સપ્લાયની અછત:પેટ્રોલ અને ડીઝલનો 40% પુરવઠો ઓછો, પણ લોકોએ ગભરાવાની જરૂર નથી: પેટ્રોલ પંપ એસોસિયેશન

અમદાવાદ22 દિવસ પહેલા
  • IOCની નિયમિત સપ્લાયને કારણે લોકોને તંગી આવતી નથી
  • અમુક સેન્ટર્સમાં પેટ્રોલ અને ડીઝલ ઓછું આપવામાં આવે છે

ગુજરાતના 4000થી વધુ પેટ્રોલપંપ માટે પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલનો પુરવઠાનો પ્રશ્ન ઘેરો બનતો જાય છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે, BPCL, HPCL તરફથી ડીઝલ અને પેટ્રોલનો પુરવઠો 30-40% જેવો ઘટ્યો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પુરવઠો નિયમિત થતો નથી. જોકે પેટ્રોલ પંપ એસોસિયેશનના જણાવ્યા મુજબ, સપ્લાય ઓછો છે, પણ એનાથી લોકોએ ગભરાઈને પેટ્રોલ, ડીઝલ પુરાવવા માટે લાઈનો લગાવવાની જરુર નથી. લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ મળી રહ્યું છે અને મળતું રહેશે. અત્યારે ડીઝલમાં પુરવઠાની અછત વધારે છે એટલે એનાથી ચાલતાં વાહનોને થોડીઘણી મુશ્કેલી આવી રહી છે.

અનેક રજૂઆતો છતાં કોઈ ફરક નથી પડ્યો
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે આ બંને કંપની સાથે સપ્લાય નિયમિત કરવા બાબતે રાજ્ય સરકારની હાજરીમાં ત્રણ વખત બેઠક મળી છે. દર વખતે કંપનીઓ આશ્વાસન આપે છે કે પુરવઠો નિયમિત થઈ જશે, પણ થતું કંઈ નથી. પેટ્રોલ કરતાં ડીઝલમાં વધારે હાલત ખરાબ છે. આવું કેમ થઈ રહ્યું છે એ અંગે પણ કંપનીઓએ કોઈ કારણ આપ્યું નથી.

હાલ લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં
ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતું કે BPCL અને HPCL કંપની તરફથી 30-40% જેવો પુરવઠો ઓછો છે. બીજું કે અવારનવાર ઓર્ડર આપવા છતાં પુરવઠો મોડો પણ મળે છે. આના કારણે પંપ માલિકોની મુશ્કેલી વધી છે. જોકે IOC તરફથી પુરવઠો નિયમિત હોવાથી લોકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ મળી રહે છે. આ મામલે લોકોએ ગભરાવાની જરૂર નથી. લોકોને જરૂરિયાત મુજબનો પુરવઠો ચાલુ જ છે અને મળતો પણ રહેશે.

ઘણાં સેન્ટર્સમાં લોકોને ઓછું પેટ્રોલ અપાય છે
પંપને ઓછો પુરવઠો મળી રહ્યો હોવાથી ગુજરાતના અમદાવાદ, સુરત, સહિતનાં ઘણાં સેન્ટર્સમાં લોકોને ઓછું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવે છે. કોઈ કાર ફુલ ટેન્ક કરાવવા આવે તો તેમને ડીઝલ કે પેટ્રોલ ખાલી થવા પર છે અથવા ઓછું છે એમ કહીને મર્યાદિત માત્રામાં ફ્યુઅલ ભરી દેવામાં આવે છે. એવું જ ટૂ-વ્હીલરચાલકો સાથે પણ થઈ રહ્યું છે. અમુક જગ્યાએ પેટ્રોલ કે ડીઝલ ખતમ થઈ ગયાનાં બોર્ડ પણ લાગેલાં હોવાનું માલૂમ પડ્યું છે.

ક્રૂડ વધતાં કંપનીઓને થઈ રહ્યું છે નુકસાન
અગાઉ માર્ચમાં જામનગરના વાડીનાર રિફાઇનરીથી નાયરા એનર્જી (અગાઉની એસ્સાર ઓઇલ)એ કોઈપણ કારણ આપ્યા વગર જ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું હતું. જોકે બાદમાં થોડા દિવસો પછી પુરવઠો નિયમિત થયો હતો. હાલ છેલ્લા ત્રણ મહિનાથી BPCL અને HPCLમાંથી પુરવઠો અનિયમિત બન્યો છે. કંપનીસૂત્રોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે, એની સામે ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ બહુ ખાસ વધ્યા નથી, જેને કારણે કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આને કારણે પુરવઠો ધીમો કરવામાં આવ્યો છે.

લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં: પુરવઠામંત્રી
રાજ્યકક્ષાના પુરવઠા અને પેટ્રોલિયમમંત્રી મુકેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ વધ્યો છે, એને કારણે પેટ્રોલ કંપનીઓ પર રૂ. 21 જેવો વધારાનો આર્થિક બોજો આવે છે. એને કારણે ખાનગી પંપ ઓપરેટરોએ વેચાણ ઘટાડી નાખ્યું, એથી સરકારી પેટ્રોલ પંપનું વેચાણ 138% જેટલું વધી ગયું છે. આ ઉપરાંત વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે, એટલે વપરાશ પણ વધ્યો છે. જેને કારણે પુરવઠાને પણ અસર થઈ છે. પુરવઠો ઘટ્યો છે પણ લોકોએ એનાથી ગભરાવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...