શ્રદ્ધાના મિત્રો સાથે વાત કરતાં એક એવી છોકરીની તસવીર બને છે, જે ખૂબ જ બિન્દાસ અને બોલ્ડ હતી. પરંતુ રિલેશનશિપમાં આવ્યાં પછી તે રિઝર્વ થઈ ગઈ. શ્રદ્ધા જેની હત્યાનો આરોપ તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પર છે. દિલ્હી પોલીસ પુરાવાની શોધમાં મહેરૌલીનાં જંગલોમાં તપાસ કરી રહી છે. આ જગ્યાએ આફતાબે શ્રદ્ઘાના મૃતદેહના ટુકડા ફેંકી દીધા હતા.
મુંબઈની રહેવાસી શ્રદ્ધાએ માસ મીડિયાનો અભ્યાસ કર્યો હતો. કોલેજના મિત્રો તેને 4G ગર્લ તરીકે બોલાવતા હતા. તે હંમેશાં હસતી રહેતી હતી. પિક્સી કટ હેર હોવાને કારણે તેની એક અલગ ઓળખ પણ હતી. તેણે તેના મિત્રોને આફતાબ સાથેના રિલેશનશિપ વિશે જણાવ્યું હતું. શ્રદ્ધાના જીવનને સમજવા માટે અમે રજત સાથે વાત કરી, જે તેના કોલેજનો મિત્ર છે.
વાંચો રજતે શ્રદ્ધા અને તેના રિલેશનશિપ વિશે શું જણાવ્યું...
હું શ્રદ્ધાને 2015થી ઓળખતો હતો. અમે 2015થી 2018 સુધી બેચલર્સ ઓફ માસ મીડિયામાં સાથે અભ્યાસ કર્યો છે. આ પછી 2019 સુધી અમારો સંપર્ક હતો. અમને 2019માં જ ખબર પડી કે તે આફતાબ સાથે રિલેશનશિપમાં છે.
કોલેજમાં આફતાબ અમારી સાથે ન હતો. તે વસઈનો હતો અને શ્રદ્ધાના ઘર પાસે રહેતો હતો. બંને મેચ્યોર અને પોતપોતાના નિર્ણયો લેવા સક્ષમ હતાં. પછી અમને લાગ્યું કે બંનેનું સાથે રહેવું સારું છે.
શ્રદ્ધા કહેતી હતી, તે સંબંધમાંથી બહાર આવવા માગે છે
શ્રદ્ધા કહેતી હતી કે આફતાબ તેની સાથે મારઝૂડ કરતો હતો. અમને બધા મિત્રોને લાગતું હતું કે તે ખોટા રિલેશનશિપમાં છે, પરંતુ અમે તો માત્ર મિત્રો હતા, અમારાથી બને તેટલી સલાહ આપતા. શ્રદ્ધા વારંવાર કહેતી હતી કે તે આ રિલેશનશિપમાંથી બહાર આવવા માગે છે. અમે તેમના સંબંધોમાં મર્યાદામાં જ દખલ કરી શકતા હતા. અમને તેની ખૂબ જ ચિંતા હતી.
આફતાબ પણ ખૂબ જ રિઝર્વ અને સિમ્પલ હતો. અમે તેને ક્યારેય સંપૂર્ણ રીતે જાણી શક્યા નહોતા, હવે જ્યારે અમને તેના વિશે ખબર પડી તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા. હું તેને ક્યારેય મળ્યો નથી, પરંતુ મારા કેટલાક મિત્રો જરૂરથી મળ્યા હતા.
લાગતું નથી કે શ્રદ્ધા લગ્ન માટે દબાણ કરતી હશે
મને આ વાત વાર્તા લાગે છે કે શ્રદ્ધા આફતાબ સાથે લગ્ન કરવા માટે દબાણ કરતી હતી અને તેના કારણે આ હત્યા થઈ હતી. જે લોકો શ્રદ્ધાને જાણે છે તેઓ આ વાત નહીં માને. વિશ્વાસ નથી કરી શકતો કે શ્રદ્ધા કોઈની સાથે લગ્ન કરવા દબાણ કરશે.
શ્રદ્ધા તેની માતાની ખૂબ જ નજીક હતી. એક વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું, તે તેના પિતાની આટલી નજીક ન હતી. તે પછી તે કદાચ ખૂબ જ એકલી પડી ગઈ હતી.
હવે લાગે છે કે આફતાબે તેની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો છે. અથવા તેનો કોઈ અન્ય ઉદ્દેશ પણ હોઈ શકે છે. તેણે મૃતદેહના 35 ટુકડા કરી નાખ્યા. આપણે વિશ્વાસ નથી કરી શકતા કે કોઈ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે છે. બીજા કેટલાક લોકો પણ તેની સાથે હોઈ શકે છે. હું કોઈના પર શંકા નથી કરતો, હું એવા કોઈને ઓળખતો પણ નથી, જે આ કૃત્યમાં સામેલ હોય.
મુંબઈમાં કહ્યું હતું કે નોકરી માટે દિલ્હી જઈ રહી છું
અમને ક્યારેય એવું નથી લાગ્યું કે, તે આફતાબને લઈને ક્યારેય ઇનસિક્યોર રહી હોય. શરૂઆતમાં તેમના સંબંધો ખૂબ સારા હતા. ત્યાર પછી આફતાબ મારપીટ કરવા લાગ્યો. ત્યાર પછી તે એકલી રહેવા લાગી. તે મુંબઈથી ગઈ ત્યારે કહ્યું નોકરી માટે દિલ્હી જાય છે. આની સિવાય કોઈને વધારે કંઈ ખબર નહોતી.
અમે મહેરૌલીમાં એ જગ્યાએ પહોંચ્યા જ્યાં આફતાબ અને શ્રદ્ધા રહેતાં હતાં. પડોશીઓ બંને વિશે કંઈ જાણતા નથી. લાંબા અંતરની વાતચીત પણ થઈ ન હતી. વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ...
'આફતાબ માત્ર ખાવાનું લેવા બહાર આવતો હતો, દરવાજો ખખડાવ્યો તો કહ્યું- બીજી વખત આવું ન કરતા'
દિલ્હીના છતરપુર વિસ્તારમાં સાંકળી ગલીઓમાંથી પસાર થઈ અમે લીલા રંગની ચાર માળની ઈમારતના સામે પહોંચ્યા. તેની આસપાસ ઘણી ભીડ હતી. આજુબાજુના પડોશી લોકો વાતો કરી રહ્યા હતા. આ ઈમારતના પહેલા માળે શ્રદ્ધાની હત્યાનો આરોપી આફતાબ રહેતો હતો.
આફતાબનો બે રૂમવાળો ફ્લેટ બંધ છે, પરંતુ બારી હજુ પણ ખુલ્લી છે. રૂમમાં સામાન વેરવિખેર પડ્યો છે. મેં આફતાબના ફ્લેટમાં બારીમાંથી જોયું તો સામે એક ટેબલ દેખાયું. તેમાં એક વાટકો રાખેલો હતો. તેમાં ગુલાબની પાંખડીઓ રાખેલી હતી. બની શકે કે આવી વસ્તુ આફતાબે મૃતદેહની દુર્ગંધ દબાવવા ઉપયોગમાં લીધી હોય.
આફતાબના ઘરની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર મિથલેશ કુમાર રહે છે. મિથલેશ જણાવે છે કે, જ્યારે તેઓ પહેલા દિવસ આવ્યાં હતાં ત્યારે તેમની મુલાકાત દાઢીવાળા વ્યક્તિ સાથે થઈ હતી. મને તેનું નામ ખબર ન હતું, પરંતુ હું જાણતો હતો કે તે ફર્સ્ટ ફ્લોર પર રહે છે. મોડી રાત્રે તેનું ખાવાનું આવતું હતું અને તે માત્ર ખાવાનું લેવા જ બહાર આવતો હતો.
એક દિવસ મેં કોઈ કામ માટે તેના ઘરનો દરવાજો ખખડાવ્યો, તો તેણે કહ્યું કે, આજ પછી આવું ના કરતા. મને તેનું વર્તન વિચિત્ર લાગ્યું. જોકે છોકરો સારો દેખાતો હતો.
ફ્લેટથી 500 મીટર દૂર ગાઢ જંગલ
નજીકમાં રહેનાર અમરસિંહ જણાવે છે કે જે ફ્લેટમાં હત્યા થઈ છે, ત્યાંથી જંગલ માત્ર 500-600 મીટર દૂર છે. તે એટલું ગાઢ છે કે ત્યાં કોઈ જતું નથી. ત્યાં કંઈ ફેંકવામાં આવે તો ખૂબ મુશ્કેલીથી તેની ખબર મળે છે.
આફતાબે 10 મેના રોજ ફ્રિજ ખરીદ્યું હતું
10 મેના રોજ, આફતાબે તેના ઘરથી અડધો કિલોમીટર દૂર એક ઈલેક્ટ્રોનિક દુકાનમાંથી 260 લિટરનું ફ્રિજ ખરીદ્યું હતું. જ્યારે અમે દુકાનદાર તિલકરાજને આફતાબ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે સામાન્ય ગ્રાહક તરીકે આવ્યો હતો. તેના હાવભાવથી બિલકુલ અહેસાસ થયો ન હતો કે કંઈપણ ખોટું કર્યું હતું. તેણે પોતાની જરૂરિયાત જણાવી અને તે મુજબ ફ્રિજ માંગ્યું. અમે તેને અમારી પાસે રહેલા ફ્રિજ બતાવ્યાં.
હવે પોલીસે આ ફ્રિજનો કબજો લઈ લીધો છે. આરોપ છે કે આફતાબે મૃતદેહના ટુકડા રાખવા માટે જ તેણે ખરીદ્યું હતું. આ માટે તેણે 25 હજાર રૂપિયા ચૂકવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.