• Gujarati News
  • Dvb original
  • How Did A Kutch Girl Who Ran A Beauty Parlor Become An Actress? Walk On The Red Carpet Wearing A 10 Lakh Dress

ભાસ્કર એક્સક્લૂસિવકાન ફિલ્મ ફેસ્ટિવલના રેડકાર્પેટ પર પહેલી ગુજરાતણ!:બ્યૂટિપાર્લર ચલાવતી કચ્છી યુવતી એક્ટ્રેસ શી રીતે બની? 10 લાખનો ડ્રેસ પહેરીને રેડકાર્પેટ પર વૉક કર્યું, હોટ અદાઓ પર સૌ ફિદા

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

‘અચાનક જ એક દિવસ મને ઈમેલ આવ્યો કે ફ્રાન્સના વિશ્વપ્રસિદ્ધ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ વૉક માટે અમે તમારી પ્રોફાઇલ સિલેક્ટ કરી છે, ઇન્ડિયન ગવર્નમેન્ટ તમને મોકલવા માગે છે. મારા માટે આ એકદમ સ્વપ્ન સમાન હતું. વાત મારા માનવામાં જ નહોતી આવતી, એ ઈમેલ દ્વારા મને સરળતાથી વિઝા અને ટિકિટ મળી ગયાં અને ત્યાં જઈને ટોમ ક્રૂઝની ફિલ્મના પ્રીમિયર દરમિયાન મારે રેડકાર્પેટ વૉક કરવાનું હતું. ત્યાં જઈને જોઉં છું તો...’

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જલવો બતાવીને હાલ સ્વિટ્ઝર્લૅન્ડમાં વેકેશન માણી રહેલી આ યુવતી સાથે વાત કરતી વેળાએ તેના મોં પર છલકાતી ખુશીનો પાર નથી...

આજે વાત છે આ ગુજરાતના ગૌરવ સમી યુવતીની, ગુજરાતની એ એક્ટ્રેસની, જેણે ફ્રાન્સમાં જઈને ગુજરાતનો ડંકો વગાડ્યો છે, ગુજરાતી સિનેમાને નવી ઊંચાઇ અપાવી છે. ફ્રાન્સમાં જઈને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર એકવાર ચાલવાનું દરેક ફિલ્મ કલાકારનું સપનું હોય છે. હજુ સુધીમાં ગુજરાતના કોઈ જ ફિલ્મ કલાકારને આ મોકો મળ્યો નથી, ત્યારે ગુજરાતની એક અભિનેત્રી એકવાર નહિ, પરંતુ સતત બીજા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ સુધી પહોંચી ચૂકી છે. ગુજરાતને આ ગૌરવશાળી ક્ષણ બબ્બેવાર અપાવનાર એ યુવતી એટલે અભિનેત્રી કોમલ ઠક્કર. ‘દિવ્ય ભાસ્કર’ એપ દ્વારા કોમલ ઠાકરનો એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. આવો, કોમલ સાથે ગોઠડી માંડીએ અને તેની લાઇફ જર્ની તથા કાન ફિલ્મ ફેસ્ટિવલના અનુભવો સાંભળીએ...

કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડકાર્પેટ વૉક પછી પ્રશંસકોનું અભિવાદન કરી રહેલી કોમલ ઠક્કર
કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડકાર્પેટ વૉક પછી પ્રશંસકોનું અભિવાદન કરી રહેલી કોમલ ઠક્કર

‘મિસ કચ્છ’ બનવાથી શરૂ કરી ગુજરાતનું ગૌરવ બનવા સુધીની સફર

કોઇ કહે કે અત્યારે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતને અને ભારતને રિપ્રેઝન્ટ કરી રહેલી આ અભિનેત્રી યાને કે કોમલ કોમલ ઠક્કર એક સમયે સિમ્પલ બ્યૂટિપાર્લર ચલાવતી હતી, તો કદાચ કોઇને વિશ્વાસ ન થાય, પરંતુ તેના કરિયરના આ દિલધડક વળાંક વિશે ખુદ કોમલ જ ઝૂમ કૉલ પર સ્વિટ્ઝર્લેન્ડથી અમને કહે છે, ‘એક દિવસ મિસ કચ્છની એક મોડલને તૈયાર કરતી વેળાએ મિસ કચ્છ ઇવેન્ટ તરફથી મને કહેવામાં આવ્યું કે તમે પોતે આટલાં બ્યૂટિફૂલ છો, તો તમે આ કોમ્પિટિશનમાં કેમ ભાગ નથી લેતાં? પહેલા તો મેં ના પાડી કે મારું કામ એ નથી, હું ખાલી તૈયાર જ કરી આપું છું, તો એ લોકોએ મને મનાવી અને હું ન માની, કેમ કે ઇવેન્ટના જ દિવસે મારે મેરેજ ફંક્શનમાં તૈયાર કરવા જવાનું છે. તો એ લોકો મારા ઘરે ગયા અને વાત કરી. મારા ઘરેથી મને પૂછ્યા વગર જ મારું નામ લખાવી દીધું. પછી કોઈ રસ્તો નહોતો જવા સિવાય... પણ મેં પહેલા શરત મૂકી કે હું આખો દિવસ નહીં રહી શકું, વચ્ચે જ્યારે મારો વારો હશે એટલા સમય પૂરતી હું આવી જઈશ. હવે ઇવેન્ટના દિવસે હું જે બ્રાઈડને તૈયાર કરતી હતી ત્યારે ત્યાં વાત થતી હતી કે આજે તો આપના કચ્છની મોટી ઇવેન્ટ છે, જોઈએ કોણ જીતે છે કાલે. તો મેં ખાલી કહ્યું કે હું પણ એમાં જવાની છું, તો તરત જ એ લોકો એકદમ ચોંકી ઊઠ્યા કે તો તું અહીં શું કરે છે, જલદી ત્યાં પહોંચ, હું મેંદી મૂકતી હતી, તો એ લોકોએ એ કામ પડતું મુકાવી દીધું. મને કહ્યું કે એ અમે પૂરું કરી દઇશું, તું જલદી ત્યાં પહોંચ અને એ લોકોએ મને કામ મુકાવ્યું અને ત્યાં મૂકવા આવ્યા. એ ઈવેન્ટમાં મારો સવાલ જવાબવાળો રાઉન્ડ સારો રહ્યો અને હું ‘મિસ કચ્છ’ બની ગઈ, જે મારા માટે એક સપના જેવું હતું. એ જ ઈવેન્ટના પછીના દિવસે લ્યુના પર હું એક દુલ્હનને તૈયાર કરવા જતી હતી તો એક રિક્ષાવાળાએ મારો ફોટો પાડી લીધો અને બીજા દિવસે છાપામાં મોટો ફોટો આવ્યો કે ‘મિસ કચ્છ લ્યુના પર જાય છે!’ એ બાદ હું 15 દિવસ ઘરની બહાર નહોતી નીકળી કે મને કાર લઈ આપો પછી જ હું બહાર જઈશ, પરંતુ અમારી પરિસ્થિતિ બહુ સામાન્ય હતી એટલે મમ્મીએ મને સમજાવી અને પછી હું બહાર નીકળી. બાદમાં મને ઘણા ઓપનિંગ સેરેમની અને ઘણા શો મળવા લાગ્યા. એ પછી મને વીડિયો સોંગ મળ્યું અને એ પછી તો ફિલ્મો મળવાની શરૂ થઈ ગઈ. નાનપણમાં અમે ફિલ્મો કે ગીતો પણ નથી જોયાં, અમારા ઘરે ટીવી પણ નહોતું તો આ બધું મારા માટે સાવ નવું હતું.’

'હમ પે યે કિસને હરા રંગ ડાલા'
'હમ પે યે કિસને હરા રંગ ડાલા'

ગુજરાતી અભિનેત્રીનું મુંબઈ જવા પાછળનું કારણ શું હતું?
કચ્છમાં જન્મેલી અને ગુજરાતી સિનેમાથી પોતાનું કરિયર બનાવનારી અભિનેત્રી કોમલ હાલ મુંબઇમાં કેમ સ્થાયી થઈ ચૂકી છે? તો ગુજરાતથી મુંબઈ જવા પાછળનું કારણ જણાવે છે કે 'ગુજરાતી ફિલ્મોમાં કામ કરનારા કલાકારોની ગુજરાતની બહાર ઓળખ ઊભી નથી થતી અને મારે ઊડવું હતું, ફેમસ થવું હતું, પણ જ્યારે મેં મુંબઈ જવાનું નક્કી કર્યું ત્યારે મારી પાસે ઘણા પ્રોજેક્ટ હતા. એ બધું જ મૂકીને ત્યાં શિફ્ટ થવું મારા માટે થોડું અઘરું હતું. મારું હિન્દી પણ એટલું સારું નહોતું, પછી મેં ત્યારે નાટક કરવાનું શરૂ કર્યું, કેમ કે નાટક એ એક્ટિંગની શાળા છે. ત્યારે નાટક માટે જવું મારા માટે વિચારવા જેવું હતું, કેમ કે એ સમયે હું એક દિવસના ઓપનિંગમાં જવાના એક-એક લાખ ચાર્જ લેતી હતી, પણ એ બધું જ મૂકીને મેં નાટકો માટે કામ કર્યું. નાટક માટે બોન્ડ કરવાનો રહે છે એક વર્ષ જેટલો. એ દરમિયાન મારી પાસે એકતા કપૂરની એક સિરિયલની ઓફર આવી અને એ હતી ‘કસૌટી જિંદગી કી’... જે હંમેશથી મારી ફેવરિટ હતી. એ ઓફર જતી કરવી મારા માટે કસોટી સમાન હતું, પણ હું મારા નિર્ણય પર ટકી રહી અને મારી એક્ટિંગ પર કામ કર્યું, મારી ભાષા પર કામ કર્યું અને અંતે મને એક ફિલ્મ ઑફર થઈ... 'ફાધર ઇકબાલ' અને એ બાદ મને સાચી એક્ટિંગ શું છે એ સમજાયું, કેમ કે ગુજરાતી રિલિજિયસ ફિલ્મોમાં તો બૂમબરાડા કરવા અને હાથ-પગથી લાઉડ એક્ટિંગ કરવી એ જ હતું. પણ અહીં તો આખી રમત તમારા હાવભાવ અને આંખોની હતી, જે ઘણું જ અલગ પડે છે. હિન્દી સિનેમામાં કામ કર્યા બાદ મારામાં ઘણો બદલાવ આવ્યો, કેમ કે જેમ મોટું પ્લેટફોર્મ એમ જ તમારા પર વધારે અપેક્ષા. ખાલી ફિલ્મ મળી જવી એ સિદ્ધિ નથી, પરંતુ એને ટકાવી રાખવી એ મોટી બાબત છે. મેં જો મુંબઈ આવતી વખતે વિચાર્યું હોત કે મારે શું જરૂર છે અહીં મુંબઈ જવાની? હું તો અહીં સ્ટાર છું, મારી પાસે તો ફિલ્મો આવે છે... તો હું આજે અહીં ન હોત. 15 વર્ષ ગુજરાતી સિનેમામાં કામ કર્યા બાદ હું મુંબઈ આવી. જો તમે મુંબઈ હશો તો પૂરા દેશની ફિલ્મો માટે તમને કામ મળશે, પણ જો તમે અમદાવાદ હશો તો ફક્ત ગુજરાત પૂરતું જ તમને કામ મળશે. ગુજરાતની બહારની ઇન્ડસ્ટ્રી તમને કામ માટે નહિ લઈ જાય. મુંબઈ આ માટે હબ છે. સિનેમાજગતનું મેઇન સેન્ટર છે.’

‘જ્યાં સુધી રેડકાર્પેટ વૉક પૂરું ન થયું ત્યાં સુધી મેં કોઈને કહ્યું નહોતું’
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એકવાર જવું એ પણ દરેક કલાકારનું સપનું હોય છે, જ્યારે આ તો બબ્બેવાર આ સિદ્ધિ મેળવી ચૂકેલી કોમલ પોતાના અનુભવ વિશે જણાવે છે કે 'જ્યારે ગયા વર્ષે મને ઇમેલ આવ્યો કે તમારે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આવવાનું છે અને રેડ કાર્પેટ પર વૉક કરવાનું છે, તો મારા માનવામાં નહોતું આવ્યું કેમ કે આ દરેક કલાકાર માટે એક સ્વપ્ન સમાન હોય છે. જ્યાં સુધી એ થઈ ન ગયું ત્યાં સુધી આ વાત ફક્ત મારી ડિઝાઇનર, મારા બ્યુટિશિયનને અને મારા પરિવાર સિવાય કોઈને જ કહી નહોતી. મને આ મેઇલ આવ્યો એ માનવામાં જ નહોતું આવતું. મેં ત્યાં જઈને ટોમ ક્રૂઝના મૂવી પ્રીમિયર માટે વૉક કર્યું હતું અને થઈ ગયા બાદ મેં બધાને કહ્યું કે, 'હા, મેં કરી બતાવ્યું.' આ ઘટના મારા માટે બ્લૂ મૂન સમાન હતી. આ વખતે પહેલેથી નક્કી હતું કે મારે જવાનું છે તો મારી પૂરી તૈયારી હતી. ઘણા બધા ડિઝાઇનર પણ આવ્યા હતા કે તમે અમારો ડ્રેસ પહેરો... અમારી જ્વેલરી પહેરો...'

કોમલ ઠક્કર : સેન્ટર ઑફ એટ્રેક્શન
કોમલ ઠક્કર : સેન્ટર ઑફ એટ્રેક્શન

5 અલગ-અલગ ભાષામાં 30થી વધારે ફિલ્મો તથા 10 હજાર વીડિયો સોંગ્સ
ગુજરાતી સિનેમાજગતમાં રિલિજિયસ ફિલ્મોથી પોતાના કરિયરની શરૂઆત કરનારી કોમલ અત્યારસુધીમાં 30થી વધારે ફિલ્મો કરી ચૂકી છે અને 5થી વધારે ભાષાઓની જાણકાર છે. કોમલ અત્યારસુધીમાં ગુજરાતી ભાષામાં 20 કરતાં વધારે, પંજાબીમાં 4, રાજસ્થાનીમાં 5, ભોજપુરીમાં 3 અને હિન્દીમાં 2 ફિલ્મ કરી ચૂકી છે. ઉપરાંત 10 હજાર કરતાં વધારે વીડિયો સોંગમાં કામ કર્યું છે. કોમલ કહે છે, ‘કોઈ એવું પ્લેટફોર્મ નથી કે જ્યાં મેં કામ ન કર્યું હોય. ફિલ્મ, વેબ શો, કેટ વૉક, જજિંગ, અવોર્ડ શૉ... મેં બધું જ ટ્રાય કર્યું છે, કેમ કે કોઈ એવું ફિલ્ડ બાકી ન રહેવું જોઈએ જે આ ઇન્ડસ્ટ્રીમાં હોય.’ આગળ વાત કરતાં કોમલ કહે છે કે 'મને વીડિયો સોંગ માટે કામ કરવું સૌથી વધારે ગમે છે, કેમ કે એ માટે અલગ અલગ જગ્યાએ ફરવાનું, કોઈ ટેન્શન નહીં, થોડા સમયમાં બધું પૂરું થઈ જાય, કોઈ કેરેક્ટરને પકડીને ન રાખવું પડે અને એમ પણ રાજસ્થાન અને પંજાબમાં કામ કરવું મને સૌથી વધુ ગમે છે, કેમ કે ત્યાં લોકેશનની પણ ખૂબ જ મજા આવે અને ત્યાંનું જમવાનું પણ ખૂબ જ ગમે છે મને.'

10 લાખનો ડ્રેસ અને ડાયમંડ જ્વેલરી સાથે રેડકાર્પેટ પર વૉક કર્યું હતું
પૂરી દુનિયાની સામે આકર્ષણનું કેન્દ્ર બનેલી કોમલ ઠાકરના ડ્રેસ અને મેકઅપ વિશે વાત કરીએ તો કોમલનો એ ડ્રેસ તુર્કીના ડિઝાઇનરે તૈયાર કરેલો હતો. જે કોલાબ્રેશનનો ભાગ હતો, પણ એ ડ્રેસની ખરેખરી કિંમત રૂપિયા 10 લાખ જેટલી હતી. જ્વેલરી લંડનની કંપની તરફથી રિયલ ડાયમંડની હતી તથા રહેવા-જમવાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવતી હોય છે. કોમલ જણાવે છે કે ગયા વર્ષે ત્યાંના ફેસ્ટિવલના મીડિયાએ મારી એટલી નોંધ નહોતી લીધી, પણ આ વર્ષે મને ઘણો સપોર્ટ મળ્યો.

કાન ફેસ્ટિવલ પછી ફિલ્મોની ઑફરોમાં ખૂબ જ વધારો થયો
રેડકાર્પેટ પર વૉક પછી પ્રતિષ્ઠા તો મળે જ છે, સાથે સાથે ફિલ્મોની ઑફરો પણ ખૂબ જ મળે છે. આ ઉપર કોમલ પોતાના અનુભવ પરથી કહે છે કે ત્યાં બીજા દેશના ડાયરેક્ટર, એક્ટરોને મળવાના કારણે ઓળખાણ વધે છે અને એ કારણે ફિલ્મો અને બ્રાન્ડ પ્રમોશનની ઑફરોમાં વધારો થાય છે. આ મુજબ જ કોમલને એક ઇંગ્લિશ ફિલ્મ પણ મળી છે, જેનું શૂટિંગ 2 મહિના બાદ શરૂ થવાનું છે. ઉપરાંત લંડનના એક ડિરેક્ટરની ફિલ્મનું શૂટિંગ પણ સપ્ટેમ્બર પછી શરૂ થવાનું છે.

રેડકાર્પેટ પર ચાલવાનું, પણ અંદર જઈને...?
દરેકને ખબર છે કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલીને જવાનું હોય છે, પણ ક્યાં જવાનું હોય છે? અંદર જઈને શું હોય છે? એ ઉપર કોમલ જણાવે છે કે ત્યાં ખરેખર મૂવી પ્રીમિયર હોય છે. દરેક મૂવી પ્રીમિયર માટે એ ફિલ્મની કાસ્ટ, ડિરેક્ટરને એન્ટ્રી હોય છે અને એ ઉપરાંત સરકાર થોડા સેલિબ્રિટીઓને એન્ટ્રી અપાવે છે. એમાં પણ 3 કેટેગરી હોય છે. A, B અને C. હું બંને વખતે A કેટેગરીમાં હતી, જ્યાં ફિલ્મના એક્ટર અને ડિરેક્ટર હોય છે. એ ઉપરાંત બહાર બધા કન્ટ્રી મુજબ તેમની સરકારે અલગ અલગ પેવેલિયન બનાવેલાં હોય છે, જ્યાં દરેકને પોતાના દેશના ફિલ્મ કલાકારો તથા ડિરેક્ટરો મળતા હોય છે.

‘હવા મેં ઉડતા જાયે...’
‘હવા મેં ઉડતા જાયે...’

‘જે ભાષાએ મને આગળ વધારી છે એને હું ન છોડી શકું’
દરેક એક્ટરનું સપનું હોય છે કે રેડકાર્પેટ પર વૉક કરવું, આખી દુનિયાના મનોરંજન જગતના મહારથીઓ-ફોટોગ્રાફર્સ-મીડિયા પર્સનાલિટીઝની સામે કેટ વૉક કરવું, પણ ત્યાં સુધી પહોંચવું કઈ રીતે? ત્યાં રેડકાર્પેટ પર વૉક કરીને અંદર ગયા પછી અંદર શું હોય છે? એ વિશે વિસ્તારથી વાત કરતાં કોમલ જણાવે છે કે 'સરકારની એક લિન્ક હોય છે, એ પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે, એ લોકો નક્કી કરે છે કે તમે જઈ શકશો કે નહીં. તમારી પ્રોફાઇલ શું છે, તમે કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તમારી છેલ્લી ફિલ્મ કઈ હતી? તો મેં એ લિન્ક પર ફોર્મ ભર્યું અને મારું સિલેક્શન થઈ ગયું, પરંતુ એ લોકોએ મને કહ્યું કે તમે હિન્દીમાં પણ કામ કર્યું છે તો તમે હિન્દી ફિલ્મ એક્ટ્રેસ તરીકે જાઓ, ગુજરાતી તરીકે નહિ. તો મેં ના પાડી કે હું જઈશ તો ગુજરાતી તરીકે જ, નહિતર નહીં. પછી એ મુજબ એ લોકોએ મને ઓપ્શન આપ્યો કે જવું હોય તો હિન્દી તરીકે, નહિતર નહીં. તો મેં ના પાડી અને થોડા દિવસો પછી મને ફરી ઑફર આવી કે તમે આટલા અડગ છો અને નિશ્ચિત કરી રાખ્યું હોય તો તમે ગુજરાતી એક્ટ્રેસ તરીકે પણ જઈ શકો છો, પણ તેમણે પૂછ્યું કે તમે ના કેમ પાડી? તો મેં કહ્યું, 'હું ગુજરાતી છું, ગુજરાતી ફિલ્મોથી આગળ આવી છું, જો હું જ મારી ભાષાને નહીં સ્વીકારું તો બહારના લોકો ક્યાંથી સ્વીકારશે? જે ભાષાએ મને આગળ વધારી છે એને હું ન છોડી શકું અને એ લોકોએ મારો કોન્ફિડન્સ જોઈને મને સિલેકટ કરી. મેં રેડકાર્પેટ પર વૉક કરવાની 2 મિનિટ પહેલાં મારી મમ્મીને ફોન કર્યો કે હું રેડકાર્પેટ વૉક કરવા જઈ રહી છું, આશીર્વાદ આપ અને એ બાદ મેં બે મિનિટ વૉક કર્યું. એ વાત મારા માટે ખૂબ જ ગર્વની હતી, કેમ કે ત્યાં બધા જ વિદેશી કલાકારોની વચ્ચે હું એક જ ગુજરાતી એક્ટ્રેસ. ઉપરાંત મારે એ પણ ધ્યાન રાખવાનું હતું કે એ તમામના સમકક્ષ રહેવાનું હતું, કેમ કે એ લોકો મને ગુજરાતી એક્ટ્રેસ તરીકે જોતા હતા.'
ગુજરાતી ફિલ્મોમાં ખૂબ જ ખર્ચો કર્યા બાદ પણ મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ
ગુજરાતી સિનેમાને ધારી સફળતા ન મળવા પાછળ કોમલ મુખ્ય કારણ જનસંપર્કને ગણાવે છે. ફિલ્મ પ્રમોશન માટેનાં સ્થાનો, જગ્યા ઘણી ઓછી છે. કોઈ એવા શો નથી થઈ રહ્યા, જ્યાં જઈને ફિલ્મ પ્રમોશન થઈ શકે. સામે હિન્દીમાં કરન જોહર શો, કપિલ શર્મા શો, ડાન્સિંગ શો, કોમેડી શો ગુજરાતીમાં એટલા બધા છે જ નહિ. ઉપરાંત ઘણા કિસ્સાઓમાં જો ફિલ્મ સારી હોય તો પ્રમોશન સારું નથી થતું અને જો પ્રમોશન સારું થાય ત્યાં ઘણીવાર ફિલ્મ એટલી સારી નથી હોતી, જેના કારણે હજુ ગુજરાતી સિનેમા એટલું આગળ વધી શકતું નથી. ખાલી સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવાથી ફિલ્મ સક્સેસ નથી જતી. ઉપરાંત ગુજરાતી સિનેમાનું કાર્યક્ષેત્ર એ લોકો ગુજરાત પૂરતું જ સમજે છે, મુંબઈમાં તમને ગુજરાતી ફિલ્મોનાં પોસ્ટર જોવા મળશે જ નહિ. ભાગ્યે ક્યારેક દેખાઇ જાય. ફક્ત ગુજરાત પૂરતું સીમિત રહેવાથી પ્રગતિ રુધાશે જ. જો લોકોને ખબર જ નહિ હોય કે આ ફિલ્મ આવે છે અને આનો મેસેજ આવો છે તો લોકો જોવા ક્યારે જશે? પબ્લિસિટી ન થવાના કારણે પણ સફળ નથી થઈ રહ્યા.

ગરવી ગુજરાતણ.
ગરવી ગુજરાતણ.

બીજી ઇન્ડસ્ટ્રીની સામે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં એક્ટરોની કાળજી નથી લેવાતી
ગુજરાત, પંજાબ, રાજસ્થાન, સાઉથ અને મુંબઈ જેવી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી કોમલના મતે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં બીજી ઇન્ડસ્ટ્રીની સાપેક્ષે કલાકારોને ટ્રીટમેન્ટ થોડી સારી નથી મળતી. કોમલ આગળ વાત કરતાં જણાવે છે, 'અહીં કલાકારોના જમવામાં ડાયટ પ્લાનનું જરા પણ ધ્યાન રાખવામાં આવતું નથી, બહાર બીજી ફિલ્મો માટે અમને સારી હોટલ આપવામાં આવે છે, જ્યાં જમવાનું સારું હોય, જિમ હોય, દરેક સુવિધા હોય એ બાબતે ગુજરાતી સિનેમા હજુ ઘણું પાછળ છે. ગુજરાતી સિનેમામાં જલદી ફિલ્મ પૂરી કરવાની પાછળ ઍક્ટરનું કોઈ જ ધ્યાન રાખતું નથી, તેમની પાસેથી કેટલું કામ લેવું? એ લોકોની ઊંઘ પૂરી થાય છે કે નહીં વગેરે... ઉપરાંત એક્ટરને ફિલ્મ સેટ પર બોલાવી લીધા બાદ તેમની સામેનું પણ કોઈ ધ્યાન રખાતું નથી, પેમેન્ટ પણ બહુ મોડું મળે છે.'

શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા માટે ઉત્સુક
ભારતમાં દરેકને શાહરુખ ખાન પસંદ હોય છે એ તો બરોબર, પરંતુ ફિલ્મ કલાકારો પણ તેમની સાથે કામ કરવા માટે તલપાપડ હોય છે. કોમલ પોતાની પસંદ વિશે વાત કરતાં જણાવે છે કે 'ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર સાથે મેં 4થી 5 ફિલ્મો કરી છે, તેમની સાથે કામ કરવું મને ગમે છે. આ ઉપરાંત હિતુ કનોડિયા સાથે કામ કરવું પણ મને પસંદ છે. જો હિન્દી ફિલ્મોની વાત કરીએ તો શાહરુખ ખાન અને વિકી કૌશલ સાથે કામ કરવાની મને ઈચ્છા છે. અને ડિરેક્ટરની વાત કરીએ તો સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાનું મારું સપનું રહ્યું છે.

લાલ 'જલપરી'
લાલ 'જલપરી'

હરવા-ફરવાની અને પોતાના પરિવાર સાથે ટાઈમ પસાર કરવાની શોખીન

આગળ વાત કરતાં કોમલ જણાવે છે, તે પાર્ટીઓ માટે ક્યારેય એક્સાઈટેડ નથી હોતી. કચ્છથી મુંબઈ અને ત્યાંથી ફ્રાંસ સુધી પહોંચેલી કોમલ હરવા-ફરવાની ખૂબ જ શોખીન છે અને જ્યારે ગુજરાતમાં હોય ત્યારે પોતાના પરિવાર સાથે રહેવાનું સૌથી વધુ ગમે છે. આ ઉપરાંત તે પોતાના પિતાના હાથના બનેલાં ફાફડા-જલેબીની દીવાની રહી છે. બાય ધ વે, કોમલના પપ્પાને મીઠાઇની દુકાન છે.

હવે કોમલ ક્યાં દેખાશે?
આટલું જાણ્યા પછી તમે દરેક કોમલના ફેન થઈ જ ગયા હશો અને જો તમે તેને આવનારી ફિલ્મોમાં જોવા માગતા હો તો તે ઘણી ફિલ્મો અને સોંગ હમણાં જ આવવાનાં છે. કોમલ પોતાના આવનારા પ્રોજેક્ટ અને ફિલ્મો વિશે વાત કરતાં કહે છે કે 'હું મિસ્ટર શંકર' થોડા સમય પછી આવશે. આવતા મહિને ટી-સિરીઝનું એક પંજાબી વીડિયો સોંગ આવવાનું છે. ઉપરાંત ‘સંઘવી એન્ડ સન્સ’ ફિલ્મ હું શૂટ કરવાની છું, જે એક ફેમિલી ડ્રામા છે.’