અમદાવાદના ડૉકટરે અધધધ વજન ઉતાર્યું, VIDEO:વગર ઓપરેશને 131 માંથી 87 કિલોના થયા, 6 મહિનામાં ચમત્કાર, ‘ગેંડાનું બચ્ચું’ કહેનારા લોકો હવે ટિપ્સ લેવા આવે છે

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

ખાવાનો શોખ જ મારો દુશ્મન બની ગયો. જેના કારણે મારું વજન 131 કિલો થઈ ગયું. આ દરમિયાન કેટલાક લોકો અલગ અલગ ઉપનામો આપીને મજાક પણ ઉડાવતા હતા. પણ આજે એ જ લોકો મારી પાસે વેઈટ લોસની ટિપ્સ લેવા માટે આવી રહ્યા છે. આ શબ્દો છે માત્ર 6 મહિનામાં હાર્ડવર્ક કરીને 44 કિલો વજન ઓછું કરનાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં ડૉ. આશિષ શાહના.

‘ઓબેસિટીના કારણે ચાલવામાં અને બેસવામાં તકલીફ પડતી’
ડૉ.આશિષ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું ડૉક્ટર છું છતાં મને બહારનું ખાવાનો ખૂબ જ શોખ હતો. પરંતુ ધીરે ધીરે મારું વજન વધતાં વધતાં 131 કિલો થઈ ગયું. પછી મને ચાલવામાં અને બેસવામાં પણ તકલીફ પડવા લાગી અને હું ઓબેસિટીનો શિકાર બની ગયો. આ દરમિયાન મારી તકલીફો ઘટવાની જગ્યાએ વધવા લાગી.

‘બાળકો ડૉક્ટર હાથી કહીને બોલાવતા’
જ્યારે ડૉ. આશિષ શાહ કોઈ લગ્ન પ્રસંગમાં કે મિત્રો સાથે મળતા ત્યારે કેટલાક લોકો ‘જાડિયો, ગેંડાનું બચ્ચું કહેતા હતા’. તો તેમની પાસે આવતા દર્દીઓનાં બાળકો ‘ડૉકટર હાથી કહીને બોલાવતાં હતાં’. વધુ વજનના કારણે તેમને ડૉક્ટર્સની યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટની ટીમમાં પણ સ્થાન ન મળ્યું. તો બીજી તરફ મનપસંદ કપડાં પણ ન મળતાં આ બધી સમસ્યાઓથી તેઓ ખૂબ જ ચિંતિત હતા. આ દરમિયાન ઓપરેશન થકી વજન ઓછું કરાવવાની સલાહ પણ તેમને મળી.

...ને 131 કિલોના ડૉ. આશિષ શાહ 87 કિલોના થઈ ગયા
પછી તેમણે નક્કી કર્યું કે, કોઈ પણ રીતે આ વજન ઉતારવું પડશે. એ પછી તેમણે જિમ જોઈન કર્યું. આ દરમિયાન તેમણે સંપૂર્ણ રીતે ફાસ્ટ-ફૂડને છોડીને પ્રોટીનયુકત આહાર લેવાનું શરૂ કરી દીધું. ડૉ. આશિષ શાહ શરૂઆતમાં 1 કલાક જ જિમમાં જતા હતા. એ પછી તેમણે 4 કલાક જિમમાં વર્કઆઉટ પાછળ ફાળવ્યા. આ સાથે જ સાઈક્લિંગ પણ શરૂ કર્યું, ને માત્ર 6 મહિનામાં તેમને હાર્ડવર્કનું પરિણામ મળ્યું. 131 કિલોના ડૉ. આશિષ શાહે 44 કિલો વજન ઘટાડી દીધું.

હવે લોકોને ફ્રીમાં હેસ્થ ટિપ્સ અને ડાયટ પ્લાન આપે છે
એક સમયે મજાકનું કેન્દ્ર બનેલા ડૉ.આશિષ શાહ હવે લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. તેમને મળેલી સફળતા પછી જે લોકો તેમની મજાક ઉડાવતા હતા તે જ લોકો હવે તેમની પાસે હેલ્થ ટિપ્સ લેવા માટે આવી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા અને રૂબરૂમાં પણ ઓબેસિટીનો શિકાર બનેલા લોકો ટિપ્સ લેવા આવી રહ્યા છે. ત્યારે આ તમામ લોકોને ડૉ. શાહ ફ્રીમાં ડાયટ પ્લાન અને હેલ્થ ટિપ્સ આપી રહ્યા છે.

(ગ્રાફિક્સઃ- હરિઓમ શર્મા)