તમને જાણીને ખરેખર નવાઇ લાગશે કે, અમદાવાદીઓ એક વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાના પિઝા ઝાપટી જાય છે. આ અમે નથી કહેતાં પણ ગુજરાતના પિઝાની ચેઈન ચલાવતાં માસ્ટર ફ્રેન્ચાઈઝર અને ફાઉન્ડર્સ કહી રહ્યા છે. તેમના મુજબ, કોરોના મહામારી બાદ ટ્રેન્ડ બદલતાં અમદાવાદનું પિઝા માર્કેટ સાવ બદલાઈ ગયું છે.
અમદાવાદમાં અત્યારે બ્રાન્ડેડ પિઝા પાર્લર 300થી વધારે છે જે, બતાવે છે કે, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે બદલાવ આવી રહ્યો છે. પિઝાનું કન્સમ્પશન વધવાનું બીજુ કારણ એ પણ છે કે, હવે આ ફૂડ માટે કોઈ એજ લિમિટ રહી નથી. આ 400 કરોડના આંકડાને વધુ સરળતાથી સમજીએ તો, આટલાં ખર્ચમાં એસજી હાઇવે પર ત્રણ નવા ઓવરબ્રિજ બનાવી શકાય. આટલાં જ ખર્ચમાં સાડા ત્રણસો રૂમની તાજ જેવી ફાઇવસ્ટાર હોટેલ પણ બનાવી શકાય અને આટલાં જ ખર્ચમાં 8 લાખના બજેટની 5 હજાર કાર પણ ખરીદી શકાય. આ ગણિત પરથી સમજી શકાય છે કે, પિઝાનો સ્વાદ અમદાવાદીઓને કઈ હદે દાઢે વળગ્યો છે.
દિવ્ય ભાસ્કર સાથે અમદાવાદના બિગેસ્ટ પિઝા સેલર્સે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પિઝાના બદલાયેલાં ટ્રેન્ડ અને માર્કેટ અંગે વિસ્તૃત વાતચીત કરી હતી. જેમાં લાપિનોઝ પિઝાના ગુજરાતના માસ્ટર ફ્રેન્ચાઇઝર ચિરાયુ અગ્રવાલે જણાવ્યું હતું કે, '' તેમણે વર્ષ 2017માં અમદાવાદમાં લાપિનોઝ પિઝાની શરૂઆત કરી હતી. અત્યારે અમદાવાદમાં કુલ 36 પિઝા પાર્લર રનિંગ છે અને બીજા 6 પાર્લર અંડર કન્સ્ટ્રક્શન છે. જોકે, આખા ગુજરાતમાં લાપિનોઝ પિઝાના 110 પાર્લર કાર્યરત છે. આ ઉપરાંત આગામી ટૂંક સમયમાં લાપિનોઝ પિઝાના વધુ 40 પાર્લર પણ ખુલી જશે.''
આ ઉપરાંત ચિરાયુ અગ્રવાલે જણાવ્યું કે, ''પિઝામાં હવે કોઈ એજ લિમિટ રહી નથી. 5 વર્ષથી 80 વર્ષના કાકા પણ પિઝાની મોજ માણે છે. કોવિડ પછી પિઝાનો ટ્રેન્ડ અચાનક વધ્યો છે. અત્યારે અમારા દરેક પિઝા પાર્લર પરથી મહિને સાડા ત્રણથી ચાર લાખ કરતાં વધુ પિઝાનું સેલિંગ થાય છે. અત્યારે ઓફલાઇન અને ઓનલાઇન માર્કેટ 50-50% છે. એટલે કે 50% કસ્ટમર આઉટલેટ પર આવીને પિઝા ખાય છે તો, બીજા 50 લોકો અમારી એપ અથવા સ્વિગી અને ઝોમેટો દ્વારા ઓનલાઇન પિઝા ઓર્ડર કરે છે. જોકે, માત્ર અમદાવાદની જ વાત કરીએ તો વર્ષે ઓછામાં ઓછાં અંદાજે 400 કરોડ રૂપિયાનો પિઝાનો બિઝનેસ છે. જોકે, પિઝાના બિઝનેસની અન્ય ફૂડના બિઝનેસ પર જરાય અસર દેખાતી નથી. આગામી સમયમાં અન્ય 10 પ્રકારના ફૂડ માર્કેટમાં આવશે તો પણ દરેક લોકો સારો બિઝનેસ કરી શકશે.''
તો લંડન યાર્ડ પિઝાના ફાઉન્ડર આનંદ ઠક્કરે જણાવ્યું કે, '' અમે લંડન યાર્ડ પિઝાની શરૂઆત કોવિડ દરમિયાન કરી હતી. જોતજોતામાં માત્ર અમદાવાદમાં એક જ વર્ષમાં અમારા 24 આઉટલેટ થઈ ગયા છે અને આખા ગુજરાતમાં અમારી 100થી વધુ ફ્રેન્ચાઈઝી પણ છે. જોકે, પિઝા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો, પિઝાનો ટ્રેન્ડ પહેલાં હતો એના કરતાં અત્યારે ખૂબ જ વધી ગયો છે. અત્યારે પિઝા પાર્લરમાં સ્ટફ ગાર્લિક બ્રેડ, ગાર્લિક બેડ સ્ટિક્સ, ક્રિમ ચીઝ ગાર્લિક બ્રેડ, પાસ્તા, ટાકોઝ સહિતની વસ્તુઓ ઓપ્શનમાં મળે છે. અમે અત્યારે એક મહિને દરેક આઉટલેટમાંથી કુલ 5થી 6 લાખ પિઝા સેલ કરીએ છીએ.
આનંદભાઈએ વધુમાં જણાવ્યું કે, ''આપણે ત્યાં છેલ્લાં કેટલાક સમયથી માત્ર ઇન્ટરનેશનલ કંપનીઓ જ પિઝા ઇન્ડસ્ટ્રીમાં હતી, પણ હવે કેટલીય લોકલ કંપનીઓ પિઝા ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ છે. અત્યારે આખી પિઝા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો વાર્ષીક, ચારસોથી પાંચસો કરોડનું ટર્નઓવર હશે. જોકે, તમને જણવું તો અમે બેંગલોર, હૈદરાબાદ, દિલ્હી NCR, પૂણેમાં આઉટલેટ શરૂ કરી રહ્યા છે. આ ઉપરાંત અમેરિકા, UK અને કેનેડામાં ફ્રેન્ચાઈઝી શરૂ કરીશું.''
આ ઉપરાંત શિકાગો પિઝાના ગુજરાતના માસ્ટર ફ્રેન્ચાઇઝર સ્તવન જાનીએ જણાવ્યું કે, '' અત્યારે આખા ભારતમાં અમારા 160થી વધુ પિઝા પાર્લર છે. જ્યારે અમદાવાદમાં પિઝા પાર્લરની શરૂઆત કરવાની હતી ત્યારે અમે રિસર્ચ કર્યું હતું. જેમાં અમને જાણવા મળ્યું કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પિઝાએ અંદાજે 30 ટકા જેટલું માર્કેટ કવર કર્યું છે. જોકે, કોવિડના લોકડાઉન પછી પિઝાનું માર્કેટ ખૂબ જ ઉંચકાયું છે. ''
સ્તવન જાનીએ વધુમાં જણાવ્યું કે, '' આપણે ત્યાં વેસ્ટર્ન વિકેન્ડનું કલ્ચર વધી રહ્યું છે, જેને લીધે અમારે ત્યાં શુક્રવાર સાંજથી જ ખૂબ જ ઓનલાઇન ઓર્ડર આવવા લાગે છે જે રવિવાર મોડી રાત સુધી ચાલું રહે છે. અત્યારે અમદાવાદમાં બ્રાન્ડેડ પિઝાના અંદાજે 300 પાર્લર હશે. આમ ઓવર ઓલ પિઝાનું માત્ર અમદાવાદનું જ માર્કેટ 300થી 500 કરોડનું હશે જ.''
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.