ગ્રાઉન્ડ રિપોર્ટ:સ્વામિનારાયણનગરનું 50% કામ પૂર્ણ, નગર ફરતે 7 ગેટ ઊભા કર્યા, 26 પ્રેમવતીનું સંચાલન મહિલાઓ જ કરશે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ મહોત્સવની આગામી 15 ડિસેમ્બરથી એક મહિના માટે ભક્તિભાવપૂર્વક ઉજવણી થવાની છે. આ મહોત્સવ માટે સાયન્સ સિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ સ્થળ સ્વામિનારાયણ નગર આકાર લઇ રહ્યું છે. હવે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીની આડે હવે બે મહિના જ બાકી રહ્યાં છે. જેથી નગર ઊભું કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વરસાદના વિધ્ન વચ્ચે પણ અત્યારસુધીમાં નગરમાં 50 ટકાથી વધુ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. તેને ધ્યાનમાં લઇને જ દિવ્ય ભાસ્કરે હરિભક્તો તેમજ ભાવિક ભક્તોની જાણકારી માટે બી.એ.પી.એસ. સંસ્થાના સ્વામીઓના સાથ અને સહકારથી બીજો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે.

જ્યારે નવેમ્બરના અંત સુધીમાં 80 ટકાથી વધુ કાર્ય પૂર્ણ કરી દેવાની ગણતરી છે. જરૂર પડ્યે સ્વંયસેવકો દ્વારા 24 કલાક કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. નવા વસતાં શહેરમાં જેમ જરૂરી તમામ સુવિધા ઊભી કરવામાં આવે તે જ પ્રકારની નાનામાં નાની અને ઝીણામાં ઝીણી વસ્તુઓ આ પ્રમુખસ્વામી નગરમાં ઉપલબ્ધ બને તેની કાળજી લેવામાં આવી રહી છે.

હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહ
સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો તથા વેપારીઓએ મહોત્સવ માટે આપેલ કુલ 600 એકર જમીનમાંથી 200 એકર જમીનમાં આખુંય નગર ઊભું કરવામાં આવશે. આ મહોત્સવને લઇને હરિભક્તોથી માંડીને ભાવિક ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે.

પ્રમુખસ્વામીની 100 જેટલી નાની મૂર્તિઓ મુકાશે
સ્વામિનારાયણ નગરમાં નવી દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકૃતિ રૂપે મંદિર ઊભું કરી દેવામાં આવ્યું છે. તેમજ પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી મૂર્તિ રહેશે. તેમ જ તેની આસપાસ 100 જેટલી પ્રમુખસ્વામીની નાની મૂર્તિઓ મૂકવામાં આવશે. મૂર્તિ મૂકવા માટેનું સ્ટ્રક્ચર ઊભું કરી દેવામાં આવ્યું છે. તેને હાલ આખરી ઓપ અપાઇ રહ્યો છે.

મંદિર પાછળ બાળનગરી ઊભી કરાશે
ટૂંક સમયમાં તૈયાર થઇ જતાં ત્યાં પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. આ મૂર્તિની ઊંચાઇના કારણે એસ.પી.રિંગ રોડ પરથી પસાર થનારા રાહદારી તેમજ વાહનચાલકો પણ પણ પ્રમુખસ્વામીના દર્શન કરી શકશે. મંદિર અને પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ વચ્ચે ગ્લો ગાર્ડન ઊભું કરવામાં આવશે. હાલ મંદિરમાં દર્શન કર્યા બાદ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ પાસે જવા માટેની જગ્યા પર પેવર બ્લોક નાંખવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. મંદિરની પાછળ બાળનગરી ઊભી કરવામાં આવશે. ત્યાં મહત્વની વાત તો એ છે કે, પાણીની ટાંકી કોઇને દેખાય નહીં તે રીતે ટાંકી પર નીત નવા આર્ટ મૂકીને સુંદર રીતે સજાવટ કરવામાં આવશે. બાળનગરીની બાજુમાં જ લાઇટ એન્ડ સાઉન્ડ શો ઊભો કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં 15 હજાર લોકો એકસાથે લાઇટિંગ શો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

સ્વયંસેવકો માટે બે ભોજનશાળા તથા બે હોસ્પિટલ ઊભી કરાશે
આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખ્ખો હરિભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડશે. જો કે આ મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવકો સેવા આપશે. તેમના માટે સંસ્થા તરફથી અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ નગરમાં સેવા કરનારા સ્વંયસેવકો માટે બે ભોજનશાળા તથા બે હોસ્પિટલો પણ ઊભી કરવામાં આવશે. તેની સાથે સાથે દેશ અને દુનિયામાંથી જોવા આવનારાઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરાઇ છે. જેમ પ્રમુખસ્વામી નગર માટે ખેડૂતો, વેપારીઓ તેમ જ ઉદ્યોગપતિઓએ જમીન આપી છે. તે જ રીતે હરિભક્તોના રહેવા માટે બિલ્ડરો તરફથી પણ મકાનો આપીને સેવા કરી હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. આ મકાનોમાં બહારગામથી આવતાં હરિભક્તોને 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. હાલ તેના માટેની નોંધણી ચાલી રહી છે અને નોંધણી કરાવનાર હરિભક્તોને જ ઉતારા આપવામાં આવશે.

ગ્લો ગાર્ડન માટે ખાસ નર્સરી ઊભી કરવામાં આવી
દુબઇના ગ્લો ગાર્ડનને પણ ભૂલી જાવ તે પ્રકારનું ગ્લો ગાર્ડન નગરમાં ઊભું કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ગ્લો ગાર્ડનમાં કોઇએ નહીં જોયા હોય તેવા જાત-જાતના અને ભાત-ભાતના રંગબેરંગી ફૂલો મૂકવામાં આવશે. તેના માટે હાલ નગરની પાછળના ભાગમાં નર્સરી ઊભી કરવામાં આવી છે. ત્યાં હજ્જારોની સંખ્યામાં છોડ, ફૂલોની માવજત કરવામાં આવી રહી છે. ખાસ પ્રકારના ફૂલો મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. તેના માટે હાલ ગુજરાતના ખૂણે ખૂણેથી મહિલા હરિભક્તો સેવામાં આવી છે.

સાતેય દરવાજા ઊભા કરી દેવાયા
નગરની ફરતે સાત દરવાજા ઊભા કરી દેવામાં આવ્યા છે. વીવીઆઇપીઓને મુખ્ય પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ આપવામાં આવશે. જ્યારે નગરની એકબાજુ ગેટ નંબર-2,3 અને 4 રહેશે. ભાડજ સર્કલથી આવનારા લોકોને આ ત્રણ પ્રવેશદ્વારોથી પ્રવેશ અપાશે. અને પ્રવેશ દ્વારથી થોડેક દૂર પાર્કીંગની વ્યવસ્થા ઊભી કરાશે. તે જ રીતે ગેટ નંબર -5, 6 અને 7માં ઓગણજ સર્કલ તરફથી આવનારા લોકોને પ્રવેશ અપાશે. તેમના માટે પણ ત્યાં જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

નગરમાં પ્રવેશતાં જ બન્ને બાજુ વોશરૂમની સુવિધા
નગરમાં પ્રવેશતાંની સાથે જ બંને બાજુ મહિલા અને પુરુષ માટે વોશરૂમ રહેશે. ત્યાંથી આગળ આવતાં જ પ્રેમવતી તેમજ બુક સ્ટોલ રહેશે. પ્રેમવતીનું સંચાલન મહિલાઓ જ કરશે. કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમથી ચાલનાર પ્રેમવતીમાં સામાન્ય દરથી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. પ્રેમવતીનું સંચાલન મહિલાઓ કરશે પરંતુ વસ્તુઓ પહોંચાડવા માટે પુરુષોની મદદ લેવામાં આવશે. આવી અંદાજ પ્રમાણે 26 જેટલી પ્રેમવતી ઊભી કરવામાં આવનાર છે.

નગર સંપૂર્ણ CCTVથી સજ્જ રહેશે
પ્રજાની સલામતિને ધ્યાનમાં લઇને નગરને CCTVથી સજ્જ કરવામાં આવશે. તે ચોતરફ નજર રાખશે. આ ઉપરાંત અલાયદો સલામતિ સ્ટાફ પણ તૈનાત રહેશે. તેઓ આધુનિક સાધનોથી પોતાની સેવા બજાવશે. તેમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સીસીટીવીથી સમગ્ર નગર પર નજર રાખવા માટે તેનો અલાયદો કંટ્રોલ રૂમ ઊભો કરાશે.

સ્વયંસેવકો માટે ત્રણ ઉતારા ઊભા કરાશે
નગરમાં ખડેપગે સેવા કરનારા સ્વયંસેવકો માટે નગરમાં જ ભોજન શાળા ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં પરંતુ તેમના ઉતારા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નગરની નજીક જ પ્રમુખ હ્રદય, યોગી હ્રદય, અને ભક્તિ હ્રદય રહેશે. પ્રમુખ હ્રદયમાં પુરુષોને ઉતારા અપાશે. જયારે યોગી હ્રદયમાં બાળનગરીના સ્વયંસેવકો તથા બાળકોને રાખવામાં આવશે. તો ભક્તિ હ્રદયમાં મહિલાઓને ઉતારા આપવામાં આવશે. આ ભક્તિ હ્રદયમાં સલામતિ માટે પણ મહિલાઓને જ મૂકવામાં આવશે.

પૂછપરછ કેન્દ્ર ઊભું કરાશે
આમ તો પ્રવેશતાંની સાથે જ લોકોને નજરે પડે તે રીતે જોવા લાયક મંદિર, મૂર્તિ, બાળનગરી તેમ જ લાઇટીંગ એન્ડ સાઉન્ડ સીસ્ટમના બોર્ડ મૂકવામાં આવશે. આમ છતાં કોઇ જાણકારી જોઇતી હોય તો પૂછપરછ કેન્દ્ર ઊભું કરવામાં આવશે. ઉપરાંત બેસવા માટે બાકડાં પણ મૂકવામાં આવનાર હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરમાં કોઇપણ ઠેકાણે કચરો ના થાય તે માટેની વ્યવસ્થા ઊભી કરાશે. આ ઉપરાંત સફાઇ કામદારો ખડેપગે સેવા કરશે. સફાઇ કાર્ય સતત ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...