ભાસ્કર એક્સપ્લેનર:સત્યપાલ મલિક અને અજય મિશ્રા પર કેમ કાર્યવાહી નથી કરી રહી ભાજપા? મલિક તો સીધો જ મોદી પર કરી ચૂક્યા છે પ્રહાર

11 દિવસ પહેલાલેખક: નીરજ સિંહ
  • કૉપી લિંક

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના કારણે ભાજપા સતત શરમજનક અવસ્થામાં મૂકાઈ રહી છે. સત્યપાલ મલિક તો સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યા છે. હાલમાં જ એક વીડિયોમાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે તેમણે કૃષિ કાયદાઓ પર વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી પરંતુ તેઓ ઘમંડમાં હતા. આ અગાઉ પણ મલિક અનેકવાર કૃષિ કાયદાઓ અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી ચૂક્યા છે પરંતુ હવે તેઓ સીધા જ વડાપ્રધાનને નિશાન બનાવી રહ્યા છે.

જ્યારે ગત વર્ષે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસા કેસમાં દાખલ ચાર્જશીટમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રને મુખ્ય આરોપી બનાવાયો છે. ચાર્જશીટમાં પુત્ર આશીષનું નામ આવવાથી ટેનીના કારણે પાર્ટીએ પણ ભારે શરમનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે તેમણે અગાઉ કહ્યું હતું કે જો કોઈ હિંસાવાળી જગ્યાએ મારા પુત્રની હાજરીનો પુરાવો આપે તો હું મારા પદ પરથી રાજીનામું આપી દઈશ. જ્યારે વિપક્ષ અને કિસાન નેતા પણ સતત અજય મિશ્રા ટેનીને હટાવવાની માગ કરી રહ્યા છે.

આવો જાણીએ કે એવી કઈ મજબૂરી છે કે ભાજપા સત્યપાલ મલિક દ્વારા સીધા જ વડાપ્રધાન મોદી પર કરાયેલા પ્રહારોને સહન કરી રહી છે? આ સાથે જ કૃષિ કાયદા પરત લીધા પછી પણ અજય મિશ્રા ટેનીને પદ પરથી કેમ હટાવી રહી નથી?

સત્યપાલ મલિકને કેમ કંઈ કહી રહી નથી ભાજપા?
એવું મનાય છે કે યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં જાતિગત સમીકરણોના કારણે રાજ્યપાલ સત્યપાલ મલિક અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની પર કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. કેમકે બંને નેતાઓ પર કાર્યવાહીથી યુપીની બે મોટી જાતિના લોકો ભાજપથી દૂર જઈ શકે છે. આ કારણથી ભાજપાને યુપી વિધાનસભા ચૂંટણી અને 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે. આના કારણે ભાજપા હાલ કોઈ રિસ્ક ઉઠાવવાના મૂડમાં નથી.

જાટ સમુદાયને વધુ નારાજ કરવા માગતી નથી ભાજપા
સત્યપાલ મલિક જાટ સમુદાયમાંથી આવે છે. પશ્ચિમ યુપીના 22 જિલ્લાઓમાં 14 ટકા વસતી જાટ સમુદાયની છે. એવામાં ભાજપા જાટ સમુદાયને નારાજગીનો કોઈ મોકો આપવા માગતી નથી. કેમકે કૃષિ કાયદાઓ અંગે 13 મહિના સુધી ચાલેલા ખેડૂત આંદોલનના કારણે ભાજપાને અગાઉ જ ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. પશ્ચિમ યુપીના જાટ સમુદાયની પાવરફૂલ ખાપ પણ ખેડૂત આંદોલન સાથે હતી. આ સાથે જ સત્યપાલ મલિકનો પણ ખેડૂતોમાં ખૂબ પ્રભાવ છે. એવામાં મલિક વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી જાટ સમુદાયને ભાજપ વિરુદ્ધ કરી શકે છે.

ટેનીને હટાવીને બ્રાહ્મણોને નારાજ કરવાનું રિસ્ક લેવા માગતી નથી ભાજપા
સત્યપાલ મલિક જેવો જ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પણ મામલો છે. ટેની બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. બ્રાહ્મણોને ભાજપાની કોર વોટ બેંક માનવામાં આવે છે. આથી ભાજપા બ્રાહ્મણોને નારાજ કરવાનું જોખમ લેવા માગતી નથી. કેમકે ટેનીનો આ સમુદાયમાં અગાઉથી જ ખૂબ પ્રભાવ રહ્યો છે. આ સાથે બ્રાહ્મણ સમુદાયના કેટલાક લોકો યુપી સરકારથી અગાઉથી જ નારાજ રહ્યા છે. આ કારણથી હાલમાં ભાજપાએ એક સમિતિ બનાવી છે. આ સમિતિ રાજ્યમાં બ્રાહ્મણ સમુદાય સુધી પહોંચવાનું સમગ્ર માળખું તૈયાર કરશે. બ્રાહ્મણ વોટ યુપીમાં ખૂબ મહત્વના મનાય છે. યુપીમાં બ્રાહ્મણોની વસતી 11 ટકા છે. એવું મનાય છે કે બ્રાહ્મણોનું વલણ જે પાર્ટી તરફ થયું એ પાર્ટી સત્તામાં આવે એ નક્કી હોય છે.