• Gujarati News
 • Dvb original
 • Explainer
 • Why The Central Government Proposed To Link Aadhaar Water ID, The Voting Process Will Be Easier Or There Will Be No Threat To The Voters; Know Everything

ભાસ્કર એક્સ્પ્લેનર:આધાર વોટર ID લિંક કરવાનો કેન્દ્ર સરકારે કેમ આપ્યો પ્રસ્તાવ, મતદાન પ્રક્રિયા થશે આસાન કે મતદાતાઓને રહેશે કોઈ ખતરો; જાણો બધું જ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્ર સરકાર તરફથી આ ખરડો એવા સમયે રજૂ થયો, જ્યારે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી છે
 • UP, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આગામી છ મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે

ચૂંટણી કાયદો સંશોધન ખરડો-2021 સોમવારે લોકસભામાં પસાર થઈ ગયો છે. બિલમાં વોટર લિસ્ટના ગોટાળા અને બોગસ મતદાન રોકવા માટે વોટર ID અને લિસ્ટને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળે ગત સપ્તાહે બુધવારે ચૂંટણી સુધારા સાથે જોડાયેલા આ ખરડાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી આ ખરડો એવા સમયે રજૂ થયો, જ્યારે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા, મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં છ મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે. લિંકઅપ કરાવવાની આ પ્રક્રિયા ફરજિયાત નથી.

કાયદામંત્રી કિરણ રિજિજુએ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સભ્યોએ આ બિલના વિરોધ માટે જે તર્ક આપ્યા છે એ સુપ્રીમકોર્ટના ચુકાદાને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ બિલ SCના ચુકાદાના આધારે જ છે. આ બિલ પાસ થતાંની સાથે જ લોકસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે. બિલ રજૂ કરતી વખતે કાયદામંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં કહ્યું હતું કે 'આધાર અને વોટર કાર્ડને લિંક કરવાથી બોગસ મતદારો પર અંકુશ મુકાશે.' આ ઉપરાંત 18 વર્ષથી ઉપરના લોકોને મતદાર તરીકે જોડવા માટે એક વર્ષમાં અનેક તક આપવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

આ ઉપરાંત વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંકઅપની બાબતને કેટલાક વિશેષજ્ઞો મતદાતાઓ માટે ખતરારૂપ ગણાવે છે ત્યારે આ ખરડાને લઈને કેન્દ્ર સરકાર તરફથી ચૂંટણી સુરક્ષાને લઈને શું તર્ક આપવામાં આવે છે એ જોવાનું રહ્યું. બીજી તરફ વિપક્ષે એવી દલીલ કરી છે કે આનાથી મતદાતાઓની અંગત માહિતીનું હનન થશે.

આધાર કાર્ડ સાથે વોટર IDને જોડવાનો વિચાર કેમ?
ગત વર્ષે માર્ચમાં કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી સંસદને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણીપંચે મતદાતા સૂચિને આધાર નંબરની સાથે જોડવાનો પ્રસ્તાવ આપ્યો છે. એનાથી એક જ વ્યક્તિ, અલગ-અલગ સ્થાનો પર વોટર લિસ્ટમાં પોતાનું નામ નહીં ઉમેરી શકે. પરિણામે, ચૂંટણી સમયે બોગસ મતદાન અને ડુપ્લિકેશનના કેસ ઘટી જશે. આ માટે લોક પ્રતિનિધિત્વ કાયદો- 1951 અને આધાર એક્ટ- 2016 એમ બંનેમાં ફેરફાર કરવામાં આવશે. જોકે મતદાતાઓ માટે આધાર અને વોટર IDને લિંકઅપ કરવાનો નિર્ણય ફરજિયાત નહીં પણ મરજિયાત હશે.

વોટર IDને આધાર સાથે જોડવાથી શું ફાયદો થશે?
વોટર IDને આધાર કાર્ડ સાથે લિંકઅપ કરવાથી સૌથી મોટો ફાયદો મતદાતાઓને થશે, કેમ કે એનાથી મતદાતાની ઓળખ વેરિફાઈડ થઈ શકશે અને બોગસ વોટિંગને રોકી શકાશે. આ બિલની જરૂરિયાત એટલા માટે પણ પડી, કેમ કે મતદાતાઓની યાદીમાં ગોટાળા થયા હોવાની ફરિયાદ વારંવાર સામે આવે છે, ત્યારે સરકારના દાવા મુજબ આ બિલ પાસ થવાથી બોગસ વોટિંગ પર અંકુશ મૂકી શકાશે. આ ઉપરાંત અન્ય ફાયદાઓ જોઈએ તો...

 • આ બિલમાં સરકારે પત્ની શબ્દનો ઉપયોગ જીવનસાથી સાથે રિપ્લેસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે આ જેન્ડર ન્યૂટ્રલ ટર્મ હશે.
 • બિલમાં એવી પણ જોગવાઈ કરાઈ છે કે આધાર નંબર આપવો ફરજિયાત નહીં હોય. જો કોઈ વ્યક્તિ આધાર નંબર પોતાની અરજી સાથે નહીં આપે તો તેની એપ્લિકેશન રદ નહીં થાય.
 • આ ઉપરાંત વોટર લિસ્ટમાંથી હાલના નામને પણ ડિલિટ નહીં કરી શકાય. આધાર કાર્ડનો નંબર આપવો સંપૂર્ણ રીતે વૈકલ્પિક હશે.
 • આ બિલની અન્ય એક જોગવાઈમાં યુવાનોને મતદાતા તરીકે પ્રત્યેક વર્ષે ચાર તારીખની ગણતરીએ રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપવાની વાત કરવામાં આવી છે. વર્તમાનમાં 1 જાન્યુઆરી કે તેની પહેલાં 18 વર્ષની ઉંમરનો મતદાતા પોતાનું નામ વોટર લિસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.
 • ચૂંટણીપંચે સરકારને કહ્યું હતું કે 1 જાન્યુઆરીની 'કટ ઓફ ડેટ'ના કારણે મતદાતાની યાદીની કવાયતથી અનેક યુવાનો વંચિત રહી જાય છે. માત્ર એક કટ ઓફ ડેટના કારણે 2 જાન્યુઆરી કે એ પછી 18 વર્ષની આયુ પૂરી કરનાર વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકતા ન હતા અને તેમણે પોતાનું નામ વોટર લિસ્ટમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે આગામી વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. આ બિલ પાસ થવાથી કટ ઓફમાં અનુકૂળતા રહેશે.

વોટર IDને આધાર સાથે જોડવાને લઈને શું છે વિવાદ?
ચૂંટણી વિશેષજ્ઞો મુજબ, આધાર અને વોટર IDને લિંક કરવાથી કેટલાક ફાયદાની સાથે સાથે અમુક નુકસાન પણ છે. સરકાર તરફથી આપવામાં આવતા પ્રસ્તાવમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વોટર IDના ડેટાબેઝ અને આધારના ડેટાબેઝ વચ્ચે કેટલો ડેટા શેર કરવામાં આવશે અને એની પદ્ધતિ શું હશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ખરડો કોઈ એજન્સી દ્વારા મતદાતાઓના ડેટા મેળવવા અંગે કોઈ પ્રતિબંધ હશે કે નહીં એ વાતનો ખુલાસો નથી કરતા. ત્યારે પાંચ પોઈન્ટ્સમાં સમજો વોટર ID અને આધારને લિંકઅપ કરવાથી વિશેષજ્ઞો કયા ખતરાઓની વાત કરે છે.

 • મતદાતાઓનો ડેટા ચૂંટણીપંચના ડેટાબેઝમાં સુરક્ષિત હોય છે. એની ખરાઈ કરવાની પોતાની રીત છે અને તે સરકારના બીજા ડેટાબેઝથી સંપૂર્ણ રીતે અલગ છે. હવે જો આધાર અને ચૂંટણી ડેટાબેઝને જોડવામાં આવશે તો ચૂંટણીપંચ અને આધારના ડેટાબેઝ એકબીજા માટે સહેલાઈથી ઉપલબ્ધ બનશે.
 • આ પ્રકારની જાણકારી અલગ-અલગ ડેટાબેઝમાં હોવાને કારણે તેના દુરુપયોગની શક્યતાઓ વધી શકે છે. ખાસ કરીને એક ડેટા સુરક્ષા કાયદાના અભાવમાં આ ગોપનીયતા ભંગનો મામલો પણ બની શકે છે.
 • વિશેષજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે કે આધાર અને વોટર ID વચ્ચે ડેટા શેરનો ઉપયોગ કેટલાક મતદાતાઓની જાણકારી મેળવવામાં પણ કરવામાં આવી શકે છે. આ કામ સરકાર પોતે કે તેમની એજન્સીઓ કે હેકર્સ તરફથી કરવામાં આવી શકે છે. આ દુરુપયોગને કારણે વોટર્સ રાજકીય વિજ્ઞાપનોના શિકાર બને શકે છે તેમજ મતાધિકારોથી વંચિત રહે તેવી ઘટનાઓ પણ સામે આવી શકે છે.
 • સરકાર તરફથી આધાર અને વોટર IDને જોડવા માટેનું એક સૌથી મોટું કારણ એ છે કે દેશના તમામ પ્રવાસી કામદારોને મતદાન પ્રક્રિયા સાથે જોડી રાખવા માગે છે, કે જેથી તેઓ અપડેટેડ આધાર કાર્ડની મદદથી રોજગારીવાળી જગ્યાએથી પણ વોટિંગમાં ભાગ લઈ શકે છે. જો કે ચૂંટણી પંચ અને આધાર વચ્ચે ડેટા શેરિંગનો ઉપયોગ પ્રવાસી મતદાતાઓના મૂવમેન્ટ પર પણ નજર રાખશે તેવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
 • આટલું જ નહીં મતદાતાઓની જાણકારી અને આધાર કાર્ડના ડેટાબેઝના લિંકિંગથી ચીટિંગની શક્યતા વધી શકે છે. આધાર કાર્ડ દેશભરમાં ઉપયોગ થવાને કારણે હાલ આ ઓળખપત્ર વેરિફિકેશન તરીકે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મતદાતાઓના વેરિફિકેશન માટે આધારને જ મૂળભૂત ઓળખપત્ર માનવામાં આવશે એવી શક્યતા વધુ છે. એવામાં નકલી કે છેડછાડવાળા આધાર કાર્ડ્સથી વોટર IDના વેરિફિકેશન કરવાથી ચીટિંગની શક્યતાઓ વધી શકે છે.
અન્ય સમાચારો પણ છે...