પુતિનનો રસોઇયો જ પુતિનનું સ્થાન લઈ શકે છે:યેવગેનીએ 9 વર્ષ જેલમાં વિતાવ્યા, હોટ ડોગ સ્ટોલ ખોલ્યો હતો, ખાનગી સૈન્યને હથિયાર બનાવ્યું

24 દિવસ પહેલા
યેવગેની પ્રિગોઝિનની સૌથી પ્રખ્યાત તસવીરોમાંની એક છે. વર્ષ 2011માં સેન્ટ પીટર્સબર્ગમાં તેમની રેસ્ટોરાંમાં તેઓ પુતિનને ભોજન પીરસી રહ્યા છે.
  • રશિયાના આગામી રાષ્ટ્રપતિની રેસમાં પુતિનનો રસોઇયો સૌથી આગળ હશે

યુક્રેન પર રશિયાના હુમલાને 316 દિવસ થઈ ગયા છે. યુક્રેનમાં ઘણી જગ્યાએ રશિયન સેનાને હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન પુતિનની તબિયત નાદુરસ્ત હોવાના પણ સમાચારો મળતા રહ્યા છે. આવા સમયે રશિયામાં એક નવો નેતા ઊભરી રહ્યો છે. તે બીજો કોઈ નહીં, પણ પુતિનનો રસોઇયો યેવગેની પ્રિગોઝિન છે.

યેવગેનીને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઉત્તરાધિકારી તરીકે જણાવવામાં આવી રહ્યો છે. આ 4 વાતોથી તેના સંકેતો મળે છે ...

  • 61 વર્ષીય યેવગેની કટ્ટરપંથીઓમાં લોકપ્રિય છે, તેઓ પુતિનની વધતી વયને યુક્રેન યુદ્ધ માટેની નિષ્ફળતા માટે જવાબદાર માની રહ્યા છે તેમજ કટ્ટરપંથીઓમાં તેમને પુતિન કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.
  • પુતિનના નજીકના યેવગેની રશિયામાં સૌથી શક્તિશાળી બની રહ્યા છે. યેવગેની યુક્રેનના યુદ્ધમાં નિષ્ફળતા માટે રશિયન સંરક્ષણ મંત્રાલય અને સંરક્ષણમંત્રી સેર્ગેઈ શોઇગુની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. આ બાબતે પુતિન તેનો વિરોધ પણ નથી કરતાં.
  • પુતિનની નાદુરસ્ત તબિયત અંગે પણ અનેક અહેવાલો આવ્યા છે. પુતિન પાર્કિન્સન્સથી લઈને કેન્સરથી પીડિત હોવાના અહેવાલો છે, એટલે કે જો પુતિનને કંઈપણ થાય છે તો યેવગેની રશિયાના રાષ્ટ્રપતિની રેસમાં સૌથી આગળ હશે.
  • યેવગેની તેના વેગનર ગ્રુપના ભાડૂતી સૈનિકોને રશિયાના સૌથી અસરકારક લડાયક દળ તરીકે રજૂ કરે છે, એટલે કે એક રીતે તેઓ રશિયન સેનાને ઊતરતી કક્ષાની ગણાવીને પડકારી રહ્યા છે.

હોટ ડોગ સ્ટોલ લગાવીને યેવગેનીની પુતિનના શેફ બનવાની કહાની...

9 વર્ષ જેલમાં રહ્યા બાદ બિઝનેસ શરૂ કર્યો

યેવગેનીનો જન્મ 1 જૂન 1961ના રોજ સેન્ટ પીટર્સબર્ગમાં થયો હતો. યેવગેની પુતિનની જેમ સેન્ટ પીટર્સબર્ગમાં ઊછર્યા છે. રશિયન કોર્ટના દસ્તાવેજો અનુસાર, યેવગેનીને 1981માં મારામારી, લૂંટ અને છેતરપિંડીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને 13 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

જોકે સોવિયત યુનિયનના પતન પછી 9 વર્ષ પછી યેવગેનીને મુક્ત કરવામાં આવ્યો હતો. યેવગેનીએ જેલમાંથી બહાર આવ્યા પછી બિઝનેસ કરવાનું નક્કી કર્યું. સૌપ્રથમ હોટ ડોગ સ્ટોલ શરુ કર્યો હતો. આ પછી શ્રીમંત લોકો માટે એક રેસ્ટોરાં ખોલી હતી.

વર્ષ 2006માં સેન્ટ પીટર્સબર્ગમાં યેવગેની રેસ્ટોરાંમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ.
વર્ષ 2006માં સેન્ટ પીટર્સબર્ગમાં યેવગેની રેસ્ટોરાંમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ.

યેવગેનીએ તેના ભાગીદારો સાથે મળીને બોટ પર રેસ્ટોરાં ખોલી. તેણે ઝડપથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને તે સેન્ટ પીટર્સબર્ગની સૌથી ફેશનેબલ ડાઇનિંગ સ્પોટ બની ગઈ હતી. લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પુતિન પોતે વિશ્વના નેતાઓ સાથે આ રેસ્ટોરાંમાં ગયા હતા. પુતિને 2001માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ જેક શિરાક અને તેમનાં પત્ની અને 2002માં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશની યજમાની કરી હતી. 2003માં પુતિને પોતાનો જન્મદિવસ પણ આ રેસ્ટોરાંમાં ઊજવ્યો હતો.

જ્યારે પણ રેસ્ટોરાંમાં આવો મોટો પ્રસંગ હોય ત્યારે યેવગેની મોટા મહેમાનોની આસપાસ જ હોય. ક્યારેક તે ખાલી પ્લેટો પણ સાફ કરતા હતા. પુતિને પણ આ બધું ધ્યાનમાં લીધું હતું. સેન્ટ પીટર્સબર્ગના મેગેઝિન ગોરોડ 812 સાથેની વાતચીતમાં યેવગેનીએ એકવાર કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને જોયું કે કેવી રીતે મેં કિઓસ્કમાંથી મારો બિઝનેસ શરૂ કર્યો. હું મારી રેસ્ટોરાંમાં વેઈટર તરીકે પણ કામ કરતો હતો.

પુતિનના સંપર્કમાં આવ્યા પછી યેવગેનીએ કોનકોર્ડ કેટરિંગ શરૂ કર્યું. ત્યાર બાદ યેવગેનીને રશિયાની શાળાઓ અને સૈન્યને ખવડાવવા માટે મોટા સરકારી કોન્ટ્રોક્ટ મળવા લાગ્યા હતા. તેમને રાષ્ટ્રપતિ ભોજન સમારંભનું આયોજન કરવાની તક પણ મળી. આ પછી તેમને પુતિનના રસોઇયા અથવા શેફ કહેવામાં આવી રહ્યા. એન્ટીકરપ્શન ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, છેલ્લાં 5 વર્ષમાં યેવગેનીને 3.1 અબજ ડોલર એટલે કે 26 હજાર કરોડ રૂપિયાના સરકારી કોન્ટ્રેક્ટ મળ્યા છે.

2016ની અમેરિકાની ચૂંટણીને પણ ખલેલ પહોંચાડવાનો આરોપ
યેવગેનીએ તેની રેસ્ટોરાં અને કેટરિંગના વ્યવસાયમાંથી સંપત્તિ કમાવીને તેના રસોઈ ઘરમાંથી બહાર નીકળ્યો. યુએસ પ્રોસિક્યુટર્સ અનુસાર, યેવગેની રશિયાના ટ્રોલ ફેક્ટરીને ફંડ આપતી કંપની ઈન્ટરનેટ રિસર્ચ એજન્સીનો માલિક છે. તેનું કામ સોશિયલ મીડિયા પર કાલ્પનિક નામથી અમેરિકા વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવાનું છે.

આરોપ છે કે આ કંપનીએ 2016ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન અને હિલેરી ક્લિંટનની ટીકા કરતા મેસેજ કર્યા હતા, એટલે કે એક રીતે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2013માં જ્યારે ટ્રોલ ફેક્ટરીની સ્થાપના થઈ ત્યારે મેન ટાસ્ક સોશિયલ મીડિયાને એ આર્ટિકલ અને કમેન્ટ્સથી ભરપૂર કરી દેવાનું હતું, જે જણાવતા હતા કે નૈતિક રીતે ભ્રષ્ટ પશ્ચિમી દેશો કરતાં પુતિનનું શાસન વધુ સારું છે.

રશિયામાં ભાડાના સૈનિકો એટલે કે વેગનર આર્મી માટે ફંડિંગ કરે છે

ઑગસ્ટ 2022માં યુક્રેનના કબજા હેઠળના પ્રદેશ લુહાન્સ્કમાં વેગનર આર્મી સાથે યેવગેની પ્રિગોઝિન.
ઑગસ્ટ 2022માં યુક્રેનના કબજા હેઠળના પ્રદેશ લુહાન્સ્કમાં વેગનર આર્મી સાથે યેવગેની પ્રિગોઝિન.

યેવગેની રશિયાની સરકારના સમર્થન કરતા યુવકોનું ખતરનાક ગ્રુપ વેગનર સાથે પણ સંકળાયેલું છે. ઘણાં વર્ષોની અટકળો પછી યેવગેનીએ પોતે સપ્ટેમ્બર 2022માં એનો સ્વીકાર કર્યો. રશિયાની પ્રાઈવેટ આર્મી કહેવાતી વેગનર 2014માં બનાવવામાં આવી હતી. યુરોપિયન યુનિયન અને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, આ ખાનગી સેના એક કંપની તરીકે યેવજેની ફંડ પૂરું પાડતા હતા. ધ ટાઇમ્સના જણાવ્યા મુજબ, એ કાયદેસર રીતે નોંધાયેલી કંપની નથી અને રશિયન કાયદા હેઠળ ભાડૂતી સૈનિકો ગેરકાયદે છે. જોકે ગ્રુપને હજુ પણ ક્રેમલિનતરફી ખાનગી સેના તરીકે જોવામાં આવે છે.

રશિયા દ્વારા ક્રિમીઆના જોડાણ પછી 2014માં વેગનરની સેના પ્રથમ વખત તહેનાત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ખાનગી આર્મી અગાઉ સિરિયા, લિબિયા, માલી અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં ક્રૂર અને ભયાનક મિશન હાથ ધર્યા છે. આ જૂથના લડવૈયાઓએ યુક્રેન પરના આક્રમણ પહેલાં પૂર્વ યુક્રેનમાં ખોટા ફ્લેગ ઓપરેશન હાથ ધર્યા હતા. જેથી રશિયાને હુમલો કરવાનું બહાનું મળી શકે.

યેવગેની પ્રિગોઝિને ઘણાં વર્ષોથી વેગનર આર્મી સાથે કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે. જ્યારે એક પત્રકારે વેગનર સાથેના તેમના જોડાણ હોવાનો દાવો કર્યો, ત્યારે તેમણે તેની સામે કેસ કર્યો હતો.

વેગનર આર્મી પણ રશિયન સેના માટે પડકાર બની રહી છે
સન્ડે ગાર્ડિયન લાઈવના અહેવાલ મુજબ, યેવગેની પ્રિગોઝિને યુક્રેનની સરહદે આવેલા રશિયન પ્રદેશો બેલગોરોડ અને કુર્સ્કમાં સેનાની સમકક્ષ લશ્કરી માળખું ઊભું કર્યું છે. આ વેગનર આર્મીનું તાલીમ સુવિધા અને ભરતી કેન્દ્ર પણ છે. યુએસ નેશનલ સિક્યોરિટીના પ્રવક્તા જોન કિર્બીના જણાવ્યા અનુસાર, યેવગેની પ્રિગોઝિનની વેગનર આર્મી પોતે જ રશિયન સૈન્ય માટે હરીફ શક્તિ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

યેવગેની પ્રિગોઝિનની સરખામણી રાસપુતિન સાથે કરવામાં આવી રહી છે
ઘણા નિષ્ણાતો કહે છે કે યેવગેની પ્રિગોઝિનના પ્રભાવ અથવા શક્તિના ક્ષેત્ર વિશે કોઈ સવાલ નથી. જોકે તે તેના વધતા પ્રભાવને રાજકીય કારકિર્દીમાં બદલી શકે છે કે કેમ એ જોવું રહ્યું.

મોટા ભાગના રાજકારણીઓની જેમ યેવગેની પણ તેમની મહત્ત્વાકાંક્ષાને ઓછું મહત્વ આપે છે. હાલમાં તેમણે કહ્યું હતું કે હું લોકપ્રિય બનવાની કોશિશ નથી કરતો. મારું કાર્ય આપણી માતૃભૂમિ પ્રત્યેની મારી ફરજ નિભાવવાની છે. રાજકારણમાં જોડાવાની વાત તો દુર છે, મારી કોઈ રાજકીય પાર્ટી બનાવવાની પણ યોજના નથી. જોકે રશિયામાં તેમનો ઉદય અને ક્રેમલિનમાં તેના પ્રભાવને અવગણી શકાય તેમ નથી.

1910માં ફોટો માટે પોઝ આપતા ગ્રિગોરી રાસપુતિન.
1910માં ફોટો માટે પોઝ આપતા ગ્રિગોરી રાસપુતિન.

રશિયન રાજકારણના એક્સપર્ટ અને વોશિંગ્ટન સ્થિત કોર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના સિનિયર ફેલો આંદ્રેઈ કલાશ્નિકોવ કહે છે, યેવગેનીનો પ્રભાવ રશિયાના રાજા જાર નિકોલસ-2ના દરબારમાં ગ્રેગોરી રાસપુતિન જેવો દેખાવા લાગે છે. એવામાં સ્વાભાવિક રીતે કેટલાક લોકો કહી રહ્યા હતા કે આ શખસ આગામી રાષ્ટ્રપતિપદના ઉમેદવાર છે.

એવું કહેવાય છે કે રાસપુતિન પાસે સંમોહનની એટલી શક્તિ હતી કે તેણે રશિયાના શાસકને પણ પોતાનો ગુલામ બનાવી લીધા હતા. 1906માં પ્રથમ વખત ઝાર નિકોલસના દરબારમાં રાસપુતિન પહોંચ્યા. જ્યારે રાસપુતિન કોર્ટમાં પહોંચ્યા ત્યારે રાણી એલેક્ઝાન્ડ્રાએ લાંબા સમયથી તેના પુત્ર માટે ચિકિત્સકની શોધ કરી રહી હતી. તેમના પુત્રને હિમોફિલિયા થયો હતો.

રાજકુમારને એક જરા એવો પણ કટ લાગી જતાં તેનો જીવ જવાનું જોખમ રહેતું હતુ. એ સમયે આ રોગની કોઈ સારવાર નહોતી. એવામાં રાસપુતિને રાણીને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજકુમારને કશું જ નહીં થાય. ખબર નહીં, તેણે એવું શું કર્યું કે થોડા જ દિવસોમાં રાજકુમાર સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો. આને કારણે શાહી દરબાર રાસપુતિનનો ચાહક બની ગયો.

રશિયામાં પોતાના ખાસ લોકોને જ સત્તા સોંપવાની પરંપરા

વ્લાદિમીર પુતિને 7 મે, 2000ના રોજ રાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા. તેમની પાછળ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિન છે.
વ્લાદિમીર પુતિને 7 મે, 2000ના રોજ રાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા. તેમની પાછળ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિન છે.

1991માં સોવિયેત યુનિયન વિખેરાયા બાદ એટલે કે 31 વર્ષમાં રશિયામાં 3 લોકો જ રાષ્ટ્રપતિ બન્યા છે. 10 જુલાઈ 1991ના રોજ બોરિસ યેલ્તસિન રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ યેલ્તસિને ઓગસ્ટ 1999માં વ્લાદિમીર પુતિનને વડાપ્રધાન બનાવ્યા હતા. આ સ્પષ્ટ સંકેત હતો કે રાષ્ટ્રપતિ યેલ્તસિન ક્રેમલિન એટલે કે દેશનું નેતૃત્વ કરવા માટે પુતિનને તૈયાર કરી રહ્યા હતા. યેલ્તસિનનો કાર્યકાળ વર્ષ 2000 સુધીનો હતો. જોકે ડિસેમ્બર 1999માં તેમણે અચાનક રાજીનામું આપી દીધું હતું.

ત્યાર બાદ વ્લાદિમીર પુતિન કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા અને પછી ચૂંટણી જીતીને 7 મે 2000માં રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ 7 મે 2008 સુધી રાષ્ટ્રપતિ રહ્યા. જોકે રશિયામાં સતત કોઈપણ વ્યક્તિ બે ટર્મથી વધુ વખત રાષ્ટ્રપતિ બની શકે નહીં. આ કારણસર પુતિને 7 મે 2008ના રોજ વડાપ્રધાન રહેલા દિમિત્રિ મેદવદેવને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.

આ દરમિયાન બંધારણમાં સંશોધન કરીને માત્ર 2 વખત રાષ્ટ્રપતિ બનવાની મર્યાદાને ખતમ કરી દેવામાં આવી હતી. આ પછી 7 મે 2012ના રોજ પુતિન ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, એટલે કે રશિયામાં પોતાના નજીકના લોકોને સત્તા સોંપવાની પરંપરા ચાલી આવી રહી છે. એવું માનવામાં આવે છે કે પુતિન પણ તેમના નજીકના અને રસોઇયા યેવગેનીને તેમના ઉત્તરાધિકારી બનાવશે.

અન્ય સમાચારો પણ છે...