રાજ્યનાં પવિત્ર યાત્રાધામ ખાતે વધતી જતી ભિક્ષુકવૃત્તિને ડામવા માટે રાજ્ય સરકારે વ્યવસ્થા આરંભી છે. ભિક્ષુકમુક્ત યાત્રાધામ કરીને તમામ ભિક્ષુકોને આત્મનિર્ભર બનાવવા સરકાર પ્રયાસ હાથ ધરી રહી છે. આ માટે રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેકટ તરીકે રાજપીપળાની પસંદગી કરી હતી, જ્યાં ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા હતા. રેનબસેરામાં લાવવામાં આવેલા તમામ ભિક્ષુકોને પોતાની આવડત અને ક્ષમતાના આધારે કામગીરી સોંપવામાં આવશે તેમજ તેનું યોગ્ય વળતર આપવામાં આવશે.
3 ભાગમાં લાભાર્થીઓને લાભ અપાશે
ખાસ ભિક્ષાવૃત્તિમાં સંકળાયેલા લોકો માટે શરૂ કરવામાં આવનારા આ પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીને અલગ અલગ એમ કુલ 35 પ્રકારના લાભ આપવાના નક્કી કરાયા છે, જેમાં પ્રથમ ફેઝ દરમિયાન લાભાર્થીનાં ભોજન, કપડાં, કોવિડ રસી સહિતના 9 લાભનો સમાવેશ થાય છે. બીજા ફેઝમાં લાભાર્થી માટે આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, મતદારયાદીમાં નામ વગેરે જેવા 13 લાભ અપાશે, જ્યારે અંતિમ એટલે કે ત્રીજા ફેઝમાં શૌચાલય, રોજગારલક્ષી તાલીમ, આવાસ સહિતના વધુ 13 મળી કુલ 35 પ્રકારના લાભ આપવા આયોજન કરાયું છે.
કેટલા લોકોનું કાઉન્સેલિંગ કરાયું?
રાજપીપળા ખાતે હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેકટમાં કુલ 176થી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. હાલના તબક્કે આ પ્રોજેકટ હેઠળ કુલ 136 લોકો લાભ લઈ રહ્યા છે, જેમાં 77 પુરુષ અને 59 મહિલાનો સમાવેશ થાય છે.
લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થયો પાયલોટ પ્રોજેકટ
રાજપીપળા ખાતે શરૂ કરાયેલો પાયલોટ પ્રોજેકટ હજુ પણ કાર્યરત છે. તમામ ભિક્ષુકોનું કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું. જોકે આ પ્રોજેક્ટની ચાલુ કામગીરી દરમિયાન 50 જેટલા ભિક્ષુકો રેનબસેરામાંથી નીકળી જવામાં સફળ રહ્યા હતા અને ફરીથી ભિક્ષાવૃત્તિમાં જોડાઈ ગયા હતા. આમ, રાજ્ય સરકાર માટે આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવું લોઢાના ચણા ચાવવા સમાન પણ બની શકે છે.
સરકારની કેવી છે તૈયારી?
રાજ્ય સરકાર દ્વારા રાજપીપળા ખાતે ડિસેમ્બર 2021 દરમિયાન પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાતનાં તમામ ધાર્મિક પ્રવાસન સ્થળ પર કોઈપણ ભિક્ષુક જોવા ના મળે એને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં તમામ ધાર્મિક પ્રવાસન સ્થળ પર આ પ્રોજેકટ અમલી બનાવાશે અને જૂન માસમાં યોજાનારી કલેક્ટર રિવ્યૂ કોન્ફરન્સમાં જે-તે જિલ્લાના તમામ જિલ્લા કલેક્ટર, તમામ આઠેય પ્રવાસન સ્થળના ટ્રસ્ટીઓ સાથે રિવ્યૂ બેઠક કરીને પ્રોજેકટ અમલી બનાવવા સૂચના અપાશે.
ભિક્ષુકોનું કાઉન્સેલિંગ કરાશે: પૂર્ણેશ મોદી
સમગ્ર યોજના અંગે યાત્રાધામ વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની 10થી વધુ એજન્સીઓ દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે. યાત્રાધામ ખાતે જે લોકો રોડ પર રહેતા હોય, ફૂટપાથ પર સૂતા હોય, ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા લોકોનો સરવે કરવામાં આવી રહ્યો છે. તે બધાને એક જગ્યાએ ભેગા કરીને તેમને સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ સરકારી યોજના, જેવી કે મા અમૃતમ કાર્ડ યોજના, પીએમ જેવાય કાર્ડ સહિતના લાભ આપવાની કામગીરી કરવામાં આવશે. રેનબસેરા જેવું એક અલગ માળખું તૈયાર કરવામાં આવશે, જ્યાં તમામ ભિક્ષુકોને કપડાં આપવામાં આવશે, વાળ કાપવામાં આવશે, સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને તેમને સરકારી આવાસ યોજનાના લાભ આપવા પણ સરકારે વિચારણા કરી છે.
ધાર્મિક સ્થળો પર ભિક્ષુકવૃત્તિને પ્રોત્સાહન ના મળે એ માટે તેમને એક જ સ્થળ પર ભેગા કરીને સરકાર દ્વારા કાઉન્સેલિંગ કરાશે. કાઉન્સેલિંગના અંતે જે-તે ભિક્ષુકને તેની ક્ષમતા અને આવડતને આધારે કામગીરી સોંપી આત્મનિર્ભર બનાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.