• Gujarati News
  • Dvb original
  • 70 Year Old Grandparents Became Famous By Making Ice Gola In Mewasa Of Jetpur, Earning 12 Thousand Daily

પોઝિટિવ સ્ટોરી:જેતપુરના મેવાસામાં 70 વર્ષનાં વૃદ્ધ દાદા-દાદી બરફના ગોળા બનાવી ફેમસ બન્યાં, દૈનિક 12 હજારની કમાણી

રાજકોટ20 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
વૃદ્ધ દંપતી આરામ કરવાને બદલે આત્મનિર્ભર બની જીવન જીવી રહ્યું છે.
  • બરફના ગોળા ખાવા માટે દૂર દૂરથી લોકો ખાસ આવે છે

જીવનના ત્રણ પડાવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. યુવાવ્યથામાં કંઈક કરી બતાવવાની ભાવના સૌકોઈમાં હોય છે. વૃદ્ધાવસ્થામાં (Old age) લોકો નિવૃત્તિ પસંદ કરતા હોય છે, પરંતુ જેતપુરના મેવાસા ગામમાં વૃદ્ધ દંપતીએ આરામ કરવાને બદલે કાંડાની કમાણીએ જીવન જીવવાનો નિર્ધાર કર્યો અને તેઓ આજે બરફના ગોળા વેચી આત્મનિર્ભર બન્યાં છે. યુવાનોને શરમાવતા આ વૃદ્ધ દંપતીની ઉંમર 70 વર્ષ છે. આ દંપતી 40 વર્ષથી ગોળા વેચે છે અને દૈનિક રૂ.12 હજારની કમાણી કરે છે.

મોડી રાત સુધી બરફના ગોળાનો સ્વાદ માણવા લોકો દૂર દૂરથી આવે છે.
મોડી રાત સુધી બરફના ગોળાનો સ્વાદ માણવા લોકો દૂર દૂરથી આવે છે.

પોતાના દમ પર ફેમસ બન્યાં
70 વર્ષની ઉંમરે જ્યારે કોઈ વૃદ્ધ પતિ-પત્ની કામ કરી રહ્યાં હોય ત્યારે પહેલો વિચાર એવો આવે કે શું આમના પરિવારમાં કોઈ નહીં હોય? શું દીકરા-દીકરીઓએ તરછોડી મૂક્યાં હશે? પરંતુ આ બધા વિચારોથી દૂર આ એક એવાં દાદા-દાદી છે જેઓ 70 વર્ષની ઉંમરે પણ ગરમીથી ત્રસ્ત લોકોને મસ્ત ગોળા ખવડાવીને ઠંડક આપે છે. દીકરા-દીકરીએ તરછોડ્યાં નથી છતાં ખુદના દમ પર જીવી ફેમસ બન્યાં છે.

ગોળા બનાવવામાં મહારથ
સાત દાયકાની તડકીછાંયડી જોનારા મેવાસા ગામના મોજીલા દાદા-દાદી બરફનો ગોળો બનાવવામાં મહારથ છે. જેથી જેતપુરથી લઈને જૂનાગઢ-ગોંડલ સુધી અને આ તરફ રાજકોટ સુધીના લોકો દાદા-દાદીના ગોળા ખાવા માટે આવી રહ્યા છે. મેવાસા ગામનાં 70 વર્ષના દંપતી મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાનાં સંતાનો સુરતમાં ગોળા વેચવાનો જ ધંધો કરે છે, જ્યારે દીકરાના નામથી જ આ દંપતી મેવાસા ગામમાં ગોળા વેચવાનો ધંધો કરે છે અને એ પણ આત્મનિર્ભર રીતે જીવવા માટે.

દાદા-દાદીનો જુસ્સો જોઈને પ્રેરણા મળે છે-ગ્રાહક
દાદા-દાદીનો જુસ્સો જોઈને પ્રેરણા મળે છે-ગ્રાહક

સાંજ પડતાં લોકો ઊમટી પડે
ખાસ વાત એ છે કે સાંજ પડતાંની સાથે જ દાદા-દાદી પાસે વાત કરવાનો પણ સમય નથી રહેતો, કારણ કે એટલી મોટી સંખ્યામાં લોકો તેમના ફેમસ ગોળા ખાવા માટે આવે છે. ગોળા ખાવા માટે આવનારા લોકોના મોઢે તેમનાં વખાણ ખૂબ જ સાંભળવા મળે છે. વખાણ સંભાળીને તમે પણ દાદા-દાદીના હાથના જાદુની કલ્પના કરી શકો છો કે અહીં તેમના દ્વારા બનાવવામાં આવતા કેડબરી, ઓરેન્જ, રાજભોગ, કાલાખટ્ટા અને પાઈનેપલ ગોળા બહુ ફેમસ છે. બપોરના 3 વાગ્યાથી લઈને રાત્રિના 2 વાગ્યા સુધી અહીં ગોળો ખાવા માટે લોકોની પડાપડી થાય છે. જોકે આટલી ઉંમરે પણ આત્મનિર્ભર રહી જીવન પસાર કરી રહ્યાં છે.

કોઈ પર નિર્ભર ન રહેવું
મહત્ત્વનું છે કે આજના સમયમાં સંતાનો વૃદ્ધ માતા-પિતાને તરછોડી દેતાં હોય છે, કારણ કે તેમના વિચારો પ્રમાણે વૃદ્ધ માતા-પિતા એક બોજ બની જાય છે, પરંતુ અહીં મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાએ એ સાબિત કરી બતાવ્યું છે કે બાવડામાં બળ હોય તો કોઈ પર નિર્ભર રહેવાની જરૂર નથી. જોકે તેમનાં સંતાનો તેમને ખૂબ પ્રેમ કરે છે. તેમને સાથે જ રાખવા ઈચ્છે છે, પરંતુ આ વૃદ્ધ દંપતી એવું માને છે કે હાથ-પગ ચાલે છે ત્યાં સુધી બેસીને ખાવામાં મજા નથી. આજે ગોળા વેચીને આ દંપતી રોજ હજારો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

રસ્તામાંથી પસાર થતા લોકો પણ અહીંના ગોળા ખાવાનું ચૂકતા નથી.
રસ્તામાંથી પસાર થતા લોકો પણ અહીંના ગોળા ખાવાનું ચૂકતા નથી.

ધંધો કરવાની બહુ મજા આવે છે:મુકતાબેન
આ અંગે મુક્તાબેને જણાવ્યું હતું કે અમે 40 વર્ષથી બરફના ગોળાનો ધંધો કરીએ છીએ. હાલ સારી કમાણી છે. મારા પતિ બધી વસ્તુઓ લઇ આવે અને હું ગોળા બનાવવામાં મદદ કરું છું. રોજ 40થી 50 ગામના લોકો અહીં ગોળા ખાવા આવે છે. અમારી ઉંમરના લોકોએ એટલી અપીલ છે કે થાય એટલું કામ કરો, થાય એટલી ભક્તિ કરો. પહેલા કામ કરવાનું પછી ભક્તિ કરવાની. મારે સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરાના ઘરે દીકરા છે. બહુ જ ધંધો સારો ચાલે છે, વૃદ્ધાશ્રમમાં લોકોને સમય જતો હોતો નથી ત્યારે અમે ધંધો કરી સમય પસાર કરીએ છીએ. ધંધો કરવાની બહુ જ મજા આવે છે.

અલગ અલગ ફ્લેવરના મીઠા ગોળા દાદા-દાદી બનાવે છે.
અલગ અલગ ફ્લેવરના મીઠા ગોળા દાદા-દાદી બનાવે છે.

દાદા-દાદીમાં ગજબનો જુસ્સોઃ ગ્રાહક
દાદી-દાદીના ગોળા ખાવા આવેલા જૂનાગઢના એક ગ્રાહક દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે 12-13 વર્ષથી દાદા-દાદી ગામમાં ગોળા બનાવતા ત્યારે પણ ગોળા ખાવા આવતા હતા. હાલ જગ્યા ફેરવી છે ત્યારે પણ અમે ગોળા ખાવા આવીએ છીએ. બહુ જ સારા ગોળા બનાવે છે. અમે જૂનાગઢ જતા હોઇએ ત્યારે અહીં આવી પાર્સલ કરાવી લઇ જઇએ છીએ. દાદા-દાદીની હાલ આરામ કરવાની ઉંમર છે. પણ તેમનો જુસ્સો આજે પણ યુવાનોને શરમાવે એવો છે. અન્ય લોકોને શીખ આપે છે કે આ ઉંમરે પણ સારું કામ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...