તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:તમારી પાસે ટૂંક સમયમાં હશે 8 રસીના વિકલ્પ, જાણો ક્યાં સુધીમાં કઈ વિદેશી રસી આવી શકે છે ભારત?

3 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

વેક્સિનની ઝડપમાં જૂનમાં ફરી એકવાર ગતિ આવી છે. જોકે અત્યારે પણ દેશની માત્ર 15% વસતિ, જેને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ અનેક વિદેશી વેક્સિનને ભારતમાં ટ્રાયલની શરત દૂર કરી છે. આ નિર્ણયથી વેક્સિનેશનની ઝડપ હજુ પણ વધવાની આશા છે.

જ્યારે બીજી તરફ સરકારનો દાવો છે કે દેશમાં ડિસેમ્બર સુધીમાં 216 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ થશે. આ દરમિયાન દેશના લોકોની પાસે 8 રસીનો વિકલ્પ હશે. જોકે અત્યારે માત્ર કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિક-Vની રસી જ દેશમાં ઉપલબ્ધ છે.

આખરે DCGIના નિર્ણયની શી અસર થશે? કઈ વિદેશી વેક્સિન દેશમાં આવનારી છે. આ વેક્સિન્સનું પ્રોડક્શન દેશમાં કઈ કંપની કરશે? કઈ વિદેશી વેક્સિન ક્યાં સુધીમાં દેશમાં ઉપલબ્ધ થશે? આવો જાણીએ...

અત્યારે દેશમાં વેક્સિનેશનની સ્થિતિ શું છે?
અત્યારે દેશમાં મોટા પાયે બે વેક્સિન જ ઉપયોગમાં લેવાઈ રહી છે. એમાં કોવેક્સિન દેશમાં બની છે, એને ભારત બાયોટેકે બનાવી છે, જ્યારે બ્રિટનની ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન કોવિશીલ્ડને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ બનાવી રહી છે.

રશિયન વેક્સિન સ્પુતનિક-Vને ભારતમાં ડો. રેડ્ડીઝ લેબ બનાવી રહી છે. જોકે આ વેક્સિન અત્યારે માત્ર કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોમાં જ મળી રહી છે. એ ટૂંક સમયમાં જ દરેક જગ્યાએ ઉપલબ્ધ હોવાની વાત થઈ રહી છે. DCGIના નિર્ણયથી ફાઈઝર અને મોડર્ના જેવી વેક્સિન દેશમાં આવવાનો માર્ગ સરળ બન્યો છે. જો દેશના વેક્સિનેશન પ્રોગ્રામની વાત કરીએ તો અત્યારસુધીમાં 25 કરોડથી વધુ વેક્સિન ડોઝ આપી દેવાયા છે.

કઈ વિદેશી વેક્સિન ભારત આવી શકે છે?
ભારત સરકારે કહ્યું હતું કે અમેરિકન રેગ્યુલેટર USFDA, યુરોપિયન સંઘના રેગ્યુલેટર EMA, યુકેના રેગ્યુલેટર UK MHRA, જાપાન રેગ્યુલેટર PMDA અને WHOની તરફથી લિસ્ટેડ ઈમર્જન્સી યુઝ લિસ્ટિંગમાં સામેલ વેક્સિનને ભારતમાં ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ અપાશે.

હાલના સમયે અમેરિકામાં મોડર્ના, ફાઈઝર સાથે માત્ર જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનને અપ્રૂવલ મળી છે. આ રીતે યુરોપિયન સંઘમાં આ ત્રણ ઉપરાંત એસ્ટ્રાજેનેકાની વેક્સિનને અપ્રૂવલ આપવામાં આવી છે. યુકેમાં ફાઈઝર, મોડર્ના અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન લગાવાય છે. જાપાનમાં માત્ર ફાઈઝરની વેક્સિન. WHOએ અત્યારસુધીમાં માત્ર ચાર વેક્સિનને મંજૂરી આપી છે - ફાઈઝર, એસ્ટ્રેજેનેકા, સિનોફોર્મ અને સિનોવેક.

એવામાં ફાઈઝર, મોડર્ના, સિનોફોર્મ, સિનોવેક અને જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિન જ એવી છે, જેનો ઉપયોગ આપણે ત્યાં થતો નથી. આ વેક્સિનને ભારતમાં ઈમર્જન્સી અપ્રૂવલ મળી શકે છે. જોકે ચાઈનીઝ વેક્સિન સિનોવેક અને સિનોફોર્મની મંજૂરીમાં અવરોધ આવી શકે છે.

જે વેક્સિન ભારતમાં આવી ચૂકી છે તેમનું શું સ્ટેટસ છે?
ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા દેશમાં સૌપ્રથમ અપ્રૂવ થનારી વિદેશી વેક્સિન છે, જે ભારતમાં કોવિશીલ્ડના નામથી ઉપયોગમાં લેવાઈ રહી છે, જેની એફિકસી 71% છે. WHO, UK હેલ્થ કેર બોર્ડ, યુરોપિયન મેડિકલ યુનિયનની સાથે જ દુનિયાના અનેક દેશોમાં આ વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. અનેક દેશોમાં એને કોવિશીલ્ડ તો અનેક જગ્યાએ વેક્સજેવરિયા નામથી વેચવામાં આવી રહી છે. ભારતમાં પુણેસ્થિતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એને બનાવી રહી છે.

કોવિશીલ્ડ પછી દેશમાં મંજૂરી મેળવનારી બીજી વિદેશી વેક્સિન રશિયાની સ્પુતનિક-V છે. સ્પુતનિક-Vને રશિયાએ ઓગસ્ટ 2020માં ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી હતી. આ કોરોના વિરુદ્ધ મંજૂર થયેલી દુનિયાની સૌપ્રથમ વેક્સિનમાંની એક છે. ભારતમાં આ વેક્સિનને આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી છે.

મેના પ્રથમ સપ્તાહમાં આ વેક્સિનની પ્રથમ ખેપ ભારતમાં પહોંચી હતી. ભારતીય દવા કંપની ડો. રેડ્ડીઝ લેબ એને દેશમાં બનાવી રહી છે. 15 મેના રોજ આ વેક્સિનનો પ્રથમ ડોઝ હૈદરાબાદમાં લગાવાયો. ડો. રેડ્ડીઝના સિનિયર ઓફિસર દીપક સપરાએ પ્રથમ ડોઝ લીધો. જૂનના ત્રીજા સપ્તાહ સુધીમાં આ વેક્સિનથી વેક્સિનેશનને ગતિ મળવાની આશા છે. કોવેક્સિન અને કોવિશીલ્ડની જેમ આ પણ બે ડોઝવાળી વેક્સિન છે. બંને ડોઝમાં બે અલગ પ્રકારના વાઇરલ વેક્ટર હોય છે.

ક્લિનિકલ ટ્રાયલમાં એની એફિકસી 91.6% રહી છે, જે બાકીની બીજી વેક્ટરબેઝ્ડ ટ્રેડિશનલ વેક્સિન કરતાં ઘણી સારી છે. જોકે આ વેક્સિન કોરોનાના નબળા સ્ટ્રેન્સ પર વધુ કારગત છે. રશિયાની જ સિંગલ ડોઝ વેક્સિન સ્પુતનિક લાઈટને પણ ટૂંક સમયમાં ભારતમાં મંજૂરી મળી શકે છે. એવું બને તો એ ભારતમાં ઉપયોગ થનારી પ્રથમ સિંગલ ડોઝ વેક્સિન હશે.

બીજી વિદેશી વેક્સિન્સ ભારત આવવાની સંભાવના ક્યાં સુધીમાં છે?
ફાઈઝર-બાયોએનટેક દુનિયાની સૌથી મોટી વેક્સિન છે અને દવા બનાવતી કંપનીઓમાંની એક છે. mRNA બેઝ્ડ આ અમેરિકન વેક્સિન ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે. કંપનીની ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. આશા છે કે જુલાઈ સુધીમાં આ વેક્સિન ભારતમાં આવી જશે. જુલાઈથી ઓક્ટોબર દરમિયાન આ વેક્સિનથી પાંચ કરોડ ડોઝ ભારતમાં આવી શકે છે.

કંપનીની વાત એડિએટી (ક્ષતિપૂર્તિ) ક્લોઝને લઈને અટકી છે. આ ક્લોઝને કંપની સાઈન કરવા માગતી નથી. એનાથી ભવિષ્યમાં વેક્સિનની કોઈપણ આડઅસર પર કંપનીની જવાબદારી નહીં રહે. જોકે વિદેશમંત્રીની અમેરિકાની મુલાકાત પછી વાત આગળ વધી છે. સરકારનાં સૂત્રો કહે છે કે કંપની સાથેની ડીલ અંતિમ તબક્કામાં છે. એ ફાઈનલ થતાં જ ઓગસ્ટ સુધીમાં આ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે.

ફાઈઝરની વેક્સિનને અમેરિકા, બ્રિટન, કેનેડા, બ્રાઝિલ, ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સિંગાપોરમાં મંજૂરી મળી ચૂકી છે. mRNA બેઝ્ડ આ વેક્સિન ખૂબ જ ઈફેક્ટિવ મનાય છે. આ પણ ડબલ ડોઝ વેક્સિન છે. એના બે ડોઝમાં 21થી 28 દિવસનું અંતર રહે છે. અન્ય એક ખાસ વાત એ કે આ વેક્સિન 12થી 18 વર્ષ સુધીના ટીનએજર્સને પણ લગાવવામાં આવે છે. જો આ ભારતમાં આવે છે તો એનાથી બાળકોને વેક્સિનેશનનો પણ માર્ગ ખૂલી શકે છે.

મોડર્નાને પણ મળી શકે છે અપ્રૂવલ
મોડર્ના પણ ફાઈઝરની જેમ mRNA બેઝ્ડ વેક્સિન છે. આ વેક્સિનની દુનિયાભરમાં માગ છે. ભારતીય દવા કંપની સિપલા મોડર્ના સાથે પાર્ટનરશિપ કરીને ભારતમાં આ વેક્સિનને બનાવી શકે છે. મોડર્નાની વેક્સિન આગામી વર્ષની શરૂઆત સુધીમાં આવવાની સંભાવના છે. મોડર્નાની એફિકસી 94% છે.

સૌપ્રથમ ભારત આવી શકે છે જોહન્સન એન્ડ જોહન્સન
જે વિદેશી વેક્સિનને અપ્રૂવલ મળવાની આશા છે એમાં સૌપ્રથમ જોહન્સન એન્ડ જોહન્સન ભારતમાં ઉપલબ્ધ થવાના આસાર છે. કંપનીએ એના માટે હૈદરાબાદની કંપની બાયોલોજિકલ E સાથે કરાર કર્યો છે. સ્પુતનિક લાઈટની જેમ આ પણ સિંગલ ડોઝ વેક્સિન છે. J&Jની વેક્સિન ટ્રાયલ્સમાં 66% ઈફેક્ટિવ સાબિત થઈ છે. સરકારના નિર્ણય પછી આ વેક્સિન સૌથી ઝડપથી ઉપલબ્ધ થનારી વેક્સિનમાં સામેલ થશે. બાયોલોજિકલ E પાસે તેના વર્ષે 60 કરોડ ડોઝ બનવાની ક્ષમતા છે. અમેરિકાએ હાલમાં જ આ વેક્સિનને પોતાને ત્યાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.

ચાઈનીઝ વેક્સિનને લઈને શું સમસ્યા છે?
WHOએ 7 મેના રોજ ચાઈનીઝ વેક્સિન સિનોફોર્મને મંજૂરી આપી. લગભગ એક મહિના પછી એક વધુ ચાઈનીઝ વેક્સિનને મંજૂરી મળી. એક જૂને WHOએ સિનોવેકને મંજૂરી આપી હતી. ભારત સરકારે જે વેક્સિન્સને ભારતમાં ડાયરેક્ટ અપ્રૂવલની મંજૂરી આપી છે. એવામાં જોવાનું રહેશે કે ભારત આ બંને વેક્સિનને મંજૂરી આપે છે કે નહીં.

શું અન્ય કોઈ વેક્સિન પણ ભારત આવે એવા આસાર છે?
કોવિશીલ્ડ બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ અમેરિકન વેક્સિન નોવાવેક્સના પ્રોડક્શનની કોશિશ કરી રહી છે. એને ભારતમાં કોવોવેક્સ નામથી વેચવામાં આવશે. આ પ્રોટીન સબ-યુનિટ વેક્સિન છે. આશા છે કે વર્ષના અંત સુધીમાં એ ભારતમાં ઉપલબ્ધ થશે. આ વેક્સિનની ટ્રાયલ્સ પણ નવેમ્બર 2020માં શરૂ થઈ હતી.

પરંતુ આ વેક્સિનના ઉપયોગમાં એક સમસ્યા છે. વાસ્તવમાં એને અત્યારસુધીમાં દુનિયાના કોઈપણ દેશમાં ઉપયોગની મંજૂરી મળી નથી. કંપની કહે છે કેે તેને આશા છે કે જુલાઈ સુધીમાં વેક્સિનના ઉપયોગ માટે ઈમર્જન્સી અપ્રૂવલ મળી જશે. શરૂઆતની ક્લિનિકલ ટ્રાયલમાં આ વેક્સિનની એફિકસી 94.6% રહી છે. જોકે ટ્રાયલનાં નવાં પરિણામોમાં એને 90% ઈફેક્ટિવ ગણાવાઈ છે. જે પ્રોટીન ટેક્નિકથી આ વેક્સિન બની છે એને સૌથી સુરક્ષિત ટેક્નિકમાંની એક માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...