દેશમાં વધી રહેલું અંગ્રેજી ભાષાનું મહત્ત્વ ગુજરાતના શિક્ષણ માટે જોખમરૂપ બની રહ્યું હતું. ધો.12 પછી બાળકને ભણતરમાં મુશ્કેલી ન પડે એ માટે વાલીઓ પોતાનાં બાળકોને પહેલીથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો આગ્રહ રાખી રહ્યા છે. પોતાના બાળક માટે વાલીઓને મૂંઝવી રહેલા સૌથી મોટો પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે. ગુજરાતમાં દ્વિભાષી માધ્યમને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી આવનારા સમયમાં ગુજરાતી, અંગ્રેજી અને બાઇલિંગ્યુઅલ એટલે કે દ્વિભાષી માધ્યમની ખાનગી સ્કૂલો પણ ગુજરાતમાં જોવા મળશે.
સુરતની 29 સ્કૂલમાં કરાવવામાં આવે છે દ્વિભાષી અભ્યાસ
નવી શિક્ષણનીતિ મુજબ માતૃભાષામાં વિદ્યાર્થીઓને ભણાવવા જરૂરી છે. જોકે નવી શિક્ષણનીતિ 2020માં આવી, પરંતુ એ અગાઉ 2013થી સુરતમાં જાણીતા કવિ અને લેખક રઈશ મણિયાર દ્વારા દ્વિભાષી અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવ્યો હતો. ગણિત અને વિજ્ઞાન બંને મુખ્ય વિષય ગુજરાતી સાથે અંગ્રેજીમાં ભણાવવાનો ઉદ્દેશ છે, જેથી ભવિષ્યમાં બાળક જ્યારે સ્કૂલનો અભ્યાસ પૂરો કરે તો ઉચ્ચ અભ્યાસમાં સરળતા રહે. સુરતની 29 જેટલી સ્કૂલોમાં દ્વિભાષી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. ભૂલકાં ભવન અને ભૂલકાં વિહાર આ બે સ્કૂલનાં બાળકોને 7 વર્ષ અગાઉથી દ્વિભાષી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતના વાલીઓની કાયમની મૂંઝવણ રહી છે કે બાળકને માતૃભાષા ગુજરાતીમાં ભણાવવી કે ઇંગ્લિશ મીડિયમમાં. બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી વાલીઓ ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ તરફ વધુ ઝૂક્યા હતા. હાલના સમયમાં વાલીઓ પોતાના બાળકને ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં પારંગત કરવા ઈચ્છે છે, પરંતુ જે રીતે વૈશ્વિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે અંગ્રેજીના વધી રહેલા મહત્ત્વ સાથે ધોરણ 12 પછીના અંગ્રેજીમાં આવતા કોર્ષને લઈ વાલીઓ પહેલેથી જ પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા લાગ્યા છે. એને લઇ ગુજરાતમાં માતૃભાષાનું મહત્ત્વ ધીમેધીમે ઘટી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય બની રહ્યો હતો.
આ અંગે વધુ જાણવા દિવ્ય ભાસ્કરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, વિદ્યાર્થી, વાલી અને શિક્ષણવિદ સાથે વાતચીત કરી હતી.
ગણિત-વિજ્ઞાન અંગ્રેજીમાં તો બાકીના વિષય ગુજરાતીમાં ભણાવે છે
પરંતુ હવે તમામ વાલીઓની ચિંતા દૂર થઈ ગઈ છે. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી સ્કૂલોએ ગ્લોબલ મીડિયમના બેનર હેઠળ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી ભાષા) માધ્યમની મંજૂરી મેળવી લીધી છે. સુરતની સ્કૂલો તેમજ સાથે અન્ય સ્કૂલો મળીને કુલ 29 સ્કૂલે 7 વર્ષ પહેલાં વાલીઓની મંજૂરી મેળવી ધોરણ ત્રણથી ગુજરાતી માધ્યમમાં બે ભાષામાં ભણવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન બે વિષય અંગ્રેજીમાં અને બાકીના ગુજરાતીમાં ભણાવાનું શરૂ કરી એકસાથે બે ભાષાનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના શિક્ષણવિદોને ખૂબ જ સારું પરિણામ મળ્યું અને 7 વર્ષના પરિશ્રમ બાદ આ પ્રોજેક્ટને ગુજરાત સરકારે પણ મંજૂરી આપી દીધી છે.
ધોરણ 1થી 10માં વિષયો કેવી રીતે ભણાવાશે બે ભાષામાં?
નવી શિક્ષણનીતિ મુજબ, માતૃભાષાના અભ્યાસ પર ભાર મૂકવાનો છે ત્યારે સુરતથી જાણીતા લેખક રઈશ મણિયાર દ્વારા ખાનગી સ્કૂલોમાં એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દ્વિભાષી અભ્યાસ કરાવવામાં આવશે. બાળકોને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ ઈંગ્લિશ ભણવામાં સરળ રહેશે તથા અત્યારથી જ ગુજરાતી માધ્યમનાં બાળકોને અંગ્રેજી શબ્દોની જાણ થાય એ માટે દ્વિભાષી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બાળક જ્યારે ધોરણ 1 અને 2માં વિષય તરીકે અંગ્રેજીની પરિચય ઓડિયો-વીડિયો દ્વારા ભણાવવામાં આવે છે, જેમાં મૌખિક અંગ્રેજી રહેશે. ધોરણ 3,4 અને 5માં કૌંસમાં કેટલાક શબ્દોનું ટ્રાન્સલેશન રહેશે, જે માત્ર ગણિત અને વિજ્ઞાન બંને વિષ્યનું રહેશે. જ્યારે ધોરણ 6, 7 અને 8માં ગણિત અને વિજ્ઞાનનો દ્વિભાષી અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં એક પેજ ગુજરાતી અને સામેનું પેજ અંગ્રેજીમાં રહેશે. આ રીતે ધોરણ 9 અને 10માં પણ 2 વિષય દ્વિભાષી ભણાવવામાં આવશે. જે બાળક ધોરણ 1થી દ્વિભાષી ભણશે તેને જ છેક સુધી ભણાવવામાં આવશે. વચ્ચેથી ધોરણ 1 સિવાય કોઈપણ બાળકને દ્વિભાષી અભ્યાસ કરાવવામાં આવશે નહીં.
રાજ્ય સરકારે પણ આપી છે મંજૂરી
2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી) સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાત સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ શિક્ષણમંત્રીએ 29 જુલાઈ, 2022ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં આ વર્ષથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી સ્કૂલો ઈચ્છે તે વાલીઓની મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે. આ દ્વિભાષી માધ્યમનું નામ સરકારે બાઇલિંગ્યુઅલ માધ્યમ આપ્યું છે. આ પદ્ધતિમાં બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે. પરંતુ શરૂઆતથી જ અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ત્યાર બાદ ધોરણ આઠ, નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.
શું આ માધ્યમ ફરજિયાત છે?
જે ખાનગી સ્કૂલો સજ્જ અને તત્પર હોય એ સ્વૈચ્છિક ધોરણે સરકારની મંજૂરી મેળવીને, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે. પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એ જરૂરી છે, સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલી જ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણની ગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એકસાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી.
7 વર્ષ પહેલાં ધો.4થી શરૂ કર્યો પ્રયોગ, હાલ વિદ્યાર્થીઓ 10માં પહોંચ્યા
સુરતથી શરૂ કરવામાં આવેલો દ્વિભાષી માધ્યમનો પ્રયોગ ખરેખર બાળકોને આભારી છે. 7 વર્ષ પહેલાં સુરતની 7 સ્કૂલના ધોરણ ત્રણના વિદ્યાર્થીઓ સાથે શરૂ કરેલો. આ અભિયાનના વિદ્યાર્થીઓ આજે ધોરણ 10માં પહોંચ્યા છે. શિક્ષકો પણ વિદ્યાર્થીઓમાં ગુજરાતી અને અંગ્રેજી સાથેનું જ્ઞાન જોઈ ખરેખર આશ્ચર્ય ચકિત થયા છે. દ્વિભાષી ભાષામાં જ્ઞાન મેળવી બાળકોએ અદભુત મહારત હાંસલ કરી છે. માત્ર બોલવામાં જ નહીં લખવામાં, સંભાળવામાં અને કંઈપણ સમજાવામાં અંગ્રેજી માધ્યમની બરોબર આ બાળકોએ સ્થાન મેળવ્યું છે. આ બાળકો પર શરૂ કરાયેલું અભિયાન આજે સરકાર પણ સમગ્ર ગુજરાતમાં અમલી કરવા તત્પર બની છે.
આ પ્રયોગ સફળ થવા લાગ્યો છેઃ શિક્ષણ રાજ્યમંત્રી
આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર શિક્ષણનીતિમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સરકારનું ધ્યેય છે કે બાળક પોતાની માતૃભાષા ખૂબ સારી રીતે શીખે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ તે પાછળ ન પડે એ જરૂરી છે. હાલ જે રીતે સુરતની કેટલીક સ્કૂલોમાં ઘણા સમય પહેલાં જે પ્રયોગ કરવામાં આવ્યો છે એ સફળ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. વિજ્ઞાન અને ગણિત આ બે વિષયમાં વધુમાં વધુ અંગ્રેજી ભાષા સાથે બાળક શીખી શકે એ ખૂબ જરૂરી છે અને એના માટે જ સરકાર દ્વારા હવે વધુ પ્રયાસો આ દિશામાં શરૂ કર્યા છે. માતૃભાષાને વધુ આગળ લઈ જવા માટે અને બાળકો પણ પોતાની ભાષામાં સારી રીતે અભ્યાસ કરી શકે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
‘ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માગતા વાલીઓ માટે આ વિકલ્પ ખૂબ સારો’
જ્યારે સુરતના વાલી દીપેન પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે માતા-પિતાનો આગ્રહ એવો હોય છે કે પોતાનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે, જેથી કરીને તેને આગળ વધવામાં સરળતા રહે અને તે પોતાની કારકિર્દી સારી રીતે ઘડી શકે, પરંતુ મારા બાળક ધોરણ ચારમાં હતો ત્યારથી ગ્લોબલ તેને ગુજરાતીમાં અભ્યાસ કરાવ્યો છે, જેનાથી તેની માતૃભાષા ઉપરની પક્કડ પણ સારી છે અને તે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓની માફક જ વિજ્ઞાન અને ગણિતના વર્ગમાં અભ્યાસ કરતો હતો, જેથી તે ખૂબ સારી રીતે સમજી શક્યો હતો. શિક્ષકો પણ વિજ્ઞાનને ગુજરાતીમાં સમજાવે છે અને અંગ્રેજીમાં લખાવે છે, જેથી કરીને બાળક પોતાની માતૃભાષામાં દરેક બાબતને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજી શકે છે. શિક્ષકોએ પણ આ પ્રયોગને ખૂબ જ સારી રીતે કર્યો છે. અત્યારે મારા દીકરાએ જે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપી છે એ ખૂબ સારી રીતે આપી હોવાની તેણે વાત કરી છે, જેથી મને એવું લાગે છે કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનો આગ્રહ રાખનારા વાલીઓ માટે આ વિકલ્પ ખૂબ જ સારો છે.
શું કહે છે દ્વિભાષામાં ભણેલો ધો.10નો વિદ્યાર્થી?
આ અંગે સુરતના વિદ્યાર્થી ધૈર્ય પટેલે જણાવ્યું હતું કે હું આ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું, મારા ગણિત અને વિજ્ઞાનનાં બંને પેપરો ખૂબ જ સારી રીતે ગયાં છે. ગ્લોબલ ગુજરાતીનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે એને કારણે હું મારી માતૃભાષા તો સારી રીતે શીખી શક્યો છું, પરંતુ સાથે સાથે અંગ્રેજી પણ ખૂબ ભણાવવામાં આવ્યું છે. હું ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓની માફક જ સારી રીતે અંગ્રેજી લખી શકું છું અને બોલી પણ શકું છું, જે મારા માટે ખૂબ જ સારી બાબત છે. વર્ગખંડમાં પણ શિક્ષકો અમને વિજ્ઞાન વિષયને અંગ્રેજી અને ગુજરાતીમાં શીખવતા હતા અને વધુ ભાર તેઓ અંગ્રેજી ભાષા પર જ આપતા હતા. મારો અત્યારસુધીનો અનુભવ એવો રહ્યો છે કે વિજ્ઞાન અને ગણિતના કેટલાક શબ્દોને માતૃભાષામાં બોલવું ખૂબ જ કઠિન થઈ જાય છે, પરંતુ એ જ શબ્દોને અંગ્રેજી ભાષામાં બોલવામાં આવે અને લખવામાં આવે તો એ વધુ સરળ થઈ જાય છે અને સાથે સાથે એ અંગ્રેજી ભાષાના શબ્દોની ગુજરાતીમાં સમજણ આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થી તરીકે હું ખૂબ સારી રીતે એને સમજી શક્યો છું.
સુરતના આ પ્રયોગનો નવી શિક્ષણનીતિમાં શબ્દશઃ ઉલ્લેખ
આ અંગે લેખક અને કવિ રઈશ મણિયારે જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષા ભણવી જરૂરી છે, પરંતુ અંગ્રેજી ભાષા સાથે માતૃભાષનો સ્વીકાર કરવો જોઈએ. વિકાસ માટે અંગ્રેજી ભાષા જરૂરી છે. ગુજરાતી+ અંગ્રેજી બંને ભાષાનો સમન્વય હોય એ જરૂરી છે. અમે 7 વર્ષ અગાઉ સુરતમાં અભ્યાસ શરૂ કરાવ્યો હતો, જેમાંથી 105 વિદ્યાર્થીએ ગણિતની પરીક્ષા અંગ્રેજી ભાષામાં આપી છે. ધોરણ 3, 4 અને 5માં પરિભાષા ભણાવવામાં આવે છે. 6, 7 અને 8માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવવામાં આવે છે. આ દ્વિભાષી અભ્યાસ કરવાથી એન્ટ્રન્સ એક્ઝામ, UPSCની પરીક્ષા, વાંચન વધારો, માતૃભાષાથી પરિચિત તથા સંસ્કારનું સિંચન થશે. નવી શિક્ષણ નીતિ 2020માં આવી જ્યારે અમે તો 2012માં શરૂઆત કરી હતી. NEP(નેશનલ એજ્યુકેશન પોલિસી)ના 4.12 અને 4.14માં શબ્દશઃ અમે જે શરૂઆત કરી છે એનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધો.10ની પરીક્ષા ઇંગ્લિશ મીડિયમમાં આપી
સુરતના ભૂલકાં ભવનના આચાર્ય સોનલ દેસાઈએ જણાવ્યું હતું કે 7 વર્ષ અગાઉ અમારી સ્કૂલમાં બાળકોને દ્વિભાષી અભ્યાસ કરવામાં આવતો હતો. બાળકોએ તાજેતરમાં જ ધોરણ 10ની પરીક્ષા ગુજરાતી મીડિયમમાં હોવા છતાં ઈંગ્લિશ મીડિયમમાં આપી હતી. બાળકો ખુશ હતાં તથા કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપી હતી. આ સિસ્ટમથી બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે. આ સિસ્ટમ દુનિયાના દેશોમાં ચાલુ છે. ગુજરાતી મીડિયમની સ્કૂલોને નવું જીવનદાન પણ મળ્યું છે. એડમિશન લેવા છેલ્લાં 3 વર્ષથી વાલીઓમાં વધારો થયો છે. આ સિસ્ટમને કારણે ગુજરાતી ભાષા પણ બચી જશે.
અંગ્રેજી માધ્યમનો વિકલ્પ બની આ સિસ્ટમ
સુરતના ભૂલકાં વિહારનાં આચાર્ય મીતાબેને જણાવ્યું હતું કે આ ગુજરાતી ભાષા બચાવવાનો પ્રોજેક્ટ છે. અંગ્રેજી માધ્યમનો વિકલ્પ આ સિસ્ટમ બની છે. માતૃભાષા સાથે અંગ્રેજી ભાષા ભણવી જરૂરી છે. ગ્લોબલ ગુજરાતી માધ્યમ સાથે અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવશે. ગુજરાતી મીડિયમમાં પ્રવેશ લઈને બાળક અંગ્રેજી માધ્યમમાં બહાર નીકળશે. અહીં કક્કો, A TO Z,સમાનાર્થી પણ ભણાવવામાં આવશે. અહીં ભણેલો વિદ્યાર્થી ધોરણ 12 બાદ સક્ષમ બનશે.
સમગ્ર રાજ્યમાં દ્વિભાષીનો પ્રયોગ થાય એ યોગ્ય નથીઃ શિક્ષણવિદ
શિક્ષણવિદ કિરીટ જોશીએ જણાવ્યું હતું કે સુરતમાં આ પ્રયોગ થયો છે. સમગ્ર રાજ્યમાં દ્વિભાષીનો પ્રયોગ થાય એ યોગ્ય નથી. પુસ્તક એક તો એનાં બે પેજ શા માટે રાખવાં? સ્માર્ટ અને એકલવ્ય સ્કૂલોમાં આ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે. 15 ટકા બાળકો JEE અને NEETની પરીક્ષા આપે છે. પુસ્તક એક હોય, પરંતુ પેજ ડબલ થઈ જાય છે. સરકાર ફ્રીમાં આપે તો નાગરિકોના ટેક્સના પૈસાનો જ બગાડ થાય છે, જેને અંગ્રેજી ભાષામાં ભણવું હોય તે ઇંગ્લિશ મીડિયમમાં ભણી શકે છે. અત્યારે ગુજરાતી માધ્યમના પૂરતા શિક્ષકો નથી. આ ઉપરાંત ગુજરાતી માધ્યમના શિક્ષકો ઇંગ્લિશ મીડિયમમાં કઈ રીતે ભણાવી શકશે? શિક્ષણની ગુણવત્તા પણ ઘટશે. આ ઉપરાંત પરીક્ષા ક્યું માધ્યમ લેવું એ પ્રશ્ન પણ ઉપસ્થિત થશે. બાળક પસંદ કરે એ વિકલ્પ બાળકને તે ધોરણ પૂરતો આપવો જોઈએ. ઘણા ગેરફાયદા છે, જેમાં પુસ્તકની કિંમત વધે, બાળક મૂંઝવણમાં મુકાય, પરીક્ષામાં અવઢવ થાય, જરૂરી શિક્ષક ન મળે, સરકારની તિજોરી પર ભાર વધે, અવ્યવસ્થા સર્જાઈ. દ્વિભાષી ભણાવવા જ હોય તો જેને જે માધ્યમમાં ભણવું છે એ આપો તથા સંખ્યા મુજબ સરકાર શિક્ષક આપે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.