ચારધામ યાત્રા પર કોરોનાનું સંકટ:શ્રદ્ધાળુઓ નિયત સંખ્યામાં જ દર્શન માટે જઈ શકશે, આવતીકાલથી દ્વાર ખૂલશે, જાણો યાત્રાનું A ટુ Z

ઋષિકેશ2 મહિનો પહેલાલેખક: પ્રેમપ્રતાપ સિંહ
 • 2.50 લાખ લોકોનું રજિસ્ટ્રેશન થયું

ચારધામ યાત્રા મંગળવારથી શરૂ થઈ રહી છે. અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે ગંગોત્રી-યમુનોત્રી, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથ ધામનાં દ્વાર ખૂલશે. આ વખતે 60 લાખથી વધુ મુસાફરો આવવાની શક્યતા છે.

અત્યારસુધીમાં 2 લાખ 50 હજાર 213 મુસાફર રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. સૌથી વધુ એક લાખથી વધુ મુસાફરોએ બાબા કેદારનાથનાં દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

કોરોનાના વધી રહેલા કેસને પગલે સરકારે દર્શન માટે કરવા થઈ રહેલા ભક્તોની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. સરકારી નિર્દેશ મુજબ, બદ્રીનાથમાં પ્રત્યેક દિવસે 15000, કેદારનાથ ધામમાં 12,000, ગંગોત્રીમાં 7000, જ્યારે યમુનોત્રીમાં પ્રત્યેક દિવસે માત્ર 4000 શ્રદ્ધાળુ જ જઈ શકશે. આ વ્યવસ્થા આગામી 45 દિવસ સુધી લાગુ રહેશે.

યાત્રાની તમામ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે ભાસ્કરની ટીમ અહીં છે. પ્રથમ સ્ટોરીમાં અમે આ યાત્રા સાથે સંકાયેલી સંપૂર્ણ બેઝિક વિગતો તમને આપી રહ્યા છે. આગળની સ્ટોરીમાં તમને અમે આખું ચારધામ ફેરવીશું. તો ચાલો, વાંચીએ યાત્રા સાથે જોડાયેલી તમામ વિગતો.

યાત્રા પહેલા રજિસ્ટ્રેશન જરૂરી, પોતાની ગાડી લઈને જાઓ છો તો ગ્રીન કાર્ડ જરૂરી છે...

ચારધામ યાત્રા શરૂ કરતાં પહેલાં તમારે registrationandtouristcare.uk.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકતા નથી તો ઉત્તરાખંડ સરકાર તરફથી હરિદ્વાર, દેહરાદૂન, ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાઓમાં 24 સેન્ટર બનાવવામાં આવ્યાં છે, જ્યાં તમે યાત્રા શરૂ કરતાં પહેલાં રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

ઓફલાઈન રજિસ્ટ્રેશન કરનારને હાઈટેક હેન્ડ બેન્ડ આપવામાં આવશે, જેથી ઈમર્જન્સીની સ્થિતિમાં યાત્રીઓને ટ્રેક કરી શકાય.

રજિસ્ટ્રેશન પછી તમારા મોબાઈલ નંબર પર એક QR કોડ મળશે.

ગ્રીન કાર્ડઃ જો તમે પોતાની ગાડીથી ચારધામ યાત્રા પર જવા માગો છો તો તમારે એની ફિટનેસ ચેક કરાવવી પડશે. આ કામ હરિદ્વારના આરટીઓ અને ઋષિકેશની આરટીઓ ઓફિસમાં કરાવી શકાય છે.

હેલ્થ ચેકઅપઃ ચારેય ધામ સમુદ્ર તળથી ઘણી ઊંચાઈ પર આવેલાં છે. અહીં તાપમાન 10થી 15 ડીગ્રીની વચ્ચે રહે છે. આ કારણે હેલ્થનું ધ્યાન જરૂર રાખો, ચેકઅપ કરાવીને જ નીકળો. ઊંચાઈ પર ચઢાણ કરવાનું હોવાથી શ્વાસની તકલીફ ધરાવતા લોકોએ પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર પણ રાખવું જોઈએ.

ઠંડીના કારણે ગરમ કપડાંને પોતાની સાથે રાખો. સારા ટ્રેકિંગ કે સ્પોર્ટ્સ શૂઝ લઈ જાઓ. એક લિટર પાણી, રેન કોટ કે છત્રી જરૂર લઈ જાઓ, કારણ કે પહાડી વિસ્તારમાં ક્યારે પણ વરસાદ થઈ શકે છે.

ચારધામ માટે ટૂર પેકેજ પણ બુક કરાવી શકાય છે

 • ઋષિકેશથી ચારધામ યાત્રા માટે ટૂર પેકેજ ઉપલબ્ધ છે, જે 10 દિવસનું હશે. એમાં તમે યમુનોત્રી-ગંગોત્રી-કેદારનાથ-બદ્રીનાથ થઈને ઋષિકેશ પરત ફરશે.
 • 30 હજાર રૂપિયાથી ઓછામાં તમે ચારધામની યાત્રા કરી લેશો.
 • આ સિવાય 6 દિવસનું ટૂર પેકેજ પણ ઉપલબ્ધ છે
 • તમે નાની ફેમિલીની સાથે જવા માગો છો તો 12 સીટર નોન-એસી ટેમ્પો ટ્રાવેલર પણ બુક કરી શકો છે.
 • કેદારધામ માટે હવાઈયાત્રા જીએમવીએનની વેબસાઈટ gmvnonline.comથી બુક કરી શકાય છે.
 • કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા ગુપ્તકાશી, ફાટા અને સિરસીથી ઉપલબ્ધ છે.
 • ગુપ્તકાશીથી આવવા-જવાનું ભાડું 750 રૂપિયા, ફાટાથી 4720 રૂપિયા અને સિરસીથી 4680 રૂપિયા છે.
 • IRCTCનું પણ ટૂર પેકેજ ઉપલબ્ધ છે. 10 રાત અને 11 દિવસના આ પેકેજમાં પ્રતિ વ્યક્તિ 58220 રૂપિયાનો ખર્ચ આવશે.
 • એના માટે IRCTCની વેબસાઈટ irctc.com પર સંપર્ક કરી શકાય છે.

યમુનોત્રી ધામમાં 6 કિલોમીટર સુધી ચાલવું પડશે

 • યમુનોત્રી ધામના દ્વાર 3 મેના રોજ અક્ષય તૃતીયાના દિવસે 12.15 વાગ્યે ખૂલશે.
 • રોડ માર્ગે ઋષિકેશથી યમુનોત્રીનું અંતર લગભગ 242 કિલોમીટર છે. પહોંચવામાં 6-7 કલાકનો સમય લાગે છે.
 • જાનકી ચટ્ટીની પાસે જ રાતે રોકાવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા છે.
 • આ સિવાય હનુમાન ચટ્ટી, રાણા ચટ્ટી, સ્યાના ચટ્ટી અને બડકોટમાં પણ રોકાઈ શકાય છે.
 • યમુનોત્રી જવા માટે સવારે ઝડપથી નીકળો, જેથી સાંજ સુધીમાં જાનકી ચટ્ટી પરત આવી શકાય. યમુનોત્રીમાં રહેવાની વ્યવસ્થા નથી.
 • મંદિરની પાસે જ દિવ્ય શિલ અને સૂર્ય કુંડ છે. અહીં ગરમ જળના કુંડ છે, જેમાં તમે સ્નાન પણ કરી શકો છો.
 • અહીં ગરમ પાણીમાં બટાકા અને ચોખાને બાફવામાં આવે છે, જેને યાત્રીઓ પ્રસાદ તરીકે ઘરે લઈ જાય છે.

ગંગોત્રી ધામની આસપાસ સુંદર સ્પોટ

 • અક્ષય તૃતીયાના દિવસે મા ગંગાને ડોલીમાં બેસાડીને મુખબા ગામથી ધામધૂમથી ગંગોત્રી લાવવામાં આવે છે.
 • હર્ષિલથી 5 કિલોમીટર દૂર મુખબા ગામ આવેલું છે. અહીં મા ગંગાની પૂજા કરવામાં આવે છે.
 • સવારે ગંગોત્રી ધામમાં પૂજા પછી ભવ્ય આરતીમાં પણ સામેલ થઈ શકાય છે.

કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટરનું ટ્રેકિંગ

 • કેદારનાથ ધામ તમામ 12 જ્યોર્તિલિંગમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ છે. એવી માન્યતા છે કે બદ્રીનાથ જતા શ્રદ્ધાળુઓ કદાચ કેદારનાથ ધામ ન જાય તો તેમની યાત્રા અધૂરી રહે છે.
 • દ્વાર ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. એક મેના રોજ ભૈરવ પૂજાની સાથે જ ભગવાન કેદારનાથની પંચમુખી ડોલી પ્રસ્થાન કરી ચૂકી છે.
 • ડોલી તારીખ 2 મેના રોજ વિશ્વનાથ મંદિર ગુપ્તકાશીમાં પ્રવાસ પછી ત્રણ મેના રોજ ફાટા અને ચાર મેના રોજ ગૌરીકુંડ પહોંચશે. 5 મેના રોજ ડોલી ગૌરીકુંડથી કેદારનાથ ધામ માટે રવાના થશે.
 • કેદાર ધામ જવા માટે તમે પોતાની ગાડી કે સરકારી બસથી સોનપ્રયાગ સુધી પહોંચી શકો છો.
 • તમે સોનપ્રયાગ કે ગૌરીકુંડમાં રહી શકો છો. હોટલ પહેલેથી બુક કરી લેવી એ વધુ સારું રહેશે.
 • સોનપ્રયાગથી 5 કિલોમીટર આગળ ગૌરીકુંડ સુધીની મુસાફરી તમારે પ્રાઈવેટ ટેક્સીથી કરવી પડશે.
 • કેદારનાથમાં રહેવા માટે પહેલેથી હોટલ બુક કરવી પડશે. અહીં સરકારી ગેસ્ટ હાઉસ કે ટેન્ટ પણ બુક કરાવી શકો છે.
 • ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી તમે ઘોડો, પાલકી કે ચાલતા ટ્રેકિંગ કરીને જઈ શકો છો.

હોટ સ્પ્રિંગમાં સ્નાન કરો અને બદ્રીનાથ ધામમાં પૂજા

 • બદ્રીનાથ ધામના દ્વાર ભલે 8 મેના રાજ ખૂલે, પરંતુ 6 મે સવારે 9 વાગ્યે શ્રી નૃસિંહ મંદિર, જોશીમઠથી પૂજાનો કાર્યક્રમ શરૂ થશે.
 • ઋષિકેશથી બદ્રીનાથનું અંતર લગભગ 300 કિલોમીટર છે. અહીં રહેવાની સારી વ્યવસ્થા છે.

કોરોના પહેલાં અહીં 34 લાખ યાત્રી આવ્યા હતા.

 • કોરોના મહામારી પહેલાં વર્ષ 2019માં ચારધામ યાત્રા પર 34 લાખ યાત્રી આવ્યા હતા. 2020માં આ સંખ્યા 4 લાખ 34 હજાર હતી. બીજી તરફ 2021માં માત્ર 3 લાખ 49 હજાર યાત્રી જ ચારધામ પહોંચી શક્યા હતા.
 • આ વર્ષે 30 એપ્રિલ સુધીમાં ગંગોત્રી માટે 44 હજાર 127 યાત્રીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે યમુનોત્રી માટે 44,951 રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જ્યારે બદ્રીનાથ માટે 70 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ વખતે હિન્દુ નહિ હોય એવી વ્યક્તિઓનું પણ વેરિફિકેશન થશે

 • ચારધામ યાત્રા દરમિયાન યુપી, દિલ્હી સહિત પાડોશી રાજ્યોમાંથી ઉત્તરાખંડ જનારા તમામ યાત્રીઓનું વેરિફિકેશન થશે.
 • ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે ચારધામ યાત્રા પહેલાં હિન્દુ ન હોય એવી વ્યક્તિઓનું પણ વેરિફિકેશન કરવામાં આવશે. તેમણે કોઈપણ ધર્મનું નામ લીધું નહોતું. સીએમ ધામીએ રાજ્યમાં સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખીને આ વાત કહી હતી.
અન્ય સમાચારો પણ છે...