જીવનના દરેક પડાવ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેના બે જ રસ્તા છે... સામનો કરો અને સફળતા મેળવો અથવા પોતાની હાર સ્વીકારીને મુશ્કેલી સાથે જીવતા રહો. ભાવનગરના યુવાન સમીર વોરાએ પોતાની સામે આવી પડેલી મુશ્કેલીઓનો સામનો કરવાનું પસંદ કર્યું અને આજે તેઓ સફળતાપૂર્વક પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. સમીરે પોતાના અભ્યાસ માટે ફી ભરવા ભાવનગરમાં એક શેર બ્રોકિંગ કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પિયુન તરીકે માસિક રૂ. 1500ની નોકરીથી શરૂઆત કરી હતી અને આજે તે પોતાની શરૂ કરેલી ઇન્વેસ્ટમેન્ટ કંપની ઓશિયન ફિનવેસ્ટમાં ટોપ કોર્પોરેટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ, ડિરેક્ટર્સ, પ્રેસિડેન્ટ, ડોક્ટર્સ, એડવોકેટ્સ સહિતના લોકોનો રૂ. 2800 કરોડથી વધુનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો સંભાળે છે.
પરિવારને સપોર્ટ કરવા નાની ઉમરે નોકરી શરૂ કરી
લગભગ ત્રણ દાયકા પહેલા સમીરના પિતાને બિઝનેસમાં નુકસાની જવાથી પરિવાર પર આર્થિક મુશ્કેલી આવી પડી હતી. પરિવાર અને બાળકોને સાંભળવા માટે તે સમયે સમીરના મમ્મીએ ઘરે ફરસાણ બનાવવાનો તેમજ પરચુરણ સિલાઈકામ શરૂ કર્યું હતું. સમીરે પણ પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી 1995-96ની સાલથી જ પરચુરણ કામ કરી અને સ્કૂલની ફી ભરી શકે તેવી કમાણી શરૂ કરી હતી. એક કૌટુંબિક પરિચિતના રેફરન્સથી 2002માં અભ્યાસની સાથે સાથે સમીરે નાની ઉમરે ભાવનગરમાં સ્ટોક બ્રોકિંગ કંપનીની બ્રાન્ચ ઓફિસમાં માત્ર રૂ. 1500ના પગારની પિયુનની નોકરી શરૂ કરી હતી.
જે બ્રાન્ચમાં કામ કરતાં હતા તેને બંધ થતાં અટકાવી
પોતાની સ્ટ્રગલિંગ જર્ની વિષે દિવ્ય ભાસ્કરને વાત કરતાં સમીર જણાવે છે કે 2004ના સમયમાં જે બ્રાન્ચમાં હું નોકરી કરતો હતો તે બ્રાન્ચ ઓછા બિઝનેસને કારણે બંધ કરવી પડે એવી સ્થિતિ આવી ગઈ હતી. તે સમયે મે અમારા ગુજરાત હેડ પાસે થોડો ટાઈમ માંગ્યો અને બિઝનેસ વધારવા પ્રયત્ન શરૂ કર્યા. ફેબ્રુઆરીમાં જે બ્રાન્ચ નુકસાની કરતી હતી તે જ બ્રાન્ચ ત્રણ મહિનામાં નહીં નફો નહીં નુકસાનીના લેવલે આવી ગઈ અને બાદમાં ધીમે ધીમે નફો પણ કરતી થઈ હતી. આ દરમિયાન સમીરનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ચૂક્યું હતું અને તેમની આવડતને ધ્યાનમાં રાખી કંપનીએ સમીરને બ્રાન્ચની જવાબદારી પણ સોંપી હતી. બાદમાં 2007 સુધીમાં સમીર પ્રમોટ થઈ અને સૌરાષ્ટ્ર એરિયાના હેડ પણ બની ગયા.
12 વર્ષ નોકરી કર્યા બાદ પોતાની કંપની બનાવી
સમીર કહે છે કે, સમયાંતરે હું ભાવનગરથી અમદાવાદ અને ત્યારબાદ મુંબઈ શિફ્ટ થયો હતો. વર્ષ 2011માં મારા લગ્ન થયા બાદ મારે ફરી ગુજરાત આવવું હતું એટલે મે અન્ય એક કંપનીમાં વેસ્ટર્ન રિજિયન હેડ તરીકે જોડાયો હતો. આ રીતે 12 વર્ષ ફાઇનાન્શિયલ માર્કેટનો અનુભવ લીધા બાદ 2014માં પોતાની કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો જેમાં માતા-પિતા અને પત્નીએ ઘણો મોરલ સપોર્ટ કર્યો હતો. શરૂના તબક્કે મુશ્કેલી આવી પણ હવે બધુ સારી રીતે મેનેજ થઈ રહ્યું છે. બિઝનેસને વિકસાવવામાં નોકરીનો અનુભવ ઘણો કામ લાગી રહ્યો છે.
2000થી વધુ હાઇ નેટવર્થ રોકાણકારોનો પોર્ટફોલિયો મેનેજ કરે છે
સમીર વોરાએ સાત વર્ષના ગાળામાં જે રીતે પ્રગતિ કરી છે તે ઘણી જ પ્રેરણાત્મક છે. આજે ઓશિયન ફિનવેસ્ટ 4000થી વધુ ઈન્વેસ્ટર્સ એકાઉન્ટ હેન્ડલ કરે છે અને તેમાંથી અંદાજે 2000થી વધુ હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ (HNI) ક્લાઇન્ટ્સ છે. કંપની અંદાજે રૂ. 2,800 કરોડનો પોર્ટફોલિયો મેનેજ કરે છે. સમીરનો ટાર્ગેટ છે કે આગામી બે વર્ષમાં પોર્ટફોલિયોનું કદ વધારીને રૂ. 5,000 કરોડ સુધી લાવી દેવું છે. કંપનીની અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, હિંમતનગર અને ભોપાલમાં બ્રાન્ચ ઓફિસ આવેલી છે જ્યારે 100થી વધુ લોકેશન્સ માટે વર્ચ્યુઅલ બ્રાન્ચ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.