ભાસ્કર એક્સક્લૂસિવગયા હતા કેનેડા, પણ ફેલ થવાની બીકે અમેરિકા પહોંચ્યા:USAમાં ગેરકાયદે ઘૂસતા ઝડપાયેલા 4 પટેલ યુવક ત્યાંના સ્ટોરમાં નોકરીએ પણ લાગી ગયા

અમદાવાદ14 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર
  • ઓછું ભણેલા અને સામાન્ય ઘરના છોકરાઓ કેવી રીતે યુએસએ પહોંચી ગયા?

અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરવા જતાં પકડાયેલા છોકરાઓનો કેસ દિવસે ને દિવસે પેચીદો બનતો જાય છે. રોજેરોજ તપાસ કરી રહેલી પોલીસ પણ અત્યારસુધી ઘણી બાબતોના તાળા મેળવી શકી નથી. સમગ્ર કેસની તપાસ ચલાવી રહેલી મહેસાણા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પણ હજુ સુધી એજન્ટોની પૂછપરછ કરી રહી છે. એજન્ટોએ પણ એવો જવાબ આપ્યો હતો કે તેમણે ફક્ત કેનેડાની લીગલ પ્રોસેસ કરી હતી અને વધુમાં તેમને કંઈ જ ખબર નથી. બીજી તરફ પોલીસ પર પણ આ બાબતે રાજકીય દબાણ આવી રહ્યું હોવાનું ચર્ચા છે. ત્યારે અમેરિકામાં પકડાયેલા ચારમાંથી એક એવા નીલના ઘરે ધામણવા ગામમાં દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી અને તેના કાકા પ્રયેશકુમાર તથા ગામના સરપંચ મનુભાઈ પટેલ સાથે વાત કરી હતી, જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. એ મુજબ આખું ગુજરાત જેની પાછળ ચકડોળે ચઢ્યું છે અને પોલીસ પણ હાલમાં દોડતી થઈ છે એ ચારમાંથી એક એવો નીલ પટેલ હાલમાં USAમાં નોકરીએ પણ લાગી ગયો છે.

ગયા મે મહિનામાં કેનેડાથી બોટ દ્વારા સેન્ટ રેગીસ નદી પાર કરીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા ભારતીયોને બોર્ડર પેટ્રોલિંગ ટીમે ઝડપી પાડ્યા હતા.
ગયા મે મહિનામાં કેનેડાથી બોટ દ્વારા સેન્ટ રેગીસ નદી પાર કરીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા ભારતીયોને બોર્ડર પેટ્રોલિંગ ટીમે ઝડપી પાડ્યા હતા.

દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં ગામના સરપંચ મનુભાઈ પટેલે કહ્યું હતું, 'નીલ પટેલ અમારા ગામનો વતની છે. તે પહેલા અમદાવાદ ભણતો હતો. ત્યાં તેના મિત્રો ભેગા થયા હતા. આ મિત્રોએ નીલને પણ કહ્યું કે તારે અમેરિકા આવવું છે? તારે કેનેડા ભણવા જવું છે? ત્યારે નીલે ત્યાં જવાની તૈયારી બતાવતાં મિત્રોએ પ્રોસીજર બતાવી. પછી નીલે એના માતા-પિતાને વાત કરી, 'મારે કેનેડા ભણવા જવું છે. મારો અભ્યાસ સારો છે. મને જવા દો.' આ વાત સાંભળ્યા બાદ નીલનાં માતા-પિતાએ એવો જવાબ આપ્યો હતો, 'અમને આ બધામાં ખબર ના પડે. તું તારી રીતે પ્રોસેસ કર. પૈસા જોઇશે તો ગમે ત્યાંથી આઘાપાછા કરીને આપી દઈશુ.'

સરપંચ મનુભાઈએ વધુમાં કહ્યું હતું, 'આ પછી નીલનાં માતા-પિતાએ પૈસાની વ્યવસ્થા કરી. પછી છોકરાઓએ ભેગા થઈને ટ્રાવેલ્સવાળા (એજન્ટ)ની માહિતી લીધી. તેમણે ફાઇલ બનાવી આપી. ટિકિટ કઢાવી અને કેનેડા જવાની વ્યવસ્થા કરાવી ત્યાં એ ભણવા ગયો. કેનેડા પહોંચ્યાના થોડાક દિવસોમાં નીલે તેના મિત્રો પાસેથી સાંભળ્યું કે જો અહીં એક કે બે વિષયમાં ફેલ થાવ તો પરીક્ષા આપવા માટે રૂપિયા ભરવા પડે. મિત્રોએ ફરી પરીક્ષા આપવા માટે ઘરેથી લાખો રૂપિયા મગાવ્યા હોવાનું પણ સાંભળ્યું, આથી જ નીલને લાગ્યું કે મારી સાથે આવું થયું તો હું પૈસા ક્યાંથી લાવીશ? એટલે નીલ સાથે ગયેલા બીજા મિત્રોએ ભેગા થઈને પ્લાન બનાવ્યો અને તેઓ ત્યાંના સ્થાનિક માણસને મળ્યા અને કેનેડાથી અમેરિકા ગેરકાયદે જવાનું સાહસ કર્યું. અમેરિકા જાય તો તેમને જોબ પણ મળે અને ભણવાનું પણ થાય. કદાચ એ અમેરિકામાં કોઈ વિષયમાં ફેલ પણ થાય તોપણ એ લોકો કોઈ પૈસા માગતા નથી. ફરીથી તેમને પરીક્ષામાં બેસવા દે છે. કેનેડામાં આવું નથી. ત્યાં તમે ફરી પૈસા ભરો તો જ બીજીવાર પરીક્ષા આપી શકો. આ લોકો ત્યાં પકડાયા ત્યારે તેનાં માબાપને ખબર પડી કે અમારા છોકરા કેનેડાથી અમેરિકા કેમના પહોંચી ગયા?'

મહેસાણાના ધામણવા ગામમાંથી 10થી વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે.
મહેસાણાના ધામણવા ગામમાંથી 10થી વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે.

સરપંચને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેરિકામાં પકડાયા પછી સુનાવણી દરમિયાન નીલે માતા-પિતા સાથે ક્યારે વાત કરી? તો જવાબમાં સરપંચે કહ્યું, 'નીલ સહિતના યુવાનો જેલમાંથી છૂટ્યા પછી એ પછી કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ઇન્ડિયામાં તમારાં માતા-પિતા સાથે વાત કરો. ત્યાંથી તેમણે માતા-પિતા સાથે વાત કરાવી અને ત્યારે ખબર પડી કે છોકરાઓ અમેરિકામાં છે!' સરપંચના કહેવા મુજબ, 'અઠવાડિયે દસ દિવસે નીલનો ફોન આવે છે અને તેનાં માતા-પિતા સાથે તેની વાત થાય છે. આ ઘટનાને 2 મહિના જેટલો સમય થઈ ગયો છે. આ ઘટનામાં પોલીસ અહીં આવીને ઇન્ક્વાયરી કરી ગઈ છે. અહીંથી રિપોર્ટ બનાવીને અમેરિકા પણ મોકલ્યા. પોલીસને જેટલી માહિતી જોઈતી હતી એ બધી અહીંથી જ મળી હતી. નીલનાં માતા-પિતા એવું કહે છે, 'અમે અભણ છીએ. ખેડૂતવર્ગના માણસો છીએ. તેમને આ બધું ખબર ના પડે. છોકરો ભણવા જાય છે. તો અમને પણ થયું કે આ એકનો એક છોકરો છે તો આપણે મજૂરી કરીશું પણ તે ભલે ભણે.' તેનાં માતા-પિતાને અમેરિકા શું છે કે કેનેડા શું છે એ ખબર નથી. તેમને એટલું જ છે કે મારો છોકરો આગળ વધે. આ જ હેતુ માટે તેમણે તેને મોકલ્યો. તેમણે પેટે પાટા બાંધીને ખેતમજૂરી કરીને આ પૈસા ભર્યા છે. નીલના પરિવારમાં માતા-પિતા, બહેન, કાકા-કાકી તથા દાદી છે.'

મહેસાણાના ધામણવા ગામના સરપંચ મનુભાઈ પટેલ.
મહેસાણાના ધામણવા ગામના સરપંચ મનુભાઈ પટેલ.

સરપંચે આગળ વાત કરતાં કહ્યું, 'માતા-પિતાએ જ્યારે નીલને પૂછ્યું કે કેમ તમે આવું પગલું ભર્યું? તો નીલે જવાબ આપ્યો હતો, 'અમે કેનેડામાં ફેલ થઈએ તો ફરીથી 4-5 લાખ રૂપિયા ભરવા પડે. બે વિષયમાં સીધા 8-10 લાખ રૂપિયા થાય. અમારી પાસે પૈસા નથી અને તમારી પાસે પણ હવે પૈસા નથી. એટલે અમે 3-4 ભાઈબંધો ભેગા થઈ ને ત્યાંના લોકલ માણસોને મળીને અમે અમેરિકાનું સાહસ કર્યું હતું અને અમને ત્યાંની સરકાર રાખે છે.'

ધામણવા ગામમાં આવેલું નીલ પટેલનું મકાન. તેનાં માતા-પિતા ખેતી કરીને ગુજરાન ચલાવે છે.
ધામણવા ગામમાં આવેલું નીલ પટેલનું મકાન. તેનાં માતા-પિતા ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

માતા-પિતા સાથે નીલને શું વાત થાય છે એ અંગે સરપંચે કહ્યું, 'નીલ એવું કહે છે કે અત્યારે ભણવાનું ચાલુ છે. 4-5 કલાક સ્ટોરમાં જોબ કરું છું. પગાર મળે છે. એમાં ભરણ-પોષણ થઈ રહે છે. 2-3 વર્ષ ભણીને જે-તે દિવસે પાછો આવીશ અથવા નોકરી મળશે તો હું અહીં જ રહીશ.'

નીલ પટેલના કાકા પટેલ પ્રયેશકુમારે જણાવ્યું હતું કે નીલના પિતાએ તેને 14 લાખ રૂપિયા આપ્યા હતા.
નીલ પટેલના કાકા પટેલ પ્રયેશકુમારે જણાવ્યું હતું કે નીલના પિતાએ તેને 14 લાખ રૂપિયા આપ્યા હતા.

જ્યારે નીલના કાકા પટેલ પ્રયેશકુમાર રસિકભાઈએ થોડીક અલગ જ વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'નીલ બાર ધોરણ સુધી ભણેલો છે. તેણે કોલેજ પણ પૂરી કરી નથી. તે અમેરિકા જતાં પકડાયો ત્યારે તેણે જેલમાંથી અમને ફોન કર્યો હતો ત્યારે અમને સમગ્ર બાબતની જાણ થઈ હતી. એ પછી અમારે તેની સાથે કોઈ વાત નથી થઈ. તેણે જે નંબર પરથી ફોન કર્યો હતો એ નંબર પણ હાલમાં બંધ બતાવે છે.'

તેમણે વધુમાં કહ્યું હતું, 'નીલને કેનેડા જવા માટે તેનાં પિતાએ 14 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ આગળની ઘટનાથી અમે અજાણ છીએ. અમારાં કોઈ સગાં વિદેશમાં નથી. નીલ ઘરમાંથી પહેલો વિદેશ ગયો છે. અમારું કુંટુંબ ખેતીવાડી સાથે સંકળાયેલું છે.'

અન્ય સમાચારો પણ છે...