ભાસ્કર એક્સક્લૂસિવખેલાડીઓના વાળ કાપવા પ્લેનમાં જાય છે ગોંડલનો યુવક:દાદાની હતી ખખડધજ દુકાન, આજે પૌત્ર લે છે 25 હજાર સુધીની ફી, જે કાતર અને કાંસકો વાપરે છે તેની કિંમત સાંભળીને આશ્ચર્ય થશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય
  • કૉપી લિંક

'મને ક્યાંય નોકરી મળતી નહોતી. દરેક જગ્યાએ એવા મહેણાં સાંભળવા પડતાં કે 'અમે ફ્રેશરને નથી રાખતા', 'તમને કેટલું આવડે છે?' પણ મારી અંદર એક આગ હતી કે મારે હેરસ્ટાઈલિશ બનવું છે, પરંતુ મારી પાસે કોઈ પ્લેટફોર્મ કે કોઈનો સપોર્ટ નહોતો. શીખવા માટે હું મુંબઈ આવ્યો તો લોકો કહેતા કે તું કંઈ નહીં કરી શકે અને ખાલી ખાલી સમય અને પૈસા બંને બગાડે છે. મેં નોકરી કરી અને 2 લાખ રૂપિયા બચાવ્યા. ફી ભરીને શીખ્યો. મારો એટલો ખરાબ સમય હતો કે શું વાત કરું,' આટલું બોલતાં જ વિરેન બગથરિયા નામના યુવાનની આંખમાં આંસુ ઊભરાઈ આવે છે.

એક સમયે લોકો જેને નોકરીએ નહોતા રાખતા એ વિરેન બગથરિયાની આજે એપોઈમેન્ટ લેવા પડાપડી થાય છે. ગોંડલનો 32 વર્ષીય વિરેન બગથરિયા આજે ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓનો હેરસ્ટાઇલિશ છે. પોતાના દાદાની ગોંડલમાં આવેલી ખખડધજ દુકાનમાં વાળ કાપવાની શરૂઆત કરનાર વિરેન બગથરિયા આજે ખેલાડીઓના વાળ કાપવા પ્લેનમાં મુંબઈ જેવાં શહેરોમાં જાય છે.

હાર્દિક પંડ્યા સાથે વિરેન બગથરિયા.
હાર્દિક પંડ્યા સાથે વિરેન બગથરિયા.

દિવ્ય ભાસ્કરે વિરેન બગથરિયાને મળીને તેમની લાઈફની જર્ની વિશે વાત કરી હતી, જેમાં તેમણે બાળપણના સંઘર્ષથી લઈને ક્રિકેટરો સાથેના રસપ્રદ અનુભવો શેર કર્યા હતા.

વિરેન બગથરિયા કહે છે, 'મારો જન્મ અને ઉછેર ગોંડલમાં થયો હતો. હું મધ્યમવર્ગ પરિવારમાંથી આવું છું. પિતા આરટીઓમાં સામાન્ય નોકરી કરતા અને માતા હાઉસવાઈફ છે. ગોંડલની વિદ્યામંદિર સ્કૂલમાંથી ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. હું નાનો હતો ત્યારે મારા દાદા એસઆરપી જવાનના હેર કટ કરતા હતા. એ જોઈને મને પણ એ કામ કરવું ગમતું હતું. બાળપણમાં દાદાની દુકાને જઈને હેર કટનું કામ શીખવા લાગ્યો. પછી એક વર્ષ સુધી રાજકોટની એક શોપમાં હેર કટિંગનું કામ કર્યું પણ મારું સપનું હતું કે મારે હેરસ્ટાઈલિશ બનવું છે, એટલે હું હેરસ્ટાઈલિસ્ટના ક્લાસ કરવા માટે મુંબઈ ગયો પણ તેની 2 લાખ રૂપિયા ફી હતી, જે મારી પાસે નહોતી. એટલે હું ક્લાસ પૂરા થાય પછી મુંબઈમાં પાર્ટટાઈમ નોકરી કરતો હતો. એ રીતે મેં મારી ફી ભરી. ત્યાર બાદ હું ગુજરાત પાછો આવી ગયો અને રાજકોટમાં એક મિત્રની શોપમાં હેરસ્ટાઈલનું કામ શરૂ કર્યું.'

4 વર્ષ પહેલાં હું રાજકોટમાં મિત્રની શોપમાં હેરસ્ટાઈલનું કામ કરતો એ વખતે મને એક મેસેજ મળ્યો અને મારી જિંદગી બદલાઈ ગઈ. મિત્રએ મને મેસેજ કર્યો કે ગુજરાત લાયન્સની ટીમના ખેલાડીઓ રાજકોટમાં આઈપીએલની મેચ રમવા આવે છે અને ખેલાડીઓના હેરસ્ટાઈલ માટે મારે જવાનું છે. ખેલાડીઓના પહેલા હેર કટ માટે હું ખૂબ ઉત્સાહિત હતો. મેં દિવસ-રાત સ્ટડી કર્યો કે ખેલાડીને કેવી કયા હેરસ્ટાઈલ સેટ થશે. મેં જિંદગીમાં પહેલીવાર ગુજરાત લાયન્સ ટીમના ખેલાડી પ્રદીપ સાંગવાનની હેરસ્ટાઈલ કરી. ત્યાર પછી ગુજરાત લાયન્સ ટીમના ઘણા ખેલાડીઓની હેરસ્ટાઈલ પાછળ મેં મારું બેસ્ટ આપ્યું. કોઈને બાઉન્સિંગ લુક તો કોઈને બ્લોક લુક એમ અલગ-અલગ લુક કર્યા. મારા ફ્રન્કી લુક ખેલાડીઓના ખૂબ પસંદ આવ્યા અને મારું નસીબ ચમક્યું. ત્યાર બાદ ખેલાડીઓને મારું કામ ખૂબ પસંદ આવ્યું અને હું ખૂબ હાઈલાઈટ થઈ ગયો. ત્યાર બાદ આઈપીએલમાં ગુજરાત લાયન્સની ટીમના ખેલાડીઓ અલગ અલગમાં વેચાયા. ખેલાડીઓને મારી હેરસ્ટાઈલ પસંદ આવી ગઈ હોવાથી તેઓ જે ટીમમાં ગયા ત્યાં મને બોલાવવા લાગ્યા. ધીમે ધીમે ખેલાડીઓમાં હું પોપ્યુલર થયો અને સંયોગથી આગળ વધતો ગયો.

રવીન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર સાથે વિરેન બગથરિયા.
રવીન્દ્ર જાડેજા અને સૂર્યકુમાર સાથે વિરેન બગથરિયા.

2019માં મુંબઈ ઇન્ડિયન ટીમ સાથે મારો ગોલ્ડન ટાઈમ શરૂ થયો
મારો ગોલ્ડન ટાઈમ છે એ 2019માં મુંબઈ ઇન્ડિયન્સ ટીમથી શરૂ થયો હતો. મુંબઈ ઇન્ડિયન મારી ફેવરિટ ટીમ છે અને ત્યાંથી જ મારી જર્નીની જબરદસ્ત શરૂઆત થઈ. મુંબઈ ઇન્ડિયન્સમાં પ્રદીપ સાંગવાન, મોહસિન ખાન, ઈશાન કિશન બધા પ્લેયર્સની હેરસ્ટાઇલ મેં કરી હતી. તે લોકોએ મારું કામ પ્રમોટ કર્યું. અલગ-અલગ ખેલાડીઓ મને મદદ કરી. જેથી હું સોશિયલ મીડિયામાં બહુ હાઈલાઇટ્સ થયો. દેશમાંથી તેમજ બહારથી લોકોના મેસેજ આવતા હતા કે તમારું સલૂન ક્યાં છે? શું ચાર્જ છે? મારે તમારી પાસે હેરસ્ટાઈલ કરાવવી છે.

એક હેર કટનો ચાર્જ 10થી 25 હજાર
હેરસ્ટાઇલ એ એક આર્ટ છે, એમાં ક્રિએટિવિટી હોય છે. એમાં ખર્ચ એક વ્યક્તિનો 10થી 25 હજાર રૂપિયા હેરસ્ટાઈલ સેટ કરવાના થાય છે. એક હેર કટ કરવામાં 45 મિનિટ થાય છે. ફેસ ટ્રીટમેન્ટથી માંડીને તમામ પ્રકારની વસ્તુ એમાં કરવામાં આવે છે. ડિટેનિગ ટ્રીટમેન્ટ, ફેશિયલ સહિતનું કામ કરવામાં આવે છે.

20 હજારથી લઈને 1 લાખનાં સાધનનો ઉપયોગ
હું પ્લેનમાં ખેલાડીઓ જે શહેરમાં હોય ત્યાં જાઉ છું. ક્રિકેટરો જ્યાં રોકાયા હોય એ હોટલના એક રૂમમાં મિરર અને ચેર સહિતનો સલૂન સેટ ગોઠવાયેલો હોય છે. હેરસ્ટાઈલ માટે હું મારાં બધાં સાધનો સાથે લઈને જ જાઉ છું. મારી પાસે 20 હજારથી વધુની કિંમતની સિઝર છે. હવે ગોલ્ડ સિઝર લેવાનો પ્લાન કરું છું. આ ઉપરાંત 1 લાખની કિંમતનો વ્હાઈટ ગોલ્ડ કોમ્બ છે, જેનાથી ખેલાડીઓને પોઝિટિવિટી મળે છે.

મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યર સાથે વિરેન બગથરિયા.
મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યર સાથે વિરેન બગથરિયા.

IPLના ખેલાડીઓ પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ મને બોલાવવા લાગ્યા. પછી તો મેં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓની હેરસ્ટાઈલ કરી છે, જેમાં શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, મોહમ્મદ શમી, આર અશ્વિન, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, ઉમરાન મલિક સહિતના ખેલાડીઓની હેરસ્ટાઈલ તેમજ બિયર્ડનો લુક હું આપું છુ. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સિરીઝમાં હું ટીમ ઈન્ડિયા સાથે જ હતો, જેમાં મેં અનેક ખેલાડીઓની હેરસ્ટાઈલ કરી હતી.

ફેસ જોઈને કહી દઉં છું કે કેવો લુક સારો લાગશે
હેરસ્ટાઈલિશની દુનિયામાં મારી કેટેગરી આર્ટ ડાયરેક્ટરની છે. હું ફેસ જોઈને કહી દઉં છું કે કોનો કેવો લુક સારો લાગશે. અમુક ખેલાડીઓને ફોરેનરના લુક પણ સજેસ્ટ કરતો હોઉં છું. લુક બતાવ્યા પછી હું હેરસ્ટાઇલ ક્રિએટ કરું છું તેમજ અલગ-અલગ સિટીઝ પ્રમાણે અલગ-અલગ લુક નક્કી થતા હોય છે તેમજ ટૂર્નામેન્ટ પ્રમાણે પણ લુક અલગ હોય છે, જેમ કે આઈપીએલમાં અમુક ખેલાડીઓ એવી ડિમાન્ડ કરતા હોય છે કે ગઈ સીઝન તેમની સારી નથી ગઈ તો આ સીઝનમાં એવો નવો લુક આપો કે પોઝિટિવિટી મળે અને પર્ફોર્મન્સ સુધરે.

લુક ચેન્જને કારણે ખેલાડીઓના પર્ફોર્મન્સ પર શી અસર પડે?
ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર આર.અશ્વિન એના લુકથી બહુ બોરિંગ હતા એટલે તેમણે મારો કોન્ટેકટ કર્યો. તેમણે ડિફરન્ટ લુક આપવાનું કહ્યું. એટલે હોટલમાં મેં રાત્રે મારી ક્રિએટિવિટીથી તેમને નવો લુક આપ્યો. બીજા દિવસે તેમણે 6 વિકેટ લીધી. ત્યાર બાદ અશ્વિન બીજી વાર હેર કટ કરાવવા આવ્યા તો મને કહ્યું કે તે આપેલા નવા લુકથી મને એનર્જી આવી હતી અને 6 વિકેટ ઝડપવામાં મદદ મળી હતી. અશ્વિને નાઈસ ટચ કહીને મારા કામને વખાણ્યું હતું.

રાહુલ દ્રવિડ અને અશ્વિન.
રાહુલ દ્રવિડ અને અશ્વિન.

મેં કરેલી ત્રણ પ્લેયરની હેરસ્ટાઇલ ખૂબ ફેમસ થઈ
ઘણા એવા પ્લેયર હોય છે, જે તેમની હેરસ્ટાઇલના કારણે ફેમસ થાય છે, જેમાં ઉમરાન મલિક, શ્રેયસ અય્યર અને શાર્દૂલ ઠાકર તેના લુકને કારણે ખૂબ લાઈમ લાઈટમાં રહે છે. આ ત્રણેય ખેલાડીની હેરસ્ટાઈલ મેં કરી હતી. દેશ-વિદેશમાં તેમની હેરસ્ટાઇલ ફેમસ થઈ ગઈ છે.

કયા ઇન્ડિયન ખેલાડીની હેરસ્ટાઇલ હાર્ડ છે?
ઇન્ડિયન ટીમમાં સૌથી ફની હેરસ્ટાઇલ શ્રેયસ અય્યરની છે. સૌથી હાર્ડ હેરસ્ટાઈલ ઉમરાન મલિકની છે. પહેલા અમે ખેલાડીઓ સાથે ચર્ચા કરીએ છીએ કે તેમને કેવો લુક સારો લાગશે. ખેલાડીઓ એમને એમ હેર કટ કરાવવા નથી બેસતા. જલદીથી કોઈનો ટ્રસ્ટ પણ નથી કરતા. ખેલાડીઓનો વિશ્વાસ કેળવવા ખૂબ મહેનત કરવી પડે છે. ખેલાડીઓને હું બેસ્ટ હેરસ્ટાઈલ આપવાનો પ્રયત્ન કરતો રહું છું.

ખેલાડી સાથેનો અનુભવે કેવો રહ્યો?
શ્રેયસ અય્યર બહુ સ્પોર્ટિંગ ખેલાડી છે. અમને આનંદ થતો હોય છે કે કોઈ અમારા કામની રિસ્પકેટ કરે. પહેલી વખત મેં તેમનું હેર કટિંગ કર્યું તો તેમણે મને હિંમત આપી હતી, જેથી મારા અંદર આગ ઉત્પન્ન થઈ કે તેમને હું બેસ્ટ લુક આપું. તેમની સાથે મને બહુ સારો અનુભવ થયો હતો. એ વખતે ઈન્દોરમાં મેચ હતી અને માત્ર 10 મિનિટનો સમય હતો. હેર કટિંગ જરૂરી હતું. મેં માત્ર 7 મિનિટમાં હેર કટ કર્યું હતું, જે મારા માટે ખૂબ જ ડિફિકલ્ટ હતું.

વિરેન બગથરિયા.
વિરેન બગથરિયા.

અમદાવાદ-મુંબઈમાં સલૂન શરૂ કરીશ
મારી એપોઇમેન્ટ 1 મહિના પહેલા બુક હોય છે. ક્લાયન્ટ વધવાને કારણે અલગ-અલગ જગ્યાએ શોપ ચાલુ કરવાનો છું. ગુજરાતમાં ગોંડલમાં મારી શોપ છે. થોડા સમયમાં મુંબઈમાં હું પણ શોપ ચાલુ કરવાનો છું. અમદાવાદમાં પણ મારી શોપ ટૂંક સમયમાં કરીશ. ટૂંક સમયમાં જ બધા પ્લાનિંગ અંગે વાત કરીશ. મારું હેરસ્ટાઈલિશ બનવાનું સપનું હતું અને મેં એ પૂરું કર્યું. હાલ બધી જગ્યાએ હું પહોંચી નથી શકતો, જેને કારણે મેં એક લિંક બનાવી છે, જેમાં ટોપ હેરસ્ટાઇલના ઇન્ટરવ્યૂ લઈને તેમને પર્મન્ટ રાખી લઉં છું. આખા ભારતમાં 20 લોકોની ટીમ છે.

IPL 2023 માં નવા લુક સાથે ખેલાડીઓ જોવા મળશે
2023ની સીઝન માટે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના ખેલાડીઓના લુક મેં તૈયાર કર્યા છે. હાલ ગાંધીનગરમાં હોટલ લીલા પેલેસમાં રાત-દિવસ અત્યારે કામ કરી રહ્યો છું. ખેલાડીઓને બોગાનેહર, સ્કિન ફેડ, મ્યુલ્ટ લુક આપવામાં આવ્યા છે. ખેલાડીઓ મેદાનમાં આ નવા લુક સાથે દેખાશે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ સાથે વિરેન બગથરિયા.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ સાથે વિરેન બગથરિયા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકારોની પણ હેરસ્ટાઈલ કરું છું
ખેલાડીઓ ઉપરાંત ટીવી-ફિલ્મી કલાકારો પણ મારા ક્લાયન્ટ છે. તારક મહેતાની આખી ટીમ ઉપરાંત રાજપાલ પાદવ સહિતના સેલેબની હેરસ્ટાઈલ કરું છું. મારા કામથી મારા પરિવારના લોકો પણ ખૂબ ખુશ છે. માતા-પિતાની ખુશી જોઈને મને પણ આનંદ થાય છે. મારો નાનો ભાઈ અને બહેન પણ આ જ બિઝનેસમાં છે. હજી પણ હું આગળ વધતો રહીશ.