રશિયાનું બ્રહ્માસ્ત્ર છે નવી મિસાઇલ RS-28 સરમટ:10 શહેર પર એકસાથે ન્યૂક્લિયર-એટેક કરી શકે છે, લંડન તબાહ કરવામાં લાગશે માત્ર 6 મિનિટ

એક દિવસ પહેલાલેખક: ઋચા શ્રીવાસ્તવ

ગયા અઠવાડિયે રશિયાએ એના 'બ્રહ્માસ્ત્ર'નું સફળ પરીક્ષણ કર્યું હતું. એનું નામ RS-28 સરમટ મિસાઈલ છે. એ અત્યારસુધીની સૌથી ઘાતક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. એની બે વિશેષતાઓને કારણે અમેરિકાથી લઈને યુરોપ સુધીના લોકો ગભરાયા છે.

પ્રથમ, આ મિસાઇલ 25,000 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે હુમલો કરી શકે છે, એટલે કે રશિયાથી લંડન પહોંચવામાં માત્ર 6 મિનિટ જ લાગશે.

બીજું, એ એકસાથે અલગ-અલગ દિશામાં 10 ટાર્ગેટ પર પરમાણુ હુમલો કરી શકે છે, જેને કારણે કોઈપણ એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એને રોકી શકતી નથી.

ભાસ્કર એક્સ્પ્લેનરમાં અમે રશિયાની નવી RS-28 સરમટ મિસાઇલ સંબંધિત પ્રશ્નોના જવાબ આપી રહ્યા છીએ…

વિચરતી જાતિના માનમાં આરએસ-28 સરમટ નામ આપવામાં આવ્યું

સરમટ નામની વિચરતી જાતિઓ દક્ષિણ રશિયા, યુક્રેન અને કઝાકિસ્તાનના ભાગોમાં રહેતી હતી. આ લોકો ઘોડેસવારી અને લડવાની ક્ષમતા માટે જાણીતા હતા. 5મી સદીમાં તેમની લશ્કરી શક્તિના આધારે તેમણે યુરલ પર્વતો અને ડોન નદીની આસપાસનો વિસ્તાર કબજે કર્યો હતો. આ જાતિના સન્માનમાં રશિયાએ પોતાની મિસાઈલનું નામ સરમટ રાખ્યું છે. યુરોપ અને નાટો દેશ રશિયાની આ મિસાઈલને શેતાન કહે છે.

18 હજાર કિમીની રેન્જ, 10 ટાર્ગેટ પર એકસાથે નિશાન

રશિયા દ્વારા બનાવવામાં આવેલી આ અત્યારસુધીની સૌથી ઘાતક હાઇપરસોનિક મિસાઇલ છે. ત્રણ તબક્કાના પ્રવાહી બળતણવાળી આ મિસાઈલની રેન્જ 18,000 કિમી છે. રશિયન મીડિયા અનુસાર, આ મિસાઈલ પોતાની સાથે દસ ટન સુધીનું પેલોડ લઈ જઈ શકે છે. એ 10 મોટાં વોરહેડ્સ, 16 નાનાં વોરહેડ્સ અને એક હાઇપરસોનિક ગ્લાઈડ વ્હીકલ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. હાઈપરસોનિક ગ્લાઈડ વાહન લઈ જવામાં સક્ષમ આ પ્રથમ મિસાઈલ છે. હાઇપરસોનિક ગ્લાઈડ વ્હીકલ મિસાઈલને હાઈ સ્પીડ આપવાની સાથે એ અમેરિકાની THAAD સંરક્ષણ પ્રણાલીથી પણ રક્ષણ કરશે.

શા માટે RS-28 સરમટ વિશ્વની સૌથી ખતરનાક મિસાઇલ છે?

રશિયાએ લગભગ 30 વર્ષ બાદ લિક્વિડ ફ્યૂલવાળી ICBM મિસાઈલ વિકસાવી છે. એની ડિઝાઇન મેકવ રોકેટ ડિઝાઇન બ્યૂરો દ્વારા બનાવવામાં આવી છે. એની સૌથી ખાસ અને ખતરનાક બાબત એ છે કે 10 MIRV. MIRV એટલે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ. આ મિસાઈલની આખી પ્રક્રિયાને આ રીતે સમજો....

RS-28 સરમટ મિસાઈલ રશિયાથી 10 MIRV લઈને વાતાવરણમાં પ્રવેશ કરે છે. ત્યાં આ MIRV લોન્ચ કરવામાં આવે છે અને એકસાથે 10 જુદાં જુદાં લક્ષ્યો પર હુમલો કરી શકે છે. એની સ્પીડ એટલી ઝડપી છે કે એને એન્ટી-મિસાઈલ સિસ્ટમથી રોકવી ઘણી મુશ્કેલ છે.

રશિયા 46 RS-28 મિસાઈલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. રશિયા આ મિસાઈલોને નાટો માટે ભેટ ગણાવે છે. એક RS-28 મિસાઇલ 10 MIRV દ્વારા એક જ વારમાં વર્મોન્ટ, રોડ આઇલેન્ડ અને મેરીલેન્ડ જેવા યુએસ રાજ્યોને નષ્ટ કરી શકે છે.

રશિયાની RS-28 સરમટ મિસાઇલનો ઈતિહાસ શું છે?

SS-18 શેતાન શીતયુદ્ધ દરમિયાન સોવિયેત રશિયાની સૌથી મોટી અને સૌથી ખતરનાક મિસાઈલ હતી. રશિયા લાંબા સમયથી પોતાની નેક્સ્ટ જનરેશન મિસાઈલની તૈયારી કરી રહ્યું હતું. તેણે 2011માં RS-28 સરમટ મિસાઈલ બનાવી હતી. ડિસેમ્બર 2017માં મિસાઇલની પ્રક્ષેપણ પ્રણાલીમાં કેટલીક તકનીકી ખામીઓને કારણે એના પરીક્ષણ ફાયરને થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું. રશિયાએ એપ્રિલ 2022માં યુક્રેન યુદ્ધ દરમિયાન એનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું હતું. આ પછી એનું બીજું સફળ પરીક્ષણ 19 નવેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે રશિયન સેનામાં સામેલ થતાં પહેલાં 5 ટેસ્ટ કરવામાં આવશે. રશિયાના કર્નલ જનરલ સર્ગેઈ કરાકિવે આ મિસાઈલ પરીક્ષણને રશિયાની સૈન્ય કવાયતનો ભાગ ગણાવ્યો હતો.

RS-18 મિસાઈલ વિશે પુતિને શું કહ્યું?

2018માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે અમે એક એવી પરમાણુ મિસાઈલ વિકસાવી છે, જે વિશ્વમાં કોઈપણ જગ્યાએ માર કરી શકે છે. પુતિનનો દાવો છે કે યુરોપ અને એશિયામાં અમેરિકન સિસ્ટમ પણ આ રશિયન મિસાઈલને રોકી શકતી નથી.

પુતિને સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ રશિયા સામે પરમાણુ હથિયાર છોડશે તો રશિયા તરત જ બમણા બળથી બદલો લેશે. મહત્ત્વપૂર્ણ છે કે ચીન અને અમેરિકા પણ એવી મિસાઈલ બનાવવાની કોશિશ કરી રહ્યા છે, જે આખી દુનિયા પર હુમલો કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...