દેશમાં અને રાજ્યમાં પાછલાં કેટલાંક વર્ષોમાં ઓર્ગન ડોનેશનનો કોન્સેપ્ટ પ્રચલિત બન્યો છે. વ્યક્તિ જીવતા તો અન્ય વ્યક્તિની મદદ કરી શકે છે, પરંતુ મૃત્યુ બાદ પણ પોતાનાં અંગોનું દાન કરી અન્ય વ્યક્તિને નવું જીવન આપી શકે છે. એક બ્રેન ડેડ વ્યક્તિ તેનાં વિવિધ અંગો થકી 8 લોકોને નવજીવન આપી શકે છે. જોકે ઓર્ગન ડોનેશન બાબતે લોકોમાં કેટલીક અલગ-અલગ માન્યતાઓ પ્રવર્તે છે. ત્યારે કેવી રીતે થાય છે અંગદાન અને કોણ કેવી રીતે કરી શકે છે ઓર્ગન ડોનેશન? એ અંગે દિવ્ય ભાસ્કર માટે સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર ડો. ધીરેન શાહ આપે છે તમામ જાણકારી
ઓર્ગન ડોનેશનમાં ડોક્ટર્સ અને હોસ્પિટલની ભૂમિકા?
ડોકટર અને હોસ્પિટલની ભૂમિકા અગત્યની હોય છે, કારણ કે ઓર્ગન ડોનેટ કોણ અને ક્યારે કરી શકાય એ ડોકટરને સારી રીતે ખ્યાલ હોય છે, ન્યુરોસર્જન અને ઇન્ટેન્સિવિસ્ટ હોય, તેમનો રોલ મહત્ત્વનો હોય છે, કેમ કે તેમના હાથમાં આ પ્રકારના ક્રિટિકલ કેસ આવતા હોય છે. તેઓ જે-તે દર્દીના પરિવારને ઓર્ગન ડોનેશન માટે જાણકારી આપતા હોય છે, તેમના પ્રયાસથી સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) અથવા NGOનો સંપર્ક કરવામાં આવે છે, જે પછી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે
ઓર્ગન ડોનેશન વધે એ માટે ચાલતી પ્રવૃત્તિ
જ્યારે અંગદાન થાય છે ત્યારે તેવા કિસ્સાઓને પ્રસાર માધ્યમો થકી પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જેથી લોકો ઓર્ગન ડોનેશન માટે પ્રેરિત થાય. લોકો ઓર્ગન ડોનેશન અંગે માહિતગાર રહે અને જાગરૂકતા ફેલાય એ માટે દર વર્ષે 13 ઓગસ્ટે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે મનાવવામાં આવે છે. સરકારે પણ જે વ્યક્તિ ઓર્ગન ડોનેટ કરે છે તેમના પરિવારને યોગ્ય સન્માન મળવું જોઇએ, જો શક્ય હોય તો, ડોનરના પરિવારમાંથી કોઇને સરકારી અથવા અન્ય કોઇ નોકરીમાં પ્રાધાન્ય આપી શકાય, સાથે-સાથે જો ભવિષ્યમાં ઓર્ગન ડોનરના પરિવારમાંથી જ્યારે પણ ઓર્ગનની જરૂર પડે ત્યારે તેમને વેઇટિંગ લિસ્ટમાં પ્રાધાન્ય આપવું જોઇએ, જેથી ઓર્ગન ડોનેશન અંગે અવેરનેસ વધે અને અન્ય લોકોને પ્રેરણા મળે.
ગ્રીન કોરિડોર માટે શું કરવામાં આવે છે ?
દાનમાં મળેલા ઓર્ગનને એક સ્થાનેથી બીજા સ્થાને ટ્રાન્સફર કરતા સમયે પ્રત્યેત ક્ષણ મહત્ત્વની હોય છે. ખાસ હાર્ટ અને ફેફસાંનું આયુષ્ય ટૂંકા ગાળાનું હોય છે. સમય ન વેડફાય એ માટે ગ્રીન કોરિડોર તૈયાર કરીને હાર્ટ અથવા લંગ્સને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવામાં આવે છે, જેમાં સમગ્ર રસ્તાને ક્લિયર કરીને ઓર્ગન લઇ જતા વાહન માટે તમામ સિગ્નલ ગ્રીન કરી દેવામાં આવે છે, જેથી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલનું અંતર ટૂંકા સમયગાળામાં પહોંચી શકાય. ઉપરાંત ગ્રીન કલર નવા જીવનનો પર્યાય છે એટલા માટે ગ્રીન કોરિડોર શબ્દ ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીન કોરિડોર બનાવવા માટે લોકલ ઓથોરિટી તેમજ પોલીસ સાથે કો-ઓર્ડિનેટ કરવામાં આવે છે.
ટોટલ ખર્ચ કેટલો આવે અને તે કોણ ભોગવે છે ?
કિડની ટ્રાન્સપ્લાન્ટમાં રૂ. 5-6 લાખ સુધીનો ખર્ચ આવે છે, જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં અંદાજિત રૂ. 23-35 લાખનો ખર્ચ આવતો હોય છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં અંદાજિત રૂ. 20-25 લાખનો ખર્ચ થતો હોય છે, લંગ્સ ટ્રાન્સપ્લાન્ટમાં રૂ. 30-35 લાખનો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત જે-તે દર્દીની સ્થિતિ અને કોમ્પ્લિકેશન પર આધાર રાખે છે અને ખર્ચ વધી પણ શકે છે. આ તમામ ખર્ચ મોટા ભાગે અંગ મેળવનારી વ્યક્તિએ ભોગવવાનો રહે છે.
કોણ કરી શકે છે ઓર્ગન ડોનેશન ?
મોટા ભાગે ઓર્ગન ડોનેશન માટે બ્રેન ડેડ થયેલી વ્યક્તિનાં અંગોને પ્રાથમિકતા આપવામાં આવે છે. બ્રેન ડેડ અકસ્માત, બ્રેન હેમરેજ કે બ્રેન ડેમેજ થવાથી ડોકટર દર્દીને બ્રેન ડેડ જાહેર કરે છે. એ બાદ દર્દીનાં પરિવારજનોની સહમતી હોય તો જ ડોકટર મારફત ઓર્ગેન ડોનેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જેમનું હાર્ટ, લિવર, લંગ્સ, કિડની, આંતરડાં, સ્વાદુપિંડ, આંખ લઇ શકાય છે, જ્યારે કુદરતી રીતે મૃત્યુ થનારી વ્યક્તિના શરીરમાંથી માત્ર આંખની કિકી, ચામડી કે હાડકાં લઇ શકાય છે.
કયાં અંગોની કેટલી આયુષ્ય મર્યાદા
હાર્ટ- 4-6 કલાક
લિવર - 12-14 કલાક
કિડની - 12-24 કલાક
લંગ્સ - 6-8 કલાક
સ્વાદુપિંડ(પેન્ક્રિયસ)- 12 કલાક
ઇન્ટેસ્ટાઇન (આંતરડાં)- 12 કલાક
આંખ - 2-3 મહિના
ચામડી - 2-3 મહિના
હાડકાં - 2-3 મહિના
અંગ થકી 1-2 દાયકાનું નવું જીવન આપી શકીએ છીએ
જ્યારે વ્યક્તિ માત્ર 1-2 વર્ષ માંડ જીવી શકે એવી સ્થિતીમાં હોય, એટલે કે જીવન અનિશ્ચિત હોય, તેમના માટે મેડિકલ સાયન્સમાં ઓર્ગન ડોનેશન મારફત 1-2 દાયકા સુધી નવી લાઇફ આપી શકાય છે. મારા મોટા ભાગના પેશન્ટ, જેમને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યાને એક વર્ષથી વધુ થઇ ગયું છે, તે તમામ લોકો રૂટિન લાઇફ જીવી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. હા, એક વર્ષ સુધી કાળજી રાખવી જરૂરી હોય છે, પણ પછીથી લાઇફ સારી રહે છે.
વિશ્વમાં ભારત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં બીજા નંબરે
દુનિયામાં ઓર્ગન પ્લાન્ટેશનમાં ભારત બીજા નંબરે છે, અમેરિકા બાદ સૌથી વધુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આપણા દેશમાં થાય છે, પરંતુ જ્યારે એમાં ઊંડાણમાં ઉતરીએ ત્યારે એ જાણવા મળે છે કે 90% કેસમાં જે-તે દર્દીનાં સ્વજનો જ કિડની કે અન્ય અંગદાન આપતાં હોય છે. જ્યારે પશ્ચિમી દેશમાં તદ્દન અલગ ટ્રેન્ડ જોવા મળે છે. ત્યાં 80% કેસમાં કેડેવરિક એટલે કે બ્રેન ડેડ ઓર્ગન ડોનેશનથી થયાં છે, પરિવારજનો, મિત્રો,સ્વજનો અંગદાનના કિસ્સા માત્ર 20% છે, જેથી આપણે પણ આપણા દેશમાં અંગદાન અંગે જાગ્રત બનવું જોઇએ અને અન્યને નવી લાઇફ આપવા પ્રયાસ કરવો જોઇએ.
હાલ ઓર્ગન ડોનેશન માટે શું વ્યવસ્થા
ગુજરાતમાં SOTTOની સ્થાપના 2019માં થઇ, જે માનવ શરીરનાં વિવિધ અંગોના દાન અંગે મોનિટરિંગનું કામ કરે છે. જે-તે બ્રેન ડેડ મૃતકનાં અંગો દાન કરવાની માહિતી SOTTOને આપવામાં આવે છે, જ્યાં ઓર્ગનની જરૂરિયાવાળા દર્દીની માહિતી રજિસ્ટર્ડ હોય છે, જેમાં ક્રમ અનુસાર રજિસ્ટર્ડ દર્દીઓનો સંપર્ક કરી તેમને દાનમાં આવેલાં અંગોને જે-તે દર્દી પાસે પહોંચાડવામાં આવે છે. જે માટે ચોક્કસ સમયમર્યાદામાં ઓર્ગનનું ટ્રાન્સપ્લાન્ટ જરૂરી હોવાથી પોલીસની મદદથી ગ્રીન કોરિડોર કરી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે.
ઓર્ગન ડોનેશન સુરત રાજ્યમાં મોખરે
SOTTOના આંકડા પ્રમાણે, ગુજરાતમાં ઓર્ગન ડોનેશન બાબતે સુરત અગ્રેસર રહ્યો છે. એ બાદ અમદાવાદનો નંબર આવે છે. ચાલુ વર્ષે રાજ્યમાં 25થી વધુ ઓર્ગન ડોનેશન થયાં છે, જે પૈકી સુરતમાં 13 અને અમદાવાદમાં 10 જેટલાં ઓર્ગન ડોનેટ થયાં છે. સૌથી મોટી વાત એ છે કે કોરોનાકાળ દરમિયાન પણ ઓર્ગન ડોનેશન અટક્યાં નથી. વર્ષ 2020માં રાજ્યમાં 36 જેટલાં વિવિધ ઓર્ગનનું ડોનેશન થયું હતું, જેમાં સુરતમાં 10 અને અમદાવાદમાં પણ 10 ઓર્ગન ડોનેટ થયાં હતાં.
અત્યારસુધી સૌથી વધુ કિડની અને લિવરનાં ડોનેશન થયાં
રાજ્યમાં દિવસ ને દિવસે ઓર્ગન ડોનેશન પ્રત્યે લોકો મહદંશે જાગ્રત થઇ રહ્યા છે. રાજ્યમાં બ્રેન ડેડ થયેલી વ્યક્તિમાંથી કિડની અને લિવરનું દાન થાય છે. મૃતક દર્દનો એપ્નિયા ટેસ્ટ કરવામાં આવે છે, જે બાદ બ્રેન ડેડ જાહેર કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે 5 લાખથી વધુ લોકો ઓર્ગન ન મળવાથી મોત થાય છે. હાલના સમયમાં સૌથી વધુ કિડનીની માગ સૌથી વધુ છે. 2 લાખ કિડનીની સામે 4-5 હજાર, હાર્ટ 50 હજારની સામે 100 હાર્ટ જ્યારે 1 લાખ લિવરી સામે 500 લિવર જ મળી રહે છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.