ગુજરાતમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બધાનાં સૂપડાં સાફ કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બીજેપીએ આ ચૂંટણીમાં 156 સીટ પર વિજય મેળવી માધવસિંહ સોલંકીનો સૌથી વધુ 149 સીટ જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ ભાજપે સતત 7મો વિજય મેળવી સીપીએમ પાર્ટીના રેકોર્ડની બરોબરી કરી છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ 34 વર્ષ શાસન કર્યું હતું. ગુજરાતમાં ભાજપે આ વખતે કુલ 182માંથી 156 સીટ એટલે કે 85.7% સીટ પર કબજો જમાવ્યો છે. આ ઉપરાંત 52.7% જેટલો વોટશેર પણ મેળવ્યો છે.
દેશ અને અનેક રાજ્યોમાં શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની આ ઝળહળતી સફળતા પાછળ મસમોટો સંઘર્ષ છુપાયેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આજે આખા દેશમાં વર્ચસ્વ મેળવનાર ભાજપની સફળતાની યાત્રામાં બોટાદ-ગુજરાતનું ખૂબ મહત્વ છે. આજથી 6 દાયકા પહેલાં સ્થિતિ અલગ હતી. ભાજપની જેમાંથી રચના થઈ તે જનસંઘ પગદંડો જમાવવા સંઘર્ષ કરતો હતો. કાર્યકરોની ખૂબ મહેનત અને સંઘર્ષના અંતે પહેલું એવું પરિણામ આવ્યું હતું જેનાથી આખો દેશ ચોંકી ગયો હતો. જનસંઘે ગુજરાતમાં પ્રથમ વખત પગપેસારો કરતાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ દોડતાં કરી દીધાં હતાં.
પીવાના પાણીના મુદ્દે જનસંઘને સફળતા મળી
આઝાદી બાદ જનસંઘની સ્થાપના તો ગુજરાતમાં થઈ હતી અને કાર્યકરો પણ ચૂંટણીમાં જીત મેળવવા અથાગ પ્રયાસો કરતા હતા. પણ એમાં અચાનક જબરો વળાંક આવ્યો હતો. વાત છે વર્ષ 1967ના સપ્ટેમ્બર મહિનાની. એ વખતે બોટાદ નગરપાલિકાની 25 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ સમયે બોટાદનો સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો હતો. જનસંઘના પ્રદેશ નેતૃત્વએ આ તકનો લાભ લઈ પીવાના પાણીના પ્રશ્ને લડત આપવાનું નક્કી કર્યું. પીવાના પાણીને આંદોલન અને પ્રચાર કરવાનો મુદ્દો બનાવ્યો હતો. બાદમાં ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં જનસંઘને પ્રચંડ જનસમર્થન મળ્યું અને જનસંઘનો બોટાદ નગરપાલિકાની 25 પૈકી 21 બેઠક પર વિજય થયો જ્યારે માત્ર 4 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. આમ, આ વિજય સાથે જ આખા દેશમાં પહેલી વાર કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વિજય મેળવ્યો હતો. એટલું જ નહીં બોટાદની રાતોરાત રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી. જોકે ત્યારે કોને ખબર હતી કે બોટાદ નગરપાલિકામાં કબજો જમાવનાર જનસંઘ (હાલ ભાજપ) એક દિવસ આખા દેશ પર રાજ કરશે.
પંડિત દીનદયાળ દોડતા ગુજરાત આવ્યા
નગરપાલિકા ચૂંટણીનાં જેવાં પરિણામો આવ્યાં અને જનસંઘનો વિજય નિશ્ચિત થયો કે આ વાતની માહિતી મળતાંની સાથે જ તાત્કાલિક ધોરણે જનસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પંડિત દીનદયાળ દ્વારા પોતાનાં તમામ કાર્યક્રમો તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ ટ્રેન મારફતે સીધા ગુજરાત ખાતે આવી અને બોટાદ પહોંચ્યા હતા અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.
ઈન્દિરા ગાંધીને બોટાદ આવવું પડ્યું
બોટાદ ખાતે નગરપાલિકા ભાજપના ફાળે જતાં કેન્દ્ર સ્તરે આ નોંધ લેવાઈ હતી. આ બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી જાતે બોટાદ ખાતે સભા કરવા આવ્યાં હતાં. આ સભા બોટાદ સરકારી હાઇસ્કૂલમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
ભારતની સૌથી પહેલી નગરપાલિકાએ રેકોર્ડ સર્જ્યો હતો: મયૂરસિંહ ભાટી
બોટાદ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ જશુભા ભાટીના પુત્ર મયૂરસિંહ ભાટી દિવ્ય ભાસ્કરને જણાવે છે કે, મારા પિતા જશુભા ભાટી આ ચૂંટણીમાં ઉમેદવાર હતા. બોટાદમાં ડો. બટુક મહેતા બે સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને સીટ પર જીત્યા હતા અને પ્રમુખ બન્યા હતા. એ પછી મારા પિતા બીજી ટર્મમાં પ્રમુખ બન્યા હતા. મારા પિતા 25 વર્ષની સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. એ સમયે 25માંથી 21 સીટ મળી હતી જે રેકોર્ડ બ્રેક હતી. આખા ભારતમાં પહેલી નગરપાલિકા હતી. નગરપાલિકા ચૂંટણીના સંચાલક રાજકોટના પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ શુક્લ અને પૂર્વ મેયર અરવિંદ મણિયાર હતા.
કોંગ્રેસે ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું હતું
ગુજરાત સહિત ભારત દેશમાં વધતી જતી ગરીબી વચ્ચે ગરીબી હટાવવા માટે કોંગ્રેસે સૂત્ર આપ્યું હતું. જે તે સમયે બોટાદમાં કોઈ ઉદ્યોગ નહોતા કે જે બોટાદની ઓળખ ઊભી કરે. આ સમયે લોકો વેપાર-ધંધા તેમજ સામાન્ય રોજગારીને આધારે પોતાનું ગુજરાન ચલાવતા હતા. જો કે હવે બોટાદમાં છેલ્લાં ઘણાં વર્ષોથી કોટન યાર્ડ છે જેના કારણે વેપાર-ધંધા ખૂબ ચાલે છે.
કટોકટી સમયે વેશ બદલીને અને છુપાઈને કામગીરી કરી
દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે બોટાદ ખાતે સંઘની સાધના સાપ્તાહિક પત્રિકાનું તમામ કામકાજ ઉજમશી દલવાડી સંભાળતા હતા. તેમના પુત્ર મહાસુખ દલવાડી વધુમાં જણાવે છે કે, એ સમયે પ્રેસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો એટલે ખાનગી રીતે તે દરેક વિસ્તારમાં આવે અને ઘરે-ઘરે પત્રિકા નાખી જતા હતા. પોલીસ ઓળખે નહિ તે માટે દાઢી વધારી હતી. જો કે પોલીસ સાથે સંપર્ક હોવાના કારણે ક્યારેક પોલીસ અધિકારીઓ પૂછે કે, પ્રેસ પર પ્રતિબંધ છે તેમ છતાં રોજેરોજ આ પત્રિકા કોણ નાખી જાય છે? ત્યારે ઉજમશી દલવાડી કહેતા કે, આ બાબતે મને પૂછો નહિ કારણ કે ખ્યાલ નથી આવું કોણ કરે છે? આમ, ખાનગી રીતે પણ જનસંઘના કાર્યકરો પોતાની કામગીરી કરતા હતા.
ફંડ નહોતું તો ફાળો ઉઘરાવી પ્રવાસ કરવો પડતો હતો
સ્વાભાવિક છે કે પગ જમાવવાની હજુ તો શરૂઆત જ થઈ હતી એટલે ફંડની પણ તંગી રહેવાની જ હતી. એ સમયે પરંપરા રાખવામાં આવી હતી કે કોઈ પ્રચાર કામ કે પછી પાર્ટી કામથી અન્ય વિસ્તારમાં જવાનું હોય તો સ્થાનિક વિસ્તારના કાર્યકરો એકજૂટ થઈ અને ફાળો ઉઘરાવી પોતાના નેતાને પ્રવાસ કરવા માટે ટિકિટ લઈ આપે. જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયીનું પુના ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં બોટાદ ખાતેથી વાલજી ગોહિલ નામના નેતા, ભાવનગર ખાતે સિહોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હરિસિંહ ગોહિલ અને રાજકોટના નેતા ચીમનભાઈ શુક્લાને કાર્યકરો એ રૂપિયા પાંચ હજારનો ફાળો ઉઘરાવી પુના ખાતે મોકલ્યા હોવાનું મહાસુખ દલવાડીએ જણાવ્યું હતું.
આજે પણ બોટાદમાં છે પંડિત દીનદયાળ ચોક
જનસંઘે એ સમયે પ્રચાર કર્યો હતો. દીનદયાળ જાતે પ્રચાર કરવા આવ્યા હતા. બલરાજ મધોક, ડો. ભાઈ મહાવીર, કડી સિંહજી ગોહિલ પ્રચાર કરતા હતા. બોટાદમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પંડિત દીનદયાળ પોતાના તમામ કાર્યક્રમ પડતા મૂકી બોટાદ આવ્યા હતા. જો કે આ મુલાકાતના નજીકના સમયમાં જ પંડિત દીનદયાળનું નિધન થતાં બોટાદ ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી હતી, જે વિસ્તાર આજે પંડિત દીનદયાળ ચોક તરીકે ઓળખાય છે. આ ઉપરાંત જે તે સમયે 28 કલાકારોનો લોકડાયરો યોજવામાં આવ્યો હતો.
જનસંઘના સમયે બનેલી દીપક હોટલ આજે પણ કાર્યરત
જનસંઘનું નિશાન એ સમયગાળામાં દીપક (દીવો) હતું. બોટાદ નગરપાલિકા પ્રમુખ તરીકે ડો. બટુક મહેતા હતા તેમજ પાર્ટી પ્રમુખ તરીકે જે તે સમયે ઉજમશી દલવાડી જવાબદારી સંભાળતા હતા. દીપક નિશાન પરથી એ સમયે ઉજમશી દલવાડીએ એક રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. આ રેસ્ટોરન્ટનું નામ પણ દીપક રાખવામાં આવ્યું હતું. આજે પણ આ હોટલ કાર્યરત છે.
આજે પણ હું ઓફિસનું પાણી નથી પીતો કેમ કે સિદ્ધાંત છે: મહાસુખ દલવાડી, ઉજમશી દલવાડીના પુત્ર મહાસુખ દલવાડીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી બે વખત હું નગરપાલિકા પ્રમુખ બન્યો છું, તેમજ 1998થી સતત ચૂંટાઈ આવું છું. આજે પણ ઓફિસ જઈએ ત્યારે ઘરેથી પાણી લઈને જાઉં છું. હું ઓફિસનું પાણી નથી પીતો કેમ કે સિદ્ધાંત છે. રસ્તો બદલાય પણ મારો સિદ્ધાંત ના બદલાય.
પ્રધાનમંત્રી મોદીએ પણ બોટાદ, જનસંઘ અને ભાજપનો નાતો યાદ કર્યો
તાજેતરમાં પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ બોટાદ ખાતે સભા યોજી હતી. આ સભાની અંદર પણ તેમણે બોટાદ સાથે જનસંઘ અને ભાજપના સબંધ વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બોટાદ વિસ્તારે જનસંઘને શરૂઆતથી આપેલો સાથે હજુ પણ અકબંધ છે.
જનસંઘની સમગ્ર કહાની
આજથી બરાબર 70 વર્ષ અગાઉ એક પાર્ટીની રચના થઈ. નામ હતું જનસંઘ. 1975માં ઈમર્જન્સી પછી ચૂંટણી થઈ તો ઈન્દિરા ગાંધીના વિરોધમાં એનો વિલય પણ બાકી વિરોધી પાર્ટીઓની જેમ જનતા પાર્ટીમાં થઈ ગયો, પરંતુ 29 વર્ષ પછી જ આ એક નવા નામ અને ચૂંટણીચિહન સાથે અસ્તિત્વમાં આવી. નામ ભારતીય જનતા પાર્ટી, આજે આ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.