• Gujarati News
  • Dvb original
  • 2 Out Of Every 3 People In The Country Use Amul Products, Providing Employment To Even More People Than Adani Ambani

Amul@75:દેશની દર ત્રણમાંથી 2 વ્યક્તિ અમૂલનાં ઉત્પાદનો વાપરે છે, અદાણી-અંબાણી કરતાં પણ વધુ લોકોને આપે છે રોજગારી

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • અમૂલ FMCG કો-ઓપરેટિવ બની ITC, અદાણી, નેસ્લે, HUL, બ્રિટાનિયા જેવી મોટી કંપનીઓને ટક્કર આપશે

અમૂલ એની સ્થાપનાનું 75મું વર્ષ ઊજવી રહ્યું છે. વર્ષ 1946માં ગુજરાતથી શરૂ થયેલી આ સફર આજે દેશના ખૂણે ખૂણે પ્રસરી છે. એટલું જ નહીં, પણ અમૂલ આજે દરેક ઘરની જરૂરિયાત પણ બની ગઈ છે. અમૂલનો દાવો છે કે ભારતમાં અંદાજે 100 કરોડ લોકો રોજ એનાં ઉત્પાદનો વાપરે છે, એટલે કે દર ત્રણમાંથી 2 વ્યક્તિ રોજ અમૂલનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે.

અત્યારે લોકો અમૂલને એક સહકારી ડેરીની બ્રાન્ડ તરીકે જુએ છે, પરંતુ એ ધીમે ધીમે નોન-ડેરી પ્રોડક્ટ્સમાં પણ આવી રહી છે. એ હવે પોતાની ઓળખ ડેરી કો-ઓપરેટિવમાંથી FMCG કો-ઓપરેટિવ બની ITC, અદાણી વિલમર, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા જેવી મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવવા તરફ આગળ વધી રહી છે. દિવ્ય ભાસ્કરે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢી સાથે વાત કરીને અમૂલની અત્યારસુધીની સફર તથા એના ભવિષ્ય અંગે જાણ્યું હતું.

દેશના લગભગ 100 કરોડ લોકો અમૂલની પ્રોડક્ટ્સ વાપરે છે
આર. એસ. સોઢીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દેશના આશરે 100 કરોડ લોકો અમૂલ દૂધ સહિત અન્ય ઉત્પાદનો વાપરે છે. હાલમાં અમૂલ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, કાશ્મીર, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ સહિત 16-17 રાજ્યમાં હાજર છે. અમે ધીમે ધીમે અન્ય રાજ્યોમાં પણ આગળ વધી રહ્યા છીએ. મીઠાઇ સેગમેન્ટમાં પણ ગ્રાહકો તરફથી અમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી (ફાઇલ ફોટો).
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી (ફાઇલ ફોટો).

દૈનિક 247 લિટરમાંથી અત્યારે રોજના 2.50 કરોડ લિટર દૂધનું કલેક્શન
અમૂલની શરૂઆત થઈ એ સમયે રોજનું 247 લિટર દૂધનું કલેક્શન થતું હતું. ધીમે ધીમે આ કો-ઓપરેટિવ બ્રાન્ડનો વિસ્તાર થયો. સેંકડોમાંથી હજારો અને હજારોમાંથી લાખો પશુપાલકો અને ખેડૂતો એની સાથે જોડાતાં ગયાં. આજે અમૂલ સાથે ગુજરાતમાં 27 લાખ અને ગુજરાત બહાર 7 લાખ મળીને કુલ અંદાજે 35 લાખ જેટલા પશુપાલકો જોડાયેલા છે અને અમૂલ દૈનિક આશરે 2.50 કરોડ લિટર દૂધનું કલેક્શન કરે છે.

અંબાણી-અદાણી કરતાં પણ વધુ રોજગારી આપે છે
રોજગારી આપવાની બાબતમાં પણ અમૂલ ભારતમાં ટોચના રિલાયન્સ, અદાણી ગ્રુપ, ટાટા ગ્રુપ સહિતના કોર્પોરેટ્સ કરતાં પણ આગળ છે. આર. એસ. સોઢીના કહેવા પ્રમાણે 1 લાખ લિટર દૂધ કલેક્શન, પ્રોસેસિંગ અને ડિસ્ટ્રિબ્યુશન થાય તો એમાં સીધા કે પરોક્ષ રીતે અંદાજે 6000 લોકોને રોજગારી મળે છે. આમાં દૂધ ઉત્પાદક, પ્લાન્ટમાં કામ કરનારા લોકો, ટ્રાન્સપોર્ટ, માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને વેચાણ કરતા લોકો સામેલ છે. આ રીતે અમૂલ રોજનું 2.50 કરોડ દૂધ કલેક્ટ કરે છે, એ હિસાબે અમૂલ આશરે 15 લાખ લોકોને રોજગારી આપે છે.

છેલ્લાં 25 વર્ષમાં ટર્નઓવર 3423% વધ્યું
અમૂલના આર્થિક ગ્રોથ પર નજર કરીએ તો ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)નું ટર્નઓવર 1994-95માં રૂ. 1,114 કરોડ હતું, જે 2020-21માં રૂ. 39,248 કરોડ પર પહોંચ્યું છે. અમૂલ અને એની સાથે જોડાયેલા 18 ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન્સનું સંયુક્ત ટર્નઓવર રૂ. 53,000 કરોડને પાર કરી ગયું છે. સોઢીએ જણાવ્યું હતું કે 2021-22માં સંયુક્ત રીતે રૂ. 63,000 કરોડના ટર્નઓવરની અપેક્ષા છે.

દેશભરમાં 87 પ્લાન્ટમાં બને છે અમૂલનાં ઉત્પાદનો
ડેરી, બેકરી, મીઠાઇ, આઇસક્રીમ અને નોન-ડેરી સહિતનાં અમૂલનાં વિવિધ ઉત્પાદનો દેશભરમાં મળી રહે એ માટે ડેરી કો-ઓપરેટિવના ભારતમાં 87 જેટલા પ્લાન્ટ છે, આમાંથી 30 પ્લાન્ટ ગુજરાતમાં આવેલા છે. આ બધા પ્લાન્ટ સ્ટ્રેટેજિકલી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની વચ્ચે લોકેટેડ છે. અમૂલનો સૌથી મોટો પ્લાન્ટ ગાંધીનગર જિલ્લાના ભાટ ગામમાં આવેલો છે. અમૂલ, સાગર અને જન્મય બ્રાન્ડ હેઠળ તમામ વસ્તુઓનું વેચાણ થાય છે. આ ઉપરાંત GCMMF સાથે જોડાયેલા ઉત્પાદક સંઘોની પણ પોતાની અલગ અલગ બ્રાન્ડ છે.

ડેરી બાદ ટોચની FMCG બનવા પર નજર
અમૂલ ધીમે ધીમે નોન-ડેરી પ્રોડક્ટ્સમાં પણ આગળ વધી રહી છે. 2019થી અમૂલ નોન-ડેરી સેગમેન્ટમાં પ્રવેશી છે. તેણે જન્મય બ્રાન્ડ હેઠળ ખાદ્યતેલ, લોટ (ફ્લોર), મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર અને મધ લોન્ચ કર્યાં છે. આ ઉપરાંત તે પોટેટો સ્નેક્સ અને ફ્રોઝન ફૂડમાં પણ નાના પાયે છે. આ રીતે એની સીધી સ્પર્ધા અદાણી વિલ્મર, ITC, મેરિકો, નેસ્લે, બ્રિટાનિયા અને હિન્દુસ્તાન યુનિલીવર (HUL) જેવી ટોપ બ્રાન્ડ્સ સાથે છે. સોઢીએ જણાવ્યું વધુમાં જણાવ્યું હતું કે અત્યારે અમે લર્નિંગ ફૅઝમાં છીએ, એટલે નોન-ડેરી પ્રોડકટમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આવનારા સમયમાં ધીમે ધીમે વધુ નવી પ્રોડક્ટનો ઉમેરો કરીશું. આ બાબતે અમે ધીમે ધીમે આગળ વધવા માગીએ છીએ. જોકે નોન-ડેરી પર અમારું ફોકસ છે, પણ સાથે સાથે ડેરી સેગમેન્ટમાંથી અમારી નજર હટશે નહીં.

દર 200 મીટરે એક અમૂલ પાર્લર હોય એવી પોલિસી
આજે ગુજરાતમાં 2300 સહિત દેશભરમાં અમૂલના 10,000થી વધુ પાર્લર આવેલા છે. રેસિડેન્શિયલ સોસાયટી ઉપરાંત લોકોની અવરજવર હોય એવાં સ્થળો, જેમ કે ગાર્ડન, પાર્ક, પેટ્રોલ પંપ જેવા સ્થળો પર અમૂલ પાર્લર હોય છે. અમૂલનો ટાર્ગેટ છે કે દરેક 200 મીટર પર લોકોને અમૂલની પ્રોડક્ટ મળી રહે. આ ઉપરાંત અમૂલ વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુજરાત અને ગુજરાત બહાર દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પોતાના પ્રોસેસિંગ યુનિટ બનાવવા જઈ રહી છે. આ બધાને કારણે અમૂલની પ્રોસેસિંગ 2025 સુધીમાં દૈનિક 425 લાખ લિટર થઈ જશે.

ખેડૂતોની કુલ આવકમાં અમૂલનું 30% યોગદાન
આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે અમૂલનો મૂળ ઉદ્દેશ નાના ખેડૂતો અને પશુપાલકોને માર્કેટ સાથે જોડી તેમને તેમનાં ઉત્પાદનોનો સારો ભાવ અપાવવાનો છે. છેલ્લાં 75 વર્ષથી અમે આ ઉદ્દેશ સાથે જ આગળ વધી રહ્યા છીએ. પશુપાલકોને જે ચૂકવણું કરે છે એના થકી અમૂલ ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રોજનું રૂ. 150 કરોડનું યોગદાન આપે છે. પશુપાલન અને ખેતી મારફત ખેડૂતોને જે આવક થાય છે એમાં અમૂલમાંથી મળતી આવકનું કંટ્રિબ્યુશન લગભગ 30% જેટલું છે. અમૂલ પોતાની કમાણીના 80% દૂધ ઉત્પાદકોને આપે છે.

અમૂલની સ્થાપના
અમૂલ સહકારી ચળવળની શરૂઆત વર્ષ 1945માં ભારતની આઝાદીની ચળવળ પહેલાં થઈ હતી, જ્યારે ખેડા જિલ્લાના ખેડૂતોએ બ્રિટિશ સરકારની શોષણ નીતિ સામે હડતાળ પાડી હતી. વર્ષ 1946માં બે નાનાં ગામડાંમાંથી દૈનિક માત્ર 250 લિટર દૂધ એકત્ર કરીને અમૂલ સહકારી માળખાનો પ્રારંભ કરાયો હતો. વર્ષ 1945માં કોન્ટ્રેક્ટરો આણંદમાંથી દૂધ એકત્ર કરીને મુંબઇ મોકલતા હતા. જોકે દૂધના ભાવમાં કરેલા વધારાનો લાભ દૂધઉત્પાદકોને ન મળતાં અસંતોષ સર્જાયો અને સરદાર પટેલે મોરારજી દેસાઇના પ્રમુખપદે 1946માં ખેડૂતોની સભા યોજી તથા સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ-ઉત્પાદક સંઘ સંચાલિત ડેરી સ્થાપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે ખેડા જિલ્લા દૂધઉત્પાદક સંઘની સ્થાપના સાથે તારીખ 14 ડિસેમ્બર 1946ના રોજ અમૂલની સ્થાપના થઈ હતી.

ડાબેથી ડો. વર્ગીસ કુરિયન સાથે અમૂલ સ્થાપક અધ્યક્ષ ત્રિભુવનદાસ પટેલ અને એચ.એમ. દલયા (ફોટો: અમૂલ લાઇબ્રેરી).
ડાબેથી ડો. વર્ગીસ કુરિયન સાથે અમૂલ સ્થાપક અધ્યક્ષ ત્રિભુવનદાસ પટેલ અને એચ.એમ. દલયા (ફોટો: અમૂલ લાઇબ્રેરી).

વર્ગીસ કુરિયને મહત્ત્વનો રોલ નિભાવ્યો
અમૂલ બ્રાન્ડ બનાવવામાં ડો. વર્ગીસ કુરિયનનો મહત્ત્વનો ફાળો છે. કેરળના 28 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર વર્ગીસ કુરિયન ડેરીનું સંચાલન કરવા સરકારી કર્મચારી તરીકે 1949માં આણંદ આવ્યા હતા. ત્યારે કોઈ જાણતું નહોતું કે ડૉ. કુરિયન ક્યારેય આણંદ છોડશે નહીં અને તેને ભારતની દૂધની રાજધાની બનાવશે. તેમની દેખરેખ હેઠળ 1955માં અમૂલ (આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ)નો જન્મ થયો. વર્ગીસ કુરિયન લગભગ દરેક રીતે અમૂલના આર્કિટેક્ટ હતા અને આજે તેઓ ભારતના 'મિલકમેન' તરીકે જાણીતા છે. ડો. વર્ગીસ કુરિયને અમૂલને ટેકનોલોજી સંબંધિત બાબતોમાં સતત અપગ્રેડ રાખી હતી, એટલે જ આજે અમૂલ પાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ મશીનરી સાથેના પ્લાન્ટ છે.

અમૂલ ગર્લ 55 વર્ષની થઈ
પોલ્કા ડોટેડ ફ્રોકમાં બટર લગાવેલી બ્રેડ સ્લાઈસ હાથમાં રાખી હોઠ પર જીભ ફેરવતી છોકરી આજે અમૂલની બ્રાન્ડ આઇડેન્ટિટી બની ગઈ છે. અમૂલનાં પ્રોડક્ટ્સ, હોર્ડિંગ, એડવર્ટાઈઝમેન્ટ અને સોશિયલ મીડિયા સહિત દરેક જગ્યાએ કરન્ટ ટોપિક પર એક લાઈનમાં મેસેજ આપતી આ અમૂલ ગર્લનો જન્મ 1966માં થયો હતો. એ સમયની અમૂલની કોમ્પિટિટર પોલોસન બટરની બ્રાન્ડ આઇડેન્ટિટી પણ આવી જ એક નાની છોકરી હતી અને તેની સામે મુંબઈની એડ એજન્સી FCB ઉલ્કાના સિલ્વેસ્ટર ડા' કુન્યાએ તેમના ઇલસ્ટ્રેશન આર્ટિસ યુસ્ટેસ ફર્નાન્ડિસ અને ઉષા કાત્રક સાથે મળી અમૂલ ગર્લની રચના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...