નાકથી ઝેર લીધું, ભારતમાં 16 લાખનાં મોત:અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક શહેર રહેવાલાયક નથી રહ્યાં, જાણો કેમ લોકો વહેલા મરવા મજબૂર બન્યા

એક મહિનો પહેલા

તમારી ઉંમર 10 વર્ષ ઓછી થઈ ગઈ એ તમને ખબર પડી? આ વાત અમે નથી કહી રહ્યા, પણ ચોંકાવનારા રિપોર્ટ કરી રહ્યા છે. ભારતમાં રહેતા લોકોનું અંદાજિત આયુષ્ય 10 વર્ષ સુધી ઘટી ગયું છે. આ તો માત્ર એક વાત સામે આવી છે. આવા અનેક આશ્ચર્યચકિત કરી દે એવા ઘટસ્ફોટ થયા છે, જે વાંચીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે...

પ્રદૂષણ...પ્રદૂષણ… એના પણ અનેક પ્રકાર છે. હવા, જમીન, પાણી, અવાજ...દરેક પ્રકાર વિનાશ કરવા સક્ષમ છે, પણ આપણે આજે માત્ર હવા(વાયુ) પ્રદૂષણની જ વાત કરીશું અને વાત કરવી એટલે પણ જરૂરી છે, કારણ કે હાલમાં જ કેટલાક અહેવાલ સામે આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની હવા ઝેર ઓકી રહી છે. તમે શ્વાસ નથી લઈ રહ્યા, પરંતુ નાક મારફત ઝેર લઈ રહ્યા હોય એવું સાબિત થયું છે. ગુજરાતના એર ક્વોલિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની હવા સૌથી પ્રદૂષિત બની છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG), જે સરકારી ઓડિટ સંસ્થા છે. આ સરકારી ઓડિટમાં બહાર આવ્યું છે કે ગુજરાત સરકાર વર્ષોથી વાયુ-પ્રદૂષણમાં યોગદાન આપતા ખાનગી ઉદ્યોગોની ભૂમિકાની અવગણના કરી રહી છે. ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત માટે પ્રદૂષણ નિવારણ યોજનાઓ તૈયાર કરતી વખતે થર્મલ પાવર પ્લાન્ટ્સની ભૂમિકાને અવગણી હતી. ઓડિટ રિપોર્ટમાં એવાં અસંખ્ય ઉદાહરણો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે, જ્યાં સરકારે પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ થર્મલ પ્લાન્ટ્સ સિવાયના ઉદ્યોગોનાં નિયમન, દેખરેખ અને દંડ ફટકારવાની એની જવાબદારીથી પાછીપાની કરી છે. રિપોર્ટમાં કેટલાય ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે, જે આગળ સ્ટોરીમાં વાંચીશું.

ફેબ્રુઆરી 2019માં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના નિર્દેશો હેઠળ સુરત અને અમદાવાદ માટે એર એક્શન પ્લાન તૈયાર કર્યા હતા. જોકે GPCBએ અમદાવાદમાં ટોરેન્ટ ગ્રુપના 362 મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટને અવગણ્યો હતો, જેણે શહેરના કુલ વાયુ-પ્રદૂષણમાં 66% જેટલો ફાળો આપ્યો હતો. CAGના અહેવાલમાં જાણવા મળ્યું છે કે 500 મેગાવોટની કુલ ક્ષમતા સાથે અશ્મીભૂત ઇંધણ આધારિત TPP(થર્મલ પાવર પ્લાન્ટ) પણ સુરત અને એની આસપાસ કાર્યરત હતા, પરંતુ સુરતના એર એક્શન પ્લાન બનાવતી વખતે તેમના ઉત્સર્જનને ધ્યાનમાં લેવામાં આવ્યું નહોતું. બે શહેરના એર એક્શન પ્લાનમાંથી થર્મલ પાવર પ્લાન્ટને બાકાત રાખવાના ગુજરાત સરકારે આપેલા જસ્ટિફિકેશનથી CAG સંતુષ્ટ નથી.

Energy Policy Institute at the University of Chicago (EPIC) અનુસાર, 51 કરોડ લોકો લગભગ કુલ વસતિના 40% લોકો જે ઉત્તર ભારતમાં રહે છે તેમનું સરેરાશ આયુષ્ય 7.6 વર્ષ જેટલું ઘટ્યું છે, જ્યારે દિલ્હીમાં રહેતા લોકોનું આયુષ્ય 10 વર્ષ સુધી ઘટ્યું છે.

પ્રદૂષણથી ભારતમાં 23 લાખ લોકો સમય કરતાં વહેલા મોતને ભેટ્યા
લેન્સેટના એક અહેવાલ અનુસાર, ભારતમાં પ્રદૂષણને કારણે સૌથી વધુ મોત થયાં છે. પ્રદૂષણથી મોત થવાના મામલે પણ ભારત નંબર-1 બન્યું છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2019માં પ્રદૂષણથી 23.5 લાખ લોકોએ અકાળે પોતાના જીવ ગુમાવ્યા છે. એમાં પણ વાયુ-પ્રદૂષણથી 16 લાખ લોકો મોતને ભેટ્યા છે, જે દેશમાં થયેલાં કુલ મોતના 17.8% હતા. ભારતમાં 2019માં કુલ 8 લાખથી વધુ લોકોનાં ઘરગથ્થુ વાયુ-પ્રદૂષણથી મોત થયાં છે.

ગુજરાતના લોકો સમય કરતાં વહેલા મરવા મજબૂર
હવાની ગુણવત્તાની ચકાસણી કરતી કંપની IQAIRએ લેન્સેટ રિપોર્ટને ટાંકીને એક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 2018માં ગુજરાતમાં લગભગ 30,000થી વધુ લોકો વાયુ- પ્રદૂષણને કારણે મોતને ભેટ્યા છે. વાયુ-પ્રદૂષણ ગુજરાતની જનતા માટે યમરાજ સમાન બન્યું છે. ગુજરાતના લોકો સમય કરતાં 2 વર્ષ વહેલા મરી રહ્યા છે, એ દાવો પણ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

નબળી હવાની ગુણવત્તા ઘણીવાર આંખ, નાક અને ગળામાં બળતરાનું કારણ બને છે, અસ્થમાના હુમલાઓ અને અન્ય શ્વસન સમસ્યાઓની તકલીફ તરફ દોરી જાય છે.

વિશ્વમાં સૌથી પ્રદૂષિત દેશમાં ભારત 5મા નંબરે
IQAIRના 2021ના રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી ખરાબ હવા ધરાવતા દેશમાં ભારતનો નંબર પાંચમો હતો. ભારતમાં 93 ટકા વિસ્તારમાં પ્રદૂષણનો સ્તર WHO માર્ગદર્શિકાથી વધુ છે. એનો અર્થ થાય છે કે ભારતમાં 93% વિસ્તારો પ્રદૂષણને કારણે હવે રહેવા લાયક નથી રહ્યા. ભારતનાં શહેરો વૈશ્વિક પ્રદૂષણ રેન્કિંગમાં સૌથી આગળ રહ્યાં છે. US રિસર્ચ ગ્રુપ અનુસાર, વિશ્વમાં સૌથી ખરાબ પ્રદૂષણનો સ્તર ગણાય એવા સ્તરનો સામનો ઉત્તર ભારતના 48 કરોડ લોકો કરી રહ્યા છે.

લેન્સેટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં પ્રદૂષણ 90 લાખ લોકોનાં મોતને આભારી છે. દર છમાંથી એક વ્યક્તિ ખરાબ હવાને કારણે મૃત્યુ પામી રહી છે, જે એક ચિંતાનો વિષય બન્યો. પ્રદૂષણ એક મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. EPCI અનુસાર, વૈશ્વિક પ્રદૂષણમાંથી 44% જેટલો ભાગ ભારતનો છે.

રિપોર્ટ અનુસાર, 90% પ્રદૂષણ સંબંધિત મોત ઓછી આવક અને મધ્યમ આવક ધરાવતા દેશમાં થયાં છે, જેમાં ભારત ટોપ પર છે અને ચીન બીજા નંબરે છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિસ્થિતિ સારી થવાની જગ્યાએ વણસી રહી છે અને પ્રદૂષણ વૈશ્વિક મહામારી બની રહ્યું છે.

છેલ્લા બે દાયકાથી પ્રદૂષણનાં આધુનિક સ્વરૂપો(દા.ત ઝેરી રાસાયણિક પ્રદૂષણ)ને કારણે થતાં મોતમાં 66% જેટલો વધારો થયો છે, જે ઔદ્યોગિકીકરણ, અનિયંત્રિત શહેરીકરણ, વસતિ વૃદ્ધિ વગેરેને કારણે આભારી છે. દેશના રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં લગભગ ચાર ગણો વધારો થયો છે.

ગુજરાતની હવાની ગુણવત્તા કેટલી ખરાબ?
કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો. લોકડાઉનને કારણે મોટી ફેક્ટરી, મિલ, અને રસ્તા પર વાહનોની અવરજવર બંધ થઈ હતી, જેને કારણે હવા પણ રાહતનો શ્વાસ લઈ રહી હતી, પરંતુ લોકડાઉન હટતાં પ્રદૂષણનો રાફડો ફાટ્યો. એ વર્ષે નવેમ્બરમાં સૌથી વધુ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 259 નોંધાયો હતો.

કોરાના પછી WHO(WORLD HEALTH ORGANIZATION) અનુસાર, ગુજરાતનાં અંકલેશ્વર, આલમપુર જેવાં શહેરોમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ હતી. PM 2.5 જે સૂક્ષ્મ કણો હોય છે, હવામાં એનો સ્તર WHO દ્વારા ભલામણ કરાયેલા સ્તર કરતાં 8 ગણો વધુ નોંધાયો હતો.

ભારતનાં ટોપ-10 પ્રદૂષિત શહેરોમાં અમદાવાદનો સમાવેશ
IQAIRના ડેટા અનુસાર, અમદાવાદ ગુજરાતનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. 18 ફેબ્રુઆરી, 2023ના તાજેતરના ડેટા અનુસાર, અમદાવાદ ભારતના સૌથી પ્રદૂષિત શહેરમાં 10મા નંબરે પહોંચ્યું હતું. અમદાવાદમાં 2021માં ખરાબ હવાને કારણે 1500થી વધુ લોકોનાં મોત થયાં છે. એ દિવસ દૂર નથી, જ્યારે દિલ્હી-મુંબઈને પાછળ છોડી અમદાવાદ પ્રદૂષણ મુદ્દે ટોપ ભારતમાં શીર્ષ સ્થાન મેળવશે. અમદાવાદ સિવાય સુરત, રાજકોટ અને વડોદરા પણ સૌથી પ્રદૂષિત શહેરો બનવાની રેસમાં લાગ્યાં છે.

ગુજરાતનાં કેટલાંક શહેર રહેવાલાયક પણ નથી રહ્યાં. અમદાવાદમાં પીરાણા, નરોડા, વટવા જેવા ઈન્ડસ્ટ્રિયલ એરિયાની હવાની ગુણવત્તા એટલી હદે ખરાબ થઈ રહી છે, જો સમયસર કોઈ પગલા નહીં લેવાય તો લોકો વિસ્તાર છોડવા મજબૂર બની જશે.

ગુજરાતમાં કેમ વધી રહ્યું છે સતત હવાનું પ્રદૂષણ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, ગુજરાત દર વર્ષે 2,500 મેટ્રિક ટન અશુદ્ધિ હવામાં ધકેલે છે. માનવીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દર વર્ષે 332.8 મેટ્રિક ટન ઘાતક રજકણો, 1038 મેટ્રિક ટન સલ્ફર ડાયોક્સાઈડ, 629.5 ટન નાઈટ્રોજન ઓક્સાઈડ અને 403.1 ટન એમોનિયા હવામાં ફેલાવે છે. લેન્સેટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 2017માં પ્રદૂષણને કારણે 30,000થી વધુનાં મોત થયાં છે, જ્યારે અંદાજિત આયુષ્યમાં 2 વર્ષ જેટલો ઘટાડો થયો છે.

અમદાવાદ ગુજરાતનું કોમર્શિયલ અને આર્થિક કેન્દ્ર છે.એને ટેક્સટાઈલ ઉદ્યોગનું હબ પણ ગણવામાં આવે છે અને આખા ભારતમાં કપાસ ઉત્પાદનમાં અમદાવાદ બીજા સ્થાને છે. ઘણી ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી, જેમકે સુઝુકી, ફોર્ડ, ટાટા વગેરેએ પોતાના એકમો અમદાવાદમાં ઊભા કર્યા છે. કુલ 3000થી વધુ ઔદ્યોગિક એકમો છે, જેમાં કેમિકલ ફેક્ટરી, ટેક્સટાઈલ પ્લાન્ટ તેમજ 2 કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટ સામેલ છે, જે પ્રદૂષણમાં સતત વધારો કરે છે.

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 10 કરોડથી વધુ ઘરોમાં હજુ પણ ચૂલા અને અન્ય પરંપરાગત સગડીનો ઉપયોગ થાય છે. એમાં બળતણ તરીકે ગાયનાં છાણાં, લાકડાં, સૂકાં પાંદડાં વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક દૂરના વિસ્તારોમાં હજુ પણ ઈલેક્ટ્રિસિટી અને ગેસ-સિલિન્ડર ઉપલબ્ધ નથી, જ્યારે કેટલાંક ગામડાંમાં ગેસ-સિલિન્ડર અને અન્ય માધ્યમો કરતાં ગાયનાં સૂકાં છાણાં, લાકડાં વગેરે સસ્તાં હોવાને કારણે એનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે એવા વિસ્તારોમાં પ્રદૂષણનો સ્તર વધતો જોવા મળે છે.

લણણી પછી સૂકા અવશેષો બાળવાની પ્રથા ગુજરાતમાં નબળી હવાની ગુણવત્તા માટે એક મોટું યોગદાન છે. ગુજરાતમાં દર વર્ષે 500 મિલિયન ટન ઓર્ગેનિક વેસ્ટ બાળવામાં આવે છે. આ કચરાને બાળવાને કારણે નાઈટ્રોજન ઓક્સાઈડ અને સલ્ફર ઓક્સાઈડ જેવા ખતરનાક વાયુઓ સીધા હવામાં ભળે છે અને એને પરિણામે ધુમ્મસ બને છે, જે સમગ્ર ગુજરાતની સમસ્યા છે.

વાહનો વાયુ-પ્રદૂષણનાં મુખ્ય કારણોમાંનું એક છે. ઘણાં વાહનો જૂનાં છે અને એ ઉત્સર્જન નિયંત્રણનાં આધુનિક ધોરણોને પૂર્ણ કરતાં નથી, સાથે જ એ જે બળતણ બાળે છે એમાં સસ્તા હાઈડ્રો કાર્બનના ઉમેરો કરી ભેળસેળ કરવામાં આવે છે. આ સસ્તા ઉમેરામાં કોઈ ટેક્સ વસૂલવામાં આવતો નથી, જેને કારણે લાંબા સમયે નોંધપાત્ર બચત થાય છે અને લોકો એનો ઉપયોગ કરી પ્રદૂષણ વધારવામાં પોતાનો ફાળો આપે છે.

હવે જાણીએ હવાના પ્રદૂષણથી અર્થતંત્ર પર શી અસર પડી
પ્રદૂષણથી માત્ર સ્વાસ્થ્ય કે વ્યક્તિને જ નહીં, પરંતુ દેશના અર્થતંત્રને પણ અસર પડે છે. લેન્સેટ રિપોર્ટ અનુસાર, 2019માં ભારતને 2,60,000 કરોડ(36.8 બિલિયન ડોલર)નું નુકસાન થયું હતું, જ્યારે ગુજરાતને 2,860 મિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું હતું. વ્યક્તિદીઠ 41.3 ડોલર, એટલે કે એ સમયના ભાવ પ્રમાણે વ્યક્તિદીઠ 3,050 રૂપિયાનું નુકસાન થયું હતું, એટલે કે ભારતને દર વર્ષે 36 બિલિયન ડોલર કરતાં વધુનું આર્થિક નુકસાન માત્ર હવાના પ્રદૂષણથી થાય છે. 2019માં ગુજરાત આર્થિક નુકસાન બાબતે દેશમાં ત્રીજા નંબરે હતું. ઉત્તરપ્રદેશ સૌથી વધુ આર્થિક નુકસાન સાથે પહેલા પર, જ્યારે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું હતું.

રાજ્યના GDPની ટકાવારી તરીકે વાયુ-પ્રદૂષણને આભારી આર્થિક નુકસાન ઉત્તર અને મધ્ય ભારતીય રાજ્યોમાં વધુ હતું, જેમાં ઉત્તરપ્રદેશ (GDPના 2.2%) અને બિહાર (GDPના 2%)માં સૌથી વધુ સ્તરે છે. સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે પ્રદૂષણ સંબંધિત નુકસાન 2024 સુધીમાં $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાની ભારતની આકાંક્ષાને અવરોધી શકે છે. જો ભારત વાયુ-પ્રદૂષણને સફળતાપૂર્વક ઘટાડી શકે છે તો તે વસતિના સ્વાસ્થ્ય અને અર્થતંત્ર બંને માટે નોંધપાત્ર ફાયદાઓ કરશે.

હવે તમને સવાલ થતો હશે વાયુ-પ્રદૂષણને અર્થતંત્ર સાથે શો સંબંધ છે?
વાયુ-પ્રદૂષણ માત્ર વ્યક્તિ અથવા સમુદાયના સ્વાસ્થ્યને અસર કરતું નથી, પરંતુ એ દેશની કામગીરીમાં પણ વિક્ષેપ પાડે છે. એ એકંદરે દેશની ઉત્પાદકતા ઘટાડે છે અને શ્રમ પુરવઠાને ઘટાડા તરફ દોરી જાય છે. બીમારીઓમાં વધારો થવાને કારણે આરોગ્ય સંભાળમાં લોકોને વધુ ખર્ચ કરવો પડે છે. બીમાર હોવાને કારણે લોકો કામ પર જઈ નથી શકતા, જેની સીધી અસર દેશની ઉત્પાદકતા પર પડે છે અને અર્થતંત્રને કરોડોનું નુકસાન ભોગવવું પડે છે.

લેન્સેટ રિપોર્ટમાંથી આ સ્ક્રીનશોટ લેવામાં આવ્યો છે.
લેન્સેટ રિપોર્ટમાંથી આ સ્ક્રીનશોટ લેવામાં આવ્યો છે.

વાયુ-પ્રદૂષણ ઘટાડવા ગુજરાત સરકારે કયાં પગલાં ભર્યાં?
રાજ્ય સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યાવરણીય પ્રદૂષણમાં ફાળો આપવા માટે ખાનગી માલિકીના ઉદ્યોગોની ભૂમિકાની અવગણના કરી છે.

વર્ષ 2009માં ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરનાર ગુજરાત પહેલું રાજ્ય બન્યું હતું ETGOVERNMENTના એક રિપોર્ટ અનુસાર, "ગુજરાત સરકારે વર્ષ 2019-20ના બજેટમાં ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટને 1048 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. એમાંથી પ્રથમ ક્વાર્ટર દરમિયાન માત્ર 40.23 કરોડ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા હતા, એટલે કે કુલ ફાળવણીના માત્ર 4.79% જ વાપરવામાં આવ્યા હતા. જળવાયુ પરિવર્તનના ભાવિ પડકારનો સામનો કરવા માટે નક્કર પગલાં લેવા પ્રત્યેની આ ઉદાસીનતા ચિંતાજનક છે. રિપોર્ટમાં આગળ જણાવ્યું હતું કે સરકારે બજેટમાં કરેલી 27 વિભાગની ફાળવણીમાં ક્લાઈમેટ વિભાગ સૌથી છેલ્લે હતો."

ગુજરાત સરકારના પરિણામલક્ષી બજેટ અનુસાર, 2022-23માં ક્લાઈમેટ ડિપાર્ટમેન્ટને 930 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. GPCB(ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા પ્રદૂષણ રોકવા કેટલાક એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક પર અમલ થવાનો હજુ બાકી છે. GPCBએ ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમની પાસે કેન્દ્રીય સત્તા દ્વારા મંજૂર કરાયેલી યોજના છે, પરંતુ એ 2025-26 સુધી પરિણામ આપશે.

એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટ અનુસાર, આવી રીતે હવાની ગુણવત્તા તપાસી શકો.
એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટ અનુસાર, આવી રીતે હવાની ગુણવત્તા તપાસી શકો.

હવે જાણીએ વાયુ-પ્રદૂષણથી કયા રોગ થાય છે

વાયુ-પ્રદૂષણની સીધી અસર શ્વસનતંત્ર પર પડે છે. પ્રાણવાયુ, એટલે કે ઓક્સિજન સાથે અન્ય બિનજરૂરી અને હાનિકારક ઘટકો શ્વાસમાં જવાથી શરીરનાં વિવિધ અંગો પર એનો પ્રભાવ પડે છે. એને લીધે શ્વાસનળીમાં સોજો અને ઇન્ફેક્શન, ફેફસાંમાં જાળાં બનવા અને ફાઇબ્રોસિસ (ઓક્સિજન ગ્રહણ ના કરી શકવાનો રોગ) થાય છે. વાયુ-પ્રદૂષણને લીધે શ્વસનતંત્ર નબળું પડે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. સતત વાયુ-પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી યાદશક્તિ નબળી પડે છે. આ સાથે કિડનીના રોગો થવાનું જોખમ પણ વધી જાય છે. ગર્ભવતી માતા અને ગર્ભમાં ઉછરી રહેલા શિશુના સ્વાસ્થ્ય પર પણ એની અસર થાય છે. વાયુ-પ્રદૂષણના સંપર્કમાં રહેવાથી માતાના ગર્ભમાં ઊછરી રહેલું શિશુ અનેક બીમારીનો શિકાર બની શકે છે.

અસ્થમાથી પીડિત લોકો માટે વાયુ-પ્રદૂષણ વધુ જોખમીકારક સાબિત થાય છે. ચામડી અને આંખના રોગોથી પીડિત લોકોને વાયુ-પ્રદૂષણથી વધારે નુકસાન થાય છે. વાયુ-પ્રદૂષણને લીધે સાયનસ, દમ, COPD, પલ્મોનરી ફાઇબ્રોસિસ સહિતના રોગો થવાનું જોખમ વધી જાય છે. વાયુ-પ્રદૂષણને લીધે આ તમામ રોગોના દર્દીઓની સારવારમાં બાધા પણ પહોંચે છે.

વાયુ-પ્રદૂષણથી બચવા માટે શું કરવું જોઈએ?

હવામાં રહેલા પ્રદૂષિત ઘટકો શ્વાસ મારફત શરીરની અંદર ના પ્રવેશ કરે એનું ધ્યાન રાખવું આવશ્યક છે. ઘરની બહાર નીકળતી વખતે અથવા સફર દરમિયાન હળવો ભીનો હાથ-રૂમાલ મોં પર બાંધવો જોઈએ. ભીના હાથ-રૂમાલને લીધે ઓક્સિજન સિવાયના તમામ ઘટકો રૂમાલ પર ચોંટી જાય છે અને પ્રદૂષિત ઘટકોને શ્વાસમાં જતા રોકે છે. આ રૂમાલને ઉપયોગમાં લીધા પછી એને જંતુમુક્ત કરીને ફરી ઉપયોગમાં લઈ શકાય છે.

  • માસ્કનો ઉપયોગ કરીને પણ પ્રદૂષણ સામે રક્ષણ મેળવી શકાય છે. બજારમાં મળતાં સિંગલ યુઝ અને રિયુઝેબલ માસ્કનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યને થતાં નુકસાનને રોકી શકાય છે.
  • નાઝલ ફિલ્ટરનો ઉપયોગ કરીને પણ વાયુ-પ્રદૂષણ સામે રક્ષણ મેળવી શકાય છે. આ ફિલ્ટર ધૂળના રજકણો અને કેટલાંક પ્રદૂષકોને શ્વાસ લેતાં પહેલાં રોકે છે. આ ફિલ્ટર રિયુઝેબલ હોય છે.
  • ઘર અથવા ઓફિસમાં એર પ્યોરિફાયર ઇન્સ્ટોલ્ડ કરીને પણ શુદ્ધ હવા મેળવી શકાય છે.
  • ઘરમાં એર કન્ડિશન વિથ એર પ્યોરિફાયર ડિવાઇસનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • મોટે પાયે મોટા વિસ્તારમાં હવાને પ્રદૂષણમુક્ત કરવા માટે સ્મૉગ ટાવર ઉપયોગી સાબિત થાય છે.

(ગ્રાફિક્સઃ- સોએબ મન્સૂરી)

(એનિમેશન:-વિક્રમ મિસ્ત્રી)

સંદર્ભ:
ttps://cag.gov.in/uploads/download_audit_report/2022/Performance%20Audit%20of%20Air%20Pollution%20Control%20by%20GoG%20Report%20No.%2002%20of%202022-0632d8a52067c30.27727299.pdf
https://www.unep.org/interactive/air-pollution-note/?gclid=EAIaIQobChMIyp_16Iqf_QIVB5lmAh3LRAjgEAAYASAAEgJxx_D_BwE
https://www.who.int/news-room/fact-sheets/detail/household-air-pollution-and-health#:~:text=The%20combined%20effects%20of%20ambient,(COPD)%20and%20lung%20cancer
https://www.thelancet.com/journals/lanplh/article/PIIS2542-5196(20)30298-9/fulltext
https://www.thelancet.com/journals/lanplh/article/PIIS2542-5196(22)00090-0/fulltext#cestitle330
https://www.iqair.com/in-en/world-most-polluted-countries
https://cpcb.nic.in/Actionplan/Ahmedabad.pdf
https://financedepartment.gujarat.gov.in/Documents/Bud-Eng_1055_2021-3-3_425.pdf
https://www.bbc.com/news/world-asia-india-61489488
https://www.downtoearth.org.in/news/pollution/india-had-world-s-highest-pollution-related-deaths-in-2019-report-82926
https://www.bc.edu/bc-web/bcnews/nation-world-society/international/air-pollution-in-inda.html
https://economictimes.indiatimes.com/news/india/pollution-led-to-over-23-5-lakh-premature-deaths-in-india-in-2019-highest-in-world-lancet-study/articleshow/91636140.cms
https://www.aqi.in/blog/health-and-economic-analysis-of-deaths-due-to-air-pollution-in-india/
https://timesofindia.indiatimes.com/city/nagpur/silent-deaths-from-air-pollution-show-climate-change-is-here/articleshow/93762634.cms
https://timesofindia.indiatimes.com/india/indians-losing-5-years-of-life-due-to-air-pollution-study/articleshow/92215757.cms
https://www.bbc.com/news/world-asia-india-61793884
https://financedepartment.gujarat.gov.in/Documents/Bud-Guj_1106_2022-3-3_874.pdf
https://www.thelancet.com/journals/lanplh/article/PIIS2542-5196(20)30298-9/fulltext
https://phfi.org/health-and-economic-impact-of-air-pollution-in-india/
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1593056
https://www.weforum.org/agenda/2022/10/pollution-reducing-life-expentancy-india/
https://www.iqair.com/in-en/india/gujarat
https://timesofindia.indiatimes.com/city/ahmedabad/gujarat-pumps-2500-mt-of-pollutants-into-air-annually/articleshow/72063869.cms
https://government.economictimes.indiatimes.com/news/governance/gujarat-spent-less-than-5-of-rs-1048-crore-budget-allocated-for-climate-change/73009714
https://timesofindia.indiatimes.com/city/ahmedabad/have-plan-to-cut-air-pollution-gpcb-to-hc/articleshow/86879572.cms
https://www.newsclick.in/Audit-Report-Nails-Gujarat-Govt-Laxity-Controlling-Environmental-Pollution
https://case.hks.harvard.edu/fighting-pollution-with-data-environmental-audits-and-the-gujarat-pollution-control-board-sequel/

અન્ય સમાચારો પણ છે...