તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજની પોઝિટિવ સ્ટોરી:પાટણના વઢિયાર પંથકના ખેડૂતે ઓર્ગેનિક ખારેકનું ઉત્પાદન કર્યું, 200 વીઘા જમીનમાંથી 35 લાખની આવક ઊભી કરી

પાટણ11 દિવસ પહેલાલેખક: સુનિલ પટેલ
વઢિયાર પંથકના પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે.
  • ખારેકને ગૌમૂત્ર અને ગોબરના મિશ્રણ થકી ઓર્ગેનિક બનાવવાનો પ્રયાસ

ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો બિનઊપજાવ જમીનમાં પણ ઓર્ગેનિક ખેતી કરીને મબલક કમાણી કરી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના વઢિયાર પંથક ખારોપાટ હોવાને કારણે ખેતીનો પાક લેવો ખેડૂતો માટે મુશ્કેલ હોવા છતાં તેમણે બિનઊપજાવ જમીનને 'મીઠી વિરડી' બનાવીને ખારેકની ખેતી શરૂ કરી છે. જોકે છેલ્લા કટલાક સમયથી અહીંના પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાકો તરફ વળ્યા છે, જેને લીધે ખારાપટની આ જમીનમાં ખારેકની ઓર્ગેનિક ખેતી થઈ રહી છે. સમી તાલુકાના રવદ ગામ આસપાસની ખારાપટવાળી જમીનમાં ખેતીના અન્ય પાક લેવા મુશ્કેલ છે, જેથી અહીંના એક પ્રગતિશીલ ખેડૂતે 200 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખારેકના વાવેતર થકી વર્ષે 35 લાખની આવક ઊભી કરી છે.

પ્રગતિશીલ ખેડૂતો બિનઊપજાવ જમીનમાં પણ ઓર્ગેનિક ખેતી કરીને મબલક કમાણી કરી રહ્યા છે.
પ્રગતિશીલ ખેડૂતો બિનઊપજાવ જમીનમાં પણ ઓર્ગેનિક ખેતી કરીને મબલક કમાણી કરી રહ્યા છે.

10 વર્ષ અગાઉ ખેતી શરૂ કરી
સમી તાલુકાના પ્રગતિશીલ ખેડૂત નિર્મલસિંહ વાઘેલાએ બાગાયતી ખેતી તરફ વળી 10 વર્ષ અગાઉ કચ્છથી ખારેકના રોપા લાવીને 200 વીઘામાં વાવેતર કર્યું હતું, જેમાં તેમને ખૂબ જ મોટી સફળતા પણ મળી રહી છે. દર વર્ષે તેઓ મોટા પ્રમાણમાં મીઠી ખારેકની ઊપજથી લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે. હાલ ખારેકને ઓર્ગેનિક બનાવવાનો પ્રયાસ ચાલુ વર્ષે તેમણે પોતાના ફાર્મમાં એક નવો પ્રયોગ આદર્યો છે. ફાર્મમાં ઊભેલા તમામ ખારેકના છોડ પર રાસાયણિક ખાતર નહીં, પરંતુ ગૌમૂત્ર અને ગોબરના મિશ્રણથી તૈયાર કરેલા ઓર્ગેનિક ખાતર છોડને આપી રહ્યા છે, જેનાથી છોડની સર્વગ્રાહી વૃદ્ધિ સાથે ખારેકમાં મીઠાશ પણ વધુ પ્રમાણમાં જળવાઈ રહે છે.

ફાર્મમાં ખારેકના છોડને રાસાયણિક ખાતર નહીં, પરંતુ ગૌમૂત્ર અને ગોબરના મિશ્રણથી તૈયાર કરેલું ઓર્ગેનિક ખાતર અપાય છે.
ફાર્મમાં ખારેકના છોડને રાસાયણિક ખાતર નહીં, પરંતુ ગૌમૂત્ર અને ગોબરના મિશ્રણથી તૈયાર કરેલું ઓર્ગેનિક ખાતર અપાય છે.

400 રૂપિયા સુધીનો ભાવ મળી રહે છે
પ્રગતિશીલ ખેડૂત નિર્મલસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારા ખારાપાટ વિસ્તારમાં દેશી ખારેકના રોપા વાવીને એની માવજત કરીને ઉત્તમ ઉત્પાદન થાય એવા પ્રયાસો કર્યા છે. દર વર્ષે અમે પાટણ, રાધનપુર, ચાણસ્મા સહિત આસપાસનાં શહેરોમાં કિલોએ 80થી 100 રૂપિયામાં ખારેકનું વેચાણ કરીએ છીએ. ઓર્ગેનિક ખારેકનું તો રૂ.250થી 400 સુધીમાં વેચાણ કરવામાં આવે છે અને એ પણ ખાસ અમદાવાદ, મુંબઈ જેવાં શહેરોમાં એનું વેચાણ થાય છે. અગાઉ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, પરંતુ આ વર્ષે ફક્ત ગૌમૂત્ર અને ગોબરના મિશ્રણથી તૈયાર કરેલું ઓર્ગેનિક ખાતર ઉપયોગ કરી ખારેકના પાકને તૈયાર કર્યો છે, જેને કારણે ખારેક ઓછી થશે, પરંતુ મીઠાશ વધુ હોવાથી ભાવ વધારે મળશે. આ વર્ષે 35 લાખની ઊપજ થશે એવો અંદાજ છે.

ઓર્ગેનિક ખાતરથી છોડની સર્વગ્રાહી વૃદ્ધિ સાથે ખારેકમાં મીઠાશ પણ વધુ પ્રમાણમાં જળવાઈ રહે છે.
ઓર્ગેનિક ખાતરથી છોડની સર્વગ્રાહી વૃદ્ધિ સાથે ખારેકમાં મીઠાશ પણ વધુ પ્રમાણમાં જળવાઈ રહે છે.

એક છોડમાંથી 80 કિલો જેટલું ઉત્પાદન મળે
ખેડૂત યુવરાજસિંહ વાઘેલાએ ખારેકની ખેતી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે અમારા ફાર્મમાં આશરે સાત હજાર નર અને આઠ હજાર માદા ખારેકના છોડ છે, જેને અમે ખારેકની જાતના પ્રકાર મુજબ એક, બે એવા નંબર આપેલા છે. બજારમાં પણ ખારેકના નંબર મુજબ જુદો જુદો મળી રહે છે. ખારેકના ઉત્પાદનમાં જે છોડ જૂના હોય એમાંથી અંદાજે 70થી 80 કિલોનું ઉત્પાદન મળી રહે છે.

ખારાપાટ વિસ્તારમાં દેશી ખારેકના રોપા વાવીને એની માવજત કરીને ઉત્તમ ઉત્પાદન થાય એવા પ્રયાસો.
ખારાપાટ વિસ્તારમાં દેશી ખારેકના રોપા વાવીને એની માવજત કરીને ઉત્તમ ઉત્પાદન થાય એવા પ્રયાસો.

છોડને પ્લાસ્ટિક બેગો પહેરાવાય છે
ફામર્નાં રખેવાળ રમેશજી ઠાકોરે કહ્યું હતું કે ફાર્મમાં 25 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે, જેઓ ફાર્મમાં જ રહે છે અને રોજી-રોટી મેળવીને ખુશ છે. છોડને બોર વડે પિયતથી પાણી અપાય છે, જે અંદાજે 2400થી વધુ ટીડીએસવાળું છે. ખારા પાણીથી પાકતી ખારેકને બહારની આબોહવાની અસર ન લાગે એ માટે છોડ પર પ્લાસ્ટિકની બેગો પહેરાવવામાં આવે છે, જેથી બાહ્ય વાતાવરણની અન્ય પ્રતિકૂળ અસર નથી થતી. ખારેકનું ઉત્પાદન જૂન માસથી શરૂ થઈને જુલાઈનાં અંત સુધી થતું હોય છે.

ખારેકને બહારની આબોહવાની અસર ન લાગે એ માટે છોડને પ્લાસ્ટિકની બેગો પહેરાવવામાં આવે છે
ખારેકને બહારની આબોહવાની અસર ન લાગે એ માટે છોડને પ્લાસ્ટિકની બેગો પહેરાવવામાં આવે છે

ઓર્ગેનિક ખારેકના ભાવ સારા મળે છે
ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ખારેકનું પ્રતિ છોડ ઉત્પાદન રાસાયણિક ખાતર કરતાં અમુક વર્ષ સુધી ઓછું આવે છે. જોકે હાલ લોકો ઓર્ગેનિક ફ્રૂટ તરફ વળ્યા હોવાથી તથા ઓર્ગેનિક ખારેકમાં મીઠાશ પણ વધારે બેસતી હોવાથી પ્રમાણમાં ભાવ વધુ મળે છે, જેથી ઉત્પાદન ભલે ખારેકનું ઓછું આવે, પરંતુ રાસાયણિક ખાતર જેટલો ખર્ચ પણ થતો નથી અને ભાવ પણ પ્રમાણમાં સારા મળી રહે છે, જેથી રાસાયણિક ખારેક ઉત્પાદિત કરનારા કરતાં ઓર્ગેનિક ખારેક પકવનારા ખેડૂતોને 50 ટકા જેટલી આવક વધુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...