ભાસ્કર એક્સપ્લેનર:ધરતીનું તાપમાન ઓછું કરવા માટે દુનિયા કેમ કરી રહી છે નેટ ઝીરોની વાત, ભારત એના વિરોધમાં શા માટે છે? જાણો બધું

25 દિવસ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

પ્રદૂષણ ઓછું કરવા માટે કાર્બન ઉત્સર્જન ઓછું કરવાની વાત જૂની થઈ ગઈ. હવે વાત નેટ ઝીરોની થઈ રહી છે, પરંતુ ભારત એનો વિરોધ કરી રહ્યું છે. હાલમાં જ યોજાયેલી જી-20 સમિટમાં એના વિશે વાત થઈ.

નેટ ઝીરો એમિશન શું છે? કાર્બન ઉત્સર્જન ઓછું કરવાથી કેટલું અલગ છે? ભારત એનો વિરોધ શા માટે કરી રહ્યું છે? નેટ ઝીરો કન્સેપ્ટને માનવાથી ભારત પર શી અસર પડશે? આવો જાણીએ...

નેટ ઝીરો એમિશન શું છે?

નેટ ઝીરો એમિશનનો મતલબ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન શૂન્ય કરવાનું નથી, પરંતુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને બીજાં કાર્યો સાથે બેલેન્સ કરવું. કુલ મળીને એક એવી અર્થવ્યવસ્થા તૈયાર કરવી, જેમાં ફોસિલ ફ્યુલનો ઉપયોગ નહીંવત્ હોય. કાર્બન ઉત્સર્જન કરનારી બીજી ચીજોનો ઉપયોગ પણ ખૂબ ઓછો હોય.

કોઈ દેશ જેટલું કાર્બન ઉત્સર્જન કરે છે એટલું જ કાર્બન એબ્સોર્પ્શનની પણ વ્યવસ્થા એની પાસે હોય. બધું મળીને એમ કહી શકાય કે તમે જેટલો કાર્બન પેદા કરી રહ્યા છો એટલો જ તેને શોષી લેવાની વ્યવસ્થા પણ તમારી પાસે હોવી જોઈએ. ઉદાહરણ તરીકે ઝાડપાન હવાથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે.

જો કોઈ કંપનીના કારખાનામાંથી કાર્બનની એક નિશ્ચિત માત્રાનું ઉત્સર્જન થાય છે અને કંપની એટલાં વૃક્ષ વાવે કે જેનાથી એટલો કાર્બન એબ્સોર્બ કરી શકે તો એનું નેટ એમિશન ઝીરો થઈ જશે. એની સાથે જ કંપનીઓ પવન અને સૌર ઊર્જા પ્લાન્ટ લગાવીને પણ આ પ્રકારનો લાભ મેળવી શકે છે. આ જ વાત દેશ માટે પણ લાગુ થાય છે.

જો કોઈ દેશમાં કાર્બન ઉત્સર્જનથી વધુ કાર્બન એબ્સોર્પ્શના સ્ત્રોત છે તો એનું નેટ એમિશન નેગેટિવ થઈ જશે. અત્યારે દુનિયામાં માત્ર બે દેશ ભુતાન અને સૂરીનામ એવા છે, જેનું નેટ એમિશન નેગેટિવ છે.

કેમ કરવામાં આવી રહી છે નેટ ઝીરોની વાત?

એક્સપર્ટ્સનું કહેવું છે કે જો હાલના ઉપાયથી જ ગ્રીન હાઉસ ગેસોનું એમિશન થતું રહ્યું તો 2050 સુધી ધરતીનું તાપમાન બે ડીગ્રી વધી જશે. એવું થવા પર ક્યાંક ભીષણ દુષ્કાળ પડશે તો ક્યાંક વિનાશકારી પૂર આવશે. ગ્લેશિયર પીગળશે, સમુદ્રનો જળસ્તર વધશે. એનાથી સમુદ્રના કિનારે વસેલાં અનેક શહેરો પાણીમાં ડૂબી જશે અને તેમનું નામોનિશાન મટી જશે.

ધરતીનું તાપમાન ન વધે એ માટે આ બધી કવાયત થઈ રહી છે. હાલમાં જ સંપન્ન થયેલી જી-20 સમિટમાં એમાં સામેલ દેશો વચ્ચે 2050 સુધી ધરતીના તાપમાનનો આ વધારો 1.5 ડીગ્રી સુધી સીમિત રાખવા પર સહમતી સધાઈ છે.

કાર્બન ઉત્સર્જન ઓછું કરવાથી કેટલું અલગ છે નેટ ઝીરો એમિશન?

થોડાં વર્ષ અગાઉ દુનિયાના અમીર દેશોમાં કાર્બન એમિશન ઓછું કરવા પર ભાર મુકાતો હતો. આ દેશ 2050થી 2070 સુધી એને અત્યંત ઓછું કરવા પર વિચાર કરતા હતા. આ જ દેશો છેલ્લા અનેક દાયકાઓથી સૌથી વધુ કાર્બન એમિશન માટે જવાબદાર રહ્યા છે. આ સાથે જ આ દેશો ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ સંકટ માટે સૌથી વધુ જવાબદાર છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક્સપર્ટ્સનો એ મત સામે આવ્યો કે માત્ર ઉત્સર્જન ઓછું કરવાથી કામ નહીં ચાલે. એ પછી તમામ દેશોએ કાર્બન ન્યુટ્રલિટીની વાત થવા લાગી.

તો શું હવે ઉત્સર્જન ઓછું કરવા પર ફોકસ નથી?

નેટ ઝીરો ફોર્મ્યુલામાં કોઈ દેશને ઉત્સર્જન ઓછું કરવાનો ટાર્ગેટ આપવામાં આવતો નથી. એમાં માત્ર એમિશનનું લેવલ ઝીરો પર લઈ જવા પર ભાર મૂકવામાં આવે છે. વિકસિત દેશોના હિસાબે રાહતભર્યોમાં બદલાવ આવ્યો છે. આ ફોર્મ્યુલા આવ્યા પછી દરેક દેશ પર બરાબર જવાબદારી હશે.

ભારત એનો વિરોધ શા માટે કરી રહ્યું છે?

પર્યાવરણમંત્રી ભૂપેન્દ્ર યાદવે હાલમાં જ કહ્યું હતું કે નેટ ઝીરો ટાર્ગેટ સમાધાન નથી. અમીર દેશોએ પોતાની ઐતિહાસિક જવાબદારી લેવી પડશે. હાલના સમયમાં ભારત ગ્રીન હાઉસ ગેસોનું સૌથી વધુ ઉત્સર્જન કરનારા દેશોમાં ત્રીજા નંબરે છે. ભારતથી વધુ ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન માત્ર ચીન અને અમેરિકા કરે છે.

જોકે ઐતિહાસિક રીતે જોઈએ તો ભારતની 1850થી અત્યારસુધીમાં કાર્બન ઉત્સર્જનમાં કુલ હિસ્સેદારી માત્ર 4% છે. આ જ ભારતના વિરોધનું મોટું કારણ છે.

ભારતનું એવું માનવું છે કે નેટ ઝીરો પર સહમતી આપવાથી એનો ઈકોનોમિક ગ્રોથ ધીમો થઈ જશે. આ સાથે જ એનો ગરીબી દૂર કરવાનો પ્રોગ્રામ પણ પ્રભાવિત થશે.

ભારત માને છે કે નેટ ઝીરો કન્સેપ્ટ UNના ક્લાઈમેટ કન્વેન્શનની પણ વિરુદ્ધ છે.

નેટ ઝીરો કન્સેપ્ટને માનવાથી ભારત પર શી અસર પડશે?
સૌથી મોટી અસર તો આપણા ઘરમાં વપરાતી વીજળી પર જ પડશે. અત્યારે દેશની ઊર્જાની આવશ્યકતાની 60% સપ્લાઈ થર્મલ પાવરથી થાય છે. નેટ ઝીરો કન્સેપ્ટ લાગુ કરવાથી કોલસાના ઉપયોગ પર ભારે અસર પડશે. આ જ ભારતના વિરોધનું કારણ છે. ભારત કહે છે કે નેટ ઝીરો ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી ક્લીન ટેકનોલોજીની પેટન્ટ વિકાસશીલ અને અંડરડેવલપ દેશોને ટ્રાન્સફર ન કરવામાં આવે. આવું થવા પર આ દેશ ઝડપથી ક્લીન ઈકોનોમી તરફ આગળ વધશે.

ભારતનો દાવો છે કે 2016માં બનેલું ગ્રીન ક્લાયમેટ ફંડ પણ વધુ કારગત ન રહ્યું, કેમ કે અમીર દેશોએ વચન પ્રમાણે ગ્રીન ટેકનોલોજી અને 2020 સુધી 100 બિલિયન ડોલરની મદદ ન કરી.

જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલાન કર્યું છે કે 2050 સુધીમાં ભારતીય રેલવે નેટ ઝીરો એમિશનનો ટાર્ગેટ હાંસલ કરી લેશે. ભારતના નેટ ઝીરો સાથે સંકળાયેલું આ અત્યારસુધીનું એકમાત્ર એલાન છે.

કેટલા દેશ નેટ ઝીરોના સમર્થનમાં છે?
દુનિયાના 192 દેશ UN ક્લાઇમેટ કન્વેન્શનનો હિસ્સો છે. એમાંથી 137 દેશો નેટ ઝીરોનું સમર્થન કરી રહ્યા છે. કુલ ગ્રીન હાઉસ એમિશનમાં તેની હિસ્સેદારી 80% છે. આ 137 દેશમાં સૌથી વધુ કાર્બન એમિશન કરનારા ચીન અને અમેરિકા પણ સામેલ છે. ચીને 2060 સુધીમાં નેટ ઝીરો એમિશનનું લક્ષ્ય રાખ્યું છે. જર્મની અને સ્વીડને 2045 સુધી, ઓસ્ટ્રિયાએ 2040 સુધી ફિનલેન્ડે 2035 સુધી, ઉરૂગ્વેએ 2030 સુધી નેટ ઝીરો એમિશન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જ્યારે, અમેરિકા સહિત મોટાભાગના દેશોએ 2050 સુધી નેટ ઝીરો એમિશનનું લક્ષ્ય રાખ્યું છે.

પશ્ચિમના દેશો નેટ ઝીરોને લઈને એટલા ઉત્સાહિત કેમ છે?
પર્યાવરણ વિશેષજ્ઞ એના માટે બે કારણ દર્શાવે છે. પ્રથમ-પશ્ચિમ ખાસ કરીને યુરોપના મોટા ભાગના દેશો ફોસિલ ફ્યુલથી ક્લીન અને ગ્રીન ફ્યુલ ઈકોનોમીની તરફ આગળ વધી ચૂક્યા છે, તેથી આ દેશોને નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવું આર્થિક રીતે વધુ ભારે નહીં પડે. આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીના પ્રમાણે યુરોપના દેશોની ફોસિલ ફ્યુલ પર નિર્ભરતા 50%થી પણ ઓછી થઈ ચૂકી છે.

આ સાથે જ આ કન્સેપ્ટમાં આ દેશોને બિઝનેસની મોટી તક દેખાઈ રહી છે, કેમ કે ગ્રીન અને ક્લીન ટેકનોલોજી આ દેશોની પાસે છે.