• Gujarati News
  • Dvb original
  • A Farmer From Acharan Village In Surat Earned Rs 12 Lakh By Cultivating Exotic Dragon Fruit In 3 Acres.

પોઝિટિવ સ્ટોરી:સુરતના અછારણ ગામના ખેડૂતે 3 એકરમાં વિદેશી ડ્રેગન ફ્રુટની દેશી ઢબે ખેતી કરીને રૂ.12 લાખની કમાણી કરી

વડોદરાએક મહિનો પહેલાલેખક: પંકજ રામાણી

દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સમયની સાથે કદમતાલ મિલાવીને ખેતીમાં અવનવા પ્રયોગો કરી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે. સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ હવે વિદેશી કમલમ (ડ્રેગન ફ્રુટ)ની સફળ ખેતી અપનાવી છે. રાજ્ય સરકારે પણ કમલમના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજના અમલી બનાવી આ ખેતીને વેગ આપ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકાના અછારણ ગામના ખેડૂત જશવંતભાઈ રામભાઈ પટેલે વિદેશી ડ્રેગન ફ્રુટની આધુનિક તેમજ દેશી ઢબે ત્રણ એકરમાં ખેતી કરીને 12 લાખનો ચોખ્ખો નફો મેળવીને તેમણે કમલમની ખેતીને નફાકારક બનાવી છે.

ખેડૂત ખેડૂતોને તેઓ હોંશેહોંશે જાણકારી આપે છે
‘ફલક ફ્રુટ ફાર્મ’ નામથી વર્ષ 2017થી કમલમની ખેતી કરી રહેલા જશવંતભાઈ પટેલ કમલમના મબલખ ઉત્પાદનની સાથોસાથ અન્ય ખેડૂતોને આ ખેતી પદ્ધતિ વિષે જાગૃત્ત કરી રહ્યા છે. આ માટે તેમના ફલક ફ્રુટ ફાર્મમાં મુલાકાતે આવનાર ખેડૂતોને તેઓ હોંશેહોંશે જાણકારી આપે છે અને કોઈ પણ પ્રકારની જરૂરિયાતમાં મદદ કરવા તત્પર રહે છે. અન્ય ખેડૂતોને પણ પરંપરાગત પાકોના સ્થાને નવા વિચાર સાથે નવા પાકો, નવી ખેત પદ્ધતિઓનો પ્રયોગ કરવા પ્રેરે છે. હવે કમલમ માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા માર્ગદર્શન અને આર્થિક સહાય મળે છે, જેનો લાભ મેળવવાનો આ યોગ્ય અને બહેતર સમય હોવાનું તેઓ જણાવે છે.

9 પ્રકારના પ્રિમીયમ વેરાયટીના કમલમનો પ્રયોગ
જશવંતભાઈ BSNLના નિવૃત્ત ડિવિઝનલ એન્જિનિયર છે. હાલ તેઓ નિવૃત્તિજીવનને પ્રવૃત્તિમય બનાવવા સાથે આર્થિક ઉપાર્જન પણ કરી રહ્યા છે. તેમણે વર્ષ 2017ના પ્રથમ વર્ષે પ્રતિ એકર પણ 3 લાખ નફો મેળવ્યો હતો. કમલમની આધુનિક ખેતીનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડનાર જશવંતભાઈ થાઈલેન્ડ રેડ, થાઈલેન્ડ વ્હાઈટ, ઈન્ડોનેશિયન રોયલ રેડ, વિયેતનામ રેડ, વિયેતનામ વ્હાઈટ, ઓસ્ટ્રેલિયન ગોલ્ડન યેલો, પાલોરા યેલો, રેઈનબો રેડ, જૈના રેડ, ગોલ્ડન યેલો ડ્રેગન એમ 9 પ્રકારના પ્રિમીયમ વેરાયટીના કમલમનો પોતાના ખેતરમાં ખેતી પ્રયોગ કરી રહ્યા છે.

કમલમના 1000 રોપા વાવીને ખેતીની શરૂઆત કરી
જશવંતભાઈએ ડ્રેગનફ્રુટની ખેતીના સ્વાનુભવ અંગે જણાવ્યું કે, વર્ષ 2017માં 250 પોલ ઉભા કરી 1000 રોપા વાવીને આ ખેતીની શરૂઆત કરી હતી. એ સમયે ગામના ઘણાં લોકો ડ્રેગન ફ્રુટથી અજાણ હોવાથી વિદેશી ફળની ખેતી અંગે શંકા-કુશંકા વ્યક્ત કરતા હતા. પણ મેં મક્કમપણે નિર્ણય કર્યો કે ‘ભલે નુકસાન જાય, પણ ડ્રેગન ફ્રુટની ખેતીમાં સફળતા મેળવીને જ જંપીશ.’ પાંચ વર્ષ દરમિયાન મેં ધારેલી સફળતા મેળવી છે.

9 મહિનામાં ફળોનું ઉત્પાદન મળવાનું શરૂ થઈ ગયું
તેમણે કમલમની ખેતી પદ્ધતિ અંગે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે રોપણી પછી 20 મહિના બાદ ડ્રેગન ફ્રુટ પાકે છે. યોગ્ય અને પદ્ધતિસરની ખેતી અને જીવની જેમ સાચવણીના કારણે રોપણી કર્યાના માત્ર નવ મહિનામાં મને ફળોનું ઉત્પાદન મળવાનું શરૂ થઈ ગયું.

9 પ્રકારના પ્રિમિયમ વેરાયટીના કમલમનો ખેતી કરી.
9 પ્રકારના પ્રિમિયમ વેરાયટીના કમલમનો ખેતી કરી.

25 વર્ષ સુધી કમાણી થઈ શકે છે
પ્રથમ વર્ષે જ પ્લાન્ટેશન, પોલ ઉભા કરવાનો ખર્ચ થાય છે, જ્યારે વાવેતરના બીજા વર્ષથી અન્ય કોઈ ખર્ચ આવતો નથી. પ્રત્યેક પોલ પર છોડ વિકસે અને મોટો થાય એટલે આધાર માટે ક્રોસ આકારની જાતે બનાવેલી સિમેન્ટની એંગલો લગાવી. 1 પોલ ઉભો કરતા અને કમલમના રોપનું પ્લાન્ટેશન, ખાતર માટે રૂ.700નો ખર્ચ થાય છે. આ એક પોલના ચાર કમલમ છોડ એક સિઝનમાં 20 કિલો કમલમ આપે છે. વર્ષ દરમિયાન જૂનથી કમલમનું પ્રોડક્શન શરૂ થાય છે અને નવેમ્બર સુધી ચાલે છે. આ ખેતીનો મોટો ફાયદો એ છે કે એક વાર કમલમ વાવી તેને ઉછેર્યા બાદ 25 વર્ષ સુધી કમાણી થઈ શકે છે એમ જશવંતભાઈ જણાવે છે.

મને ડ્રીપ ઈરીગેશન માટે પણ રાજ્ય સરકારની સબસિડી સહાય મળી છે. સાથોસાથ વર્મી કોમ્પોસ્ટ, બાયો ઓર્ગેનિક અને પ્રાકૃત્તિક ખેતીમાં લોકપ્રિય બનેલા જીવામૃત્તનો પ્રયોગ કરતા ઉત્પાદનમાં ઘણો ફાયદો થયો હોવાનું તેઓ જણાવે છે.

1000 રોપા વાવીને કમલમની ખેતીની શરૂઆત કરી હતી.
1000 રોપા વાવીને કમલમની ખેતીની શરૂઆત કરી હતી.

ગોલ્ડન યેલો ડ્રેગન ફ્રુટનું વજન 600 ગ્રામ વજન હોય છે
તેઓ કહે છે કે, ગોલ્ડન યેલો ડ્રેગન ફ્રુટનું વજન 600 ગ્રામ વજન હોય છે. આ જાત ગુજરાતમાં ખૂબ ઓછી જોવા મળે છે, જેથી તેના રોપ થાઈલેન્ડથી મંગાવ્યા હતા. વિદેશમાંથી રેઈનબો રેડના 20 પ્લાન્ટ રૂ.50 હજારના ખર્ચે મંગાવ્યા હતા, રેઈનબો રેડ વેરાયટીમાં જેમ સ્વીટનેસ વધુ તેમ બજારભાવ પણ ઊંચા મળી રહે છે. પાલોરા યેલોનું ફળ કાંટેદાર અને સ્વાદિષ્ટ હોય છે, જેમાં કાપણી સમયે ફળની આસપાસના કાંટા કુદરતી રીતે ખરી જાય છે. રેઈનબો રેડ ડ્રેગનનો એક પ્લાન્ટ રૂ.2000નો થાય છે.

ઘર સુધી ફળોની ડિલીવરી પણ આપીએ છીએ
વધુમાં જશવંતભાઈ કહે છે કે, હું કમલમના રોપા મારી વાડીમાં જ ઉગાડી રાહત દરે ખેડૂતોને પૂરા પાડું છું. સુરત જિલ્લાના હેલ્થ કોન્શ્યસ લોકોમાં અમારે ત્યાં પાકતા ડ્રેગન ફ્રુટની માંગ રહે છે. પાંચ વર્ષથી આ ખેતી કરતાં હોવાથી આસપાસના વિસ્તારોના લોકો અમારી કમલમ ખેતીથી પરિચિત છે. ઓર્ડર આપે એમના ઘર સુધી ફળોની ડિલીવરી પણ આપીએ છીએ.

માત્ર 9 મહિનામાં કમલમનું ઉત્પાદન શરૂ થઈ ગયું હતું.
માત્ર 9 મહિનામાં કમલમનું ઉત્પાદન શરૂ થઈ ગયું હતું.

રાજ્ય સરકાર કમલમની ખેતીમાં આર્થિક સહાય આપે છે
કમલમ ફળનો શરૂઆતનો ઉત્પાદન ખર્ચ ઘણો ઉંચો આવે છે. જેની સામે બાગાયત ખાતા તરફથી કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા બાગાયત સહાયલક્ષી યોજનાઓ હેઠળ સામાન્ય ડૂત માટે ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૩ લાખ પ્રતિ હેકટર અને અનુ. જાતિ તથા અનુ. જનજાતિના ખેડૂતો માટે ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ. ૪.૫૦ લાખ પ્રતિ હેકટર સહાય આપવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સરકાર નાના-સિમાંત તથા મહિલા ખેડૂતોને કમલમ સહાયમાં પ્રાધાન્ય આપે છે.

કમલમ ફળની વિશેષતા
કમલમ ફળની લોકપ્રિયતા મુખ્યત્વે તેના આકર્ષક દેખાવ તથા તેના પોષકતત્વો, ઔષધિય તેમજ એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સ વધુ માત્રામાં છે. અને આપણી પાચનશક્તિમાં સુધારો કરે છે. કમલમના સેવનથી કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે. ફળ ઉપરાંત તેના બીજ પણ પોષકતત્વો ધરાવે છે, જેમાં સારા પ્રમાણમાં વિટામીન-ઈ અને જરૂરી ફેટીએસિડ્સ હોય છે. ફળોનો આકર્ષક રંગ તેમાં હાજર બેટાલિન અને બિટાસાયનીન તત્વોને કારણે હોય છે.

કમલમનું ફ્રુટ વાવીને 25 વર્ષ સુધી કમાણી થાય છે.
કમલમનું ફ્રુટ વાવીને 25 વર્ષ સુધી કમાણી થાય છે.

કમલમમાં સૂકા પ્રદેશમાં ટકી રહેવાની ક્ષમતા
જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં પણ આ ફળ ખૂબ સારી રીતે ઉગે છે. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ જામ, જેલી, ફ્રુટ જામ, આઈસ્ક્રીમ, ઉત્પાદનમાં મોટા પાયે થાય છે. કમલમની ખેતી ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. સામાન્ય રીતે આ ફળ થાઈલેન્ડ, વિયેતનામ, ઈઝરાયેલ, શ્રીલંકા વગેરે મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ હવે કમલમની ખેતી ભારતના વિવિધ પ્રાંતોમાં ખાસ કરીને ગુજરાતમાં લોકપ્રિય બની છે.

ભારતમાં તેની જરૂરિયાતના 80 ટકા ફળ આયાત થાય છે. કમલમ ફ્રુટ સૂકા પ્રદેશ ગરમી અને નબળી જમીનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. રાજ્યની જમીન માટે અનુકૂળ હોવાથી આ ફળની ખેતી રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોમાં ઝડપભેર લોકપ્રિય બની રહી છે. તેના સ્વાદ, પોષણ અને ઔષધિય ગુણધર્મોને લીધે કમલમની દેશવિદેશમાં ખૂબ સારી માંગ રહે છે.

અન્ય સમાચારો પણ છે...