ભાસ્કર એક્સક્લૂઝિવ:ગુજરાતનો અચરજભર્યો કિસ્સો, ખેડૂતનો તણાઈ ગયેલો રૂપિયા ભરેલો ડબ્બો એક વર્ષ બાદ 3 કિલોમીટર દૂર માલધારીને મળ્યો

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર
  • હળવદ તાલુકા રણછોડગઢ ગામના ખેડૂતે ઘર બનાવવા માટે ભેગા કરેલા રૂપિયા જમીનમાં દાટ્યા હતા
  • નદીના પટમાં ભેંસો ચરાવતા સરંભડા ગામના માલધારીએ લાકડી અથડાવી તો ડબ્બો ખખડ્યો

ગુજરાતમાં એક અચરજભર્યો અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતો કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષ પહેલાં ખેડૂતનો વરસાદમાં તણાઈ ગયેલો પૈસા ભરેલો ડબ્બો હવે ત્રણ કિલોમિટર દૂર માલાધારીને મળી આવ્યો છે. જે માલધારીને ડબ્બો મળ્યો હતો તેણે મૂળ માલિક ખેડૂતને શોધીને પરત કર્યો હતો. ડબ્બામાં 22 હજાર રૂપિયા ભરેલા હતા. આ મરણમૂડી ખેડૂતે ઘર બનાવવા માટે ભેગા કરી હતી. ડબ્બામાં નોટો એમની એમ પડી હતી. ડબ્બાના માલિકે માલધારીને બક્ષિસ તરીકે 2 હજાર રૂપિયા આપ્યા હતા, પરંતુ માલધારી યુવકે તેને નકારીને પોતાની દિલદારીનાં દર્શન કરાવ્યા હતા.

એક વર્ષ પહેલાં વરસાદ પડ્યો અને...
આ આખી ઘટના હળવદ તાલુકાની છે. વાત એમ છે કે તાલુકાના રણછોડગઢ ગામના રહેવાસી મુન્નાભાઈ જહાભાઈ ઠાકોર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગયા વર્ષે તેમણે ઘર બનાવવા ભેગા કરેલા રૂપિયા 22 હજાર ભરેલો ડબ્બો જમીનમાં દાટ્યો હતો. એ વખતે ગામમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો. મુન્નાભાઈ ઠાકોરની વાડી પણ પાણીમાં ડૂબી ગઈ હતી. આ સાથે જ મુકેશભાઈએ જમીનમાં દાટેલો ડબ્બો પણ વહી ગયો હતો. મહેનતથી ભેગા કરેલા રૂપિયા તણાઈ જતાં મુન્નાભાઈ દુ:ખી દુ:ખી થઈ ગયા હતા. તેમણે નદી-વોંકળા બધી જગ્યાએ તપાસ કરી હતી. ગામના લોકોને પણ આની જાણ કરી હતી. જોકે આમ છતાં મુન્નાભાઈને પોતાના પરસેવાની કમાણી પાછી મળી નહિ. ખેડૂત પરાણે મન વાળી પોતાની કમનસીબી માની ફરી કામમાં જોતરાઈ ગયા હતા.

રૂપિયા ભરેલો ડબ્બો મળી આવતાં ખેડૂતે 1 હજાર રૂપિયાનું મંદિરમાં દાન કર્યું હતું.
રૂપિયા ભરેલો ડબ્બો મળી આવતાં ખેડૂતે 1 હજાર રૂપિયાનું મંદિરમાં દાન કર્યું હતું.

ફરી વરસાદ પડ્યો અને માનવામાં ન આવે એવું બન્યું
મુન્નાભાઈ ઠાકોરનો ડબ્બો તણાઈ ગયાની ઘટનાને એક વર્ષ થઈ ગયું. ફરી ચોમાસું આવ્યું. આ દરમિયાન બે દિવસ પહેલાં હળવદ પંથકમાં ભારે વરસાદ પડ્યો અને ફરી વોંકળામાં પાણી વહેતું થયું. માની ન શકાય એવી ઘટના બની. મુન્નાભાઈ ઠાકોરનો જે ડબ્બો ખોવાયો હતો એ બાજુમાં આવેલા સરંભડા ગામના માલધારી મુકેશભાઇ દોરાલાને મળ્યો હતો. મુકેશભાઇ જ્યારે પશુઓ ચરાવતા હતા ત્યારે નદીના પટમાં એક પ્લાસ્ટિકની થેલી પર લાકડી અથડાવતાં ખખડવાનો અવાજ આવ્યો હતો. તેમણે જોયું તો સ્ટીલનો ડબ્બો હતો. ડબ્બો ખોલ્યો તો અંદર 22 હજાર રૂપિયા હતા.

લીંબુડીના થડિયામાં સ્ટીલનો ડબ્બો દાટ્યો હતો: ખેડૂત મુન્નાભાઈ ઠાકોર
આ અંગે દિવ્ય ભાસ્કરે જેના પૈસા ખોવાયા હતા તે મુન્નાભાઈ ઠાકોર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, 'રણછોડગઢ ગામમાં અમે અમારી વાડીમાં રહીએ છીએ. ગયા વર્ષે મકાનનું સમારકામ ચાલતું હતું, જેના માટે રૂપિયા ભેગા કરીને રાખેલા હતા. આ રૂપિયા વાડીમાં લીંબુડીના થડિયામાં સ્ટીલના ડબ્બામાં મૂકીને દાટ્યા હતા. એ પછી બહુ બધો વરસાદ પડતાં પાણી ભરાઈ ગયાં હતાં અને જમીન ધોવાઈ ગઈ હતી. અમે ડબ્બો લેવા ગયા, પરંતુ ત્યાં સુધીમાં ડબ્બો પાણીમાં વહી ગયો હતો. સવારે જોયું ત્યારે ડબ્બો હતો નહીં. પછી બાજુના સરંભડા ગામમાં ઘણા ઓળખીતા રહે છે, જ્યાં ફોન કરીને રૂપિયા ભરેલો ડબ્બો ખોવાયાની જાણ કરી હતી. એના એક વર્ષ બાદ હમણાં ફરી વરસાદ પડ્યો અને ફરી વોંકળો પાછો ચાલુ થયો. ત્યારે મારો ડબ્બો ફરી માલધારી મુકેશભાઈના હાથમાં આવ્યો. તેમણે મને ફોન પર જાણ કરી અને ખરાઈ કરવા નોટ અંગે પૂછ્યું કે કેટલી નોટો હતી. એટલે મેં કહ્યું હતું કે મારી નોટો 100વાળી 20 હજારની છે અને 2000 હજારની નોટ છે, એટલે તેમણે કહ્યું કે તમારા જ છે પૈસા. આવીને લઈ જા. એ પછી મેં સરંભડામાં ઝરમરદાદાનું મંદિર છે ત્યાં 1 હજાર રૂપિયાનું દાન કર્યું હતું. આ સિવાય મેં અમારા મઢની માનતા રાખી હતી કે ડબ્બો પાછો મળી જશે તો હું પાંચ હજાર રૂપિયા વાપરીશ.'

પ્લાસ્ટિકની થેલી સાથે લાકડી અથડાવી તો ડબ્બો નીકળ્યો: માલધારી મુકેશભાઈ દોરાલા
આ અંગે જેમને ડબ્બો મળ્યો હતો એ મુકેશભાઇ દોરાલા સાથે પણ દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. તેમણે કહ્યું, 'મુન્નાભાઈનું ગામ રણછોડગઢ છે અને મારું ગામ સરંભડા છે. બંને ગામ વચ્ચે એક વોંકળો આવે છે. એ બાજુનું પાણી બધું અમારા સરંભડા ગામની સીમમાં આવે છે. ગયા વર્ષે વરસાદ થયો એ વખતે તેમના મકાનનું કામ ચાલુ હતું. તેમણે પૈસા ભરેલો ડબ્બો નદીના કાંઠો છે, ત્યાં દાટ્યો હતો. ગયા વર્ષે વરસાદમાં પાણીનો ખૂબ વહેણ આવતાં પૈસા વહી ગયા હતા અને આ બાજુ તણાઇ આવ્યા. પછી નદીમાં ક્યાંક દટાઈ ગયા હશે. પરમ દિવસે અમારે ત્યાં વરસાદ બહુ પડ્યો હતો. એ વખતે પાણીમાં પાછા બહાર આવી ગયા. હું ભેંસો ચરાવું છુ. એ વખતે પણ મારા સરંભડા ગામના પાદરમાં ભેંસો ચરાવવા ગયો હતો. ત્યાં સ્ટીલનો ડબ્બો ઝભલામાં પેક હતો. એટલે મેં માર્યું તો ખખડ્યું. મને લાગ્યું કે નાળિયેર હશે. ખોલ્યું તો અંદર ડબ્બો ને પૈસા નીકળ્યા.''

માલધારીએ મૂળ માલિક ખેડૂતને ફોન કરી બોલાવી રૂપિયા ભરેલો ડબ્બો સોંપ્યો હતો.
માલધારીએ મૂળ માલિક ખેડૂતને ફોન કરી બોલાવી રૂપિયા ભરેલો ડબ્બો સોંપ્યો હતો.

તેમણે આગળ કહ્યું કે, ''મને મુન્નાભાઈએ કહી રાખ્યું હતું એટલે મેં તેમને ફોન કરીને ખરાઈ કરવા ખોટું બોલીને કહ્યું કે પાંચસો-પાંચસો રૂપિયાની નોટો મળી છે. તો મુન્નાભાઈએ કહ્યું કે મારી પાંચસોની નોટો નહીં, પણ સો-સો અને બે-બે હજારની નોટો હતી. પછી મને પાકી ખાતરી થઈ ગઈ એટલે મેં તેમને કહ્યું કે તમારી હોય તો લઈ જાઓ. એ પછી તેમણે મને બે હજાર રૂપિયા આપ્યા, પણ મે કીધું મારે નથી જોઈતા. પછી દાદાની પેટીમાં 1 હજાર રૂપિયા તેમણે નાખ્યા હતા.''

રણછોડગઢથી સરંભડા ગામ વચ્ચે અંદાજે 5.5 કિમીનું અંતર છે, જ્યારે ડબ્બો ગામથી 3 કિમી દૂર નદીના પટમાં દટાયેલો મળ્યો હતો.
રણછોડગઢથી સરંભડા ગામ વચ્ચે અંદાજે 5.5 કિમીનું અંતર છે, જ્યારે ડબ્બો ગામથી 3 કિમી દૂર નદીના પટમાં દટાયેલો મળ્યો હતો.

હળવદ તાલુકા પંચાયતના સદસ્ય મહેશભાઇ કોપેણિયાએ આ ઘટના અંગે કહ્યું હતું, 'વહેણની બાજુમાં તેમની વાડી હતી, જેમાં તેમણે એક ઝૂંપડી બનાવી હતી. ત્યાં ખાટલો નાખી પૈસાનો ડબ્બો એમાં દાટ્યો હશે. ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી, એના કારણે વધુ પાણી આવ્યું અને ધોવાણ થતાં ડબ્બો જતો રહ્યો. પછી તેમણે શોધવા પ્રયાસ કર્યો હતો, પણ જડ્યો નહોતો. ત્રણ દિવસ અગાઉ થયેલા વરસાદમાં પાછો એ ડબ્બો બહાર આવ્યો અને બાજુના ગામના માલધારી સમાજના લોકોને મળ્યો હતો. જોકે એ લોકોને પણ ખબર તો હતી એટલે તેમણે ફોન કરીને તેમને પૂછ્યું કે તમારો ડબ્બો પાણીમાં તણાઇ ગયો હતો એના કોઈ પુરાવા છે? પછી પુરાવા મળતાં તેમને રૂપિયા ભરેલો ડબ્બો પરત કર્યો.'

નદીના પટમાં ઊભેલા માલધારી મુકેશભાઈ દોરાલા અને પોતાના ખેતરમાં મુન્નાભાઈ ઠાકોર.
નદીના પટમાં ઊભેલા માલધારી મુકેશભાઈ દોરાલા અને પોતાના ખેતરમાં મુન્નાભાઈ ઠાકોર.

સરંભડા અને રણછોડગઢની આસપાસ દર વર્ષે ઓચિંતો ધોધમાર વરસાદ પડે છે
રવિવાર, 12 જૂનના રોજ હળવદ તાલુકાના સુંદરીભવાની, સરંભડા તથા રણછોડગઢ સહિતનાં ગામોમાં અચાનક જ જોરદાર વરસાદ ચાલુ થયો હતો, જેના પગલે પાણી ભરાઈ જતાં વોંકળો વહેવા લાગ્યો હતો. મોટે ભાગે સુંદરીભવાની, સરંભડા તથા રણછોડગઢ અને માથક સહિતનાં ગામોમાં દર વર્ષે એકાદ વખત ઓચિંતાનો વરસાદ પડી જાય છે. ગયા વર્ષે એકથી દોઢ કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. એ વિસ્તારમાં જંગલ છે, જેથી એ તરફ વરસાદ સૌથી વધુ અને ગમે ત્યારે પડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...