તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિકવરી:ત્રણ મહિનામાં 42,000 KIA અને 7000 MG હેક્ટર વેચાઈ, કોરોનાની બીજી લહેરમાં લોકોએ કુલ 3.37 લાખ કાર ખરીદી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કહેર વચ્ચે એપ્રિલ-જૂન દરમિયાન 24.3 લાખ ટુ-વ્હીલરનું વેચાણ થયું
  • પહેલી લહેર કરતાં બીજી વેવમાં કારનું ઉત્પાદન 470% અને વેચાણ 321% વધ્યું
  • પરિવારની સલામતી માટે લોકો ટુ-વ્હીલર કરતાં કારની વધુ ખરીદી કરી રહ્યા છે

કોવિડ આવ્યા બાદ ભારતમાં મંદીમાંથી બહાર આવી રહેલા ઓટો ઉદ્યોગની કમર ભાંગી નાખી હતી. પહેલી લહેરની અસર હેઠળ આવેલી આર્થિક મંદીના પગલે કાર અને ટુ-વ્હીલરનું ઉત્પાદન તળિયે પહોંચી ગયું હતું. જોકે, બીજી લહેર વધુ ઘાતકી હોવા છતાં પણ ઓટો કાર અને ટુ-વ્હીલરના વેચાણ અને ઉત્પાદનમાં મોટી રિકવરી જોવા મળી છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના આંકડા પ્રમાણે એપ્રિલ-જૂન 2020માં 76,000 કારનું ઉત્પાદન થયું હતું. તેની સામે 2021માં સમાન ગાળામાં ઉત્પાદન 470% વધી 4.35 લાખ પર પહોંચી ગયું હતું. તેવી જ રીતે વેચાણ પણ 321% વધી 80,000થી વધીને 3.37 લાખ થયું છે.

ટુ-વ્હીલરના વેચાણ અને ઉત્પાદનમાં પણ ઝડપી સુધારો
SIAMના ડેટા પ્રમાણે કોરોનાની બીજી લહેરમાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ઝડપી રિકવરી જોવા મળી છે. એપ્રિલ-જૂન 2020 દરમિયાન 12.50 લાખ ટુ-વ્હીલરનું ઉત્પાદન થયું હતું જે 2021માં વધીને 34.82 લાખ થયું છે. એટલે કે ટુ-વ્હીલરનું પ્રોડક્શન 179% જેટલું વધ્યું છે. તેવી જ રીતે વેચાણ પણ 12.94 લાખથી 85.67% વધીને 24.30 લાખ પર પહોંચ્યું છે.

બીજી લહેરમાં દેશ સંપૂર્ણ બંધ ન હોવાથી ફાયદો થયો
SIAMના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે, ગત વર્ષે પહેલા ક્વાર્ટરમાં જ કોરોનાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન હતું જેના કારણે વેચાણ અને ઉત્પાદન પર ભારે અસર પડી હતી. આ વર્ષે બીજી વેવ આવી ત્યારે પણ સ્થિતિ ખરાબ રહી છે પરંતુ દેશના ઘણા ભાગોમાં કામ ચાલુ હતું જે પ્રોડક્શનના આંકડામાં રિફલેક્ટ થાય છે. બીજી તરફ મોટાભાગની ડિલરશીપ પણ ખુલી ગઈ છે જેથી સેલ્સમાં પણ વધારો થયો છે. અલબત્ત 2019ની સરખામણીએ વેચાણ અને ઉત્પાદન બંને નીચા છે. અમને આશા છે કે આવતા મહિનાઓમાં સુધારો જળવાઈ રહેશે.

કંપનીઓ ધીમે ધીમે ઉત્પાદન વધારી રહી છે
મારુતિ સુઝુકી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને SIAMના પ્રેસિડેન્ટ કેનિચિ આયુકાવાએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારે એપ્રિલમાં ઘણી કંપનીઓએ મેડિકલ પર્પઝ માટે ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે થોડા સમય માટે પ્રોડક્શન બંધ કર્યું હતું. બાદમાં નિયમો હળવા થતાં તેમજ લોકડાઉન ખૂલતાં કંપનીઓ તબક્કાવાર ઉત્પાદન વધારી રહી છે.

ટુ-વ્હીલર કરતાં કારમાં રિકવરી રેટ ઘણો વધારે
કોરોનાની બીજી લહેર વચ્ચે પણ ઓટોમોબાઈલ સેક્ટર સુધારી રહ્યું છે અને તેમાં પણ ટુ-વ્હીલર કરતાં પેસેન્જર કારમાં ગ્રોથ ઘણો જ સારો છે. ઓટો સેક્ટરના જાણકારોના મતે કોરોનાને કારણે લોકોની વિચારશરણી બદલાઈ છે. જે વ્યક્તિ પહેલા પોતાના માટે 2-વહીલર લેવાનું વિચારતા હતા તે હવે પરિવારની સલામતી ખાતર બજેટની બહાર જઈને પણ કાર ખરીદી રહ્યા છે. લોકો પોતાની જરૂરિયાત કરતા પરિવારની સલામતીને વધારે મહત્વ આપી રહ્યા છે અને આજ કારણોથી પેસેન્જર વેહિકલ સેગ્મેન્ટમાં અપેક્ષા કરતા ઝડપી રિકવરી આવી છે.

ટુ-વ્હીલરનું ઉત્પાદન અને વેચાણ

કંપનીઉત્પાદનવેચાણ
2020-212021-222020-212021-22
બજાજ ઓટો3,50,4988,62,6951,85,9813,42,552
હીરો મોટોકોર્પ5,04,15610,23,8315,39,7379,40,597
હોન્ડા મોટરસાઇકલ87,5175,46,7972,56,8374,91,339
TVS1,98,8886,35,1591,85,8843,28,883
રોયલ એન્ફિલ્ડ43,7391,27,19154,9391,04,677

સંદર્ભ: SIAM

નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો
માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક બજારો પણ ખુલી ગયા હોવાથી ભારતમાંથી વાહનોની નિકાસ ગત વર્ષની તુલનાએ 225% જેટલો વધારો થયો છે. એપ્રિલ-જૂન 2020માં 4.36 લાખ વાહનો એક્સપોર્ટ થયા હતા તેની સામે એપ્રિલ-જૂન 2021 દરમિયાન 14.19 લાખ વાહનોની નિકાસ થઈ હતી. સેગમેન્ટ મુજબ જોઈએ તો આ વર્ષે પહેલા ક્વાર્ટરમાં 1.27 લાખ કાર અને 11.37 લાખ ટુ-વ્હીલરની નિકાસ થઈ હતી.
વાહનોની નિકાસમાં વૃદ્ધિ

વર્ષકારટુ-વ્હીલર
2019-201,73,096885,406
2020-2143,619337,983
2021-221,27,1151,137,102

સંદર્ભ: SIAM

અન્ય સમાચારો પણ છે...