ભાસ્કર એક્સક્લૂઝિવ:ગુજરાતીઓને ઇ-વ્હીકલ્સનું ઘેલું લાગ્યું,10 મહિનામાં 25 હજાર EV નોંધાયાં, 3300%નો ઉછાળો

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • ગુજરાત ઇ-વ્હીકલ પોલિસીને જુલાઇમાં એક વર્ષ પૂર્ણ થશે
  • ચાર વર્ષ સુધી ચાલુ રહેનારી પોલિસીમાં બે લાખ વાહનોનું વેચાણ થવાનો ટાર્ગેટ
  • 9850 વાહન-માલિકોને સબસિડી પેટે 24.35 કરોડની રકમ ચૂકવાઈ
  • 3400 અરજી પ્રોસેસમાં હોવાથી 8 કરોડની સબસિડી ચૂકવવાની કામગીરી પાઇપલાઇનમાં

દેશમાં વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા અને પેટ્રોલ-ડીઝલના ભાવોને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ઇ- વ્હીકલને પ્રાધાન્ય આપવાનું રીતસરનું બીડું ઝડપ્યું છે. એના ભાગરૂપે જ સરકાર દ્વારા 1લી જુલાઇ-2021માં ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરાઈ હતી. આ પોલિસીને આગામી જુલાઇ મહિનામાં 1 વર્ષ પૂરું થશે. ચાર વર્ષ સુધીમાં બે લાખ ઇ-વ્હીકલનું ગુજરાતમાં વેચાણ થાય એ માટેનો ગુજરાત સરકારનો ટાર્ગેટ છે. અત્યારસુધીમાં મિનિસ્ટ્રી ઓફ રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં મે 2021થી એપ્રિલ 2022 સુધીમાં 25,825 વાહનની નોંધણી થઈ છે. એમાંય વળી ગુજરાત સરકારે 1લી જુલાઇથી શરૂ કરેલી નવી ઇ-વ્હીકલ પોલિસી બાદ જોઈએ તો 25,297 ઇ-વ્હીકલ નોંધાયાં છે.

આમ, તબક્કાવાર ઇ -વ્હીકલની ખરીદીનો ગ્રાફ ઉત્તરોત્તર વધતો જાય છે. મેં 2021માં 212 ઇ-વ્હીકલની નોંધણી થઈ હતી. એની સામે એપ્રિલ-2022માં 6970 ઇ-વ્હીકલ નોંધાયાં હતાં. એપ્રિલ-2021ની સરખાણીમાં એપ્રિલ-2022માં જોઈએ તો અંદાજે 33 ગણો વધારો નોંધાયો છે. બીજી તરફ, ઇ-વ્હીકલ ખરીદનારાને સબસિડી ચૂકવવાની સરકારની યોજના મુજબ જોઈએ તો ગુજરાત વાહનવ્યવહાર કમિશનરની કચેરીમાં 1લી જુલાઇ-2021થી 22-5-2022 સુધીના 10 મહિનામાં 18,583 અરજી ઇ-વ્હીકલની સબસિડી લેવા માટે અરજીઓ આવી હતી. આ અરજીઓ પોર્ટલમાં સીધી એન્ટ્રી થતાં જ ડાયરેકટ ગ્રાહકના ખાતામાં સબસિડીની રકમ જમા થઈ જાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ 18,583 અરજીમાંથી 13,325 અરજીમાં પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. એમાંથી 9850 વાહનોના માલિકોને સબસિડી પેટે 24.35 કરોડની રકમ ચૂકવાઇ ગઈ છે.,જ્યારે 3400 અરજી પ્રોસેસમાં છે. મતલબ કે 8 કરોડની સબસિડી ચૂકવવાની કામગીરી પાઇપલાઇનમાં છે.

ભારત સરકારના આંકડા પ્રમાણે ઇ-વ્હીકલની નોંધણીમાં અનેક ગણો વધારો
ઇ-વ્હીકલને લઈને ગુજરાત સરકાર જ નહીં, બલકે ભારત સરકાર પણ રસ ધરાવે છે, માટે જ ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વાહનની જ સબસિડી નહીં, બલકે ચાર્જિંગ સ્ટેશન તેમ જ વાહનોના ઉત્પાદન વગેરેને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવામાં આવે છે. ત્યાં સુધી કે નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત કે ભારત સરકાર જ નહીં, બલકે સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ પોતાની રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઇ-વ્હીકલની ખરીદીની નોંધણી માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. એની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે. આ કાર્ય ગ્રાહક સીધા પણ કરી શકે છે અથવા તો ડીલરો મારફત પણ એન્ટ્રી પોર્ટલમાં એન્ટ્રી કરાવી શકે છે. આ એન્ટ્રી થતાં જ સરકાર તરફથી નિયત કરાયેલી સબસિડી તેમના ખાતામાં જમા થઈ જાય છે, જેને કારણે ગ્રાહકોને સરકારી કચેરીઓના ધક્કાથી માંડીને અન્ય ઝંઝટમાંથી રાહત મળી જાય છે.

ગુજરાતમાં કેટલાં છે ચાર્જિંગ સ્ટેશન
ગુજરાતમાં હાલ 250 ચાર્જિંગ સ્ટેશન ચાલુ છે, જ્યારે બીજા 50માં પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત સરકાર આગામી છ મહિનામાં બીજા 250 ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા અન્ય 268 નવાં ચાર્જિંગ સ્ટેશન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આમ કુલ 668 સ્ટેશન કાર્યરત થશે. આગામી એક વર્ષમાં આ તમામ ચાર્જિંગ સ્ટેશન ચાલુ થઈ જશે. પ્રત્યેક ચાર્જિંગ સ્ટેશન માટે કેપિટલ સબસિડી 25 ટકા અથવા વધુમાં વધુ 10 લાખની સબસિડી આપવામાં આવશે. ટૂંક સમયમાં આ યોજનાનો અમલ શરૂ થઈ જશે. પાવર મંત્રાલયે દેશમાં ઇ-મોબિલિટી ટ્રાન્ઝિકશન વેગ આપવા માટે સુધારેલા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ફોર ઇલેક્ટ્રિક વાહનો માર્ગદર્શિકા જારી કરી છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે એ માર્ગદર્શિકા અનુસરવાની રહેશે.

પહેલાં સિસ્ટમ કેમ ફલોપ ગઈ હતી?
પહેલાં ફ્રેમ -1માં પણ બજારમાં આવેલાં ઇ-વ્હીકલને ભારત સરકાર તરફથી સબસિડી મળતી હતી, પરંતુ આ ઇ-વ્હીકલની ગુણવત્તા ઓછી, વાહન ચાર્જમાં ઘણો સમય વ્યય થતો હતો તેમ જ મર્યાદિત શ્રેણી અને નબળી કામગીરી હતી. એમાં લીડ બેટરી હોવાથી લો સ્પીડની ફરિયાદો ઊઠી હતી. એટલું જ નહીં, પરંતુ બાઇક પુલ ચડતાં હાંફી જતા હોવાની પણ ફરિયાદો હતી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને જ ભારત સરકાર તરફથી સબસિડી બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે 1લી એપ્રિલ-2019માં ફેમ-2 સ્કીમ લોન્ચ કરી હતી. એમાં લિથિયામાય બેટરી અને પર્ફોર્મન્સવાળાં વ્હીકલ, એડવાન્સ ફીચરવાળાં ઇ વ્હીકલને સબસિડી આપવામાં આવે છે. સરકારની ઇ-વ્હીકલ પોલિસી પ્રોત્સાહક હોવાથી અનેક કંપનીઓ ઇ-વ્હીકલનું ઉત્પાદન કરવા લાગી છે. હાલ અલગ અલગ કંપનીનાં જુદાં જુદાં મોડલ બજારમાં આવી રહ્યાં છે, જે જુદી જુદી એવરેજ આપે છે. એમાં એકદંરે 90થી માંડીને 130 કિલોમીટરની એવરેજ આપતાં હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

કયા વાહનમાં કેટલી સબસિડી ચૂકવાય છે
ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની સાથોસાથ ભારત સરકાર દ્વારા પણ પ્રત્યેક કિલોવોટ મુજબ સબસિડી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ટૂ-વ્હીલરમાં 20 હજાર રૂપિયા, થ્રી-વ્હીલરમાં 5 કિલો વોટની બેટરી હોય તો 50,000 આપવામાં આવે છે, જ્યારે ફોર-વ્હીલરમાં 15 કિલોવોટની બેટરી હોય તો 1,50,000 સબસિડી ચૂકવવામાં આવે છે. એ જ રીતે ભારત સરકાર દ્વારા ટૂ-વ્હીલરની ખરીદી પર અગાઉ પર કિલોવોટ 10,000 રૂપિયા સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ તાજેતરમાં એમાં વધારો કરીને 15,000 રૂપિયા કરવામાં આવી છે. સબસિડી વાહનની કિંમતના 40 ટકાથી વધવી ના જોઈએ.

ભારતમાં ઇ-વ્હીકલના કેટલા ઉત્પાદકો
ભારતમાં ઇ-વ્હીકલના 52 ઉત્પાદક છે. તેમના દ્વારા ઇ-વ્હીકલનાં ટૂ-વ્હીલરથી માંડીને ફોર-વ્હીલરનાં 109 મોડલ બનાવવામાં આવે છે. આ તમામ મોડલ પર સબસિડી ચૂકવવામાં આવે છે. ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020માં નવી ઇન્ડસ્ટ્રીને 5 વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડયૂટીમાં મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતમાં મોટે પાયે ઇન્ડસ્ટ્રી સ્થાપનારને 12 ટકા સુધી ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપવામાં આવે છે. 40 કરોડ સુધીનું વાર્ષિક વેચાણ કરનારાને 10 ટકા સુધી આ લાભ આપવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ સરકાર દ્વારા 50 વર્ષની લીઝ પર જમીન અપાય છે. આ લાભો 2025 સુધી મળવાના છે. ઇ-વ્હીકલ માટે ખાસ ટેરિફનાં ધોરણો છે. કોઈ સ્થળે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવામાં આવે તો ઇવી માટે પ્રતિ યુનિટના 4.10 રૂપિયા નક્કી કરાયા છે.

ઇ-વ્હીકલમાં અનેક ગણો વધારો નોંધાયો
ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની વેબસાઇટમાં ગુજરાતમાં નોંધાયેલા ઇ-વ્હીકલના જાહેર કરેલા આંકડામાં છેલ્લા એક વર્ષમાં ઇ-વ્હીકલના વેચાણમાં અનેક ગણો વધારો નોંધાયો છે. એ પ્રમાણે મે-2021માં માત્ર 212 ઇ-વ્હીકલનું વેચાણ થયું હતું, જયારે એપ્રિલ-2022માં 6970 ઇ-વ્હીકલનું વેચાણ થયું હતું. આમ, મે-2021ની સરખામણીમાં એપ્રિલ-2022માં નોંધાયેલાં ઇ-વ્હીકલમાં અનેક ગણો વધારો નોંધાયો છે.

વાહનમાલિકોને વહેલાસર સબસિડી ચૂકવી દેવામાં આવશે - એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ
રાજયનાં બંદરો અને વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુજરાતમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. એના માટે સરકાર તરફથી જુદાં જુદાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. એના જ ભાગરૂપે ઇ-વ્હીકલ પોલિસી જાહેર કરાઈ છે. આ પોલિસીનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે એ માટે સરકાર દ્વારા ઇ-વ્હીકલ ખરીદનારા ગ્રાહકોને સબસિડી આપવામાં આવી રહી છે. આ યોજના સાકાર કરવામાં પ્રજા તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો છે. પરિણામે, ગુજરાતમાં માત્ર એક વર્ષમાં 25,825 ઇ-વ્હીકલની નોંધણી થઇ છે. એટલું જ નહીં, રાજ્યની વાહનવ્યવહાર કચેરીમાં સબસિડી મેળવવા માટે 18 હજારથી વધુ અરજીઓ આવી છે. એમાંથી 9 હજારથી વધુ વાહનમાલિકને 24.35 કરોડની સબસિડી ચૂકવાઇ ગઈ છે. બાકીના વાહનમાલિકોને પણ વહેલાસર સબસિડી ચૂકવી દેવામાં આવશે. મહત્ત્વની વાત તો એ છે કે વાહનચાલકોને તકલીફ ના પડે એ માટે સરકાર દ્વારા આ સબસિડી સીધી જ વાહનમાલિકના ખાતામાં જમા થઈ જાય છે. ચાર વર્ષ સુધીમાં ગુજરાતમાં 2 લાખ ઇ-વ્હીકલનું વેચાણ થાય એવો ટાર્ગેટ છે. સરકારના જુદા જુદા વિભાગો, જેવા કે જીએસઆરટીસી, એ.એમ.ટી.એસ. વગેરે દ્વારા 900 જેટલી બસો આગામી દિવસોમાં ખરીદવાનું આયોજન છે.

2021થી તમામ ઇ-વ્હીકલ વાહનોને ટેક્સ ફ્રી કરાયાં છે- જૈનિક વકીલ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના બજેટમાં માત્ર ઇ-વ્હીકલમાં ટૂ-વ્હીલર પર ટેક્સ માફ કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ 1લી ઓક્ટોબર-2021થી તમામ પ્રકારનાં ઇ-વ્હીકલને ટેક્સથી મુક્તિ આપવાનો ઠરાવ કરાવ્યો હતો, જેથી અત્યારે તમામ ઇ-વ્હીકલને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સમાંથી રાહત આપવામાં આવે છે. 1લી ઓક્ટોબર-2021થી 6-6-2022 સુધીમાં 3117 ટૂ-વ્હીલર તથા 380 ફોર-વ્હીલર મળીને કુલ 3497 ઇ-વ્હીકલનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે.

સરકારમાં હાલ 40થી 50 વાહન ખરીદાયાં
સને 2020-21માં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત પીજીવીસીએલ, યુજીવીસીએલ વગેરેમાં અધિકારીઓને વિઝિટ માટે ઇલેક્ટ્રિક વાહનો આપવામાં આવ્યાં છે. અત્યારે એક અંદાજ પ્રમાણે 40થી 50 વાહન સરકારમાં ખરીદાયાં છે. હજુ રાજ્યમાં 900 બસ ખરીદવામાં આવશે, જેમાં અમદાવાદમાં 350, સુરતમાં 300, રાજકોટમાં 150, વડોદરામાં 50, જીએસઆરટીસીમાં-50નો સમાવેશ થાય છે.

બેટરી બદલવામાં આવી
પહેલાં ઇ-વ્હીકલમાં લીડ બેટરીનો ઉપયોગ થતો હતો, પરંતુ ધાર્યું પરિણામ નહીં આવતાં હવે લિથિયામાય બેટરીનો ઉપયોગ થાય છે. આ બેટરીની ક્ષમતા વધી જાય છે. સરકાર બેટરીના કિલોવોટના આધારે જ સબસિડી આપે છે.

કેમ સર્જાતા હતા અકસ્માતો?
દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં બેટરી બ્લાસ્ટને કારણે અકસ્માત થયા હતા. આ અકસ્માતના બનાવોના રિપોર્ટ સરકાર દ્વારા મગાવીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ બેટરી સેલ ટેમ્પેરેચર પ્રમાણે સેટ કર્યા હોય એને કારણે બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. લીડ એસિડ બેટરીવાળાં વાહનો ભારત કે ગુજરાત સરકારની સબસિડીમાં આવતાં નથી. આ અકસ્માતો કોઈ એક મોડલના અમુક બેચનાં વાહનોમાં જ બ્લાસ્ટના બનાવો બન્યા હતા. એ વાહનો પાછાં ખેંચી લેવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યાર બાદ સરકારે ભારતના ટેમ્પરેચર પ્રમાણેની જ બેટરી સેલ નાખવા સહિતના ફીચર વગેરેની ચકાસણી કરવામાં આવે છે. જોકે ગુજરાતમાં ઇ-વ્હીકલમાં અકસ્માત સર્જાયા હોવાનો એકપણ કિસ્સો રેકોર્ડ પર નોંધાયો નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...