• Gujarati News
  • Dvb original
  • A Gujarati Female Teacher Became A Lingerie Model In The 50th Year, Said If Everyone Wears Innerwear, Why Should There Be Any Shame In Modeling It?

ભાસ્કર એક્સક્લૂસિવ'સપનાંની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી':ગુજરાતી મહિલા ટીચર 50મા વર્ષે બની લોન્જરી મોડલ, કહ્યું- ઇનરવેર તો બધા પહેરે છે તો એનું મોડલિંગ કરવામાં શરમ શેની?

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર

સામાન્ય રીતે મોટી ઉંમરે ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજરાતી મહિલાઓ રિટાયર થવાનું અથવા સારી નોકરી કરવાનું પસંદ કરે છે. ત્યારે મુંબઈમાં રહેતી એક ગુજરાતી મહિલા ગીતાએ 50 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરી છે. મોડલિંગમાં પણ તેમણે લોન્જરી મોડલ બનવાનું પસંદ કર્યું છે. આ અંગે દિવ્ય ભાસ્કરે ગીતા સાથે વાત કરી હતી.

કોણ છે મોટી ઉંમરે લોન્જરી મોડલ બનનાર ગીતા?
ગીતા પોતાને ફેશન મોડલ અને ચેન્જ મેકર જણાવે છે. તેઓ મુંબઇમાં રહે છે, પરંતુ મૂળ ગુજરાતનાં છે. તેમનો જન્મ અને ઉછેર ગુજરાતમાં જ થયો હતો અને અમદાવાદની સ્કૂલ ઓફ કોમર્સમાંથી તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ થયાં હતાં. તેમની પહેલી જોબની શરૂઆત પણ અમદાવાદથી જ થઈ હતી. તેઓ કહે છે, 'મારા એજ્યુકેશન પછી અમુક વર્ષો સુધી ઓફિસ આસિસ્ટન્ટ તરીકે અને પ્રી-પ્રાઇમરી ટીચર તરીકે કામ કર્યું હતું. મોડલ બનવાનું મારું ટીનેજ ડ્રીમ હતું, પરંતુ એ વખતે ઓપોરચ્યુનિટી અને ગાઇડન્સના અભાવે મને ખબર નહોતી કે શું કરવું. એ પછી એ સપનું ત્યાંનું ત્યાં જ રહી ગયું અને મેં બીજા બધાં ફિલ્ડમાં કામ કર્યું.

2019માં બ્યૂટી પીજન્ટમાં ભાગ લીધો, પછી કામ મળતું ગયું
ગીતા જણાવે છે કે કોઈ કોઈ સપનાં એવાં હોય છે કે તમને શાંતિથી બેસવા ના દે. મારું પણ એવું જ હતું. મોડલિંગમાં જવું છે એ સપનું ક્યાંક દિલમાં છુપાઈને બેઠેલું હતું, એટલે ભલે હું બીજે કામ કરતી હતી, પણ સપનું તો જીવતું હતું. 50 વર્ષની ઉંમરે સાલ 2019માં મને એક બ્યૂટી પીજન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો. એનું નામ હતું ઈન્ડિયા બ્રેની બ્યૂટી, જેમાં મને બેસ કેટવોક અને ફર્સ્ટ રનરઅપનું ટાઇટલ મળ્યું. એ પછી મેં એક બીજા બ્યૂટી પીજન્ટમાં પણ પાર્ટિસિપેટ કર્યું. આ બંને બ્યૂટી પીજન્ટમાંથી મને ઘણુંબધું શીખવા મળ્યું. હાઉ ટુ વોક, હાઉ ટુ પોઝ, હાઉ ટુ ગ્રુમ યોર સેલ્ફ. ત્યાંથી મને એક નવો વિશ્વાસ મળ્યો કે હા, મારું ટીનેજનું સપનું તો પૂરું થઈ શકે છે. એક નવા વિશ્વાસ સાથે બ્યૂટી પીજન્ટનો અનુભવ લઈને મારું મોડલની પ્રોફાઇલ તૈયાર કરી. ઇન્સ્ટાગ્રામમાં પણ મારી પ્રોફાઇલ બનાવી અને ધીરે ધીરે ફોટોગ્રાફર અને નાના સ્ટાર્ટ અપ્સ તરફથી ઇન્ક્વાયરી આવવા લાગી. હું ખબ જ ખુશ હતી કે ચાલો, મેં શરૂઆત તો કરી અને હું ઓલવેઝ બિલીવ કરું છું કે સપનાંને ક્યારેય એક્સપાયરી ડેટ હોતી નથી. બસ, એ રીતે મોડલિંગ શરૂ થઈ ગયું. મેં મારું સૌથી પહેલું પ્રોફેશનલ શૂટ દિલ્હીના એક ફોટોગ્રાફર સાથે કર્યું. એ પછી મને વધારે આત્મવિશ્વાસ મળ્યો. એ પછી બીજા ઘણાબધા ફોટોગ્રાફર સાથે કામ કર્યું.

ખરાબ અનુભવ, એજન્સીએ કહ્યું, 'તમે 50ના છો તો તમે વેસ્ટર્ન ડ્રેસ કઈ રીતે પહેરશો?'
એ પછી અમુક ઘટનાઓ એવી બની, જેને કારણે મેં એક કેમ્પેનની શરૂઆત કરી. એક વખત એક વેસ્ટર્ન ડ્રેસ લેબલની ઇન્ક્વાયરી આવી હતી. તેમણે પૂછ્યું કે તમે અમારી પ્રોડક્ટ માટે મોડલિંગ કરશો? મેં હા પાડીને મારી પ્રોફાઇલ મોકલી આપી. પ્રોફાઇલમાં હાઇટ, વેટ અને અન્ય માપ સાથે મારી એજ (ઉંમર) પણ હતી. તેમણે મને કહ્યું, તમે 50ના છો તો તમે વેસ્ટર્ન ડ્રેસ કઈ રીતે પહેરશો ? મેં કહ્યું, હું મારી રેગ્યુલર લાઈફમાં પણ એ પહેરું છું, તો કેમ ના પહેરી શકું? તેમને તેમની પ્રોડક્ટ માટે યંગ મોડલ જોઈતી હતી. મેં તેમને કહ્યું, તમારા પેજ પર મારી ઉંમરની એક મોડલ તમારી બ્રાન્ડ એન્ડોર્સ કરે જ છે. તો તેમણે કહ્યું- હા, એ પ્લસ સાઇઝ મોડલ છે ને એટલે. અમે લોકો બોડી પોઝિટિવિટીમાં બિલીવ કરીએ છીએ. મેં કહ્યું, આ કેવી બોડી પોઝિટિવિટી છે, જે સાઇઝને જ ધ્યાનમાં રાખે છે? એજેડ બોડી, કલર બોડી, પ્લસ સાઇઝ. બોડી ઓલ બોડીઝ આર બોડીઝ. તો બોડી પોઝિટિવિટી ત્યાં કેમ નથી આવતી? કેમ કે હું ફિટ છું, એટલે હું લાયક નથી?

તમારી ઉંમરને સૂટ થાય એવી પ્રોડક્ટ બનાવીશું ત્યારે કોન્ટેક્ટ કરીશું
આવો જ બીજો અનુભવ પણ એમને થયો હતો તેમણે કહ્યું કે એક લોન્જરી બ્રાન્ડનું નાનું સ્ટાર્ટ અપ હતું. તેમની ઇન્ક્વાયરી આવી. તેમને પણ જેવી મારી ઉંમરની ખબર પડી તો કહ્યું, અમારે તો ફેન્સી લોન્જરી- ઇનરવેરનું મોડલિંગ કરાવવું છે એ તમે કેવી રીતે કરી શકશો? તમારી ઉંમરને સૂટ થાય એવી પ્રોડક્ટ કોટન બ્રા-પેન્ટી બનાવીશું ત્યારે તમારો કોન્ટેક્ટ કરીશું અને હું જાણે કે વોટ? મતલબ મારી ઉંમર પ્રમાણે હું કોટન બ્રા-પેન્ટી કેમ પહેરું? એ મારી ચોઈસ છે. મારે ફેન્સી પહેરવી હશે તો ફેન્સી પહેરીશ અને કોટનની પહેરવી હશે તો કોટનની પહેરીશ. મતલબ, કયા લખેલું છે કે અમુક એજ પછી તમારે અમુક પ્રકારનાં જ કપડાં પહેરવાં અથવા ન પહેરવાં? એ આ બીજી ઘટના બની, ધેટ હિટ મી વેરી હાર્ડ. એ વખતે હું બે વસ્તુ કરી શકત. હું ચૂપ રહીને સિસ્ટમ સાથે ઢળી જાત અથવા એજીઝમની સામે અવાજ ઉપાડું અને મેં બીજો ઓપ્શન ચૂઝ કર્યો. મેં ચેન્જ.ઓઆરજી પર મારું કેમ્પેન શરૂ કર્યું, એજ નોટ કેજ. 25 હજારથી વધુ લોકોએ એ કેમ્પેન પર સાઇન કરી છે. હેલેના શારજર, જેમની એજ 80 વર્ષનાં બ્રાઝિલિયન મોડલ અને ભારતીય એક્ટર દિનેશ મોહન(64) છે, તેમણે પણ સપોર્ટ કર્યો છે.

એ પછી ગીતાએ પોતાનું લોન્જરી શૂટ કરાવ્યું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું. તો બધાએ હવે તેમને લોન્જરી મોડલ ગણી લીધા છે અને એમાં તેમને કોઈ વાંધો પણ નથી. આ ઉપરાંત ઘણાં બધાં નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયાએ પણ મને સપોર્ટ કર્યો છે. એનાથી મને સંતોષ છે કે લોકોએ એજીઝમ પર વાત કરવાની શરૂ કરી છે. લોકોમાં અવેરનેસ આવી છે કે એજીઝમનો ઇસ્યુ છે, જે બરાબર નથી.

એજ નોટ કેજ લોન્જરી
એજ નોટ કેજ લોન્જરી એ તેમનું લેબલ છે. એ તેમના કેમ્પેનનો જ એક ભાગ છે. તેમણે કેટલીક લોન્જરી બ્રાન્ડસને પણ અપીલ કરી છે કે તેમની એડવર્ટાઇઝિંગમાં મેચ્યોર એટલે કે 40 પ્લસ મોડલને પણ લોન્ચ કરે, પણ ઇનરવેર તો બધા પહેરતા જ હોય છે. લોન્જરી એ જરૂરિયાત છે. તો શા માટે શરમ એમાં? દુનિયા ડિજિટલ બની રહી છે. તો લોન્જરી બ્રાન્ડસમાં પણ દરેક ઉંમરની મોડલ કેમ ન હોય?

ઉંમરને કારણે ક્યાંય અટકો નહીં
તેમનું માનવું છે, 'તમારી ઉંમર ચાહે કોઈપણ હોય, માત્ર તમારી ઉંમરને કારણે તમારી સાથે ભેદભાવ થાય, પક્ષપાત થાય એને એજીઝમ કહેવાય, એ બરાબર નથી. તમારી ઉંમર તમારા હાથમાં નથી. ઉંમર થવી એ નેચરલ પ્રોસેસ છે. મારું વિઝન એજીસમ ફ્રી સોસાયટી છે. એટલા માટે જ મારું કેમ્પેન અને લેબલ બંને એજ નોટ કેજ છે. એજીઝમ એક ઇસ્યુ છે, એ સ્પ્રેડ થવો જોઈએ. તમારી ઉંમરને કારણે તમારે ક્યાંય અટકવું ન પડે.'

કઈ બ્રાન્ડ સાથે ગીતાએ કામ કર્યું છે?
અત્યારસુધી મેં અમુક ફોટોગ્રાફર સાથે કામ કર્યું છે. ઉપરાંત ઝિવામે, સ્વરા સાડી, વિંક લેબલ, સ્ટાઈલ નુક , ધ આયુર્વેદ કંપની સાથે કોલાબરેશન વર્ક કર્યું છે. ગીતા કહે છે કે હાલમાં મારું કામ મોસ્ટલી કોલાબરેશન પર ચાલે છે, પરંતુ ક્યારેક પેઇડ વર્ક પણ આવતું હોય છે.

ગુજરાતની મહિલાઓને કહીશ કે...
ગીતાએ કહ્યું કે આ બધી મહિલાઓ માટે મેસેજ છે કે સૌ પહેલા તમે એક મહિલા છો, એટલા માટે કોઈને એવું ન કહેવા દો કે તમારે આ કરવું કે પેલું ન કરવું. તમારા અસ્તિત્વ પર તમારો જ અધિકાર હોવો જોઈએ. બીજું એ કે સામાન્ય રીતે મહિલાઓ પોતાનાં સપનાંને પાછળ છોડી દે છે. પ્લીઝ, એવું ન કરતાં. તમારા સપનું પણ એટલું જ મહત્વ છે, જેટલું બીજાનાં સપનાંનું છે. ત્રીજું, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થાઓ. તમારા પતિ કે બાળકો ભલે કેટલું પણ કમાતા હોય, તમે ખુદ જ્યારે કમાઓ તો એ તમને આઝાદ અને એમ્પાવર્ડ ફીલ કરાવે છે. ચોથું, તમારી ઉંમર ભલે કેટલી પણ થઈ હોય, તમારી જિંદગી એમ જ જીવો જેમ તમે પહેલાં જીવતાં હતાં. ઉંમર પ્રમાણે મારે આ ન કરવું જોઈએ એવા વિચારો બાજુ પર મૂકી દો અને સૌથી મહત્ત્વનું કે ક્યારેય રિટાયર ન થતાં. ઉંમર થતાં શાંતિથી બેસો, પણ કોઈ ને કોઈ એક્ટિવિટી કરતાં રહો. એનાથી માઇન્ડ એક્ટિવ રહેશે તમે બિઝી રહેશો. રિટાયર ન થશો.

યુવાનોને એવું કહીશ કે તમારા ઘરમાં માતાપિતા કે દાદાદાદી હોય છે, તેમને કઈ વસ્તુ પસંદ આવશે કે નહીં એનો નિર્ણય તેમને લેવા દો. એક વખત તેમને પૂછો કે તમને શું પસંદ છે? તેમનાં સપનાં બાકી હોય તો એ પૂરાં કરવામાં તેમની મદદ કરો.

મોડલિંગ એજન્સીને ચેક કરો
મોડલિંગ એજન્સી બધી જ સારી નથી હોતી. એને હું કાસ્ટિંગ કાઉચ તો નહીં કહી શકું, પરંતુ ખરાબ અનુભવ થયા છે. તે લોકો એક ફોર્મેટ મોકલે, જેમાં તમારે બધી જ વિગતો ભરીને આપવાની હોય. એમાં લખેલું હોય કે તમે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છો? એનો મતલબ બધા જાણે જ છે. હું એવા ઘણા બધાને એક્સપોઝ પણ કરું છું. આવી કોઈ એજન્સીઓ સાથે હું કામ નથી કરતી. ક્યારેક એવા મેસેજ પણ આવે કે અમારા પર્સનલ એન્ટરટેઇનમેન્ટ માટે શૂટ કરશો? જોકે આવા બધાને ક્યારેય હું જવાબ આપતી નથી. મારા માટે મોડલિંગ એ સપનું અને પેશન છે. પૈસા પણ છે, પરંતુ એ સેકન્ડરી છે. જોકે કોઈપણ છોકરીને તમે પૂછો તો તેને આવા બધા મેસેજ આવતા જ રહે છે. લિંક્ડઇનમાં પણ આવો જ એક અનુભવ થયો હતો. એટલે ફેક એજન્ટ બહુ મળે છે. પહેલા એની તપાસ કરો. ક્યારેક એજન્સી સામેથી પૈસા ભરવાનું કહે તો સ્કેમ હોય છે એ સમજી જવાનું. પૈસા ભરતાં પહેલાં અને ફોટા મોકલતાં પહેલાં એજન્ટ કે એજન્સી જેન્યુન છે કે નહીં એ તપાસ કરી આગળ વધો.

લોકો મારાથી ખૂબ જ ઇન્સ્પાયર થાય છે
ગીતાએ જણાવ્યું કે એકવાર હું બાંદ્રાની એક રેસ્ટોરાંમાં હતી. મેનેજરે આવીને મારી પ્રોફાઇલ બતાવી કે તમે આજ છો ને? હું તમને ફોલો કરું છું. મેં તમને ઘણા મેસેજ કર્યા પણ તમે કોઈ રિપ્લાય ન આપ્યો. પછી મેં તેમના મેસેજના જવાબ આપ્યા હતા. બીજો એક પ્રસંગ એ હતો કે ગુજરાતમાંથી જ અમારા એક સગાના ફ્રેન્ડે તેમને કહ્યું કે તમે તેમને ઓળખો છો? એ બહુ ઇન્સ્પાયરિંગ છે. ખરાબ અનુભવ હજુ નથી થયા. આ બે સારા અનુભવ હતા. લોકો મારાથી ખૂબ જ ઇન્સ્પાયર થાય છે. સોશિયલ મીડિયા પર બહુ જ મેસેજ આવે છે. લોકો જે જાણતા હોય કે ન જાણતા હોય, એ તમામ કહેતા હોય છે કે તમારી જર્ની બહુ જ ઇન્સ્પાયરિંગ છે. તમને જોઈને હવે અમને પણ થાય છે કે અમે અમારાં સપનાં પૂરાં કરીએ. લોકો ખૂબ જ રિસ્પેક્ટ આપે છે.

ગીતા કહે છે કે સપનાંની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી, જિયો ખૂલ કે.

અન્ય સમાચારો પણ છે...