તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • A Farmer From Sidsar Village In Bhavnagar Built A Jugaad Bike At A Cost Of Rs 30,000, Fitted A Car Gear Box.

આજની પોઝિટિવ સ્ટોરી:ભાવનગરના ખેડૂતે કોઠાસૂઝથી 30 હજારમાં બનાવ્યું જુગાડુ ઇલેક્ટ્રિક હળ, ટ્રેક્ટરના વીઘે રૂ. 300 સામે આવે ફક્ત રૂ. 35નો ખર્ચ

ભાવનગર6 મહિનો પહેલા
  • સિદસર ગામના ખેડૂતે કારનું ડિફ્રેશન-ગિયર બોક્સ ફિટ કરી બનાવ્યું ઉપકરણ, બળદનો ખર્ચ ન પોષાય તેવા ખેડૂતો માટે આદર્શ
  • જુગાડ બાઈકની પાછળ ટ્રોલી જોડી ખેડૂત માલ-સામાનની હેરાફેરી કરી શકે છે, દૂર-દૂરથી નાના ખેડૂતો ટેક્નિક શીખવા આવે છે

એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમે ધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે આ ખેતીને સસ્તી કરવા અવનવાં સાધનોની શોધ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કરતા હોય છે. ભાવનગરના સિદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ માટે એક જુગાડ બાઈક બનાવી છે.

જુગાડ બાઇકમાં વીઘે 30થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે
આ જુગાડ બાઈકનો વિવિધ કામોમાં સહજતાથી ઉપયોગ કરી શકાય છે અને એ ટ્રેકટર કે સનેડો(મિની ટ્રેક્ટર) જેવાં સાધનો કરતાં 80 ટકા સસ્તું અને સરળ બની રહે છે. ટ્રેક્ટરથી એક વીઘે 250થી 300નો ખર્ચ થાય છે. આ જુગાડ બાઈકમાં વીઘે 30થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બાઈકની અંદર કારનું ડિફ્રેશન સહિતનું ગિયર બોક્સ ફિટ કરવામાં આવ્યું છે, જેનાથી તાકાતમાં ખૂબ વધારો થાય છે.

જુગાડ બાઇક બનાવવા પાછળ 30 હજારનો ખર્ચ થયો છે.
જુગાડ બાઇક બનાવવા પાછળ 30 હજારનો ખર્ચ થયો છે.

જુગાડ બાઇક બનાવી ખેડૂતે ખેતીનું કામ આસાન કરી દીધું
આ અંગે જયેશભાઈએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ખેતીમાં બળદ, ટ્રેક્ટર કે મિની ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે. આજના સમયમાં કાયમી બળદની જોડી પોતાનાં ઘરોમાં રાખવી સામાન્ય ખેડૂતને પોષાય એમ નથી. બળદો રાખો એટલે એની દેખરેખ રાખવા પાછળ જ સમય જતો રહે છે. જે દિવસે ખેતી કરવી હોય એ દિવસે વહેલી સવારે ઊઠીને બળદોને નીરણ નાખી ધરાવવા પડે છે તેમજ ખેતરમાં પણ સમયાંતરે બળદો થાકી જાય ત્યારે સાતિ ઊભું રાખી દેવું પડે છે, આથી સામાન્ય ખેડૂતો બળદ રાખવાને બદલે સાતિ ભાડે કરી ખેતી કરતા હોય છે.

જુગાડ બાઇક નિંદામણ સહિતનાં વિવિધ ખેતીકામોના ઉપયોગમાં આવી શકે છે.
જુગાડ બાઇક નિંદામણ સહિતનાં વિવિધ ખેતીકામોના ઉપયોગમાં આવી શકે છે.

મોંઘુંદાટ ટ્રેક્ટર ખરીદવું અથવા ભાડે લેવાનું સામાન્ય ખેડૂતોને પોષાતું નથી
જયેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આવું જ ટ્રેક્ટરનું છે કે જેને પણ ખેડૂતો ભાડે કરી વાવણી, નિંદામણનાં કામો કરતા હોય છે, પરંતુ નાનાં ગામોમાં અમુક ખેડૂતો પાસે જ બળદ અથવા ટ્રેક્ટર હોય, જેથી ભાડે રાખીને ખેતીકામ કરાવતા ખેડૂતોને ટ્રેક્ટર કે બળદના માલિકોના સમય મુજબ તેની અનુકૂળતા મુજબ ખેતી કરવા મજબૂર થવું પડે છે. ત્યારે આ તમામ બાબતોનો તોડ મેં શોધી કાઢ્યો અને મારી કોઠાસૂઝના આધારે જુગાડ બાઈક બનાવ્યું છે. મેં મારા જૂના ડિસ્કવર બાઈકમાં કારનું ડિફ્રેશન અને ગિયર બોક્સને જુગાડ બાઈકમાં ફિટ કરાવ્યું છે. આ જુગાડ બાઈક બનાવવા પાછળ મારે 30 હજારનો ખર્ચ થયો છે. આ જુગાડ બાઈક નિંદામણ સહિતનાં વિવિધ ખેતીકામોના ઉપયોગમાં આવી શકે છે.

જુગાડ બાઈકની પાછળ ટ્રોલી પણ જોડી શકાય એવી સુવિધા
આ જુગાડ બાઈકને માટીના ઢેફાં વચ્ચે પણ આસાનીથી ચાલી શકે છે અને વળાંક સહિતની કામગીરી આસન બની જાય છે. માત્ર 30 હજાર રૂપિયાની કિંમતમાં તૈયાર થતું આ જુગાડ બાઈક કે જેમાં વાવણીની સાથે સાથે નિંદામણનાં વિવિધ કામો જેમાં કળિયુ, ચાહણો, બેલી, બેલો, દોઢિયો ચાલી શકે છે તેમજ પાછળ હળની જગ્યાએ ટ્રોલી લગાવી નીરણ વગેરે વાડીએથી ઘરે કે ઘરેથી વાડીએ પણ લઇ જઈ શકાય છે.

વરસાદ પડ્યો હોય તો જુગાડ બાઈક દ્વારા બે દિવસ બાદ પણ કામગીરી કરી શકાય.
વરસાદ પડ્યો હોય તો જુગાડ બાઈક દ્વારા બે દિવસ બાદ પણ કામગીરી કરી શકાય.

વરસાદ બાદ બે દિવસ બાદ જુગાડ બાઈક ખેતરમાં ચાલી શકે છે
વરસાદની સીઝનમાં વરસાદ પડી ગયા બાદ 4 કે 5 દિવસ બાદ ખેતરોમાં નિંદામણ વગેરેની કામગીરી સાતિ કે ટ્રેક્ટર દ્વારા થઇ શકે છે, પરંતુ આ જુગાડ બાઈક દ્વારા બે દિવસ બાદ પણ કામગીરી કરી શકાય છે. આ ઉપરાંત આ બાઈકમાં મૂકેલા સેટિંગને કારણે કોઈપણ પ્રકારની જમીન પર એની ક્ષમતા અનુસાર કામગીરી કરી શકાય છે. પોસી જમીનમાં જુગાડ બાઈક આસાનીથી ચલાવી શકાય અને ઈંધણનો પણ ઓછો વપરાશ થાય છે. કઠણ જમીનમાં પણ જુગાડ બાઈક ચલાવી શકાય છે, પરંતુ પોચી જમીનની સરખામણીએ ઈંધણનો વપરાશ વધારે થાય છે.

બાઇક ચલાવવું ઘરના તમામ સભ્ય માટે સરળ છે.
બાઇક ચલાવવું ઘરના તમામ સભ્ય માટે સરળ છે.

ઘરના દરેક સભ્યને ચલાવતા આવડતું હોવાથી ખેતી કરવામાં જુગાડ બાઈક સરળ
સામાન્ય રીતે ટ્રેક્ટર દ્વારા નિંદામણની કામગીરીમાં એક વીઘાએ 250થી 300 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે, જ્યારે આ જુગાડ બાઈકથી માત્ર 35થી 40 રૂપિયામાં પ્રતિ વીઘે નિંદામણ કરી શકાય છે. જૂના બાઈકની કિંમત ખાસ ન હોય, જેથી આ બનાવવામાં પણ સસ્તું પડે છે અને સામાન્ય ખેડૂતોને પોસાય પણ શકે છે. બાઈક ચલાવવું ઘરના તમામ સભ્ય માટે સરળ છે, આથી જુગાડ બાઈકને બધા ચલાવી શકે છે.

જુગાડ બાઈક ખેતરમાં ચલાવતી વખતે એક વ્યક્તિએ સાતિ પાછળ રહેવું પડે છે.
જુગાડ બાઈક ખેતરમાં ચલાવતી વખતે એક વ્યક્તિએ સાતિ પાછળ રહેવું પડે છે.

જુગાડ બાઈકમાં સાતિ ચલાવવા એક વ્યક્તિને પાછળ રહેવું પડે છે
જયેશભાઈએ જણાવ્યું હતું કે જુગાડ બાઈક ખેતરમાં ચલાવતી વખતે એક વ્યક્તિએ સાતિ પાછળ રહેવું પડે છે. પાછળ રહેતી વ્યક્તિ જરૂર મુજબ જમીનમાં સાતિ પર ભાર રાખે છે અને નિંદામણ કામ આસાન કરે છે. જુગાડ બાઈક ટ્રેક્ટરની જેમ રિવર્સમાં પણ ચલાવી શકાય છે, આથી શેઢા નજીક જઈ નિંદામણ કામ કરી શકે છે. સસ્તી ખેતીનો એકમાત્ર વિકલ્પ આ જુગાડ બાઈક છે.

(ભરત વ્યાસ-ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...