• Gujarati News
  • Dvb original
  • 20 Million Mysterious Fever In 20 Days In North Korea, Kim Jong's Frenzy Increases The Risk Of New Corona Variant

ભાસ્કર એક્સપ્લેનર:નોર્થ કોરિયામાં 20 દિવસમાં 20 લાખ લોકોને રહસ્યમય તાવ, કિમ જોંગના ઉન્માદથી વધ્યું નવા કોરોના વેરિયન્ટનું જોખમ

3 મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

લગભગ અઢી વર્ષ સુધી કોરોના વાઇરસથી બચી જવાનો દાવો કર્યા બાદ ઉત્તર કોરિયા આ દિવસોમાં રહસ્યમય તાવ સામે ઝઝૂમી રહ્યું છે. એપ્રિલના અંતથી આ દેશમાં લગભગ 20 લાખ લોકો રહસ્યમય તાવથી પીડિત છે. 12 મેના રોજ ઉત્તર કોરિયાએ પુષ્ટિ કરી કે તેના દેશમાં પ્રથમ વખત કોરોના વાઇરસ મળી આવ્યો હતો.

આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ ઉત્તર કોરિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ત્યાં જે રીતે કોરોના કેસને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે એનાથી દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટનો ફેલાવો થવાનો ખતરો ઊભો થયો છે.

આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ઉત્તર કોરિયામાં ફેલાયેલો રહસ્યમય તાવ શું છે? શા માટે એને કોરોના વાઇરસ સંક્રમણ માનવામાં આવે છે? આખરે ચીનની જેમ ઉત્તર કોરિયાની બેદરકારી કોરોનાના નવા વેરિયન્ટના ફેલાવાનું કારણ કેવી રીતે બની શકે?

શું ઉત્તર કોરિયામાં ફેલાયેલો રહસ્યમય તાવ કોરોના જ છે?
WHOએ માર્ચ 2020માં કોરોના વાઇરસને મહામારી જાહેર કરી હતી, પરંતુ છેલ્લાં અઢી વર્ષથી ઉત્તર કોરિયા પોતાની સરહદો સીલ કરીને આ જીવલેણ વાઇરસથી સુરક્ષિત હોવાનો દાવો કરતું રહ્યું, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતથી 2.6 કરોડની વસતિનો મોટો ભાગ રહસ્યમય તાવથી પીડિત છે.

અહેવાલો અનુસાર ઉત્તર કોરિયામાં એપ્રિલથી અત્યારસુધીમાં 20 લાખ લોકો આ રહસ્યમય તાવથી પીડિત છે. 12 મેના રોજ ઉત્તર કોરિયાએ અહીં પ્રથમ વખત કોરોના વાઇરસના Omicronના ચેપી સબ-વેરિયન્ટ BA.2ની હાજરીની પુષ્ટિ કરી, પરંતુ બહુ ઓછા ટેસ્ટિંગને કારણે તેણે કોરોના સંક્રમિતોની ચોક્કસ સંખ્યા જણાવી ન હતી.

ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) અનુસાર, એપ્રિલના અંતથી 20 લાખથી વધુ લોકો તાવનાં લક્ષણોથી બીમાર થઈ ગયા છે, પરંતુ ટેસ્ટિંગના અભાવને કારણે ઉત્તર કોરિયાએ આમાંના ઘણા ઓછા કેસોને કોરોના કેસ હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ એ જ સમયે વિદેશી નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયામાં તાવ ફેલાવવાનું કારણ કોરોના વાઇરસ જ છે.

એટલે કે તમામ દાવાઓ છતાં ઉત્તર કોરિયા હવે કોરોના વાઇરસના ભયંકર પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે. જોકે ઉત્તર કોરિયાનું સ્ટેટ મીડિયા હજી પણ પીડિતોની સંખ્યાની જાણ કરતી વખતે આંકડાઓ જાહેર કરી રહ્યું છે, એને 'તાવના કેસો' કહે છે. ઉત્તર કોરિયા દ્વારા 19 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં તાવના 2 લાખ 62 હજાર 270 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે. આ સાથે તાજેતરના દિવસોમાં ફેલાતા તાવથી મૃત્યુઆંક વધીને 63 થઈ ગયો છે. આ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ હાલમાં 7.40 લાખ લોકો ક્વોરન્ટીન છે.

કિમ જોંગે લગાવ્યું તમામ શહેરોમાં લોકડાઉન
તાવથી પીડાતા લોકોની સંખ્યા વધ્યા પછી અને પ્રથમ કોરોના કેસ મળ્યા પછી નોર્થ કોરિયાએ એને રાષ્ટ્રીય કટોકટીની જેમ લીધું છે. ત્યાંના સરમુખત્યાર કિમ જોંગે તમામ શહેરોમાં લોકડાઉન લગાવી દીધું છે. તાવ અને અસામાન્ય લક્ષણવાળા લાખો લોકોને ક્વોરન્ટીઈન કરી દેવાયા છે.

રિપોર્ટ્સ અનુસાર, નોર્થ કોરિયાની મેડિકલ સિસ્ટમ અત્યંત નબળી છે, તેથી દવાઓના યોગ્ય ડિસ્ટ્રિબ્યુશન માટે રાજધાની પ્યોંગયોંગમાં મેડિકલ સેન્ટર્સ પર સેના તહેનાત કરી દેવાઈ છે. એવું મનાય છે કે જેટલા મોટા પાયે ત્યાં કોરોના ફેલાઈ રહ્યો છે એનો સામનો કરવા માટે નોર્થ કોરિયાની મેડિકલ સિસ્ટમ સક્ષમ નથી.

નોર્થ કોરિયા આપતું નથી દુનિયાને સાચી જાણકારી
નોર્થ કોરિયાના એ દાવા પર સવાલો સર્જાઈ રહ્યા છે કે માત્ર થોડાં જ સપ્તાહોમાં જ તેમના 10 લાખ લોકો કોરોના મનાતા રહસ્યમયી તાવમાંથી સ્વસ્થ થઈ ગયા. કેટલાક એક્સપર્ટ્સ કહે છે કે એનું એક કારણ એ હોઈ શકે છે કે નોર્થ કોરિયા તાવ ઘટતાં જ લોકોને ક્વોરન્ટીનથી રિલીઝ કરી દે છે.

નોર્થ કોરિયા હંમેશાં દુનિયાથી પોતાને સંબંધિત જાણકારી છુપાવતું રહ્યું છે. તેણે એ ક્યારેય ન જણાવ્યું કે 1990ના દાયકામાં ત્યાં પડેલા ભીષણ દુષ્કાળમાં કેટલાં મોત થયાં હતાં. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, એ ભીષણ દુષ્કાળમાં નોર્થ કોરિયામાં 20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2006-2007 દરમિયાન ત્યાં ફેલાયેલો ઓરી દરમિયાન પણ તેણે દુનિયાને સાચી જાણકારી આપી નહોતી.

જ્યારે ઉત્તર કોરિયાએ 12 મેના રોજ દેશના પ્રથમ કોરોના કેસની પુષ્ટિ કરી ત્યારે પણ તેણે એ પણ નથી જણાવ્યું કે કેટલા લોકોને આ ચેપ લાગ્યો છે. તેમણે બસ એટલું કહ્યું કે 8 મેના રોજ તાવથી પીડિત કેટલાક લોકોના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં ચેપી ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યો હતો.

આ જ કારણ છે કે ઘણા નિષ્ણાતો માને છે કે ઉત્તર કોરિયામાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ભયાનક હોઈ શકે છે, જે વિશ્વ માટે બિલકુલ સારો સંદેશ નથી.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની કોરોનાને હેન્ડલ કરવાની રીત બદલ ટીકા થઈ રહી છે.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગની કોરોનાને હેન્ડલ કરવાની રીત બદલ ટીકા થઈ રહી છે.

ઉત્તર કોરિયા કેવી રીતે કોરોનાથી બચેલું રહ્યું
અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ-જોંગ-ઉને કોરોનાથી બચવા માટે જાન્યુઆરી 2020થી પોતાની સરહદો સીલ કરી દીધી હતી. કોરોનાના ખતરાને જોતાં તેણે ટોક્યો અને બીજિંગ ઓલિમ્પિકમાં પોતાની ટીમો જ મોકલી ન હતી.

તેણે તેના સૌથી મોટા વેપાર ભાગીદાર અને તેની અર્થવ્યવસ્થાની જીવનરેખા સમાન ચીન સાથે લગભગ તમામ વેપાર પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. દેશની સરહદો આટલી કડકાઈથી સીલ હોવા છતાં ઉત્તર કોરિયામાં કોરોના વાઇરસ કેવી રીતે પ્રવેશ્યો એ હજુ સ્પષ્ટ નથી.

ઉત્તર કોરિયાના દાવા પર કેમ સવાલો ઊઠી રહ્યા છે
ઘણા નિષ્ણાતો ઉત્તર કોરિયાના છેલ્લાં અઢી વર્ષથી કોરોનાથી બચવાના દાવા પર સવાલ ઉઠાવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયામાં હજુ સુધી કોરોનાના કેસ ન આવ્યા હોય એવી શક્યતા નથી, જોકે તે ચીનનો સરહદી દેશ છે તેમજ ચીન સાથેના ગાઢ સંબંધોને જોતાં બંને દેશોના લોકોની અવરજવર ત્યાં કોરોના સુધી પહોંચી હશે.

નિષ્ણાતોનું માનવું છે કે એ પણ સંભવ છે કે હવે ઉત્તર કોરિયામાં કોરોના બેકાબૂ થઈ ગયો છે, તેથી જ તેણે કોરોનાની હાજરી સ્વીકારી લીધી છે.

શા માટે WHOએ કોરોનાના નવા વેરિયન્ટના ફેલાવાની શક્યતા વ્યક્ત કરી
WHO ઈમર્જન્સીના ડાયરેક્ટર માઈક રેયાને કહ્યું હતું કે અમે વારંવાર કહ્યું છે કે જ્યાં કોરોનાના અનિયંત્રિત ટ્રાન્સમિશનનું જોખમ છે ત્યાં નવા વેરિયન્ટ આવવાનું જોખમ વધારે છે. એવું માનવામાં આવે છે કે કોરિયાની લગભગ 26 મિલિયન વસતિને કોરોના માટે રસી આપવામાં આવી નથી, એટલે કે કોરોનાના અનિયંત્રિત ફેલાવા અને એનાથી નવા વેરિયન્ટ્સ આવવાનું જોખમ વધારે છે.

WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયિયસે ઉત્તર કોરિયાને અપીલ કરી છે કે તેઓ કોરોના રોગચાળા સાથે સંબંધિત ડેટા અને માહિતી શેર કરે. ટેડ્રોસ કહે છે કે ડબ્લ્યુએચઓ ખૂબ જ ચિંતિત છે કે ઉત્તર કોરિયામાં કોરોના ફેલાવવાનું જોખમ ખૂબ જ વધારે છે, કારણ કે ત્યાંની લગભગ આખી વસતિ રસી વગરની છે, જેને કારણે તેઓ ગંભીર રીતે બીમાર પડવાનું અને મૃત્યુ પામવાનું જોખમ ધરાવે છે.

ઉત્તર કોરિયા અને એરિટ્રિયા સંયુક્ત રાષ્ટ્રના એકમાત્ર સભ્ય દેશો છે, જેમણે હજી સુધી કોરોના રસી કાર્યક્રમ શરૂ કર્યો નથી. એ જ સમયે, ડબ્લ્યુએચઓ કહે છે કે આ બંનેમાંથી કોઈપણ દેશે રસી, દવાઓ, પરીક્ષણો અને તકનીકી સહાય માટેના એના પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી.

ઉપરાંત ઉત્તર કોરિયાએ પહેલેથી જ લાખો કોરોના રસી પ્રદાન કરવાની યુએનની ઓફરને ઠુકરાવી દીધી છે, કારણ કે તેને આંતરરાષ્ટ્રીય દેખરેખની જરૂર હતી.

ચીને પણ શરૂઆતમાં માહિતી છુપાવી, પછી કોરોના ઝડપથી ફેલાયો
નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયા ચીનના રસ્તે ચાલી રહ્યું છે. ચીને પણ શરૂઆતમાં કોરોના કેસને દુનિયાથી છુપાવ્યો હતો. સત્તાવાર રીતે કોરોના વાઇરસનો પહેલો કેસ ડિસેમ્બર 2019માં ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો, પરંતુ એવું માનવામાં આવે છે કે ચીનમાં આ પહેલાં પણ કોરોનાના કેસ મળી ચૂક્યા હતા, પરંતુ તેણે તેને દુનિયાથી છુપાવીને રાખ્યો હતો.

શરૂઆતમાં ચીને કોરોનાને ફ્લૂ અને તાવ જેવી બીમારી ગણાવીને એની ગંભીરતા દુનિયાથી છુપાવી હતી. જાન્યુઆરી 2020માં પહેલીવાર WHOએ કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ કરી હતી, પરંતુ જ્યાં સુધી વિશ્વ તેની ગંભીરતા સમજી શક્યો ત્યાં સુધીમાં તે ચીનથી ફેલાઈ ગયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. છેલ્લાં અઢી વર્ષમાં કોરોનાના 52 કરોડથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે આને કારણે 62 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

ચીન પર તેની વુહાન લેબથી કોરોના વાઇરસને દુનિયામાં ફેલાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે ચીને કોરોનાથી મૃત્યુના વાસ્તવિક આંકડાને પણ હજારો ગણો ઓછો આંક્યો છે. ધ ઈકોનોમિસ્ટના રિપોર્ટ અનુસાર, ચીનમાં કોરોનાથી મૃત્યુઆંક 17000% ઓછો નોંધાયો છે. આ રિપોર્ટ અનુસાર, ચીનમાં કોરોનાને કારણે 5200 નહીં, પરંતુ લગભગ 17 લાખ લોકોનાં મોત થયા છે.

આવી સ્થિતિમાં, જ્યારે ચીનની જેમ દુનિયાથી પોતાની વસ્તુઓ છુપાવીને જીવતું ઉત્તર કોરિયા ઝડપથી વધી રહેલા કોરોના કેસની માહિતી છુપાવી રહ્યું છે, ત્યારે દુનિયાની સામે કોરોનાના નવા વેરિયન્ટ આવવાનું જોખમ વધી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...