અયાનના એ સાત દિવસ:11 હજાર વોલ્ટના કરંટ બાદ કોમામાં સરી પડેલો બાળક કેવી રીતે બેઠો થયો? અમદાવાદના ડૉક્ટરે કહ્યું, પહેલીવાર ચમત્કાર જોયો

અમદાવાદ8 દિવસ પહેલાલેખક: દિનેશ સિંધવ

ગુજરાતના તબીબી જગતમાં એક ચમત્કારિક બનાવ બન્યો છે. નડિયાદમાં પતંગ પકડવા ગયેલા 9 વર્ષના બાળકના શરીરમાંથી 11000 વોલ્ટનો હાઇવોલ્ટેજ કરંટ પસાર થયા બાદ પણ બાળક બચી ગયો છે. નડિયાદના અયાનને નવજીવન મળ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કરે અયાનના પરિવાર અને ડૉકટર સાથે વાતચીત કરી આ સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે.

9 વર્ષના બાળકને 11 હજાર વોલ્ટનો કરંટ લાગ્યો

ગત 26 ડિસેમ્બરે નડિયાદમાં 8 વર્ષનો અયાન પોતાના મકાનની અગાસી પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન પતંગ કપાઈ જતાં તેને પકડવા માટે તે દોડ્યો હતો. મકાનની બાજુના ભાગમાંથી 11000 વોલ્ટનો હાઇવોલ્ટેજ વાયર પસાર થઈ રહ્યા હતા. આ હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગતાં તે ચોંટી ગયો અને છથી સાત ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો હતો, આથી આ બાળકનું હૃદય બંધ થઈ ગયું હતું. આખું શરીર ભૂરું પડી ગયું, નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, ખેંચ આવવા લાગી અને છેવટે બાળક કોમા મા સરી પડ્યો હતો.

કોમામાં સરી પડેલા અયાનની ફાઈલ તસવીર.
કોમામાં સરી પડેલા અયાનની ફાઈલ તસવીર.

બાળકનાં મોટા ભાગનાં અંગો ફેલ થઈ ગયાં હતાં

અતિગંભીર પરિસ્થિતિમાં અયાનને સારવાર માટે અમદાવાદના મેમનગર ખાતે આવેલી ડિવાઇન બાળકોની હોસ્પિટલ ખસેડાયો હતો. ડૉક્ટરોની ટીમ દ્વારા એમ્બ્યુલન્સ જ બાળકને સારવાર આપીને અમદાવાદ લવાયો હતો. બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. હાર્દિક પટેલ અને ડૉ. દેવાંગ સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમ દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. અયાનને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે શરીરનાં મોટા ભાગનાં અંગો ફેલ થઈ ગયાં હતાં. બાળકનું હૃદય માત્ર 5થી 10 ટકા જ પંપિંગ કરતું હતું. ફેફસાં અત્યંત નાજુક થઈ ગયાં હતાં, આથી એમાંથી સતત લોહી વહી રહ્યું હતું. મગજ પર પણ ખૂબ જ સોજો આવી ગયો હતો, તો બાળકને સતત ખેંચો આવી રહી હતી. હાઇવોલ્ટેજ કરંટને કારણે બાળકના સ્નાયુઓ તૂટવા લાગ્યા હતા. કિડની અને લિવર જેવાં મહત્ત્વનાં અંગોને પણ ઘણું નુકસાન થયું હતું.

મરણશૈયા પર સૂતેલા બાળકને બચાવવા શું-શું કર્યું

બાળકને વેન્ટિલેટરનો સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો. ફેફસાંમાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી. હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારનાં ઇન્જેક્શનો સતત ચાલુ કરવામાં આવ્યાં. મગજ પરનો સોજો ઓછો કરવા માટે દવાઓ ચાલુ કરવામાં આવી અને સતત આવી રહેલી ખેંચોને બંધ કરવા ચાર અલગ અલગ પ્રકારનાં ઇન્જેક્શન ચાલુ કરવામાં આવ્યાં તથા સ્નાયુઓ, કિડની અને લિવરના સપોર્ટ માટે દવાઓ ચાલુ કરવામાં આવી.

સઘન સારવારથી અયાનને નવજીવન મળ્યું

લગભગ સાતેક દિવસની સઘન સારવાર બાદ બાળકનાં મહત્ત્વનાં અંગો ધીરે ધીરે મજબૂત થવા લાગ્યાં અને બાળક ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા લાગ્યું. 7 દિવસની સઘન સારવાર બાદ બાળકને વેન્ટિલેટર પરથી લઈ લેવામાં તબીબોને સફળતા મળી હતી. લગભગ 12 દિવસની સતત મહેનત બાદ બાળકને કોઈપણ ખોડખાંપણ વિના હસતા મુખે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

નવજીવન આપનાર ડૉ. હાર્દિક પટેલ સાથે અયાન.
નવજીવન આપનાર ડૉ. હાર્દિક પટેલ સાથે અયાન.

અયાનનું બચી જવું તબીબજગત માટે ચમત્કાર સમાન

ડૉ. હાર્દિક પટેલના જણાવ્યા મુજબ, આવા કેસ જવલ્લેજ જ જોવા મળે છે, જેમાં મોટા ભાગનાં બાળકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામતાં હોય છે અને જો કોઈ બાળક કદાચ બચી જાય તો મોટા ભાગના કિસ્સામાં તેને શારીરિક કે માનસિક ખોડખાંપણ રહી જતી હોય છે. જોકે અયાનના કિસ્સામાં ચમત્કાર થયો અને તે સંપૂર્ણ પણે સ્વસ્થ છે અને તેનાં બધાં જ અંગો નોર્મલ પરિસ્થિતિમાં છે. અયાન અને તેનો પરિવાર પણ અલ્લાહે સર્જેલા ચમત્કારથી ખુશ છે.

દર્દીને સારવાર મળે એ પહેલાં આ રીતે જીવતો રાખો

ડૉ. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે જો ઉત્તરાયણ પર કોઈને અકસ્માત નડે તો હોસ્પિટલ ખસેડતાં પહેલાં કેવી પ્રાથમિક સારવાર આપી જિવાડી શકાય. તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ દર્દીને જમણા કે ડાબા પડખે સૂવડાવી દો. મોઢામાંથી ફીણ નીકળે તો સાફ કરી શ્વાસોશ્વાસની પ્રક્રિયા નોર્મલ કરો. હાર્ટને પમ્પિંગ કરો અને મોઢેથી કૃત્રિમ શ્વાસ આપવાનું ચાલુ રાખો. પ્રાથમિક ઉપચારની આ પદ્ધતિને તબીબી ભાષામાં ABC કહે છે.

અન્ય સમાચારો પણ છે...