે કુલ 1700 કેસ રાજ્યની વિવિધ અદાલતોમાં પડતર છે. એમાં પણ 2016 પહેલાંના પડતર કેસોની કુલ સંખ્યા 945 છે. આવા કેસોનો સત્વર નિકાલ થાય એ જરૂરી છે અન્યથા આવા કેસોમાં વિલંબને કારણે પુરાવાઓ ખાસ કરીને સાક્ષીઓની હયાતી અને ઉપલબ્ધતાની સંભાવના ઘણી ઓછી જવાને કારણે નિષ્ફળ જવાની શક્યતા-સંભાવના રહે છે.
રાજ્યના કયા શહેરની કોર્ટોમાં કેટલા કેસો પડતર
રાજ્યના જુદા જુદા જિલ્લાઓની કોર્ટોમાં પડતર 1700 લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના કેસો પૈકી મુખ્યત્વે સુરત શહેરમાં 191 કેસ, અમદાવાદ શહેરમાં 147 કેસ, વલસાડમાં 94 કેસ, બનાસકાંઠામાં 84 કેસ તથા વડોદરા શહેરની કોર્ટોમાં 83 કેસ પડતર છે. આ પાંચ જિલ્લામાં પડતર કોર્ટ કેસોની સંખ્યા ઘણી વધારે છે.
છેલ્લાં પાંચ વર્ષની સ્થિતિ
તા.31-12-2020ની સ્થિતિએ રાજ્યની જુદી જુદી કોર્ટમાં છેલ્લાં પાંચ વર્ષમાં 648 કેસનો નિકાલ થયો છે. કયા વર્ષમાં કેટલા કેસોનો નિકાલ થયો એની વિગતો નીચે દર્શાવી છે.
સમરી ક્યારે ભરાય છે?
'એ' સમરીમાં તપાસ દરમિયાન પોલીસને એવું લાગે કે કોગ્નિઝેબલ ગુનો બન્યો છે, પરંતુ ગુનો કોણે કર્યો છે એ ખ્યાલ આવતો નથી ત્યારે એ સમરી ભરવામાં આવે છે. 'બી' સમરીમાં કાં તો ફરિયાદ ખોટી છે અથવા તો ગેરસમજને કારણે ફરિયાદ નામજોગ આપવામાં આવી છે. જ્યારે 'સી' સમરી એટલે ફરિયાદ યોગ્ય છે, પરંતુ એ પોલીસના અધિકારક્ષેત્રમાં આવતી નથી અને સિવિલ નેચરની છે. એબેટેડમાં આઇપીસી 114 મદદકર્તા હોય, મૂળ ગુનો કરનાર બીજો હોય, પરંતુ તેને મદદ કરનારી વ્યક્તિને એબેટેડમાં ગણવામાં આવે છે.
સીઆરપીસીની કલમ 239ની જોગવાઈ મુજબ પોલીસ તપાસ કરીને 173 હેઠળ રિપોર્ટ, એટલે કે ચાર્જશીટ કોર્ટમાં મૂકે. ત્યારે કોર્ટ આરોપીઓ સામે મૂકેલી ચાર્જશીટ યોગ્ય છે કે નહીં એ ચકાસે છે. એમાં લાગે કે આરોપીએ પ્રથમદર્શનીય રીતે ગુનો કરેલો જણાતો ન હોય તેને ડિસ્ચાર્જ કરવાની કોર્ટને સત્તા છે. સીઆરપીસી કલમ 169 મુજબ, તપાસ કરનાર અધિકારી દ્વારા પકડવામાં આવેલી વ્યક્તિ સામે પૂરતો પુરાવો નથી તો તેને ગુનામાંથી વાજબી શકના કારણસર છોડી મૂકે છે અથવા તો તપાસ કરનાર અધિકારી આરોપીને મુક્ત કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરતા હોય છે.
કોર્ટમાં નિકાલ થયેલા કેસોની સ્થિતિ
2020ના વર્ષમાં કોર્ટમાં 56 કેસનો નિકાલ થયો હતો. એમાંથી 40 કેસ સાબિત થયા હતા તથા 16 કેસમાં નિર્દોષ જાહેર થયા હતા. વિભાગવાઇઝ શી પરિસ્થિતિ હતી એની વિગતો અહીં રજૂ કરી છે.
ACBને છટકામાં નિષ્ફળતા મળી
લાંચરુશવત વિરોધી બ્યૂરો દ્વારા ભ્રષ્ટાચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવે છે. લાંચરુશવત વિરોધી બ્યૂરોએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગોઠવેલાં છટકાંમાં કેટલાં સફળ રહ્યાં હતાં અને કેટલાં છટકાં નિષ્ફળ રહ્યાં હતાં. એસીબીના આંકડા તપાસીએ તો છટકાં નિષ્ફળ જવાની સંખ્યામાં વધારો નોંધાયો છે. એ અહીં જોઈએ.
એસીબી જ સૌથી મોટું કરપ્શનનું કેન્દ્ર છે - સિનિયર એડવોકેટ રાજેન્દ્ર શુકલ
સિનિયર એડવોકેટ ડો. રાજેન્દ્ર શુકલે કન્વિકશન રેટ ઓછો હોવા પાછળનાં કારણો અંગે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પોલીસ સામેનો ગુનો પોલીસ જ નોંધે છે અને પોલીસ જ તપાસ કરે છે. લાંચ લેતા પકડાવ તો લાંચ આપીને છૂટી જાઓ. સૌથી મોટું કરપ્શન કેન્દ્ર જ એસીબી છે. સમજી ગયા એક વાક્યમાં. આના કોઈ કાયદાકીય કારણો જ નથી. આ બધાં વ્યક્તિગત કારણો છે. એસીબીના કેસોની તપાસ પોલીસ જ કરે છે. એમાં પાછી લોબી ચાલે છે. સરકાર લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલાને છ મહિનામાં જ નોકરી પર લઇ લે છે. ત્યાં સુધી કે સજા થઇ હોય અને જેલમાં ગયા હોય તેમને પણ નોકરીમાં લઈ લે છે. આ સરકારનો બીજો વાંક છે. સજા થાય એટલે નોકરીમાંથી કાઢી મૂકવા જોઇએ. તેની જગ્યાએ માફ કરી દે અથવા ઠપકો આપીને છોડી દે છે. તમે તપાસ કરો.
તેમણે વધુમાં ઉદાહરણ ટાંકતાં કહ્યું હતું કે આર્મીમાં આર્મી તથા આર્મી પોલીસ બંને જુદા છે. આર્મીનો સોલ્જર કોઇ ગુનામાં પકડાય તો તેની સામેની તપાસ આર્મી પોલીસ કરે છે. આમાં તો આ જ લોકો એસીબીમાં હોય અને પછી ત્યાંથી બદલી પામીને પોલીસના બીજા વિભાગમાં જાય, પણ જૂના જોડીદાર તો હોય છે. બીજા વિભાગના અધિકારી કે કર્મચારીઓ પાસેથી લાંચ લઇ લે છે, એટલે તો હું કહું છું કે લાંચ આપતાં પકડાવ તો લાંચ આપીને છૂટી જાઓ. કન્વિન્શન રેટ ઓછો આવવા પાછળ આ જ મુખ્ય કારણ છે.
લાંચ-રુશવત વિરોધી બ્યૂરો ( ACB )ના સંયુક્ત નિયામક બિપિન આહીરે અને દિવ્ય ભાસ્કર ડિજિટલ વચ્ચે થયેલા સવાલ-જવાબ
પ્રશ્ન - એસીબી તરફથી કોર્ટમાં મૂકવામાં આવતા કેસો સાબિત કરવામાં નિષ્ફળતાનું પ્રમાણ વધુ છે, એને રોકવા માટે કોઇ પગલાં લેવાયાં છે?
જવાબ - આપણે ઇન્વેસ્ટિગેશનમાં કેવી રીતે સાયન્ટિફિક એવિડન્સ લેવાના એ અંગે તપાસ કરનારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે તેમ જ એફ.એસ.એલ. સાથે ટાઇઅપ કરેલું છે. દરેક વસ્તુ એફ.એસ.એલ.માં મોકલાવીએ છીએ. દરેક તપાસ માટે સ્ટાન્ડર્ડ ઓપેરટિંગ પ્રોસિજર છે, જેના લીધે એસીબીના કેસોમાં સજાનું પ્રમાણ વધ્યું છે. આ ડેટા 10 વર્ષ જૂના કેસોમાં ચુકાદા આવ્યા હોય એના આધારે તમને એવું લાગતું હશે. પરંતુ હાલમાં જે કેસો થઇ રહ્યા છે એમાં બહુ ટેક્નિકલ પુરાવા જેવાં કે વાતચીત, નિવેદનનું રેક્રોર્ડિંગ થાય છે. એનું એફ.એસ.એલ.માં પરીક્ષણ કરાવવામાં આવે છે તેમ જ આક્ષેપિતના વોઇસ સ્પેકટોગ્રાફી ટેસ્ટ થાય છે. હવે બધું સાયન્ટિફિક થઇ ગયું છે, જેને કારણે આગામી દિવસોમાં જે કેસોની ટ્રાયલ ચાલશે એમાં કન્વિકશન રેટ વધુ થશે.
પ્રશ્ન - તમારા કહ્યા પ્રમાણે, એ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેથી સફળતા હાંસલ કરી શકીએ ?
જવાબ - જી. બિલકુલ, દરેક તપાસમાં એફ.એસ.એલ, સાથે અમારું ઇન્ટરએકશન હોય છે.
પ્રશ્ન - એવું ખરું કે કેસો લાંબા સમય સુધી ચાલતા હોવાને કારણે સાક્ષી નિવૃત્ત કે મુત્યુ પામ્યા હોય અથવા તો કેસની વિગતો ભૂલી જવાને કારણે સાબિત કરવામાં સફળતા ઓછી મળતી હોય?
જવાબ - ના. એસસીબીના કેસોમાં પંચો ઇમ્પોટન્ટ છે. સાક્ષીનો રોલ બહુ ઓછો હોય છે અને પંચો સરકારી કર્મચારીઓ જ હોય છે.
પ્રશ્ન - વિજિલન્સ કમિશનર કચેરીના નિરીક્ષણ પ્રમાણે, કેસો લાંબા સમય સુધી ચાલતા હોવાથી પંચો કેસોની વિગતો ભૂલી જતા હોય છે?
જવાબ - પહેલાં થતું હતું. હવે કોન્સ્ટેબલોને ટ્રેન કરવામાં આવે છે. તેઓ પંચને તૈયાર કરે છે. આવા પ્રશ્નોનો હવે મોટા પ્રમાણમાં નિકાલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.