એવો દેશ, જ્યાં ખાવા માટે અનાજ નથી. દર્દીઓ માટે કોઈ દવા નથી. ATMમાં પૈસા નથી. પેટ્રોલ અને ડીઝલની કટોકટી છે. 16 કલાક માટે પાવર કટ છે. વિદેશમાંથી આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે ડોલર નથી.
અમે આપણા પાડોશી દેશ શ્રીલંકા વિશે વાત કરી રહ્યા છીએ, જે આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેને કારણે શ્રીલંકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રીલંકાના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર રાજપક્ષેને આ સંકટ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. ફેબ્રુઆરી 2022 સુધીમાં રાજપક્ષે પરિવારના પાંચ અગ્રણી સભ્યોએ દેશના સૌથી અગ્રણી મંત્રાલયો સંભાળ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે એ સમયે શ્રીલંકાના બજેટનો 75% હિસ્સો રાજપક્ષે પરિવાર પાસે હતો.
આ જ કારણ છે કે શ્રીલંકાના લોકો દેશમાં આર્થિક સંકટ માટે રાજપક્ષે પરિવારને જવાબદાર માને છે. શ્રીલંકાના લોકો છેલ્લા બે મહિનાથી આ પરિવાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. એ જ સમયે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ વિરોધને કારણે જ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેને 9 મેના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.
આવી સ્થિતિમાં ચાલો, જાણીએ કે શ્રીલંકાના રાજકારણમાં રાજપક્ષે પરિવારનો કેટલો પ્રભાવ છે? રાજપક્ષે પરિવાર કેટલો સમય સત્તામાં હતો? આ પરિવારે વંશવાદી રાજકારણને વધારવા બંધારણમાં કેવી રીતે સુધારો કર્યો?
આ પ્રશ્નોના જવાબો જાણતાં પહેલાં ચાલો, એક પોલમાં ભાગ લઈએ...
શું મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યા પછી સમર્થકોને હિંસા માટે ઉશ્કેર્યા હતા?
1948માં આઝાદ થયેલું શ્રીલંકા તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અહીં આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. જનતા અને વિપક્ષ આ માટે રાજપક્ષે પરિવારની ખોટી આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં માર્ચના અંતથી દેખાવો ચાલી રહ્યા છે. પરેશાન લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે, તેઓ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને પદ છોડવાની માગ કરી રહ્યા છે, તેઓ નારા લગાવી રહ્યા છે – ગો ગોતાબાયા ગો.
જાણકારોનું કહેવું છે કે જનતાના દબાણ બાદ રાજપક્ષેએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. રાજપક્ષેના રાજીનામાથી નારાજ સમર્થકોએ રાજધાની કોલંબોમાં હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો. આ પછી તેમના વિરોધીઓ પણ ગુસ્સે થઈ ગયા. હંબનટોટામાં વિરોધીઓએ મહિન્દા રાજપક્ષેના પૈતૃક ઘરને આગ લગાવી દીધી હતી. આ હિંસામાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યારસુધીમાં 12થી વધુ મંત્રીઓનાં ઘર સળગાવી દેવામાં આવ્યાં છે.
વિપક્ષના નેતાઓએ મહિંદાની ધરપકડની માગ કરી છે. તેઓ કહે છે કે મહિન્દ્રાએ શાંતિપૂર્ણ દેખાવકારોને ઉશ્કેર્યા અને હિંસા ભડકાવી. મંગળવારે મહિન્દા રાજપક્ષે પરિવાર સાથે નેવી બેઝમાં છુપાયો છે. બેઝની બહાર વિરોધીઓ છે. તેઓ રાજપક્ષે બહાર કાઢવાની માગ કરી રહ્યા છે.
રાજપક્ષે પરિવાર 1948માં આઝાદી પહેલાંથી શ્રીલંકાના રાજકારણમાં સામેલ હતો
શ્રીલંકામાં રાજપક્ષે પરિવારની રાજનીતિ સાથે સંડોવણી નવી વાત નથી. ડીએમ રાજપક્ષે 1948માં સ્વતંત્રતા પહેલાં આઠ દાયકાઓ સુધી સિલોનની સ્ટેટ કાઉન્સિલના સભ્ય હતા. શ્રીલંકા પહેલાં સિલોન તરીકે ઓળખાતું હતું. ડીએમના આકસ્મિક અવસાન પછી તેમના ભાઈ ડીએ રાજપક્ષે રાજ્ય પરિષદના સભ્ય બન્યા. આઝાદી પછી, ડીએ રાજપક્ષે સાંસદ બનવા સાથે, તેમણે સરકારમાં ઘણા મહત્વપૂર્ણ પદો પણ સંભાળ્યા.
આ ડીએ રાજપક્ષે છે જેમના 4 પુત્રો છેલ્લા 20 વર્ષથી શ્રીલંકાનું શાસન ચલાવી રહ્યા છે. તેમના નામ છે મહિન્દા રાજપક્ષે, ગોટાબાયા રાજપક્ષે, બેસિલ રાજપક્ષે અને ચમલ રાજપક્ષે. મહિન્દા રાજપક્ષે 2004માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા અને ત્યારબાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા. 2009માં, જ્યારે મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા, ત્યારે ગોટાબાયાએ સંરક્ષણ પ્રધાન તરીકે અલગતાવાદી સંગઠન LTTEને તોડી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સમયે ચમલ અને બેસિલ રાજપક્ષે પણ સરકારનો ભાગ હતા. ચમલ તે સમયે ગૃહના સ્પીકર હતા અને બેસિલ સરકારમાં મંત્રી હતા.
બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિની સત્તા વધારીને લાભ લીધો
મહિન્દા રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા બાદ 2015માં રાજપક્ષે પરિવારને સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જોકે, 2019માં જ્યારે ગોટાબાયા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એક પછી એક તમામ ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યો સરકારનો હિસ્સો બનતા ગયા. 2020 માં, રાજપક્ષે પરિવારે શ્રીલંકાના બંધારણમાં 20મા સુધારા દ્વારા રાષ્ટ્રપતિની સત્તાઓને અમર્યાદિત રીતે વિસ્તારી હતી. આ હેઠળ, રાષ્ટ્રપતિ વડા પ્રધાન સહિત પ્રધાનોની નિમણૂક અથવા બરતરફ કરી શકે છે અને જ્યારે ઇચ્છે ત્યારે મંત્રાલયોની સંખ્યા, પ્રધાનોની સંખ્યા અને દરેક પ્રધાનને સોંપાયેલ કાર્યોમાં ફેરફાર કરી શકે છે.
કેવી રીતે શક્તિશાળી રાજપક્ષે પરિવારે મળીને શ્રીલંકાની નૌકાને ડૂબાડી દીધી
માર્ચમાં શ્રીલંકામાં કેબિનેટના સામૂહિક રાજીનામા પહેલા, શક્તિશાળી રાજપક્ષે પરિવારના પાંચ સભ્યો સરકારમાં હતા. જેમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે, નાણામંત્રી બાસિલ રાજપક્ષે, સિંચાઈ મંત્રી ચમલ રાજપક્ષે અને રમતગમત મંત્રી નમલ રાજપક્ષેનો સમાવેશ થાય છે. શ્રીલંકાની આ હાલત માટે આ પરિવારનો ભ્રષ્ટાચાર અને ખોટી નીતિઓ જવાબદાર માનવામાં આવી રહી છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેબ્રુઆરી 2022 સુધીમાં, શ્રીલંકાના બજેટનો 75% રાજપક્ષે પરિવારના મંત્રીઓ દ્વારા આવરી લેવામાં આવ્યો હતો.
ચાલો જાણીએ રાજપક્ષે પરિવારના એવા અગ્રણી લોકો વિશે જેમણે શ્રીલંકાને ભૂખમરાની અણી પર ધકેલી દીધું...
'ધ ચીફ' મહિન્દા રાજપક્ષેઃ શ્રીલંકા ચીનના દેવાની જાળમાં ફસાઈ ગયું
76 વર્ષીય મહિન્દા રાજપક્ષે, પરિવારના પ્રભાવશાળી વડા છે, જેમણે સોમવારે વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. 2009ના અલગતાવાદી તમિલ બળવાખોર જૂથ LTTE નાબૂદ થયા પછીથી મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના સિંહાલી બૌદ્ધ સમુદાયમાં સૌથી લોકપ્રિય નેતા રહ્યા છે.
મહિંદાના શાસનકાળ દરમિયાન, શ્રીલંકા અને ચીન નજીક આવ્યા અને તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ચીન પાસેથી $7 બિલિયનની લોન લીધી. ખાસ વાત એ છે કે મોટા ભાગના પ્રોજેક્ટ ખોટા સાબિત થયા હતા અને તેના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હતો.
'ધ ટર્મિનેટર' ગોટાબાયા રાજપક્ષે: ખોટી આર્થિક નીતિઓ દેશને લઈ ડૂબી
72 વર્ષીય રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, તેમના કાર્યકાળ દરમિયાન મહિન્દા રાજપક્ષેના મુખ્ય લડાયક હતા. સંરક્ષણ પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમનું સશસ્ત્ર દળો અને પોલીસ પર જબરદસ્ત નિયંત્રણ હતું. ગોટાબાયા પર ડેથ સ્ક્વોડ બનાવવાનો પણ આરોપ છે. આ દ્વારા, તેણે સફેદ વાનમાંથી તેના ડઝનબંધ વિરોધીઓનું અપહરણ કરીને તેમને ગાયબ કરી દીધા છે.
શોર્ટ ટેમ્પર્ડ હોવાના કારણે વિરોધીઓ પણ તેનાથી ડરે છે. તેથી જ પરિવારના સભ્યો તેને ટર્મિનેટર કહે છે. ઘણા નિષ્ણાતો વર્તમાન કટોકટીનું કારણ ગોટાબાયાની કરવેરામાં કાપથી લઈને કૃષિમાં રાસાયણિક ખાતરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા સુધીની નીતિઓને આભારી છે.
'મિસ્ટર 10%' બેસિલ: કરોડો ડોલરના કોન્ટ્રાક્ટમાં કમિશન અને ભ્રષ્ટાચારમાં સામેલ
71 વર્ષીય બાસિલ રાજપક્ષે અત્યાર સુધી નાણામંત્રી હતા. શ્રીલંકામાં, તેઓ સરકારી કોન્ટ્રાક્ટ પર કથિત કમિશનને કારણે 'મિસ્ટર 10 ટકા' તરીકે ઓળખાય છે. તેમના પર રાજ્યની તિજોરીમાં લાખો ડોલરનો ગેરઉપયોગ કરવાનો આરોપ હતો, પરંતુ ગોટાબાયા પ્રમુખ બનતાની સાથે જ તમામ કેસો બંધ કરી દેવામાં આવ્યા હતા.
'ધ બોડીગાર્ડ' ચમલઃ સિંચાઈ વિભાગના મંત્રી રહ્યા છે
79 વર્ષીય ચમલ મહિન્દાના મોટા ભાઈ છે અને શિપિંગ અને એવિએશન મિનિસ્ટર રહી ચૂક્યા છે. અત્યાર સુધી તેઓ સિંચાઈ વિભાગ સંભાળતા હતા. ચમલ વિશ્વના પ્રથમ મહિલા વડા પ્રધાન સિરીમાવો બંદરનાઈકેના અંગરક્ષક હતા
.'વારિસ' નમલ: મહિન્દાના પુત્ર પર મની લોન્ડરિંગનો આરોપ
35 વર્ષીય નામલ મહિન્દા રાજપક્ષેનો સૌથી મોટો પુત્ર છે અને વ્યવસાયે વકીલ છે. 2010માં 24 વર્ષની વયે તેઓ સાંસદ બન્યા હતા. અત્યાર સુધી તેઓ રમતગમત અને યુવા મંત્રાલય સંભાળતા હતા. નામલ પર મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે, જેને નામલે નકારી કાઢ્યો છે.
શ્રીલંકા આર્થિક સંકટમાં કેવી રીતે ફસાઈ ગયું?
શ્રીલંકામાં ફુગાવો ઘણા મહિનાઓથી બે આંકડામાં છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે કટોકટીમાં ઉમેરો કર્યો. જેના કારણે વિદેશમાંથી લીધેલી લોનની ચૂકવણી કરવી અશક્ય બની ગઈ. તે જ સમયે, ઘણા નિષ્ણાતો કહે છે કે શ્રીલંકામાં કટોકટી ઘણા વર્ષોથી ચાલી રહી હતી, જેનું એક કારણ ગોટાબાયાની ખોટી આર્થિક નીતિઓ પણ છે.
નિષ્ણાતોના મતે છેલ્લા એક દાયકા દરમિયાન શ્રીલંકાની સરકારે જાહેર સેવાઓ માટે વિદેશો પાસેથી મોટી રકમ ઉધાર લીધી છે. તેમજ ભારે વરસાદ જેવી કુદરતી આફતો અને સરકાર દ્વારા રાસાયણિક ખાતરો પરના પ્રતિબંધને કારણે દેશ પર ભારે અસર પડી હતી. જેના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો હતો.
કેટલાક નિષ્ણાતો શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ માટે રાજપક્ષે પરિવાર અને તેની ખોટી નીતિઓને જવાબદાર માને છે. તેઓ માને છે કે જે સરકાર સત્તામાં છે તેને સમર્થન આપવું જરૂરી છે કારણ કે તેઓ જાણતા હતા કે પડકારો શું છે અને તેઓએ કશું કર્યું નહીં પરંતુ આકર્ષક નીતિઓ ચલાવવાનું યથાવત્ત રાખ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.