ભાસ્કર એક્સપ્લેનર:ડેલ્ટા-પ્લસ વેરિયન્ટને શા માટે જણાવાય છે ખતરનાક? શું ત્રીજી લહેર એનાથી આવશે? આપણી દવાઓ અને વેક્સિનનું શું થશે?

એક વર્ષ પહેલાલેખક: રવીન્દ્ર ભજની

કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ સતત જોખમી બની રહ્યા છે. ભારતમાં ભયાનક બીજી લહેર માટે જવાબદાર ગણાવાયેલા ડબલ મ્યૂટન્ટ એટલે કે ડેલ્ટા વેરિયન્ટમાં વધુ ફેરફાર થઈ રહ્યા છે. નવો વેરિયન્ટ પણ મહારાષ્ટ્રમાં જ મળ્યો છે. ત્યાં પ્રથમવાર નવા વેરિયન્ટના સાત કેસ સામે આવી ચૂક્યા છે. આ વેરિયન્ટ માત્ર ભારત નહીં, પણ અનેક દેશોમાં રિપોર્ટ થયો છે. વૈજ્ઞાનિક એને ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ કહી રહ્યા છે.

એક્સપર્ટ ચેતવી રહ્યા છે કે જો સાવધાની રાખવામાં નહીં આવે તો આગામી બે-ત્રણ સપ્તાહમાં મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી શકે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર સવાર ત્રીજી લહેરમાં એક્ટિવ કેસ લોડ આઠ લાખ સુધી પહોંચી શકે છે અને આ દર્દીઓમાં 10% બાળકો હશે.

મ્યૂટેશન્સ અને વેરિયન્ટ્સ શું છે?

 • મ્યૂટેશન્સ એટલે કે વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં થનારા ફેરફાર. આ ફેરફાર જ વાયરસને નવું સ્વરૂપ આપે છે, જેને વેરિયન્ટ કહે છે. વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડો. ગગનદીપ કંગ કહે છે કે વાયરસમાં ફેરફાર થવો સામાન્ય છે. જેમ જેમ વાયરસ ફેલાશે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચવામાં એમાં ફેરફાર થશે જ.
 • મહામારી વિશેષજ્ઞ ચંદ્રકાંત લહારિયા કહે છે કે આ સ્પેલિંગ મિસ્ટેક જેવું છે. દવાઓ અને એન્ટિબોડીથી બચવા માટે વાયરસમાં આ ફેરફાર થાય છે. આ સ્વાભાવિક છે, પરંતુ જો મહામારીમાં વાયરસને રોકવો છે તો એનાથી બે કદમ આગળ રહેવું પડશે. આ માટે એમાં થઈ રહેલા પ્રત્યેક ફેરફાર પર નજર રાખવી અત્યંત જરૂરી છે.

આ ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ શું છે?

 • ભારતમાં મળેલા કોરોના વાયરસના ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન B.1.617.2ને જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડેલ્ટા નામ આપ્યું છે. B.1.617.2માં અન્ય એક મ્યૂટેશન K417N થયું છે, જે આ પહેલાં કોરોના વાયરસના બીટા અને ગામા વેરિયન્ટ્સમાં પણ મળ્યું હતું. નવા મ્યૂટેશન પછી બનેલા વેરિયન્ટને ડેલ્ટા+ વેરિયન્ટ કે AY.1 કે B.1.617.2.1 કહેવામાં આવે છે.
 • K417N મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ્સ ઓરિજિનલ વાયરસથી વધુ ઈન્ફેક્શિયસ છે. વેક્સિન તેમજ દવાઓની અસરને નબળી કરી શકે છે. વાસ્તવમાં, B.1.617 લાઈનેજથી જ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) નીકળ્યો છે. આ જ લાઈનેજના બે વધુ વેરિયન્ટ્સ છે-B.1.617.1 અને B.1.617.3, જેમાં B.1.617.1ને WHOએ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (VOI)ની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

ભારતમાં આ ડેલ્ટા-પ્લસ વેરિયન્ટના કેસ કેટલા મળ્યા છે?

 • અત્યારસુધી ડેલ્ટા-પ્લસ વેરિયન્ટથી ઈન્ફેક્શનના 7 કેસને સમર્થન મળ્યું છે. 5 ભારતીય લેબ્સે મે અને જૂનમાં ગ્લોબલ ઈનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફ્લુએન્ઝા ડેટા (GISAID)ને આ વેરિયેન્ટની માહિતી આપી છે. ભારતમાં 28 હજારથી વધુ કોરોના વાયરસ સેમ્પલ્સનું જિનોમ સિક્વન્સિંગ થયું છે.
 • પરંતુ રિપોર્ટ થયેલા કેસની સંખ્યાથી એ સમજવું મુશ્કેલ છે કે વેરિયન્ટ કેટલો અસરકારક છે. આ એના પર પણ નિર્ભર કરે છે કે કેટલા સેમ્પલ્સનું સિક્વન્સિંગ કરાયું છે. યુકેમાં 4.66 લાખ સેમ્પલનું સિક્વન્સિંગ થયું તો 45માં AY.1 મળ્યો. આ રીતે યુએસમાં 5.49 લાખ સેમ્પલ્સમાં 12 કેસમાં તેને સમર્થન મળ્યું. આની તુલનામાં ભારતમાં માત્ર 5%(28 હજાર) સેમ્પલ્સનું જ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે.

શું ડેલ્ટા-પ્લસ વેરિયન્ટને લઈને ડરવાની જરૂર છે?

 • હાલ નહીં, નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડો. વી. કે. પૉલ કહે છે કે અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ ભારતમાં વેરિયન્ટ ઓફ કન્સર્ન બન્યો નથી. ન તો એને WHOએ પોતાના VOC લિસ્ટમાં રાખેલો છે. ભારતમાં માત્ર એની હાજરી મળી છે, એ જ આધારે ગ્લોબલ ડેટા સિસ્ટમને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
 • પરંતુ દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ગત સપ્તાહે એક ટીવી ચેનલને કહ્યું હતું કે આપણે આ વાયરસને હળવાશથી ન લઈ શકીએ. આપણે એ સમજવાનું રહેશે કે વાયરસ બદલાઈ રહ્યો છે. એ જીવિત રહેવા માગે છે અને વધુમાં વધુ લોકોને ઈન્ફેક્ટ કરવા માગે છે. યુકેથી બોધપાઠ લેવો જોઈએ, જ્યાં અનલોક શરૂ થતાં જ નવા કેસ સામે આવી રહ્યા છે. ડેલ્ટા વેરિયન્ટ અને તેનું નવું રૂપ વધુ લોકોને ઈન્ફેક્ટ કરી રહ્યું છે. સાવધ નહીં રહીએ તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આપણા માટે પણ વેરિયન્ટ ઓફ કન્સર્ન બની જશે. ભારતે યુકે પાસેથી બોધપાઠ લેવો જોઈએ, જ્યાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

તો શું ભવિષ્યમાં આ ચિંતાનું કારણ બની શકે છે?

 • હા. આપણે ડેલ્ટા વેરિયન્ટને કારણે હાલમાં જ બીજી ખતરનાક લહેરનો સામનો કર્યો છે. કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ તેમને ફેબ્રુઆરીના સ્તર સુધી પહોંચવામાં જુલાઈનું બીજું સપ્તાહ લાગી શકે છે. મેના અંત સુધીમાં પ્રાપ્ત 21 હજાર કમ્યુનિટી સેમ્પલ્સમાંથી 33%માં ડેલ્ટા વેરિયન્ટ મળ્યો છે. આ વેરિયન્ટ એ સ્ટ્રેનથી ઘણો અલગ છે, જેની વિરુદ્ધ ફાર્મા કંપનીઓએ હાલની વેક્સિન બનાવી છે. ટેસ્ટ કરવા પડશે, જેથી ખ્યાલ આવે કે નવા વેરિયન્ટ્સ પર આ વેક્સિન કેટલી કારગત છે.
 • યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં થયેલા ટેસ્ટ જણાવે છે કે વેક્સિન ઈફેક્ટિવ તો છે પરંતુ જ્યારે તેમને ડેલ્ટા જેવા વેરિયન્ટ્સ વિરુદ્ધ તપાસવામાં આવ્યા તો એ થોડા જ એન્ટિબોડી બનાવવામાં સફળ રહ્યા છે. ચિંતા એ છે કે ડેલ્ટા વેરિયન્ટના અનેક નવા સ્વરૂપ સામે આવી ચૂક્યા છે. ભારત સહિત અનેક દેશોમાં આ મુખ્ય વેરિયન્ટ બનીને સામે આવ્યો છે. આગળ જઈને ભારતમાં એ મહામારીના સંચાલનમાં પડકાર બની શકે છે.

શું આપણી વેક્સિન આ વેરિયન્ટ્સ વિરુદ્ધ અસરકારક છે?

 • હા. અમુક અંશે. ભારતમાં ICMR-NIV(નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી) અને CSIR-CCMB (સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી, હૈદરાબાદ)એ સ્ટડી કર્યો છે. એમાં ડેલ્ટા વેરિયન્ટ વિરુદ્ધ કોવિશીલ્ડ અને કોવેક્સિનની અસર જોવાની કોશિશ કરવામાં આવી છે. પરિણામો જણાવે છે કે વેરિયન્ટ વિરુદ્ધ એન્ટિબોડી તો બની રહ્યા છે, પરંતુ એ ઓરિજિનલ કોરોના વાયરસના મુકાબલે બની રહેલા એન્ટિબોડીના મુકાબલે ઓછા છે.
 • વિશેષજ્ઞ કહે છે કે એન્ટિબોડી લેવલ ક્યારેય પણ ઈમ્યુનિટીનું એકમાત્ર માર્કર હોતું નથી. ડેલ્ટા-પ્લસ વેરિયન્ટથી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એના પણ ઘણા ઓછા પુરાવા છે. આ કારણથી WHOએ હાલ વેરિયન્ટ ઓફ કન્સર્ન (VOC) લિસ્ટમાં એને રાખ્યો નથી.
 • ઈંગ્લેન્ડમાં જે 36 ડેલ્ટા-પ્લસ દર્દી મળ્યા છે તેમાંથી 18એ વેક્સિન લીધી નહોતી. માત્ર બે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. સારી વાત એ છે કે આ 36 કેસમાં કોઈ મોત થયું નથી. આ રીતે ડેલ્ટા-પ્લસ કેસોમાં માત્ર બે જ 60+ના હતા, એટલે કે મોટા ભાગના કેસ 60 વર્ષથી ઓછી વયના લોકોમાં છે.

શું ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ પર હાલની દવાઓ કારગત છે?

 • ડેલ્ટા પ્લસમાં સામેલ K417N મ્યૂટેશનને કારણે દવાઓની અસરને લઈને ચિંતાઓ વધી ગઈ છે. CSIR-IGIB (ઈન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી)ના ડેટાબેઝ અનુસાર આ મ્યૂટેશન હાલમાં ડેવલપ મોનોક્લોનલ એન્ટિબોડી ટ્રીટમેન્ટ ડ્રગ-કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબ વિરુદ્ધ પ્રતિરોધ વિકસિત કરી ચૂક્યો છે.
 • આ નવી દવા હાઈ રિસ્કવાળા દર્દીઓને આપવામાં આવે છે, જેમાં મોડરેટ અને ગંભીર લક્ષણો છે. ભારતમાં આ દવાનું માર્કેટિંગ રોશ અને સિપ્લા કરી રહ્યા છે અને એને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ અપ્રૂવલ આપી છે. એક ડોઝ (1200 મિગ્રા-600 મિગ્રા કેસિરિવિમેબ અને 600 મિગ્રા-ઇમ્ડેવિમેબનો કમ્બાઈન્ડ ડોઝ)ની કિંમત 59750 રૂપિયા છે.