કોંગ્રેસનું શું થશે?:કોંગ્રેસને સારા નેતા મળતા નથી; અંદરો અંદરની ટાંટીયાખેંચના કારણે કોંગ્રેસને હાઇકમાન્ડ પણ નહીં બચાવી શકે, આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસની અગ્નિ પરીક્ષા

12 દિવસ પહેલાલેખક: તન્હા પાઠક પટેલ
  • કૉપી લિંક

રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપી દીધું છે અને ત્યાર પછી સોનિયા ગાંધીએ જ કોંગ્રેસનું સુકાન સંભાળ્યું છે. પ્રિયંકા ગાંધી પણ ઉત્તરપ્રદેશ સહિત તમામ રાજ્યોમાં અથાગ મહેનત કરી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે હાલ કોંગ્રેસની સ્થિતિ દરેક રાજ્યમાં કથળતી જોવા મળી રહી છે. દેશમાં પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડને બાદ કરતાં પાર્ટી સત્તાથી બહાર છે. આગામી બે વર્ષમાં 10થી વધારે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. એમાં યુપી પણ સામેલ છે. સૌથી મોટા રાજ્યની વાત કરીએ તો દિલ્હીની ખુરશીનો રસ્તો યુપી થઈને જ જાય છે એમ કહેવામાં આવે છે. આ સંજોગોમાં દરેકના મનમાં એ જ સવાલ છે કે કોંગ્રેસ યુપી, ઉત્તરાખંડ સહિત જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં BJPને ટક્કર આપી શકશે?

માનવામાં આવે છે કે જો ઘરમાં બધા એક જૂથ હોય તો વિરોધીઓને ટક્કર આપી શકાય છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી પર નજર કરીએ તો બધું વિખેરાયેલું જોવા મળે છે. જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે ત્યાં પણ ખૂબ આંતરિક વિવાદ જોવા મળી રહ્યા છે. આંતરિક મતભેદો અને જૂથવાદને કારણે ખૂબ ખોટો મેસેજ ફેલાઈ રહ્યો છે. પંજાબમાં પણ તાજેતરમાં થયેલા વિવાદ પછી હવે કોંગ્રેસના પૂર્વ સીએમ અમરિન્દર સિંહે BJPમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. રાજસ્થાન કોંગ્રેસમાં પણ ખૂબ જૂથવાદ અને આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ સિવાય ગુજરાતમાં પણ 2022માં ચૂંટણીને ધ્યાનમાં રાખીને BJPએ ધડમૂળથી ફેરફારો કરી દીધા છે, જ્યારે કોંગ્રેસમાં વિપક્ષના નેતાના પણ ઠેકાણા નથી. જોકે કોંગ્રેસની આવી સ્થિતિ માત્ર આ ત્રણ જ રાજ્યમાં નહીં, પણ અન્ય પણ ઘણાં રાજ્યોમાં છે.

રાહુલ-પ્રિયંકા જીતના એજન્ડા સાથે આગળ વધી રહ્યાં છે
હાલ કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધી તમામ બેઠકોથી દૂર રહે છે અને નેતાઓને ઓછું મળે છે. ટ્વિટર પર અને જનસભાઓમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જ BJP પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે. એ ઉપરાંત બહેન પ્રિયંકા પણ છેલ્લા ઘણા સમયથી યુપીમાં સક્રિય છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે રાહુલ અને પ્રિયંકા વિધાનસભા ચૂંટણીમાં જીતના એજન્ડા સાથે આગળ વધી રહ્યાં છે, પરંતુ જ્યારે તેમની જ પાર્ટીના સિનિયર નેતાઓ નારાજ હોય તો પાર્ટીને એકજૂથ કરવી મુશ્કેલ છે. હિમંતા બિસ્વ સર્માથી લઈને સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિન્હો ફાલેરો, લલિતેશ ત્રિપાઠી, અભિજિત મુખર્જી સુધીનું જે લિસ્ટ વધ્યું એ હવે અટકશે તો જ પાર્ટીનું ભવિષ્ય નક્કી કરી શકાશે. હાલ તો કોંગ્રેસ તેની રાજનીતિમાં નિષ્ફળ દેખાઈ રહી છે.

આગામી 2 વર્ષમાં કુલ 16 રાજ્યમાં ચૂંટણી છે, એમાંથી 5 મુખ્ય રાજ્યમાં કોંગ્રેસના આંતરિક વિખવાદો ચાલી રહ્યા છે. એમાં પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ સૌથી આગળ છે. તો આવો, આજે આપણે જાણીએ કે કયાં કયાં રાજ્યોમાં કોંગ્રેસની કેવી સ્થિતિ છે અને આગામી ચૂંટણી જીતવી તેમનાં માટે કેટલી મુશ્કેલ છે...

ઉત્તરપ્રદેશ: કોંગ્રેસે આપ્યા છેલ્લા બ્રાહ્મણ CM, આ વખતે 40% મહિલા અનામત કે બેરોજગારીનો મુદ્દો કરશે મદદ?
ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણી આવી રહી છે. અહીં 403માંથી 320 સીટ BJPના કબજામાં છે, જ્યારે કોંગ્રેસની સ્થિતિ અહીં ખૂબ નબળી જોવા મળી રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 7 સીટ જ મેળવી શકી હતી. BJPએ અહીં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જ્યારે કોંગ્રેસમાં હજી અહીં મુખ્યમંત્રી ઉમેદવાર કોણ હશે એ તો નક્કી નથી, સાથે સાથે ચૂંટણી કયા મુદ્દા પર લડવામાં આવશે એ પણ કોઈ એજન્ડા નક્કી કરવામાં આવ્યો નથી.

છેલ્લા એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનને અત્યારસુધી પાર્ટી મુદ્દો બનાવીને મોદી સરકાર પર પ્રહાર કરતી હતી, પરંતુ હવે કૃષિ કાયદા પણ પરત ખેંચી લેવામાં આવ્યા પછી કોંગ્રેસ પાસે બેરોજગારીથી વધારે કોઈ મુદ્દો રહે એવું લાગતું નથી. હાલ કોંગ્રેસ કાર્યકર્તા ચૂંટણી પહેલાં ઘરે ઘરે જઈને મોંઘવારી ભથ્થાનું ફોર્મ ભરાવી રહી છે. આ ફોર્મમાં નોકરી ભરતી પ્રક્રિયા 1 વર્ષમાં પૂરી કરવાની માગણી કરવામાં આવી છે. એ ઉપરાંત પાર્ટી દરેક જિલ્લામાં ઉદ્યોગ કારખાનાં ખોલવાની અને રોજગારી આપવાની ગેરંટી પણ આપી રહી છે. એ ઉપરાંત નોકરી ના આપવાની સ્થિતિમાં બેરોજગારી ભથ્થું આપવાની માગણી પણ કરવામાં આવી રહી છે.

રાજસ્થાન: કોંગ્રેસમાં આંતરિક ભંગાણ- BJP ના અથાગ પ્રયત્નો વચ્ચે જનતા કરી શકે છે સત્તાપરિવર્તન
રાજસ્થાન કુલ સીટ 200 છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 2023માં આવી રહી છે. કોંગ્રેસમાં જમીન સ્તરે કામ કરતા કાર્યકર્તાઓની ઘણી સમિતિઓ તૂટી ગઈ છે. BJP એ અહીં સત્તા મેળવવા માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દીધા છે. રાજસ્થાનમાં 1993થી દર પાંચ વર્ષે સત્તાપરિવર્તન જોવા મળ્યું છે. અહીં 1993માં BJP સત્તામાં હતી, જ્યારે 1998માં કોંગ્રેસ, 2003માં ફરી BJP, 2008માં કોંગ્રેસ, 2013માં BJP અને 2018થી કોંગ્રેસ સત્તામાં છે.

અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા શિતયુદ્ધને કારણે હાલ રાજસ્થાન કોંગ્રેસ બે જૂથમાં વહેચાયેલી છે. તાજેતરમાં મંત્રીમંડળમાંથી ગોવિંદ સિંહ, હરીશ ચૌધરી અને રઘુ શર્માનાં રાજીનામાં પછી રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. પરિણામે, હવે ગેહલોત મંત્રીમંડળમાં 12 પદ ખાલી થઈ ગયાં છે.

આમ, રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરિક વિવાદ અને BJPના અથાગ પ્રયત્નો પછી 2023માં સત્તા ફરી BJPને મળે એવી શક્યતા લાગી રહી છે. છેલ્લાં 30 વર્ષના ઈતિહાસને જોવા જઈએ તોપણ જનતા સત્તાપરિવર્તન કરે એવી શક્યતા છે.

-----
ગુજરાત: BJP એ ધડમૂળથી ફેરફારો કર્યા અને કોંગ્રેસ માત્ર 3 કાર્યકારી અધ્યક્ષથી ચાલે છે
ગુજરાતમાં ચૂંટણી ડિસેમ્બર 2022માં થવાની છે. BJPએ અહીં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ બદલી નાખ્યું છે. અહીં 160 પદાધિકારીનું સંગઠન છે, જ્યારે કોંગ્રેસ માત્ર 3 કાર્યકારી અધ્યક્ષથી ચાલી રહી છે. ગુજરાતમાં કુલ 182 સીટ છે.

ગુજરાતમાં છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસ નેતા વિનાની થઈ ગઈ છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપી દીધાં છે. એટલું જ નહીં, હાઇકમાન્ડમાં વર્ચસ્વ ધરાવતા ગુજરાત કોંગ્રેસના નેતા એહમદ પટેલનું નિધન થતાં કોંગ્રેસ નોધારી બની ગઈ છે, સાથે સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું પણ અવસાન થતાં કોંગ્રેસ રાણીધનિ વિનાની બની ગઈ છે. ગુજરાતમાં એક વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેમ છતાં ગુજરાતનું સંગઠન તો ઠીક, પ્રમુખ તરીકે કોઈ મળતા નથી. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જૂથવાદને કારણે કોંગ્રેસ સત્તાવિહોણી બની ગઈ છે. હાલ ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા માટે હાઇકમાન્ડ દ્વારા કેટલાક ચોક્કસ નેતાઓને દિલ્હી દરબારમાં બોલાવવામાં આવે છે અને ગુજરાત કોંગ્રેસના માળખા માટે પ્રભારી રઘુ શર્માને પણ મૂકવામાં આવ્યા છે.

પંજાબ: કૃષિ કાયદો રદ થતાં અને અમરિન્દરનો સાથ મળતાં કોંગ્રેસને ફટકો પડશે
પંજાબમાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થવાની છે. અહીં કુલ સીટ 177 છે, જેમાંથી કોંગ્રેસ પાસે 77 સીટ છે. અહીં 2017માં કોંગ્રેસે બહુમતી સાથે સરકાર બનાવી હતી, પરંતુ 2022ની ચૂંટણીમાં અહીંની રણનીતિ બદલાતી હોય એવું લાગી રહ્યું છે. ખેડૂત આંદોલનને કારણે બીજેપી અહીં ચૂંટણીની પૂરતી તૈયારીઓ કરી શકે એવી સ્થિતિમાં નહોતી, પરંતુ 19 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. એ જ દિવસે પંજાબ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરે બીજેપી સાથે જોડાવાની પણ જાહેરાત કરી દીધી હતી.

આમ, હવે પંજાબમાં કોંગ્રેસની હાલત ખરાબ થવાની સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે, કારણ કે હવે અહીં ખેડૂતો પણ બીજેપીને સાથ આપશે. એ ઉપરાંત અમરિન્દરના નામથી કોંગ્રેસ જે 77 સીટ 2017માં જીતી હતી એમાંથી પણ ઘણી સીટો બીજેપીને મળવાની શક્યતા છે. આમ, 2022ની ચૂંટણી પંજાબમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ઊભી કરી શકે છે, જોકે અત્યારે પણ કોંગ્રેસના સભ્યો અહીં બે જૂથમાં વહેંચાયેલા છે. એક જૂથ નવજોત સિંહ સિદ્ધુને સપોર્ટ કરી રહ્યું છે, જ્યારે બીજું જૂથ અમરિન્દર સિંહના પક્ષમાં છે.

મધ્યપ્રદેશ: જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડ્યા પછી કોંગ્રેસને નુકસાન વધારે થયું
અહીં ચૂંટણી ડિસેમ્બર 2023માં થવાની છે. અહીં કુલ સીટ 230 છે, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એ માટે અહીં કોંગ્રેસ પંચાયત અને નગર નિગમની ચૂંટણીઓને આધાર બનાવશે. રાજ્યના કોંગ્રેસ-અધ્યક્ષ કમલનાથે દરેક જિલ્લા અને બ્લોક અધ્યક્ષોને પંચાયત અને નગર નિગમ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવા કહ્યું છે.

ગઈ ચૂંટણીમાં BJPને માત આપીને પછી બેકફૂટમાં આવીને સરકાર ગુમાવનારી કોંગ્રેસમાં છેલ્લે 7 જુલાઈ 2018માં કોંગ્રેસ-અધ્યક્ષ રાહુલ ગાંધીએ 84 પદાધિકારીની નિમણૂક કરી હતી, પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડ્યા પછી એમાંથી ઘણા અધિકારીઓ પાર્ટી બદલી ચૂક્યા છે. પદાધિકારીઓની સ્થિતિ વિશે કોંગ્રેસ હાલ કોઈ જવાબ આપી રહી નથી.

છત્તીસગઢ: BJP અને કોંગ્રેસ બંને મજબૂત, પણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ છે
ચૂંટણી ડિસેમ્બર 2023માં થવાની છે. અહીં કુલ સીટ 90 છે. હાલની સ્થિતિ પ્રમાણે, અહીં ભાજપ અને કોંગ્રેસ બંને બરાબરની મજબૂત પાર્ટી દેખાય છે. પરંતુ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પણ વધારે છે. BJP એ દોઢ વર્ષ પહેલાં અહીં 81 સભ્યની નિમણૂક કરી હતી. હાલ અહીં કોઈ પદ ખાલી નથી. તાજેતરમાં જ એક સભામાં પ્રભારી પુરંદેશ્વરી દેવીએ કહ્યું હતું કે જો BJP કાર્યકર્તા છેડો ફાડી દે તો બઘેલ સરકાર પડી જશે. ગઈ ચૂંટણીમાં કુલ 90 સીટમાંથી કોંગ્રેસે 67 અને BJPએ 15 સીટો જીતી હતી.

છત્તીસગઢ કોંગ્રેસમાં 40 સભ્યવાળી કાર્યકારિણી છે. દરેક સભ્યની ભરતી માર્ચ 2020માં થઈ છે, પરંતુ ઓગસ્ટમાં પાર્ટીમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચામાં ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હજી આ આંતરિક વિવાદ ચાલી જ રહ્યો છે.

ઉત્તરાખંડ: ચૂંટણી પહેલાં જ હરીશ રાવત અને કિશોર ઉપાધ્યાય વચ્ચે વિવાદ શરૂ
ઉત્તરાખંડમાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થવાની છે. અહીં કુલ 70 સીટ પર મતદાન થવાનું છે. જોકે અહીં વિધાનસભા ચૂંટણી પહેલાં જ ધમાસણ શરૂ થઈ ગયું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાય વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. હાલ બે નેતા વચ્ચે ચાલતા વિવાદને કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે કિશોર ઉપાધ્યાય સતત હરીશ રાવત પર પ્રહાર કરી રહ્યા છે અને હરીશ રાવત પોતાને રાજ્યના સીએમ તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. આ સિવાય વધુ એક વિવાદ પ્રીતમ સિંહનો પણ છે. પરિણામે, અહીં કોંગ્રેસ ત્રણ જૂથમાં વહેંચાયેલી છે. ગઈ ચૂંટણીમાં BJPને 46.5% વોટ મળ્યા હતા અને કોંગ્રેસને 33.5 ટકા.

ઉત્તરાખંડમાં કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી સ્ક્રીનિંગ કમિટીમાં અવિનાશ પાંડે સિવાય અજય કુમાર, વિરેન્દ્ર સિંહ રાઠોડા, દેવેન્દ્ર યાદવ, ગણેશ ગોડિયાલ અને હરીશ રાવતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગોવા: BJPએ તૈયારીઓ શરૂ કરી દીધી, કોંગ્રેસ માત્ર ચિદંબરમને મોકલીને ખુશ
ગોવામાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થવાની છે. અહીં 40 સીટ પર ચૂંટણી થવાની છે. હાલ અહીં BJPની સરકાર છે. 2017માં અહીં થયેલી ચૂંટણીમાં કોઈપણ એક પક્ષને બહુમતી નહોતી મળી. 17 સીટ મેળવીને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી અને 13 સીટ જીતીને BJP બીજા ક્રમે હતી, પરંતુ એ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો તોડવામાં સફળ રહી હતી અને પરિણામે અહીં બીજેપીની સરકાર બની.
જોકે આ વખતે અહીં TMC અને AAPએ પગપેસારો કરીને કોંગ્રેસ અને ભાજપ બંનેની મુશ્કેલીઓ વધારી દીધી છે.

ગોવામાં ટીએમસીને બીજેપીની સરખામણીએ સેક્યુલર પાર્ટી તરીકે જોવામાં આવે છે. બીજી બાજુ, ટીએમસીને કારણે કોંગ્રેસની પણ વોટબેન્ક તૂટશે, તેથી આ વખતે હવે અહીં ટીએમસી જીતે કે હારે, પરંતુ કોંગ્રેસને સ્પષ્ટ નુકસાન થતું જોવા મળી રહ્યું છે. ગોવામાં બીજેપીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરીને નવા 200થી વધારે કાર્યકર્તાઓની ભરતી કરી લીધી છે, જ્યારે કોંગ્રેસમાં હાલ કમિટી સભ્યોની પણ પૂરતી માહિતી મેળવવી મુશ્કેલ છે.

હિમાચલ પ્રદેશ: કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં BJPને ટક્કર આપશે
હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બર 2022માં ચૂંટણી થવાની છે. અહીં કુલ 68 સીટ છે. BJPએ તાજેતરમાં ગુજરાતમાં સીએમમાં ફેરબદલ કર્યા પછી અહીંના મુખ્યમંત્રી પણ બદલી નાખ્યા છે. કોંગ્રેસે પણ અહીં ચૂંટણીની તૈયારીઓ વધારી દીધી છે. અહીં તાજેતરમાં જ રાજ્યની પેટાચૂંટણી થઈ હતી. આ ચૂંટણીનાં પરિણામોને વિધાનસભા ચૂંટણીની સેમી-ફાઈનલ તરીકે જોવામાં આવે છે.

નવેમ્બરની શરૂઆતમાં જ થયેલી પેટાચૂંટણીનાં પરિણામોથી BJPને ઝટકો લાગ્યો છે, જ્યારે કોંગ્રેસને લોકસભા સીટથી લઈને બે વિધાનસભા સીટ પર વધારો મળ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે હાલ અહીં 150 પ્રદેશ અધિકારી મજબૂત સ્થિતિમાં છે. પરિણામે, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ BJPને બરાબરની ટક્કર આપે એવું લાગે છે.

મણિપુર: બંને પાર્ટીઓ સંગઠન સ્તર પર સંઘર્ષ કરી રહી છે
મણિપુરમાં ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થવાની છે. કોંગ્રેસ પાર્ટીએ અહીં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ મણિપુર માટે સ્ક્રીનિંગ કમિટીનું ગઠન કરી લીધું છે. મણિપુરમાં ચૂંટણીની જવાબદારી જયરામ રમેશને આપવામાં આવી છે. પાર્ટીએ તૈયાર કરેલી સ્ક્રીનિંગ કમિટી જ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર કરવાથી લઈને અન્ય મહત્ત્વની જવાબદારીઓ પણ નિભાવશે. અહીં જયરામ રમેશની જવાબદારી ખૂબ વધી ગઈ છે. તેમણે રાજ્યમાં સંગઠનને ફરી મજબૂત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

મણિપુરમાં હાલ BJP દ્વારા પણ ચૂંટણીની કોઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી નથી. ગયા વર્ષે જૂનમાં 9 ધારાસભ્યએ CM બિરેન સિંહને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યારે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. એ સમયે નોર્થ-ઈસ્ટના BJPના ખાસ ગણાતા હિમંકા બિસ્વા સર્માને મણિપુર મોકલીને સરકાર બચાવવામાં આવી હતી.